Chandraghanta puja

Maa Chandraghanta Puja: નવરાત્રિનાં ત્રીજા દિવસે મા ચંદ્રઘંટાની પુજા અર્ચના

Maa Chandraghanta Puja: આદ્યશક્તિની આરાધનાનાં પર્વનો આજે ત્રીજો દિવસ એટલે કે ત્રીજું નોરતું છે. નવરાત્રિનાં ત્રીજા દિવસે મા ચંદ્રઘંટાની પુજા અર્ચના કરવામાં આવે છે. માતાનું આ સ્વરૂપ ખૂબ જ સુંદર, મોહક અને અલૌકિક છે. ચંદ્ર સમાન સુંદર માતાનાં આ રૂપથી દિવ્ય સુગંધીઓ અને દિવ્ય ધ્વનીઓનો આભાસ થાય છે.

શિવ પુરાણ પ્રમાણે જ્યારે ભગવાન શિવ અને માતા પાર્વતીનાં લગ્ન થયા, ત્યારે માતા પાર્વતીએ તેમના માથા પર ઘંટનાં આકારનો ચંદ્ર ધારણ કરવાનું શરૂ કર્યું હતું જેના કારણે તેઓ ચંદ્રઘંટા કહેવાયા. એક માન્યતા અનુસાર મા ચંદ્રઘંટાએ દેવતાઓની રક્ષા માટે અને રાક્ષસોને મારવા માટે અવતાર લીધો હતો. તેમાં ત્રણેય દેવતાઓ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશની શક્તિઓનો સમાવેશ થાય છે. શિવપુરાણ અનુસાર મા ચંદ્રઘંટા એ માતા પાર્વતીનો પ્રસન્ન અવતાર છે તો અન્ય એક દંતકથા અનુસાર મા ચંદ્રઘંટા એ માતા પાર્વતીનું ઉગ્ર સ્વરૂપ છે.

Banner Vaibhavi joshi

અન્ય એક પૌરાણિક કથા અનુસાર મહિષાસુર નામના રાક્ષસે દેવરાજ ઈન્દ્રનાં સિંહાસન પર આધિપત્ય જમાવી લીધું. તેણે દેવતાઓને હરાવી સર્વત્ર હાહાકાર મચાવવાનું શરૂ કર્યું. તેનાથી દેવતાઓ ખૂબ ચિંતિત થયા. દેવતાઓએ આ મુશ્કેલી માટે ત્રિદેવ એટલે કે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશની મદદ લીધી.

મહિષાસુરનાં દુષ્કૃત્યો સાંભળીને ત્રિદેવ ગુસ્સે થયા. આ ક્રોધનાં કારણે ત્રણેયનાં મુખમાંથી ઉર્જા ઉત્પન્ન થઈ. જેમાંથી એક દેવીએ જન્મ લીધો. તે દેવીને ત્રિદેવ સહિત તમામ દેવતાઓએ પોતાની શક્તિઓ પ્રદાન કરી. ભગવાન વિષ્ણુએ માતાને પોતાનું ચક્ર આપ્યું, ભગવાન શિવે ત્રિશૂલ આપ્યું, દેવરાજ ઇન્દ્રએ ઘંટડી આપી, સૂર્યે તીક્ષ્ણ તલવાર અને સવારી માટે સિંહ આપ્યો. પછી એ જ રીતે બીજા બધા દેવતાઓએ પણ પોતાના શસ્ત્રો માતાને સોંપી દીધા.

દેવીનું આ સ્વરૂપ એટલે જ ચંદ્રઘંટા. મા ચંદ્રઘંટા એ મા દુર્ગાનું જ શક્તિરૂપ છે જે સંપૂર્ણ જગતની પીડાનો નાશ કરે છે. આ પછી જ્યારે માતા ચંદ્રઘંટા મહિષાસુરને મારવા પહોંચ્યા તો માતાનું આ સ્વરૂપ જોઈને મહિષાસુરને સમજાયું કે તેનો મૃત્યુ સમય નજીક છે. મહિષાસુરે માતાજી પર હુમલો કર્યો. અને મા ચંદ્રઘંટાએ તે જ ઘડીએ મહિષાસુરનો વધ કરી દીધો. મા ચંદ્રઘંટાએ દેવતાઓની રક્ષા કરી હતી. એટલે કે રક્ષા માટે મા ચંદ્રઘંટાના પૂજનનો સવિશેષ મહિમા છે.

पिण्डजप्रवरारूढा चण्डकोपास्त्रकैर्युता।

प्रसादं तनुते मह्यं चंद्रघण्टेति विश्रुता।।

એટલે કે દેવી ચંદ્રઘંટાનું શરીર સોનાની જેમ ક્રાંતિવાન છે. તેમના માથા પર ઘંટ આકારનો અર્ધચંદ્ર છે, એટલા માટે તેમને ચંદ્રઘંટા કહેવામાં આવે છે. તેમની દસ ભુજાઓ છે અને દસેય ભુજાઓમાં અસ્ત્ર-શસ્ત્ર છે. દેવીનાં હાથોમાં કમળ, ધનુષ-બાણ, કમંડળ, તલવાર, ત્રિશૂળ અને ગદા જેવા અસ્ત્ર ધારણ કરેલ છે.

તેમના કંઠમાં સફેદ પુષ્પની માળા અને રત્નજડિત મુગટ શીર્ષ પર વિદ્યમાન છે. દેવી ચંદ્રઘંટા ભક્તોને અભય વરદાન આપનારી અને પરમ કલ્યાણકારી છે. માતાનું આ સ્વરૂપ પરમ શાંતિદાયક અને કલ્યાણકારી છે. એક હાથ જ્ઞાન મુદ્રામાં અને એક હાથ આશીર્વાદ આપતો દેખાય છે.

2nd Navratri-23: બીજું નોરતું; બ્રહ્મચારિણી દેવી શાંત અને મગ્ન થઈને તપ કરનારા દેવી છે.

તેમની પૂજા કરવાથી વીરતા-નિર્ભયતાની સાથે જ સૌભાગ્ય તથા વિનમ્રતાનો વિકાસ થાય છે. તેમની પૂજાથી મુખ, નેત્ર તથા સંપૂર્ણ કાયામાં ક્રાંતિ વધવા લાગે છે. સ્વર દિવ્ય અને મધુર થવા લાગે છે. માતા ચંદ્રઘંટાની પૂજા કરનારાઓને શાંતિ અને સુખનો અનુભવ થવા લાગે છે. માતા ચંદ્રઘંટાની કૃપાથી બધા પ્રકારની બાધાઓ દૂર થઈ જાય છે અને ભક્તોનાં કષ્ટોનું નિવારણ ઝડપથી થઈ જાય છે. દેવી ચંદ્રઘંટાની કૃપાથી પરાક્રમ વધે છે. માતાને સુગંધ પ્રિય છે. તેમનું વાહન સિંહ છે અને તેમની પૂજાથી અહંકાર દૂર થાય છે.

સિંહ પર સવાર દસ ભૂજાવાળી દેવી ચંદ્રઘંટાનું મુખ અસુરોને હણવાને સદાય તત્પર રહે તેવું ક્રોધાયમાન દીપી રહ્યું છે. મા ચંદ્રઘંટાનું આ રૂપ શૌર્ય અને સંહારનું પ્રતિક છે પણ ભક્તો માટે તે એટલું જ સૌમ્ય, કોમળ અને શીતળતા અર્પનારું છે. માતાનાં યુધ્ધરત દેખાવનો ફાયદો પણ છે : ભક્તમાં સિંહ જેવી શૌર્યતાનાં બીજ રોપાય છે અને ગમે તેવી વિકટ પરિસ્થિતિમાં પણ તે પાછો તો ન જ પડે !

નવરાત્રિનાં ત્રીજા દિવસે મા ચંદ્રઘંટાની કૃપા આપના અને આપના પરિવાર પર સદાય બની રહે એવી શુભેચ્છાઓ..!!

या देवी सर्वभतेषु चंद्रघंटा रूपेण संस्थिता।

नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नम:।।

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો