Happy bday amdavad

Amdavad: આજનો મારાં અમદાવાદ શહેરનો 614મોં સ્થાપના દિવસ.

Amdavad: ૨૬ ફેબુ્આરી ૧૪૧૧નો એ દિવસ એટલે આજનો મારાં અમદાવાદ શહેરનો ૬૧૪મોં સ્થાપના દિવસ. ૬૧૩ વર્ષોની સફર માણી નગરપાલિકામાંથી મહાનગરનો દરજ્જો મેળવનાર, ગુજરાત રાજ્યનાં સૌથી મોટા અને ભારતનાં સાતમાં ક્રમમાં સ્થાન મેળવનાર મારાં અમદાવાદ શહેરની વાત જ અનોખી છે.

Amdavad: (વિશેષ નોંધ: જો મારી જેમ પાક્કાં અમદાવાદી છો તો મારી સાથે અમદાવાદની આ લાંબી અને રોચક સફર એક વાર જરૂર માણજો 😇. મારો એક અંગત મત અને ઇચ્છા પણ ખરી અમદાવાદનું નામ ફરીથી આશાપલ્લી કે છેવટે કર્ણાવતી થતું જોવાની જેમાં મારી સંસ્કૃતિ કે મૂળિયાંની મહેંક છે.)

Happy Birthday Amdavad: vaibhavi Joshi

Amdavad: અમદાવાદનાં રસ્તા પર એવું થાય,

ગમ્મે ત્યારે ગમ્મે ત્યાંથી આવે ગાય,

સ્કૂટર પાછળ જ્યારે શ્વાન પડી જાય,

છેક ઘરના ઝાંપા સુધી છોડી જાય…!!

જો તમે Munshi Shyamal શ્યામલ ભાઈની મોજીલી કલમથી લખાયેલું અને શ્યામલ-સૌમિલનાં Saumil Munshi સુરીલાં છતાંય મસ્તીભર્યા કંઠે ગવાયેલું આ રમતીલું ગીત 😃 નથી સાંભળ્યું તો તમે અમદાવાદી ન હોઈ શકો 🙄.

મારો તો આ ગીત સાથે ગજબનો નાતો, એક-એક શબ્દમાં અમદાવાદીપણું છલકાય અને જયારે પણ આ મોજીલું ગીત સાંભળું ત્યારે મને એમ થાય કે મેં અહીં સિડનીમાં બેઠાં આખાં અમદાવાદનું ભ્રમણ 🥰 કરી લીધું. આ મજાનું ગીત એમનાં ‘આપણું અમદાવાદ – સુરીલું અમદાવાદ’નાં આલબમનું છે. આજનાં દિવસે બધા અમદાવાદીઓ એક વાર તો અચૂક માણજો આ ગીતને 😀.

જો કે તમને થશે કે મને આમ અચાનક સિડનીમાં બેઠાં-બેઠાં આજે અમદાવાદ કાં સાંભરી આવ્યું..!! 🤔 તો કહી દઉં કે આજે મારાં અમમમમ…દાવાદનો હેપી બર્થડે છે. (જો કે આ અમમમમ…દાવાદ આપણા સહુની લાડલી દયાબહેનની સ્ટાઇલમાં બોલવું તો જ એની મજા છે હો..😅 !! મનમાં ને મનમાં આ વાંચતા-વાંચતા તમે પણ મારી જેમ એક વાર તો આ સ્ટાઇલમાં બોલી જ ગયા હશો 😄.)

૨૬ ફેબુ્આરી ૧૪૧૧નો એ દિવસ એટલે આજનો મારાં અમદાવાદ શહેરનો(Amdavad) ૬૧૪મોં સ્થાપના દિવસ. ૬૧૩ વર્ષોની સફર માણી નગરપાલિકામાંથી મહાનગરનો દરજ્જો મેળવનાર, ગુજરાત રાજ્યનાં સૌથી મોટા અને ભારતનાં સાતમાં ક્રમમાં સ્થાન મેળવનાર મારાં અમદાવાદ શહેરની વાત જ અનોખી છે.

કાપડ ઉદ્યોગ માટેનાં માનચેસ્ટરનાં બિરૂદથી લઈ અમદાવાદ આજે સ્માર્ટ સિટી અને ભારતનું સૌપ્રથમ હેરીટેજ શહેરનાં દરજ્જા સુધી પહોંચ્યુ છે. ગુજરાતનું પાટનગર ભલે ગાંધીનગર છે પણ સાબરમતી નદીનાં કિનારે વસેલું આ શહેર ૧૯૬૦થી ૧૯૭૦ સુધી ગુજરાત રાજ્યનું પાટનગર પણ રહી ચૂક્યું છે. સામાન્ય રીતે આજકાલ ગાંધીનગરને ગુજરાતનું રાજકીય પાટનગર (political capital) અને અમદાવાદને વાણિજ્યિક પાટનગર (economical capital) તરીકે પણ ઓળખવામાં આવે છે.

અમદાવાદ એટલે લાલ બસનું શહેર. આ લાલ બસ એટલે કે એ.એમ.ટી.એસ. બસ સેવાને આશરે ૭૭ વર્ષ થયાં અને વી.એસ.હોસ્પિટલ પણ સ્થાપનાંનાં આશરે ૯૩ વર્ષ પૂરાં કરી ચુકી છે. આ બંને સેવા ભવ્ય ભૂતકાળ બનવા તરફ અગ્રેસર થઈ રહી છે. તો ચાલો આજે તમે પણ નીકળી પડો મારી સાથે અમદાવાદની સફરે અને માણો એનો ભવ્ય અને રોમાંચક ઇતિહાસ.

સન્ ૧૪૧૧માં મુસલમાનોનાં ભારત પરનાં આક્રમણ દરમિયાન ગુજરાત સલ્તનત બની અને સુલતાન અહમદશાહે તેનાં પાટનગર તરીકે કર્ણાવતી પાસેની જગા પસંદ કરી. તેનું નામ ‘અહમદાબાદ’ તરીકે જાણીતું કર્યુ. સમય જતાં તે અપભ્રંશ થઇને ‘અમદાવાદ’ તરીકે ઓળખાવા લાગ્યું. કર્ણાવતી નગરીનાં સ્થાપક રાજા કર્ણદેવ અને આશાવલ્લીનગરીનાં સ્થાપક રાજા આશા ભીલ તેમ જ આ બે નગરી જેમાં સમાઈ ગઈ એવા અમદાવાદ નગરનાં સ્થાપક સુલતાન અહમદશાહ બાદશાહથી લઈને આજ સુધીની આ ઐતિહાસિક પરંપરા આશરે ૬૦૦ વર્ષનો ભાતીગળ ઇતિહાસ ધરાવે છે.

PM Modi Scuba Dive: પીએમ મોદીએ દ્વારકામાં સ્કૂબા ડાઇવિંગ દ્વારા કર્યા શ્રીકૃષ્ણ નગરીના દર્શન, જુઓ તસ્વીરો

જો નામની જ ખાલી વાત કરીયે તો અમદાવાદ અને એની પહેલા અહમદાબાદ અને એની પણ પહેલા કર્ણાવતી કે આશાવલ (“આશાપલ્લી”) વિશે ખુબ વિસ્તારથી ચર્ચા થઇ શકે. જેમને પણ આ વિશે વિસ્તારથી જાણવું હોય એમને અમુક પુસ્તકો વાંચવાં ગમશે જેવા કે ‘અમદાવાદ ફ્રૉમ રૉયલ સિટી ટુ મેગાસિટી’, ‘મિરાત-એ-અહમદી’ કે ‘હિસ્ટ્રી ઑફ ગુજરાત’, ‘આ છે અમદાવાદ’ વગેરે.

Amdavad: પણ ટૂંકમાં આખો સાર કહું તો વનરાજ ચાવડાએ સંવત ૮૦રનાં રોજ રાજધાની માટે નગર વસાવેલ અને અણહિલ્લ નામે ભરવાડનાં નામ પરથી આ નગરનું નામ અણહિલપુર રાખેલ. અણહીલપુર પાટણની રાજગાદી પર મૂળરાજથી સોલંકી યુગ શરૂ થયો. એ પછી ચામુંડદેવ, વલ્લભરાજ, દુર્લભરાદ અને બાણાવળી ભીમદેવ ગાદી પર આવ્યા. આ વાતનો ઉલ્લેખ એટલા માટે કરું છું કેમ કે એ સમયે ગુજરાતનાં ચૌલુક્ય વંશ સોલંકી રાજ્યનું પાટનગર અણહીલવાડ પાટણ હતું અને કર્ણદેવ એટલે ભીમદેવનો નાનો પુત્ર જેણે આ કર્ણાવતી વસાવ્યું.

આશરે ૧૧મી સદીમાં સાબરમતી નદીનાં કિનારાની એક છાવણી ‘કર્ણાવતી’ તરીકે ઓળખાતી હતી. કર્ણદેવ સોલંકીએ આશરે છ લાખ ભીલોનાં રાજા આશા ભીલને હરાવી આશાવલનું નામ કર્ણાવતી રાખ્યું હતું એવું માનવામાં આવે છે. હકીકતમાં આ બાબતે ઈતિહાસકારોમાં પણ મતમતાંતર પ્રવર્તે છે. સોલંકી વંશનાં શાસક કર્ણદેવ સોલંકીએ સાબરમતીને કાંઠે રહેલા ગીચ જંગલોમાં વસતાં આશા નામનાં ભીલની સરદારી હેઠળની ભીલોની વિશાલ સેનાને પરાજિત કરી હતી અને આ ભીલો જ્યાં રહેતાં હતાં એ વિસ્તાર આશાવલ કે આશાપલ્લીનાં નામે ઓળખાતો હતો.

પુસ્તકમાં મળતાં વર્ણન પ્રમાણે, મુઘલ સમયનાં ઇતિહાસકારો આશાવલ સાબરમતી નદીનાં પૂર્વ કિનારે આવેલું હોવાનો ઉલ્લેખ કરે છે. અરેબિક અને પર્શિયન ઇતિહાસકારો પણ આને ‘આશાવલ’ નામે ઓળખાવે છે, જ્યારે સંસ્કૃત અને પ્રાકૃતમાંથી મળતાં સ્રોત તેને ‘આશાપલ્લી’ તરીકે ઓળખાવે છે.

એ વાત સ્પષ્ટ થઈ શકતી નથી કે કર્ણાવતી એ આશાવલનું બીજું નામ હતું કે તેની બાજુમાં કર્ણાવતી નામની કોઈ લશ્કરી ચોકી હતી. એક બીજી વાત પણ વિચાર કરતાં કરી મૂકે કે કર્ણાવતી હતું તો શા માટે આશાવલ કે આશાપલ્લીનો ૧૨મી કે ૧૩મી સદી સુધી ઉલ્લેખ જોવા મળે છે ? ૧૩મી સદીનાં અંતમાં જૈન સાહિત્ય અને ધાર્મિક સાહિત્યમાં કર્ણાવતીનો ઉલ્લેખ થવાનો શરૂ થયો હતો એવું ઇતિહાસકારો જણાવે છે. કર્ણદેવ સોલંકીએ આ પ્રદેશની સત્તા પોતાનાં માટે જોખમરૂપ ન બને તે હેતુથી અહીં જે લશ્કરી છાવણી નાંખી તેનું નામ કર્ણાવતી રાખ્યું હતું.

આ પરથી આપણે એવું કહી શકીએ કે કદાચ કર્ણદેવે આશાપલ્લીની બાજુમાં લશ્કરી ચોકી સ્થાપી હશે, જે ધીરેધીરે તે વસાહતમાં ફેરવાઈ હશે. અહમદશાહે ૧૪૧૧માં અહમદાબાદની સ્થાપના કરી તે બાદનાં ૧૫૦ વર્ષો સુધી પણ આશાપલ્લીનો ઉલ્લેખ જોવા મળે છે. આગળનાં વર્ષોમાં તેનો વિકાસ થતાં આશાપલ્લી સાથે કર્ણાવતી નામ ભળી ગયું હોવાની શક્યતા છે. એક જમાનામાં જે કર્ણસાગર કહેવાતું હતું તે જ આજનું કાંકરિયા તળાવ. અલગ-અલગ પુસ્તકોમાં આ બાબતે અલગ-અલગ સંદર્ભો મળી આવે છે એટલે નક્કર કઈ કહેવું તો ઇતિહાસકારો માટે પણ કદાચ શક્ય નથી.

Happy Bday Amdavad

આમાં કેટલું સાચું ને કેટલું ખોટું એ અલગથી વિસ્તૃત ચર્ચાનો વિષય બની શકે પણ અમદાવાદની સ્થાપના વિશે એક ગમ્મત પડે એવી વાત બહુ પ્રચલિત છે. તો ચાલો મારી સાથે અહમદશાહનાં સમયમાં ડોકિયું કરી આવીયે 😃. આ મજાની વાત એવી છે કે જ્યારે સુલતાન અહમદશાહ આ વિસ્તારની લટાર મારવા નીકળ્યા ત્યારે આ વિસ્તારમાં ફરતા સસલાએ 🐇 સુલતાનનાં શિકારી કુતરાથી 🐕 ડરવાને 😧 બદલે તેનો સામનો 🤓 કર્યો. સસલાની આ બહાદુરી જોઈને સુલતાને વિચાર કર્યો કે જે વિસ્તારનાં સસલા આટલાં બહાદુર છે તો ત્યાંનાં માણસો કેવા હશે 😇 અને સુલતાને અહીં પોતાનું પાટનગર સ્થાપ્યું. બસ એમાં કદાચ આ ગમ્મત પમાડે એવી પંક્તિ પ્રચલિત થઇ હશે કે, “જબ કુત્તે પે સસ્સા આયા, તબ અહમદશાહને યે નગર બસાયા”. જો કે આ વાતનો કોઈ એવો સંદર્ભ કે ઉલ્લેખ નથી મળી આવતો અને બહુ અર્થસભર પણ નથી લાગતું પણ ગમ્મત પડે એવું છે એટલે એ બહાને જરા હસી લેવાય 😅.

Amdavad: સાબરમતીની ગોદમાં રમતી અમદાવાદની(Amdavad) ભૂમિ અદ્ભુત ઘટનાઓની સાક્ષી બની રહી છે. અમદાવાદ શહેર ઇતિહાસમાં ઘણા મહત્વપૂર્ણ કારણોથી પણ પ્રસિદ્ધ છે. સાબરમતી નદીનાં પટમાં રીવરફ્રન્ટ યોજનાથી શહેરની રોનક બદલાઈ છે. મહાત્મા ગાંધી, સરદાર પટેલથી લઈને વિક્રમ સારાભાઈથી લઈને અનેક મહાપુરૂષોનાં ઘડતરમાં અમદાવાદનો ફાળો રહ્યો છે. આ શહેર આજે પણ તેના ઈતિહાસ સાથે જીવી રહ્યું છે અને પોતાનો વારસો સાચવીને રાખ્યો છે. શહેરમાં અનેક ઐતિહાસિક અને પૌરાણિક સ્થળ છે જેમાં ગાંધી આશ્રમ, સરદાર પટેલ સ્મારક, કાંકરિયા તળાવ, હઠીસિંહના દેરા, સાયન્સ સિટી, અડાલજની વાવ, સીદીસૈયદની જાળી, જામા મસ્જિદ, ઝૂલતાં મિનારા, ભદ્રકાળી માતાનું મંદિર, ત્રણ દરવાજા, સ્વામિનારાયણ મંદિર, ભાગવત વિદ્યાપીઠ, માણેક ચોક, રાણીનો હજીરો, સાબરમતિ રિવરફ્રન્ટ, તિરૂપતિ બાલાજી મંદિર, ઈસરો, પતંગ હોટેલ જેવા અનેક સ્થળો લોકો માટે આકર્ષણનું કેન્દ્ર છે.

મારી વાત કરું તો અમદાવાદ (Amdavad) મારી જન્મભૂમિ પણ અને એક સમયે કર્મભૂમિ પણ હતી પણ આજે વાત કરીએ કવિતામાં ધબકતા અમદાવાદની. અખા ભગત અને કવિશ્વર દલપતરામથી લઈને ઉમાશંકર જોશી અને પ્રવર્તમાન કવિઓ સુધી કંઈ કેટલાંય કવિઓએ મહાનગર બનેલાં આ નગરમાં શ્વાસ લીધા.

