લોકડાઉનના સમયમાં મનરેગાના કામો શરૂ થતાં દેશના 13.62 કરોડ શ્રમિકોને રાહત


મૂશ્કેલ સમયમાં દૈનિક ભથ્થું 182 રૂપિયાથી વધારીને 202 કરાતા શ્રમિકો ખૂશખૂશાલ

જામનગરમાં સોશ્યલ ડિસટન્સીંગ, સ્વચ્છતાના નિયમોના પાલન સાથે સુજલામ સુફલામ યોજના હેઠળ કામોનો આરંભ

07 MAY 2020 by PIB Ahmedabad

લોકડાઉનના આ મૂશ્કેલ સમયમાં મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ એક્ટ –મનરેગા હેઠળના કામો બંધ કરાયા હતા, એ લોકડાઉનના બીજા તબક્કાથી ધીમે ધીમે શરૂ કરાયા છે. કેન્દ્ર સરકારે જાહેર કરેલ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ દેશભરના 13 કરોડ 62 લાખ મનરેગા શ્રમિકો માટે એમનું ભથ્થું દૈનિક રૂપિયા 182 થી વધારીને રૂપિયા 202 કરાયું છે, જેનો લાભ શ્રમિકો મેળવી શકશે. આના થકી 5મી મે 2020 ના આંકડા મુજબ દેશમાં 5.97 કરોડ માનવ દિન રોજગારીનું સર્જન થયું છે. અને બાકી વળતરના ચૂકવણા પેટે રાજ્યોને 21,032 કરોડ રૂપિયા છૂટા કરાયા છે.

ગુજરાતની અંદર મનરેગા હેઠળ નોંધાયેલા એક્ટીવ શ્રમિકો 24.23 લાખ છે. આમના દ્વારા 90,377 માનવ દિન રોજગારીનું સર્જન કરાય છે. શ્રમિકોને કૂવા તલાવડી ખોદવી, ચેકડેમ નિર્માણ જેવા કામો દ્વારા રોજગારી અપાય છે.

જામનગર જિલ્લામાં સુજલામ-સુફલામ યોજના અંતર્ગત હાલ મનરેગાના કામોનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જેથી લોકડાઉનમાં પણ શ્રમિકોને કામ, પૂરતું વેતન મળી રહે. સરકાર દ્વારા કોરોના વાયરસના સંક્રમણ વચ્ચે રોજે રોજનું કમાઈને ખાનારા શ્રમિકો પ્રત્યે સંવેદના દાખવી એમને વધારેલા દર સાથે કામે લગાડવામામ આવ્યા છે. પરિણામે જામનગર જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારમાં મનરેગાના કામો દ્વારા ગામમાં શ્રમિકોને ઘરબેઠા લોકડાઉનમાં રોજગારી મળી રહી છે.

આગામી ચોમાસામાં ગામનું પાણી ગામમાં જ સંગ્રહ થાય તે માટે મનરેગાના કામો ચાલુ કરાયા છે. જિલ્લા વિકાસ અધિકારીશ્રી વિપિન ગર્ગ અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી રાયજાદાના માર્ગદર્શન હેઠળ મનરેગાના કામો હાલની સ્થિતિમાં સોશિયલ ડીસ્ટન્સ અને જરૂરી તકેદારી સાથે ચાલુ થયા છે.

17U4C
જે આર સોલંકી, TDO, કાલાવડ, જામનગર

કાલાવડ તાલુકા વિકાસ અધિકારીશ્રી જે.આર.સોલંકીએ જણાવ્યું હતું કે, કાલાવડ તાલુકામાં કૃષ્ણપુર દુધાળા, સરપદડ, બેરાજા, નાની ભાગેડી, અને બાવા ખાખરિયા ગામમાં સીમતળ વિસ્તારમાં પાણીનો ચોમાસામાં આવરો રહે છે તેવા સ્થળો પર ગામના તળાવો ગામના જ નોંધાયેલા શ્રમિકો દ્વારા મનરેગા હેઠળ ઊંડા ઉતારવામાં આવી રહ્યા છે. પાંચેય કામમાં કુલ 386 શ્રમિકોને રોજગારી મળી રહી છે. હાલના નિયમ મુજબ પ્રતિદિન શ્રમજીવીઓને રૂા.૨૨૪ની રોજગારી મળે છે. આ પાંચ ગામોમાં શ્રમીકોને હાથ ધોવાની વ્યવસ્થા કરવામાં આવી છે, તેમજ શ્રમિકો દ્વારા માસ્ક પહેરીને સોશિયલ ડિસ્ટન્સિંગના પાલન સાથે કામ કરવામાં આવે છે. અઠવાડિયાના 3 દિવસ (એકાંતરા) શ્રમિકોનું પી.એચ.સી.ની ટીમ દ્વારા ચેકઅપ કરવામાં આવે છે. વળી કામના ઓજારો અને કામના સ્થળને પણ શ્રમિકોના આવતા પહેલા અને દિવસનું કામ પૂર્ણ થયા બાદ સેનીટાઇઝ કરવામાં આવે છે.

48TC2
5GCGE

શ્રમિકો કામનું વેતન લેવા બેંક કે પોસ્ટઓફિસ પર જઇ ભીડના કરે તે હેતુથી સ્થળ પર જ પોસ્ટમેન દ્વારા એમના ખાતામાં આવેલ વેતન તેમને ચૂકવવામાં આવે છે. જરૂરી સવલતો, રોજગારી અને સમયસર મહેનતાણું મળે તે માટે નરેગાના એ.પી.ઓ. શ્રી શૈલેષ પી. કોરડિયા, ટેકનીકલ આસિસ્ટન્ટ વિશાલ જે. ડાભી અને ગ્રામ રોજગાર સેવકશ્રી રતાભાઇ વકાતર પણ સંકલન કરી રહ્યા છે.

3JWKG
શ્રમિક પરમાર લાલજી અમરાભાઈ

ગામના મજૂરોનો પણ આ કામમાં હકારાત્મક પ્રતિભાવ છે, દુધાળા ગામના શ્રમિક પરમાર લાલજી અમરાએ જણાવ્યું હતું કે, અમને અમારા કામ પ્રમાણે સરકારશ્રીના નિયમ મુજબ મહેનતાણું મળે છે અને આ મહેનતાણું અમને જે ખાતામાં જમા થાય છે તે પોસ્ટમેન કે અન્ય પોસ્ટના કર્મચારીઓ દ્વારા અમને સ્થળ પર જ પહોંચાડવામાં આવે છે. હાલની સ્થિતિમાં સર્વત્ર લોકડાઉન છે ત્યારે આ કામમાં અમને રોજગારી મળી છે, સાથે અમારા ગામના પાણીના તળ ઊંચા આવશે અને ગામમાં પાણીની તકલીફ નહીં રહે સાથે જ ફાયદો થશે.

2C64Y
શ્રમિક શમા નૂરબાઇ નૂરમહંમદ

તો, મહિલા શ્રમિક શમા નૂરબાઇ નૂરમહંમદે સરકારનો આભાર માનતા કહ્યું હતું કે,આ લોકડાઉનમાં રોજગારી ન હોય તેવી પરિસ્થિતિમાં લોકો માનસિક અસ્વસ્થ બની જતા હોય છે, ત્યારે સરકારે અમને રોજગારી આપી અમને ખૂબ મદદ કરી છે. અમારા માટે સરકાર દ્વારા લેવાતી અત્યંત કાળજી બદલ ખૂબ ખૂબ આભાર.

જામનગર જિલ્લામાં સુજલામ સુફલામ જળ અભિયાન-2020 હેઠળ જે મનરેગાના કામો શરૂ કરવામાં આવ્યા છે, એ અંતર્ગત 104 કામ જળ સંપત્તિ વિભાગ દ્વારા, 11 કામ જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન અને 24 કામ નગરપાલિકાના, 12 કામ ગ્રામ વિકાસ એજન્સી, 4 કામ વોટરશેડ અને 9 કામ વનવિભાગના દ્વારા એમ મળીને કુલ 164 પ્રકલ્પોનો સમાવેશ કરવામાં આવ્યો છે જેનો અંદાજીત ખર્ચ 432.18 લાખ થશે.