Pradhan Mantri Awas Yojana 1

Pradhan Mantri Awas Yojana: પ્રધાનમંત્રી આવાસ યોજનાથી ગુજરાતનાં લાખો પરિવારોને મળ્યું ‘પોતાના સપનાનું ઘર’

  • વર્ષ 2022માં પ્રધાનમંત્રી આવાસ યોજના માટે ગુજરાતને 7 કેટેગરીમાં એવોર્ડ પ્રાપ્ત થયા

Pradhan Mantri Awas Yojana: ગુજરાતમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 11.56 લાખ આવાસોનું બાંધકામ પૂર્ણ

ગાંધીનગર, 6 મે: Pradhan Mantri Awas Yojana: પ્રધાનમંત્રી આવાસ યોજનાના અમલીકરણમાં ગુજરાત દેશના અન્ય રાજ્યોની સરખામણીએ અગ્રેસર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ કુલ 11.56 લાખથી વધુ આવાસોનું બાંધકામ પૂર્ણ થઈ ચૂક્યું છે. આ પૈકી પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) હેઠળ કુલ 7.50 લાખ આવાસો, જ્યારે પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) હેઠળ 4.06 લાખથી વધુ આવાસોનું નિર્માણકાર્ય પૂરું કરવામાં આવ્યું છે.

Pradhan Mantri Awas Yojana

શહેરી વિસ્તારના લોકોને ઝૂંપડપટ્ટીમાંથી મુક્ત કરવા તેમજ શહેરી ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને પોસાય તેવી કિંમતે ઘર મળી રહે તે હેતુથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2015માં પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) જાહેર કરી હતી. ત્યારબાદ, ગ્રામીણ વિસ્તારના લોકોને પોતાનું ઘરનું ઘર મળે તેવા ઉદ્દેશ્યથી વર્ષ 2016માં પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) અમલમાં મૂકવામાં આવી હતી.

પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) હેઠળ ગુજરાત રાજ્ય માટે અંદાજિત માંગ મુજબ 7.64 લાખ આવાસોનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો હતો, જેની સામે આજ દિન સુધીમાં કુલ 9.54 લાખ આવાસો મંજૂર કરવામાં આવ્યા છે. આ મંજૂર થયેલ આવાસોમાંથી 7.50 લાખ આવાસોનું બાંધકામ પૂર્ણ કરવામાં આવ્યું છે અને બાકી રહેલા આવાસોની કામગીરી વિવિધ તબક્કાઓમાં પ્રગતિ હેઠળ છે. વર્ષ 2022-23 માટે પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) અંતર્ગત 1 લાખથી વધુ આવાસોનું બાંધકામ પૂર્ણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે, જે માટે રૂ.1066 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) હેઠળ ગ્રામીણ વિસ્તારોમાં આજ દિન સુધીમાં વિવિધ યોજનાઓનું કન્વર્જન્સ કરીને માળખાગત સુવિધાઓ સાથે 4,06,000થી વધુ આવાસોનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ માટે આ યોજના હેઠળ કુલ રૂ. 4877.72 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. વર્ષ 2022-23 માટે પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) હેઠળ 1,84,605 આવાસો બાંધવાનો લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં આવ્યો છે, જે અંતર્ગત લાભાર્થીઓને રૂ.2215.26 કરોડની સહાય ચૂકવવામાં આવશે.

પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) હેઠળ રાજય સરકાર દ્વારા મહિલા લાભાર્થીઓને ધ્યાનમાં રાખીને આવાસની સાથે સાથે બાથરૂમના બાંધકામ માટે પ્રતિ લાભાર્થી દીઠ રૂ.5000ની વધારાની સહાય આપવામાં આવે છે. જે અંતર્ગત વર્ષ ૨૦૨૨-૨૩ દરમિયાન 38,000થી વધુ લાભાર્થીઓને રૂ. 19.03કરોડની સહાય ચૂકવવામાં આવેલ છે.

આ ઉપરાંત, રાજય સરકાર દ્વારા પ્રથમ હપ્તાની ચુકવણી બાદ છ માસની અંદર મકાનનું બાંધકામ પૂર્ણ કરનારા લાભાર્થીઓને ‘મુખ્યમંત્રી પ્રોત્સાહક સહાય યોજના’ હેઠળ લાભાર્થી દીઠ રૂ.20,000ની પ્રોત્સાહક રકમની સહાય આપવામાં આવે છે. વર્ષ ૨૦૨૨-૨૩ દરમિયાન 22,500થી વધુ લાભાર્થીઓને રૂ.45.13કરોડની સહાય ચૂકવવામાં આવી છે.

સુરેન્દ્રનગર જિલ્લાના જસાપર ગામના રહેવાસી શ્રીમતી કુંદનબેન દેવમુરારી જણાવે છે કે, “અમે પહેલા કાચા મકાનમાં રહેતા હતા. ત્યારબાદ અમે આ યોજના વિશે જાણ્યું. અમને પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) હેઠળ રૂ.1,20,000ની આર્થિક સહાય મળી છે, જેમાં પહેલા રૂ.30,000નો હપ્તો, ત્યારબાદ રૂ.50,000 અને છેલ્લે સરકાર તરફથી અમને ઘર બાંધવા માટે રૂ.40,000 નો હપ્તો મળ્યો છે.

અમને બધા હપ્તા મળી ગયા, ને હવે અમારે ધાબાવાળું પાકું મકાન બની ગયું છે. આ ઘરમાં હવે અમે ખૂબ શાંતિથી રહીએ છીએ અને આ સહાય માટે અમે મોદી સાહેબનો તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો ખૂબ આભાર માનીએ છીએ.”

પ્રધાનમંત્રી આવાસ યોજનાની અમલવારીમાં ગુજરાત સમગ્ર દેશમાં અગ્રસ્થાને છે. ગુજરાત માટે ગૌરવની વાત છે કે ક્રેડિટ લિંક સબસીડી ઘટક (શહેરી) હેઠળ 5.20 લાખથી પણ વધુ લાભાર્થીઓને તેમના પ્રથમ આવાસ પર લીધેલ લોન પર વ્યાજ સહાયનો લાભ અપાવવામાં ગુજરાત દેશમાં અગ્રસ્થાને છે.

વર્ષ 2022માં કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતને પ્રધાનમંત્રી આવાસ યોજના માટે 7 કેટેગરીમાં એવોર્ડ એનાયત કરવામાં આવ્યા છે, જે નીચે મુજબ છે:

  1. બેસ્ટ પર્ફોર્મિંગ સ્ટેટ ફોર ઇમ્પ્લીમેન્ટેશન ઓફ CLSS
  2. બેસ્ટ પર્ફોર્મિંગ સ્ટેટ ફોર ઇમ્પ્લીમેન્ટેશન ઓફ ARHC અંડર મોડલ-01
  3. બેસ્ટ AHP પ્રોજેક્ટ અંડર PPP મોડેલ
  4. બેસ્ટ સ્ટેટ ફોર કન્વર્જન્સ વિથ અધર મિશન
  5. સ્ટેટ વિથ મેક્સિમમ ટેક્નોગ્રાહી વિઝિટ એટ LHP સાઇટ
  6. બેસ્ટ પર્ફોર્મિંગ SLTC અંડર PMAY (U)
  7. બેસ્ટ પર્ફોર્મિંગ મ્યુનિસિપલ કાઉન્સિલ (ઉના નગરપાલિકા)

આ ઉપરાંત, ગ્લોબલ હાઉસિંગ ટેક્નોલોજી- ઇન્ડિયાના લાઇટ હાઉસ પ્રોજેક્ટ માટે ગુજરાતના રાજકોટની પસંદગી કરવામાં આવી છે, જ્યાં મોનોલિથિક કોન્ક્રીટ કન્સ્ટ્રક્શન ટેક્નોલોજીનો ઉપયોગ કરીને આવાસો બનાવવામાં આવી રહ્યા છે. આ પ્રોજેક્ટ અંતર્ગત, રાજકોટ ખાતે EWS-2 પ્રકારના 39.77 ચોરસ મીટર કાર્પેટ એરિયા ધરાવતા કુલ 1144 આવાસોનું નિર્માણ કરવામાં આવ્યું છે.

રાજકોટ શહેરમાં રહેતા જયેશભાઈ સોનીને LHP પ્રોજેક્ટ હેઠળ આવાસનો લાભ મળ્યો છે. જયેશભાઈ જણાવે છે કે “છેલ્લા 12 વર્ષથી હું ને મારો પરિવાર ટિફિન સર્વિસ ચલાવીએ છીએ અને ભાડાના મકાનમાં રહીએ છીએ. અમને ખબર પડી કે પ્રધાનમંત્રી આવાસ યોજનાના ફોર્મ બહાર પડ્યા છે, એટલે અમે ફોર્મ ભર્યા અને અમને મકાન લાગી ગયું.

અમારા માટે તો આ અમારા સપનાનું મકાન હતું ને આ સપનું કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે પૂરું કર્યું. અમારા જૂના મકાનના ભાડા કરતા આ મકાનનું ઇએમઆઇ પણ ઘણું ઓછું છે. અમે ખૂબ આભારી છે મોદી સાહેબના, કેન્દ્ર સરકારના અને રાજ્ય સરકારના કે અમારું સપનાનું ઘર અમને આપ્યું. મારી બંને દીકરીઓનું ભવિષ્ય હવે સુરક્ષિત થયું છે.”

પ્રધાનમંત્રી આવાસ યોજના થકી રાજ્યના નાગરિકોને પોતાનું ઘરનું ઘર મળી રહે તે માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધતાથી કાર્ય કરી રહી છે.

આ પણ વાંચો…Firing in Madhya pradesh: મધ્યપ્રદેશમાં એક જ પરિવારના આટલા લોકોની ગોળી મારીને હત્યા, અહીં જુઓ વીડિયો…

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો