vaman tree

Bonsai Art: વડાપ્રધાન મોદી સમક્ષ બોન્સાઈ કળાનું પ્રદર્શન કરી શારદાબહેને વધાર્યું ગોરા ગામનું ગૌરવ


• Bonsai Art: શાકભાજી વેચતાં શારદાબહેન બન્યાં ‘વામન વૃક્ષ સર્જક’ : સ્ટેચ્યુ ઓફ યુનિટીએ આદિવાસી મહિલાની આવડતને આપી નવી ઓળખ
• એક સમયે શાકભાજી વેચીને પરિવારને આર્થિક સહયોગ આપતાં શારદાબહેન આજે ‘બોન્સાઈ વુમન’ તરીકે પ્રવાસીઓમાં બન્યાં આકર્ષણનું કેન્દ્ર
• પ્રકૃતિ સંરક્ષણ સાથે સ્થાનિક આદિવાસી મહિલાઓના કૌશલ્ય વિકાસ, રોજગારી અને આત્મનિર્ભરતાનું પ્રેરણાદાયી ઉદાહરણ સ્ટેચ્યુ ઓફ યુનિટી

WhatsApp Channel Follow કરો →


એકતા નગર, 12 નવેમ્બર: Bonsai Art: વિપરીત સંજોગોમાં પણ વ્યક્તિમાં કંઈક નવું શીખવાની લગન, મહેનત કરવાની તૈયારી અને મળેલી તકનો યોગ્ય ઉપયોગ કરવાની ક્ષમતા હોય તો સફળતાનાં નવાં શિખરો સર કરી શકાય છે. આ વાતને સાર્થક કરી બતાવી છે એકતા નગરના ગોરા ગામનાં આદિવાસી મહિલા શારદાબહેન જેન્તીભાઈ તડવીએ.

એક સમયે પરિવારને આર્થિક સહયોગ આપવા માટે શાકભાજી વેચવાનું કામ કરતાં શારદાબહેન આજે પોતાની મહેનત, આવડત અને સર્જનાત્મકતાના બળે ‘વામન વૃક્ષ સર્જક’ તરીકે નવી ઓળખ મેળવી ચૂક્યાં છે. તેમની આ સફળતાને વિશેષ ગૌરવ ત્યારે મળ્યું, જ્યારે ગત ૩૧ ઑક્ટોબરના રોજ રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે એકતા નગરની મુલાકાતે આવેલા દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી સમક્ષ વામન વૃક્ષ વાટિકા (બોન્સાઈ ગાર્ડન)માં પોતાની બોન્સાઈ કળાનું પ્રત્યક્ષ નિદર્શન કરવાની તક મળી હતી.

શારદાબહેન માટે આ ક્ષણ જીવનની એક યાદગાર સિદ્ધિ બની રહી. વડાપ્રધાનશ્રી સમક્ષ તેમણે બોન્સાઈ વૃક્ષોની વિશેષતા, તેને તૈયાર કરવાની પદ્ધતિ અને તેની જાળવણી અંગે માહિતી આપી હતી. ગોરા ગામની એક સામાન્ય મહિલાને દેશના વડાપ્રધાનશ્રી સમક્ષ પોતાની કળા રજૂ કરવાની મળેલી આ તક તેમની પ્રતિભા, આત્મવિશ્વાસ અને કૌશલ્ય વિકાસની પ્રેરણાદાયી સફરનું પ્રતિબિંબ બની છે.

શાકભાજીના વ્યવસાયથી ‘વામન વૃક્ષ સર્જક’ બનવા સુધીની સફર
શારદાબહેનની આ સફરની શરૂઆત પણ એટલી જ રસપ્રદ છે. ગોરા ગામમાં શાકભાજી વેચીને પરિવારને આર્થિક રીતે મદદરૂપ થતાં શારદાબહેન એક દિવસ શાકભાજી વેચી રહ્યાં હતાં. તે દરમિયાન ત્યાંથી પસાર થતા સ્ટેચ્યુ ઓફ યુનિટીના મહિલા અધિકારીએ શાકભાજીની ખરીદી દરમિયાન તેમને એકતા નર્સરીમાં છોડના ઉછેર અને પ્રકૃતિના જતન સાથે જોડાયેલી કામગીરી કરવાની તક વિશે પૂછ્યું.

Bonsai Art

શારદાબહેને આ તક ઝડપી લીધી અને સખી મંડળના માધ્યમથી એકતા નર્સરી અને બાદમાં બોન્સાઇ ગાર્ડન સાથે જોડાયાં. સ્ટેચ્યુ ઓફ યુનિટી દ્વારા આપવામાં આવેલી તાલીમ અને સતત મહેનતના પરિણામે તેઓ ધીમે ધીમે બોન્સાઈ બનાવવાની વિશિષ્ટ કળામાં નિપુણ બન્યાં.

માત્ર ધોરણ-૯ સુધીનો અભ્યાસ કરનાર શારદાબહેને વર્ષ ૨૦૧૯થી એકતા નર્સરી અને બાદમાં બોન્સાઇ ગાર્ડનમાં વિવિધ પ્રકારનાં બોન્સાઈનું સર્જન અને વેચાણ કરવાની કામગીરી શરૂ કરી. પોતાના કૌશલ્ય અને આત્મવિશ્વાસના બળે તેમણે ઘરઆંગણે જ રોજગારી મેળવી આત્મનિર્ભરતાની દિશામાં આગવી સિદ્ધિ પ્રાપ્ત કરી છે. એક સમયે ‘શાકભાજીવાળાં શારદાબહેન’ તરીકે ઓળખાતાં તેઓ આજે ‘વામન વૃક્ષ સર્જક શારદાબહેન’ અને ‘બોન્સાઈ વુમન’ તરીકે ઓળખાય છે.
બોન્સાઈ એટલે શું?

બોન્સાઈ કળામાં કુદરતી રીતે વિશાળ અને ઘટાદાર સ્વરૂપ ધારણ કરતાં વૃક્ષોને વિશિષ્ટ પદ્ધતિથી નાના કુંડામાં ઉછેરીને આકર્ષક સ્વરૂપ આપવામાં આવે છે. આ માટે સૌપ્રથમ યોગ્ય પ્રજાતિના છોડ અથવા કલમની પસંદગી કરી, તેની ડાળીઓ અને મૂળની નિયંત્રિત કાપકૂપ કરવામાં આવે છે. માટી, કોકોપીટ અને અન્ય યોગ્ય માધ્યમોના મિશ્રણમાં છોડને વિશેષ પ્રકારના કુંડામાં ઉછેરવામાં આવે છે. સમયાંતરે કાપકૂપ, ખાતર, પાણી અને મૂળની માવજત દ્વારા તેનું લઘુ સ્વરૂપ જાળવવામાં આવે છે.

બોન્સાઈ માત્ર (Bonsai Art) વૃક્ષને નાનું રાખવાની પદ્ધતિ નથી, પરંતુ ધીરજ, શિસ્ત, સર્જનાત્મકતા અને પ્રકૃતિ પ્રત્યેના પ્રેમનું જીવંત પ્રતીક છે. યોગ્ય સંભાળથી બોન્સાઈ વર્ષો સુધી જીવંત રહી શકે છે. તેની ઉંમર, આકાર, કલાત્મક રચના અને વિશિષ્ટતાના આધારે તેનું મૂલ્ય નક્કી થાય છે.

એકતા નગરમાં બોન્સાઈ(Bonsai Art) કળાનો વિકાસ: પ્રકૃતિ સંરક્ષણ સાથે મહિલા સશક્તિકરણનો અનોખો પ્રયાસ
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી વિકસિત સ્ટેચ્યુ ઓફ યુનિટી આજે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાની સાથે પ્રકૃતિ સંરક્ષણ, પર્યાવરણ શિક્ષણ અને સ્થાનિક રોજગારીને પ્રોત્સાહન આપતી વિવિધ પહેલો માટે પણ વિશિષ્ટ ઓળખ ધરાવે છે.

આ જ અભિગમને આગળ વધારતાં એકતા નગરમાં એકતા નર્સરી અને વામન વૃક્ષ વાટિકા (બોન્સાઈ ગાર્ડન) સહિત અનેક પ્રવાસીય પ્રકલ્પો વિકસાવવામાં આવ્યા છે. અહીં બોન્સાઈ કળાને વિશેષ સ્થાન આપવાનો ઉદ્દેશ પ્રવાસીઓને વૃક્ષોની અનોખી સુંદરતા અને તેના જતન વિશે માહિતગાર કરવાની સાથે પ્રકૃતિ પ્રત્યે સંવેદનશીલતા કેળવવાનો છે.

આ પહેલની વિશેષતા એ છે કે વિશ્વવિખ્યાત બોન્સાઈ કળાને સ્થાનિક આદિવાસી મહિલાઓના કૌશલ્ય વિકાસ અને રોજગારી સાથે જોડવામાં આવી છે. બોન્સાઈ ગાર્ડન (Bonsai Art) અને એકતા નર્સરીમાં તાલીમ અને માર્ગદર્શન દ્વારા મહિલાઓને છોડના ઉછેર, બોન્સાઈના સર્જન, માવજત અને વેચાણ જેવી પ્રવૃત્તિઓમાં જોડાવાની તક મળી રહી છે. પરિણામે આ કલાત્મક પ્રવૃત્તિ સ્થાનિક મહિલાઓ માટે આજીવિકા અને આત્મનિર્ભરતાનું માધ્યમ બની છે.

આ પણ વાંચો:- Visa Policy: ભારતની વિઝા વ્યવસ્થામાં મોટો ફેરફાર, સરકારે કર્યું સરળીકરણ

આમ, વામન વૃક્ષ વાટિકા માત્ર બોન્સાઈ (Bonsai Art) વૃક્ષોનું પ્રદર્શનસ્થળ નથી, પરંતુ પ્રકૃતિપ્રેમ, કૌશલ્ય વિકાસ અને મહિલા સશક્તિકરણનો સુંદર સમન્વય છે.

દેશ-વિદેશના પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની વામન વૃક્ષ (Bonsai Art) વાટિકા
સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક આવેલી વામન વૃક્ષ વાટિકામાં શારદાબહેન પોતાની આવડતથી વિવિધ પ્રકારનાં બોન્સાઈ વૃક્ષોને સુંદર અને કલાત્મક સ્વરૂપ આપે છે. અહીં આવતા દેશ-વિદેશના પ્રવાસીઓ બોન્સાઈની અનોખી આકૃતિઓ અને સુંદરતા જોઈને આકર્ષાય છે. ઘર અને ઑફિસની શોભા વધારવા માટે પ્રવાસીઓ અહીંથી બોન્સાઈની ખરીદી પણ કરે છે.

શારદાબહેન બોન્સાઈ તૈયાર કરવાની સાથે પ્રવાસીઓને તેની વિશેષતા, બનાવટ અને જાળવણી વિશે પોતાની આગવી છટામાં માહિતી પણ આપે છે. એક સમયે શાકભાજીનું વેચાણ કરતાં શારદાબહેન આજે પોતાની કળા અને આવડતથી પ્રવાસીઓમાં વિશેષ ઓળખ ધરાવે છે.

પોતાના અનુભવ વિશે શારદાબહેન જણાવે છે કે, “મેં ધોરણ-૯ સુધી અભ્યાસ કર્યો છે. અગાઉ શાકભાજી વેચીને પરિવારને આર્થિક મદદ કરતી હતી અને બાળકોના અભ્યાસમાં પણ સહયોગ આપતી હતી. સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફથી તાલીમ મળ્યા બાદ એકતા નર્સરીમાં બોન્સાઈ બનાવવાનું શીખી અને વર્ષ ૨૦૧૯થી આ કામગીરી સાથે જોડાયેલી છું. આજે ઘરઆંગણે જ મને રોજગારી પ્રાપ્ત થઈ છે. શરૂઆતમાં લોકો મને ‘શાકભાજીવાળાં શારદાબહેન’ તરીકે ઓળખતા હતા, પરંતુ આજે મારી ઓળખ ‘વામન વૃક્ષ સર્જક શારદાબહેન’ અને ‘બોન્સાઈવાળા શારદાબહેન’ તરીકે બની છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સમક્ષ મારી કળાનું નિદર્શન કરવાની તક મળી તે મારા માટે અત્યંત ગૌરવ અને આનંદની વાત છે.”

💜 Comfort & Care – હવે દુખાવામાં મેળવો આરામ!
🔥 Heating + Vibration | Rechargeable | Portable
⚡ Smart Heating & Vibration Belt – હમણાં જ ખરીદો
🔥 MRP ₹1,499 → માત્ર ₹699 | 53% OFF
🚚 ₹199થી વધુના ઓર્ડર પર Free Delivery  |  💳 Online Pay & Save  |  🔄 Easy Returns

સ્ટેચ્યુ ઓફ યુનિટી: સ્થાનિક મહિલાઓના કૌશલ્ય વિકાસ અને આત્મનિર્ભરતાનું સશક્ત માધ્યમ
સ્ટેચ્યુ ઓફ યુનિટીના માધ્યમથી સ્થાનિક મહિલાઓને કૌશલ્ય આધારિત રોજગારી પૂરી પાડવા માટે એકતા નગરમાં વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. અહીં કાર્યરત આદિવાસી મહિલાઓ દ્વારા આશરે ૪૦ પ્રકારની અલગ-અલગ પ્રવૃત્તિના માધ્યમથી રોજગારી મેળવે છે. આ પહેલના પરિણામે સ્થાનિક આદિવાસી મહિલાઓને પોતાના ગામ અને ઘર નજીક જ રોજગારીની તક મળી રહી છે. તેઓ પરિવારની આવકમાં યોગદાન આપવાની સાથે આર્થિક રીતે આત્મનિર્ભર બની રહી છે.
પ્રકૃતિ સંરક્ષણને પ્રોત્સાહન આપવાના હેતુથી એકતા નર્સરી ખાતે ‘પ્લાન્ટ ઓફ યુનિટી’ની પહેલ પણ વિકસાવવામાં આવી છે, જેના માધ્યમથી મુલાકાતીઓને એક છોડ પોતાની સાથે લઈ જઈ તેનું જતન કરવા પ્રેરિત કરવામાં આવે છે. આમ, સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રવાસન વિકાસની સાથે પર્યાવરણ પ્રત્યે જાગૃતિ અને સ્થાનિક સમુદાયના આર્થિક સશક્તિકરણને પણ પ્રોત્સાહન મળી રહ્યું છે.

આદિવાસી મહિલા શારદાબેન તડવીની શાકભાજી વેચવાથી શરૂ થયેલી સફર, બોન્સાઈ કળામાં નિપુણતા અને દેશના વડાપ્રધાનશ્રી સમક્ષ પોતાની આવડતનું નિદર્શન કરવાની ગૌરવપૂર્ણ તક — શારદાબહેન તડવીની આ યાત્રા દર્શાવે છે કે યોગ્ય માર્ગદર્શન, કૌશલ્ય વિકાસ અને તક મળે તો સ્થાનિક આદિવાસી મહિલાઓ પણ પોતાની પ્રતિભાના બળે નવી ઓળખ ઊભી કરી શકે છે.

વામન વૃક્ષ વાટિકામાં નાનકડા કુંડામાં વિરાટ વૃક્ષોનું સર્જન થઈ રહ્યું છે, તો બીજી તરફ એકતા નગરની ધરતી પર સ્થાનિક મહિલાઓનાં સપનાં, આત્મવિશ્વાસ અને આત્મનિર્ભરતાની નવી આશાઓ પણ પાંગરી રહી છે.