kargil diwas 26 july

Kargil Diwas: કારગિલનાં યુદ્ધમાં શહીદ થયેલાં તમામ જવાનોને અશ્રુભરી શ્રદ્ધાંજલિ

Kargil Diwas: ભારતનાં લશ્કરી કૌશલ્યની યાદ અપાવતો આજનો દિવસ એટલે કારગિલ વિજય દિવસ. આજે ૨૬ જુલાઈ ૨૦૨૩નાં રોજ કારગિલ યુદ્ધનાં વિજય દિવસને ૨૪ વર્ષ પૂરા થઈ રહ્યાં છે. ‘ઓપરેશન વિજય’ દરમિયાન ભારતનાં ઘણા સૈનિકોએ પોતાના જીવ ગુમાવ્યા હતાં પરંતુ તેઓ પોતાની જમીન પરથી એક ઈંચ પણ પીછેહઠ કરી ન હતી. આજે, કારગિલ વિજય દિવસનાં અવસર પર, દર વર્ષે દેશનાં બહાદુર સૈનિકોને યાદ કરવામાં આવે છે અને તેમની બહાદુરી અને હિંમતની ગાથાઓ કહેવામાં આવે છે.

Banner Vaibhavi joshi

૧૯૯૯માં ભારત અને પાકિસ્તાન દ્વારા સમર્થિત ઘુસણખોરો વચ્ચે ૨૪ વર્ષ અગાઉ ૧૯૯૯ની મે અને જૂન વચ્ચે કારગિલ યુદ્ધનો સંક્ષિપ્ત ઈતિહાસ કઈંક આવો છે. આ યુદ્ધમાં ૫૦ લાખ હજાર ગોળા અને રોકેટ છોડવામાં આવ્યા હતાં, ૩૦૦થી વધારે તોપ, મોર્ટાર અને રોકેટ લોન્ચરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

૫૦૦૦થી વધારે બોમ્બ ભારત તરફથી રોજ ફાયર કરવામાં આવતા હતાં. યુદ્ધનાં મહત્વનાં ૧૭ દિવસોમાં રોજ આર્ટિલરી બેટરીથી અંદાજે એક મિનિટમાં એક રાઉન્ડ ફાયર કરવામાં આવ્યું હતું. બીજા વિશ્વ યુદ્ધ પછી આ પહેલું એવુ યુદ્ધ હતું જેમાં કોઈ એક દેશની સેનાએ બીજા દેશની સેના પર આટલાં બોમ્બ ફેંક્યા હતાં.

૧૯૯૯માં, મે અને જૂન વચ્ચે, કાશ્મીરનાં કારગિલ જિલ્લા અને નિયંત્રણ ક્ષેત્રની નજીકનાં વિસ્તારો (એલ.ઓ.સી) માં ભારત અને પાકિસ્તાન વચ્ચે એક સશસ્ત્ર સંઘર્ષ થઈ, પાકિસ્તાને સમર્થિત ઘુસણખોરોએ વ્યૂહાત્મક રીતે મહત્ત્વની ઊંચી ઊંચાઇવાળા ચોકીઓ પર કબજો કરી લીધો હતો, જેના કારણે ભારતીય ભૂમિએ હારી ગયેલા હોદ્દાઓ પર પુનઃપ્રાપ્ત કરવા માટે ‘ઓપરેશન વિજય’નું સંપૂર્ણ પાયે લોન્ચ કર્યું હતું.

આ યુદ્ધ ૬૦ દિવસથી વધુ સમય લડાયું હતું જે આખરે ૨૬ જુલાઈનાં રોજ પૂરું થયું હતું. અંદાજે ૧૮ હજાર ફૂટ ઊંચાઈ પર કારગિલમાં લડવામાં આવેલા આ યુદ્ધમાં આશરે ૫૨૭ ભારતીય જવાન શહીદ થયા હતાં અને આશરે ૧૩૬૩ જેટલાં જવાન ઘાયલ થયાં હતાં. કોણે લખી છે એ યાદ નથી આવતું પણ બહુ વેધક પંક્તિઓ યાદ આવી ગઈ,

“એ બે આંખોની બુંદો સામે તો સાતેય સમુદ્ર હાર્યા હશે;

જ્યારે મહેંદીવાળા હાથોએ પોતાના મંગળસૂત્ર ઉતાર્યા હશે.”

ફિલ્મ એકટરની કે અન્ય કોઈ ફિલ્મી સિતારાનાં મૃત્યુથી આખો દેશ દુઃખી થાય અને વાદ-વિવાદ પણ થાય પણ આજે વારો છે આ ખરેખરા હિરોને હૃદયપૂર્વકની અંજલિ આપી તેમને સલામ કરવાનો. કોઈ ફિલ્મમાં દેશ માટે ફના થઇ જવાની એકટિંગ કરવી અને પોતાના વતન માટે હકીકતમાં એક પણ સેકન્ડનો વિચાર કર્યા વગર પ્રાણની આહુતિ આપી દેવી એનો ફરક આપણા જેવા સામાન્ય લોકો માટે એક બોધપાઠ છે.

Reel ની life અને real ની life નો દૂર-દૂર સુધી કોઈ સંબંધ નથી હોતો. એ તો આવા બહાદુર જવાનોની માતા, પત્ની કે સંતાનોને પૂછીએ તો ખબર પડે. પ્રણામ આવી પત્નીને, મા ને અને એમના સંતાનોને. આજે આપણે સૌ આપણા ઘરોમાં સુરક્ષિત છીએ કારણકે આવા વીર જવાનો દેશને સાચવીને અડીખમ ઊભા છે. ભારતની સેના દેશની સીમાઓનાં રક્ષણ તથા સંપ્રભુતાનાં રક્ષણ માટે કટિબદ્ધ છે. વીર જવાનોનાં ચહેરા પર એક અલગ જ ખુમારી અને અનોખું તેજ ચમકતું હોય છે.

આપણે બધાં ભલે આજનો દિવસ જુદી-જુદી રીતે દેશની અંદર રહીને ઉજવીએ પણ કોઈ દિવસ વિચાર કર્યો છે કે આપણે બધાં સામાન્ય નાગરિકો આપણા તહેવારો આનંદ અને ઉલ્લાસથી ઊજવી શકીયે એ માટે સરહદો પર ગમે તેવી કડકડતી ઠંડી, અગનજ્વાળા વરસાવતો તાપ કે મુશળધાર વરસાદ જોયાં વગર કોઈ ખડે પગે સજ્જ છે? આ એ જવાનો છે જેમનાં દિલમાં વાર-તહેવાર કે પરિવાર સાથેની કોઈ અમૂલ્ય કે સુખદ ક્ષણો ન માણી શક્યાનો અફસોસ નહિ પણ દેશ માટે ફના થઈ જવાની કે કુરબાન થઈ જવાની ખુમારી વધારે ઝળકે છે.

આપણને બધાંને ત્રિરંગો લહેરાવવો ગમે છે પણ કોઈ દિવસ વિચાર આવે છે એમના વિશે જે લોકો ત્રિરંગામાં લપેટાઈને એનું કફન ઓઢીને પાછા આવે છે? શું મારી જેમ કોઈ પત્નીમાં છે હિમંત આ દ્રશ્ય જોવાની? એક મા એનો દીકરો એક રાત માટે પણ પાછો ન આવે તો ઊંચીનીચી થઇ જાય છે પણ જેનો દીકરો એક સૈનિક છે એ મા ને તો ખબર જ છે કે એક વાર ગયા પછી એનો દીકરો પાછો નહિ આવે તો પણ એકીટશે રાહ જોયા કરે છે. શું આવી ધીરજ છે મારાં જેવી કોઈ મા પાસે?

હું આ વાતનો નિખાલસતાથી સ્વીકાર કરું છું કે મારું કાળજું એટલું કઠણ નથી. મારામાં આવા દ્રશ્યો જોવાની હિંમત પણ નથી. પણ હા ! કમસેકમ આવા મજબૂત મનનાં લોકો જે આ કરતાં આવ્યા છે અને કરે છે અને આગળ પણ કરશે એમની સામે હું નતમસ્તક ચોક્કસ છું.

બીજી વાર ક્યારેય કોઈ પણ જવાનને એની વર્દીમાં સજ્જ જુઓ તો નતમસ્તક થઇ પ્રણામ કરજો અને સાચા દિલથી એક સલામી ચોક્કસ આપજો અને કહેજો કે, “હે વીર ! તમારાં જેવા પનોતા પુત્રો હજી પણ મા ભારતીની રક્ષા કાજે સજ્જ છે એટલે જ હજી સુધી એનાં પર ઊની આંચ નથી આવી અને તમે બધા કટિબદ્ધ છો ત્યાં સુધી સમગ્ર વિશ્વમાં મા ભારતીનું મસ્તક સદાય ઉન્નત રહેશે.”

કારગિલનાં યુદ્ધમાં શહીદ થયેલાં તમામ જવાનોને અશ્રુભરી શ્રદ્ધાંજલિ ..!!🙏🙏

કેવી રીતે શાંતિ મળે મનને એ જાણીને

કે શહીદ થયાં જે વીર દેશને કાજે,

એ અડગ હતાં આપણી રક્ષા માટે

લોહી રેડી તિરંગાને બચાવે છે,

ધન્ય છે હર એક શહીદ, જે મારાં

ધબકારા માટે પોતાના ધબકારા ગુમાવે છે.

આ પણ વાંચો:-PM Modi in Gujarat: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આવતીકાલે રૂ.૨૦૩૩ કરોડના વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો