Swamiji ni Vani part-12: ધર્મને અનુરૂપ, ધર્મ્ય કર્મ કરવાં એ મનુષ્યની ફરજ છે

Swamiji ni Vani part-12: કર્મ, એક અમૂલ્ય તક

ગીતામાં ભગવાન અર્જુનને કહે છે:

कर्मण्येवाधिकारस्ते | કર્મ કરવું એ જ તારો અધિકાર છે, એ જ તારી યોગ્યતા છે, એ જ તારું કર્તવ્ય છે, એ જ તારી ફરજ છે, કારણ કે તું મનુષ્ય છે.

કયા પ્રકારનું કર્મ?

ધર્મના આધાર પર રચાયેલું કર્મ.

ધર્મ એટલે જીવનનાં મૂળભૂત મૂલ્યો જેને આપણે માનવતા કહીએ છીએ. જે ધર્મથી અભિન્ન છે, ધર્મથી ભિન્ન નથી, ધર્મને અનુરૂપ છે તે ધર્મ્ય. આવાં, ધર્મને અનુરૂપ, ધર્મ્ય કર્મ કરવાં એ મનુષ્યની ફરજ છે.

‘ફરજ છે’ એનો અર્થ શો ? એનો અર્થ એ કે તું કર્મ કરે તેમાં તું કોઈના ઉપર ઉપકાર નથી કરતો. જેમ કે આપણે પ્રામાણિક હોઈએ, સાચું બોલતા હોઈએ, કોઈને ઈજા ન પહોંચાડતા હોઈએ, તો તેથી આપણે કોઈના ઉપર ઉપકાર નથી કરતા. એ તો આપણી ફરજ છે. એ જ રીતે કોઈ પણ મનુષ્ય કર્મ કરે તો તેથી કોઈના ઉપર તે ઉપકાર કરતો નથી.

એ તો એની ફરજ છે માટે કરે છે. ‘ફરજ’ શબ્દ બહુ સુંદર છે. જેમાં કોઈના ઉપર કોઈ ઉપકાર હું કરું છું એવી ભાવના કે લાગણી ન હોય એને કહેવાય છે ‘ફરજ’. તો પછી ફરજમાં કયા પ્રકારની લાગણી હોય ? ‘મારા ઉપર કોઈ ઉપકાર થઈ રહ્યો છેે’ એવા પ્રકારની લાગણી. કર્મ એ તો આપણને આપવામાં આવેલી તક છે.

આ પ્રકારે કર્મ કરવાની મને અનુકૂળતા પ્રાપ્ત થઈ છે, આ તક મને આપવામાં આવી છે તેથી હું ઉપકૃત છું. આ બહુ જ ઉત્કૃષ્ટ ભાવના છે જે આપણે જીવનમાં સરળતાથી ઉતારી શકતા નથી, પણ ભગવાનના આદેશ પાછળનો હેતુ આ છે.

कर्मणि एव ते अधिकार: – જીવનનાં મૂળભૂત મૂલ્યોને અનુરૂપ કર્મ કરવું એ તારું કર્તવ્ય છે, તારી ફરજ છે, કારણ કે તું મનુષ્ય છે. તું મનુષ્ય ન હોત, કોઈ ઇતર પ્રાણી તરીકે જન્મ્યો હોત તો આપોઆપ એમ કરતો જ હોત. પરંતુ મનુષ્ય હોવાને લીધે તને સ્વતંત્ર બુદ્ધિ મળી છે અને તેથી તને કહેવામાં આવે છે કે તારા વડે અધર્મનો ત્યાગ થવો જોઈએ અને ધર્મનું પાલન થવું જોઈએ.

જેમ ઈશાવાસ્ય ઉપનિષદ કહે છે કે મનુષ્યે કર્મ કરતાં કરતાં જ જીવવું જોઈએ, નિષ્ક્રિયતાથી નહીં. તેણે જીવવાની ઇચ્છા રાખવી જોઈએ, મરવાની ઇચ્છા ન કરવી જોઈએ. વળી, સો વર્ષનું આયુષ્ય અર્થાત્‌ પૂરેપૂરું આયુષ્ય તેણે જીવવું જોઈએ. તેણે તેના આયુષ્યનો, સમયનો વ્યય ન કરવો જોઈએ. મનુષ્યનું જીવન કર્મ માટે છે, ભોગ માટે નહીં. આથી તેણે પોતાના જીવનનો તિરસ્કાર ન કરવો જોઈએ, કર્મનો તિરસ્કાર ન કરવો જોઈએ.

ભગવદ્‌ગીતામાં પણ આ જ કહ્યું છે કે કર્મ જ તારો અધિકાર છે.

અધિકાર એટલે કે કર્તવ્ય કે ફરજ સમજીને કર્મ કરવું એનું નામ છે કર્મયોગ.

કેવો સુંદર ઉપદેશ છે!

જ્યારે દિવસો ખરાબ હોય ત્યારે આપણે તો જીવનને તિરસ્કારીએ છીએ. ‘અરેરે, ક્યારે આ જીવન પૂરું થશે? ભગવાન ક્યારે લઈ લેશે મને?’ આપણે દિવસો ગણીએ છીએ. જ્યારે દિવસો સારા હોય ત્યારે પણ કર્મને કેમ ટાળવું, કેમ ઓછામાં ઓછું કામ કરવું અને વધારે ને વધારે પ્રાપ્ત કરવું, એ જ આપણી પ્રવૃત્તિ હોય છે, કારણ કે કર્મની કિંમત આપણે સમજતા નથી.

ભગવાન ગીતામાં કર્મની કિંમત સમજાવે છે. કર્મ તો જીવનનું ઉત્કૃષ્ટ ધ્યેય પ્રાપ્ત કરવાનું સાધન છે. માટે કર્મ એ તો જીવનમાં મળેલી એક અમૂલ્ય તક છે. આ તક જો ગુમાવીશું તો ફરી તે મળવાની નથી. આ જીવનમાં ભગવાને મને હાથ-પગ આપ્યા છે, મને અમુક સંજોગોમાં મૂકેલો છે, એ મારે માટે શ્રેષ્ઠ તક છે. તેને માટે હું ઉપકૃત છું. આ પ્રકારની મારી દૃષ્ટિ હશે તો હું મારા કર્મ દ્વારા મારા સાહેબ ઉપર કે સમાજ ઉપર ઉપકાર કરું છું એવું ક્યારેય નહીં માનું. પરંતુ એમ માનીશ કે ઈશ્વરે સેવા કરવાની તક આપી મને ઉપકૃત કર્યો છે.

કર્મની પાછળ આવી ઉત્કૃષ્ટ ભાવના હોવી જોઈએ. કર્મમાંથી કાંઈક વળતર મેળવવાની, ફળ મેળવવાની સંકુચિત દૃષ્ટિ રાખ્યા વગર કર્મ કરવું જોઈએ. આ આપણા માટે તરત તો શક્ય નથી. પરંતુ ઉદાત્ત ભાવનાને જીવનમાં ઉતારવાનો પ્રયત્ન પ્રત્યેક મનુષ્યે કરવોે જોઈએ.

આ પણ વાંચો… Swamiji ni Vani part-11: પ્રવૃત્તિ દ્વારા નિવૃત્તિ પ્રાપ્ત કરવાની આ ચાવી છે, કળા છે અને આ જ કર્મયોગ છે

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો