Mera dharm: મારો ધર્મ: પૂજય સ્વામીશ્રી વિદિતાત્માનંદ સરસ્વતીજી

પૂજય સ્વામી વિદિતાત્માનંદ સરસ્વતીજીની વાણી; ભાગ-1

   Mera dharm: મહાત્માઓ ભગવદ્‌ગીતાનો વિષય સમજાવતાં કહે છે : ગીતાનો આરંભ, धर्मक्षेत्रे कुरुक्षेत्रे

   માં…. धर्म શબ્દથી થયો છે અને અંત, ध्रुव नीतिर्मतिर्मम માં… मम શબ્દથી છે. તેથી ગીતાનો વિષય છે ‘मम धर्म, એટલે કે મારો ધર્મ.

ધર્મ કોને કહેવાય ?

   જે ધારણ કરે છે એનું નામ ધર્મ. 

  કઈ વસ્તુ કોને ધારણ કરે ?

   વસ્તુનું મૂળભૂત સ્વરૂપ વસ્તુને ધારણ કરે. જેમ કે, અલંકારને ધારણ કરે છે સુવર્ણ, ઘડાને ધારણ કરે છે માટી. આથી, સુવર્ણ એ અલંકારનો અને માટી એ ઘડાનો મૂળભૂત ધર્મ છે; 

જેના વગર અલંકાર અલંકાર ન હોઈ શકે અને ઘડો ઘડો ન હોઈ શકે. આનું નામ ધર્મ. मम धर्म: એટલે મારો ધર્મ.

મારો ધર્મ શો છે ?

   એવી જે વસ્તુ છે જેના વગર હું ‘હું’ ન હોઈ શકું, તે મારો ધર્મ છે.

    મારા ધર્મ વિષે શાસ્ત્રો સમજ આપે છે. ‘अहमस्मि सदा भामि, कदचिन्नाहमप्रिय:’ ‘હું છું, સદા ભાનમાં છું, ક્યારેય હું મારી જાતને અપ્રિય નથી.’ આ ‘હું’ કોણ ? એવો પ્રશ્ન જો 

આપણે પૂછીએ તો એ ‘હું’ વિષે કોઈ ચોક્કસ વસ્તુ કહી શકાય ખરી ? ‘હું’ વિષે કેટલા બધા ખ્યાલો છે જે ચોક્કસ હોતા નથી. તે સતત બદલાયા કરતા હોય છે. ક્યારેક હું સુખી છું, 

આ પણ વાંચો:Basic religious knowledge: ઘણા લોકો પ્રશ્ન કરે છે, ‘સ્વામીજી ! લોકો આપઘાત કેમ કરતા હશે ?

ક્યારેક હું દુઃખી છું, ક્યારેક હું જાગ્રત છું, ક્યારેક હું સ્વપ્ન જોનારો છું, ક્યારેક હું વક્તા છું, ક્યારેક હું શ્રોતા છું. આમ, ‘હું’નો ધર્મ વારંવાર બદલાયા કરતો હોય છે.

પરંતુ ‘હું’ની સતત બદલાયા કરતી સ્થિતિમાં પણ એવો કોઈ સૂર છે, એવું કોઈ સૂત્ર છે, જે સર્વ અવસ્થાઓને જોડી રાખતું હોય ?

    હા. આ સૂત્ર છે – ‘હું છું.’ ક્રિયા બદલાતી રહે, વેશ બદલાતો રહે, પરંતુ ‘હું છું’ એ સતત જળવાઈ રહેતું હોય છે. એવી એક પણ ક્ષણ નથી જ્યારે ‘હું છું’નું ભાન ન હોય, એનું અસ્તિત્વ ન હોય. 

અર્થાત્‌, ‘હું બુદ્ધિશાળી છું’, ‘હું રૂપાળો છું,’ ‘હું શક્તિશાળી છું’ એવું હું કહું તો તે તમે નકારી શકો. પણ ‘હું છું’ એ વસ્તુ નકારી શકો નહીં. કોઈ પણ માણસે મને એટલો યશ તો આપવો જ પડે,

 ‘હું છું’ એટલું તો સ્વીકારવું જ પડે. આમ, ‘હું છું’ એ મારી સિદ્ધિ છે, જેને માટે મારે કોઈ પણ પ્રકારનો પ્રયત્ન કરવો પડતો નથી. બીજું ‘सदा भामि’ – હું સતત ભાનમાં છું, અર્થાત્‌ સદા પ્રકાશું છું. 

‘હું છું’ તે જ્ઞાન ક્યારે થાય ? જ્યારે ‘ભાન’ હોય ત્યારે. કોઈ પણ પદાર્થ છે તેવું ક્યારે કહી શકીએ ? જ્યારે તે પદાર્થનું ભાન હોય ત્યારે, જ્યારે તે પદાર્થ મારા જ્ઞાનનો વિષય બને ત્યારે. એ સિવાય 

તો કોઈ વસ્તુ ‘છે’ તેવું કહી ન શકાય. જે વસ્તુ મારા જ્ઞાનનો વિષય ન હોય એ ‘છે’ એવું સિદ્ધ ન થઈ શકે. સતત ‘હું છું’ એ બતાવે છે કે હું ભાસી રહ્યો છું, હું જાણું છું કે, ‘હું ભાનમાં છું’. 

ત્રીજી વસ્તુ છે – ક્યારેય પણ હું મને અપ્રિય નથી. અર્થાત્‌ હું મારી જાતને હંમેશાં પ્રિય છું. મારી દૃષ્ટિએ, આ જગતમાં સૌથી સુંદર કે સૌથી પ્રિય વસ્તુ હોય તો તે હું છું, જેને અરીસામાં જોતાં 

હું ક્યારેય કંટાળતો નથી. આમ, મને મારા માટે સ્વાભાવિક પ્રેમ છે; આ પ્રેમ ઉત્પન્ન કરવો પડતો નથી. સૌ આ પ્રેમ લઈને જ જન્મ્યા છે. આનું નામ સ્વભાવ. સ્વભાવ એટલે જે આપણને 

સહજ રીતે પ્રાપ્ત છે, સિદ્ધ છે.

    આમ, ‘હું છું’, ‘હું ભાસું છું’ ને ‘હું પ્રિય છું’ – આ ત્રણ વસ્તુ મારા વિષે એવી છે જેને કોઈ પણ સંજોગોમાં નકારી ન શકાય. જેમ અલંકારને તોડીએ-ફોડીએ છતાં સુવર્ણનો ક્યારેય નાશ ન થાય, 

ઘડાને ભાંગીએ-ફોડીએ છતાં માટીને કાંઈ પણ ન થાય. તેમ આ ઉપાધિનું, નામ-રૂપનું ગમે તે થાય, ‘હું છું’, ‘હું ભાસું છું’ અને ‘હું પ્રિય છું’ એ ક્યારેય પણ નકારી ન શકાય. ‘હું છં’ એ અસ્તિત્વ (સત્‌) 

દર્શાવે છે, ‘હું ભાસું છું’ એ જ્ઞાન (ચિત્‌) દર્શાવે છે અને ‘હું પ્રિય છું’ એ આનંદ દર્શાવે છે, કારણ કે આનંદ ત્યાં જ હોય જ્યાં પ્રેમ હોય. સુવર્ણ જેમ અલંકારનો ધર્મ છે, સ્વરૂપ છે; માટી જેમ ઘડાનો ધર્મ છે, 

સ્વરૂપ છે; તે જ રીતે સત્‌, ચિત્‌, આનંદ એ મારું સ્વરૂપ છે, મારો ધર્મ છે.

    આ જ ખરો માનવધર્મ છે, પ્રત્યેક માનવીનો ધર્મ છે. આ ધર્મનું જ્ઞાન આપવું એ ભગવદ્‌ગીતાનો મૂળભૂત વિષય છે.

Gujarati banner 01

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *