Temp check

Corona warriors: કોરોનાની કામગીરીમાં કોર્પોરેશનની આરોગ્યલક્ષી સેવાના યુવા સારથીઓ

Corona warriors: જાહેર રજાના દિવસે પણ ફરજને પ્રાધાન્ય આપી સેવારત રહેલા ડો. હેમાલી ટાંક

  • કોરોનાના સમયની મારી ફરજ દરમિયાન ધન્વંતરી રથની કમગીરી, સમરસ કોવીડ કેર સેન્ટર, એન્ટીજન ટેસ્ટ, રસીકરણ સહિતની વિવિધ કામગીરીમાં મને ઘણું શિખવા મળ્યું
  • રસીકરણ જ આપણને કોરોનાની ત્રીજી લહેરમાં સુરક્ષિત રાખી શકશે
  • કોવીડ પોઝીટીવ લોકો સાથે રહેવા છતાં દર્દીનારાયણના આશિર્વાદ અને સ્વયં જાગૃતિના કારણે મને કે મારા પરિવારને આજ સુધી કોરોના થયો નથી.

અહેવાલ: હેતલ દવે

રાજકોટ, તા. ૧૩, જુલાઈ :  Corona warriors:  ‘‘કોરોના’’ આ ત્રણ અક્ષરના શબ્દએ સમગ્ર વિશ્વના લોકોમાં ભય ફેલાવ્યો છે. કોરોનાના પ્રારંભથી આજદિન સુધીમાં ગુજરાતમાં અનેક લોકો સંક્રમિત બની સમયસરની યોગ્ય સારવાર અને તેમના મક્કમ મનોબળના કારણે સંક્રમણ મૂક્ત બની પોતાનું જીવન સારી રીતે જીવી રહયાં છે. લોકોને કોરોનાના પ્રભાવમાંથી મૂક્ત બનાવવા રાજ્યના ફ્રન્ટલાઈન કોરોના વોરીયર્સ એવા આરોગ્ય કર્મીઓએ વિપરીત પરિસ્થિતિ વચ્ચે પોતાના પરિવારની ચિંતા કર્યા વિના દિવસ – રાત કોવિડ પોઝીટીવ દર્દીઓની સેવારત રહી તેમને કોરોનામાં મૂકત બનાવ્યા છે.

ગુજરાતમાં આજે પણ એવા કેટલાંય ડોકટરો – આરોગ્ય કર્મીઓ છે કે, જેણે કોરોનાના કપરા કાળમાં કોરોનાની પ્રથમ લહેરથી લઈને આજદિન સુધી તેમની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવીને જાહેર રજાના દિવસે પણ કોરોનાગ્રસ્ત લોકોની સેવા – સારવાર હોય, ધન્વંતરી રથના માધ્યમથી જન સમુહ સુધી પહોંચીને ઉકાળા વિતરણ કરવાનું હોય કે પછી એન્ટીજન ટેસ્ટ કે રસીકરણની કામગીરી હોય. તમામ ક્ષેત્રોમાં તેમનું ‘‘બેસ્ટ પરફોર્મન્સ’’ જ આપ્યું છે. આવા ફ્રન્ટલાઈન વર્કર પૈકીના એક છે, રાજકોટના ડો. હેમાલી ટાંક.

 તારીખ ૧૩ મી જુલાઈ – ૨૦૨૦ ના રોજ રાજકોટમાં આવેલ સદર સ્થિત અર્બન હેલ્થ સેન્ટરમા કોવીડ મેડીકલ ઓફિસર તરિકે જોડાયેલા ડો. હેમાલી ટાંકને આજે ૧ વર્ષ પૂર્ણ થયું છે. આ ૧ વર્ષના સમયને યાદ કરતાં ડો. હેમાલી કહે છે કે, આજથી બરાબર ૧ વર્ષ પહેલા મે જયારે કોવીડ મેડીકલ ઓફિસર તરિકેનો ચાર્જ સંભાળ્યો ત્યારે સૌ પ્રથમ અમારી સામે કોરોનાથી લોકોને બચાવવા માટેનું એકમાત્ર શસ્ત્ર હતુ ઉકાળા. 

આ માટે અમે સદરના વિવિધ વિસ્તારોમાં ધન્વંતરી રથના માધ્યમથી લોકો વચ્ચે જઈને તેમનું થર્મલ ગનથી સ્ક્રીનીંગ, પલ્સ ઓકસીમીટરથી ઓકસીઝનની ચકાસણીની સાથે તેમને ઉકાળા અને ઈમ્યુનિટી બુસ્ટર દવાઓનું વિતરણ કર્યું હતુ. સાથો-સાથ લોકોનું કાઉન્સેલીંગ કરી કોરોનાથી બચવા માટેની સમજણ પૂરી પાડતા. આ ઉપરાંત કોઈ ઘર – પરિવારમાં પોઝીટીવ કેસ આવે તો તે ઘર – પરિવારની વીઝીટ કરીને તે ઘરના લોકોને ક્વોરન્ટાઈન કરવાની સાથે પોઝીટીવ વ્યક્તિની ટ્રાવેલીંગ હિસ્ટ્રી ચેર કરી તેની વિગતો આરોગ્ય વિભાગને પૂરી પાડતા.

Whatsapp Join Banner Guj

ડો. હેમાલીએ આરોગ્ય સેવાની યાત્રા માત્ર ધન્વંતરી રથ પુરતી સીમીત ન રહી (Corona warriors) તેમને સમરસ ખાતેના કોવીડ કેર સેન્ટર ખાતે ૧૪ દિવસ માટે ફરજ સોંપવામાં આવી. ત્યાં પણ તેમણે PPE કિટ પહેરીને તેમની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવી. ત્યાં આવતા માઈલ્ડ સીમ્ટોમેટીક દર્દીઓનું સારવારની સાથે કાઉન્સેલીંગ કરી તેમને માનસિક રીતે હૂંફ પણ પૂરી પાડી.

સમરસ હોસ્ટેલની ૧૪ દિવસની ફરજ પૂર્ણ કરી ડો. હેમાલીએ એન્ટીજન ટેસ્ટની કામગીરી સંભાળી, સાથો-સાથ જાન્યુઆરી માસમાં રસીકરણની કામગીરીના થયેલા પ્રારંભની સાથે તેઓએ લોકોને રસીકરણ કરાવવા માટે કાઉન્સેલીંગ કરી સરકારના રસીકરણના કાર્યને વેગ આપવાનું કાર્ય કર્યુ હતુ. અને તેથી જ તેઓ લોકોને ભારપૂર્વક કહે છે કે, રસીકરણ જ આપણને કોરોનાની ત્રીજી લહેરમાં સુરક્ષિત રાખી શકશે.

કોવીડ – ૧૯ની મહામારીના સમયગાળા દરમિયાન લોકોને કોરોના સંક્રમણથી બચાવવાની સાથે સંક્રમિત થયેલા લોકોની સારવારના વિવિધ તબક્કાઓ દરમિયાન પરિજનોની ચિંતા કર્યા વિના સતત કાર્યરત રહેલા ડો. હેમાલીએ કહે છે કે, આ સમયગાળા દરમિયાન હું અનેકવાર કોવીડ પોઝીટીવ દર્દીઓના સીધા સંપર્કમાં પણ આવી છું, મે અનેક દર્દીનારાયણની સારવારના રૂપી સેવાકાર્ય પણ કર્યું છે. 

Corona warriors, Rajkot

મારી આ કામગીરી દરમિયાન મે કયારેય મને કોરોના થઈ જશે તેવો ડર નથી રાખ્યો. હા ! સાવચેતી જરૂર રાખી છે. તેના કારણે અને દર્દીનારાયણના આશિર્વાદના પરિણામે આજ સુધી મને કે મારા પરિવારજનોને કોઈને પણ કોરોના નથી થયો. કોરોના સંક્રમિત દર્દીઓ કોરોનામાંથી બહાર આવે તે જ એકમાત્ર મારૂં લક્ષ્ય રહયું છે અને તેથી જ જયારે કોરોના મૂક્ત બની લોકો તેમના પરિજનો પાસે જાય છે, તે સમયે અમને જે આશિર્વાદ આપે છે, તે જ અમારા માટે મોટી મૂડી સમાન છે.

ડો. હેમાલીની વાત આજના સમયમાં (Corona warriors) સત પ્રતિશત સાચી પૂરવાર થઈ રહી છે. કેમ કે કોરોનાના કપરા કાળમાં જ્યારે આરોગ્ય કર્મીઓ તેમના જાનની પરવા કર્યા વિના સતત કાર્ય કરતાં હોય છે, તે સમયે માત્ર PPE કિટ જ નહી, પરંતુ કોરોના મૂક્ત બનેલા દર્દીનારાયણનું આશિર્વાદ રૂપી કવચ પણ તેમની રક્ષા કરતુ હોય છે, તેને કારણે જ તેઓ આજે પણ કાર્યશીલ રહી કોરોનાના સંક્રમણથી આપણને બચાવી રહયાં છે. ધન્ય છે, આવા કર્મયોગી આરોગ્ય કર્મીઓ…