આપણાં કામની ખબર મેળવવા હમણાં જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

અમદાવાદની સ્થાપનાં નિમિત્તે આ શહેર વિશે લખવા નિર્ધાયું, ત્યારે અમદાવાદમાં નિવાસ કરી રહેલાં, કરી ચૂકેલાં તથા અમદાવાદને મહેસૂસ કરી ગયેલાં લેખકો અને કવિઓએ આ મહાનગર વિશેની પોતાની લાગણીઓ જે રીતે કાગળ પર ઉતારી છે એ જોતાં તો અમદાવાદની ધરા ધન્ય બની છે. બધું તો સમાવી નહિ શકું પણ જે આછું પાતળું યાદ છે એ પ્રમાણે થોડી-થોડી પંક્તિઓ ટાંકુ છું.

એ સિવાય પણ આપણાં અમદાવાદ (Amdavad) વિશેની કોઈ કવિની રચના યાદ હોય તો ચોક્કસ ટપકાવજો..!!

શ્વાન – સસલાની કથાનું આ નગર,

ચાર અહમદની તથાનું આ નગર

છે અડીખમ કાળના ખપ્પર મહીં,

રે અઝીઝ રૂડું બધાનું આ નગર.

-‘અઝીઝ’ ટંકારવી

રાત નોખી સાવ અમદાવાદની, ભાત નોખી સાવ અમદાવાદની

કૈંક પુસ્તક થાય એવી બધી, વાત નોંખી સાવ અમદાવાદની

મે અમદાવાદી… અમે અમદાવાદી…જેનું પાણી લાવ્યું તાણી ભારતની આઝાદી…ભાઈ, અમે અમદાવાદી… અમે અમદાવાદી…

– અવિનાશ વ્યાસ

ગુજરાતી ફિલ્મ ‘સંતુ રંગીલી’નું આ ગીત અમદાવાદની(Amdavad) ભાતીગળ છબી રજૂ કરે છે. જાણે કોઈ લોકગીત હોય એ હદે લોકપ્રિય બનેલું આ ગીત અમદાવાદ શહેર સાથે તંતોતંત વણાઈ ગયેલું છે.

“એક લાલ દરવાજે તંબુ તાણિયા રે લોલ અમદાવાદી નગરી”

ગુજરાતી સિનેમાના આ અતિ લોકપ્રિય ગીત વિના કાવ્યમાં ધબકતા અમદાવાદની વાત અધૂરી જ ગણાય. ‘માબાપ’ ફિલ્મનું આ ગીત જ્યારે માણવા મળે ત્યારે અમદાવાદ તાદૃશ્ય ન થઈ ઊઠે તો જ નવાઇ.

હે અલ્યા..હે બાજુ બાજુ..એ ભઈલા…

હું અમદાવાદનો રિક્ષાવાળો

નવસો નવ્વાણું નંબરવાળો અમદાવાદ…

અમદાવાદ બતાવું ચાલો…

શ્રમ કરીને જે મળે તે ખાય અમદાવાદના,

એ જ કારણસર ગમે ત્યાં જાય અમદાવાદના.

આજ ‘આતિશ’આ જગાનું કેટલું ગૌરવ રહ્યું,

મિત્રના શું ? શત્રુના ગુણ ગાય અમદાવાદના.

દૃષ્ટિ ફરેબ ખાય છે માણેકચોકમાં.

બુદ્ધિયે છેતરાય છે માણેકચોકમાં.

ઊઘડે ભલેને રોજ દુકાનો નવી નવી,

કબરોય પણ ચણાય છે માણેકચોકમાં

-આદિલ મન્સૂરી

પાંચ અક્ષરથી રચાયા નામને તું યાદ કર,

આંખ સામે આખેઆખું ઊભું અમદાવાદ કર !!

– કરસનદાસ લુહાર

આજે અમદાવાદ (Amdavad) સમયનાં કિનારે નવી આશા અને ધબકાર સાથે ભવિષ્ય તરફ આગળ વધી રહ્યું છે ત્યારે આપણાં વ્હાલાં અમદાવાદને દરેક પાક્કાં અમદાવાદી તરફથી હેપી બર્થ ડે…🥳🥳 !! – વૈભવી જોશી

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *