Governor Acharya Devvrat

Gujarat Lions Club: નર સેવા એ જ નારાયણ સેવા છે: રાજ્યપાલ આચાર્ય દેવવ્રત

ગુજરાત લાયન્સ ક્લબના(Gujarat Lions Club) 7મા વાર્ષિક મલ્ટીપલ કન્વેન્શનનો અમદાવાદમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ગરીમામય ઉપસ્થિતિમાં શુભારંભ

  • Gujarat Lions Club: દરેક પરિવારને પોતાનો ‘ફેમિલી ફાર્મર’ હોય એ જરૂરી છે, તો ‘ફેમિલી ડોક્ટર’ની જરૂર નહીં પડે
  • માતા-પિતા પોતાના બાળકોને પ્રિઝર્વેટીવવાળા બહારના ભોજન, ફાસ્ટ ફૂડ અને જંક ફૂડથી દૂર રાખે એ વર્તમાન સમયની તાતી જરૂરીયાત છે
whatsapp banner

અમદાવાદ, 27 એપ્રિલ: Gujarat Lions Club: લાયન્સ ઈન્ટરનેશનલના મલ્ટીપલ ડિસ્ટ્રિક્ટ 3232 ના ગુજરાત લાયન્સના 7મા વાર્ષિક મલ્ટીપલ કન્વેન્શનનો આજે અમદાવાદમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ શુભારંભ કરાવ્યો હતો. બે દિવસ ચાલનારા આ અધિવેશનમાં સમગ્ર રાજ્યમાંથી લાયન્સ ઈન્ટરનેશનલના પ્રતિનિધિઓ ભાગ લઈ રહ્યા છે. લાયન્સ ક્લબની સેવાકીય પ્રવૃત્તિઓની સરાહના કરતાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ કહ્યું હતું કે, નર સેવા એ જ નારાયણ સેવા છે. આપણા કર્મો જ આપણા સુખનો આધાર છે. જરૂરિયાતમંદ વ્યક્તિની સેવા જ સાચી માનવતા છે.

લાયન્સ ક્લબના સભ્યો વેપાર-વ્યવસાય, ધંધા-રોજગારથી રાષ્ટ્રના આર્થિક વિકાસમાં તો યોગદાન આપે જ છે, સાથોસાથ ગરીબની ઝૂંપડીમાં દીવો પ્રગટાવવાનું સદ્કાર્ય પણ કરે છે. અન્યની ઉન્નતીમાં જ પોતાની ઉન્નતી સમજે એનું જીવન સાર્થક છે. રાષ્ટ્રની ઉન્નતીમાં જ આપણી પ્રગતિ છે.

Gujarat Lions Club

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ કહ્યું હતું કે, આપણે જેવું વાવીએ તેવું લણીએ છીએ, આંબો વાવીશું તો કેરી મળશે. જેવા કાર્યો કરીશું તેવું ફળ મળશે. ધાર્મિક વિધિ-વિધાન અને યજ્ઞ-હવન માત્ર કરી લેવાથી દુષ્કર્મોના પરિણામો ભોગવવામાંથી છુટકારો મળવાનો નથી. આત્મસંતુષ્ટિ માટેની એ નબળી નૌકાઓ માત્ર છે. કરેલા કર્મોનું ફળ ભોગવવું જ પડે છે, એટલે સૌએ હંમેશા સારા કર્મો જ કરવા જોઈએ. દીન-દુ:ખિયાની સેવા કરીને સત્કાર્યોની પુંજી સંચિત કરો. પરોપકાર, ભલાઈ, દયા, કરુણા અને સહિષ્ણુતા આદર્શ મહાપુરુષોના લક્ષણો છે, જેનાથી સમગ્ર સમાજ પ્રેરિત થાય છે.

આ પણ વાંચો:- Onion Export: કેન્દ્ર સરકારે UAE, મોરેશિયસ સહિત 6 દેશોમાં ડુંગળીની નિકાસને આપી મંજૂરી

શરીર સ્વસ્થ હશે તો સમાજસેવા શક્ય બનશે માટે તંદુરસ્તી આવશ્યક જ નહીં અનિવાર્ય છે, એમ કહીને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ શહેરીજનોને ખોરાકમાં પ્રાકૃતિક ખેત ઉત્પાદનોનો ઉપયોગ કરવાનો આગ્રહ કર્યો હતો. તેમણે કહ્યું કે, હવે દરેક પરિવારને પોતાનો ‘ફેમિલી ફાર્મર’ હોય એ જરૂરી છે. પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત સાથે જોડાઈને આરોગ્યપ્રદ-સ્વાસ્થ્યપ્રદ ખેત પેદાશોનો ઉપયોગ કરશો તો ‘ફેમિલી ડોક્ટર’ની જરૂર નહીં પડે.

માતા-પિતા પોતાના બાળકોને પ્રિઝર્વેટીવવાળા બહારના ભોજન, ફાસ્ટ ફૂડ અને જંક ફૂડથી દૂર રાખે એ વર્તમાન સમયની તાતી જરૂરીયાત છે. રાસાયણિક ખાતર, જંતુનાશક દવાઓના બેફામ ઉપયોગ અને હાઈબ્રીડ બિયારણોને કારણે ખાદ્ય પદાર્થોમાં પોષક તત્વો ઓછા થયા છે, તેમાં પણ પ્રિઝર્વેટીવવાળું ભોજન અને બિન આરોગ્યપ્રદ ખાન-પાનની કુટેવથી મેદસ્વિતા અને અસાધ્ય રોગોનું પ્રમાણ વધ્યું છે. તેમણે માતા-પિતાઓને ગંભીર ચેતવણી આપીને ઘરની બહારનું ભોજન લેવાની ટેવ છોડવા આગ્રહપૂર્વક અનુરોધ કર્યો હતો. તેમણે કહ્યું કે ધન કમાઓ પણ સ્વસ્થ શરીર અને સ્વસ્થ સંતાનો સૌથી મોટી મૂડી છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ સ્વસ્થ અને ઉજ્જવળ ભારતના નિર્માણ માટે સંતાનોને સારું શિક્ષણ, સારા સંસ્કાર અને સારું આરોગ્ય આપવા સંકલ્પબદ્ધ થવા અનુરોધ કર્યો હતો.

આ પ્રસંગે લાયન્સ ઈન્ટરનેશનલના સેકન્ડ વાઈસ પ્રેસિડેન્ટ એ.પી.સિંઘે ગર્વભેર કહ્યું કે, આ સંસ્થાએ પોતાની સેવાકીય પ્રવૃત્તિના કારણે આજે દેશ-વિદેશમાં ખ્યાતિ મેળવી છે. ગુજરાતમાં લાયન્સ ઈન્ટરનેશનલ દ્વારા ચાલતી પ્રવૃતિઓ વિશે વાત કરતાં તેમણે કહ્યું કે, આ સંસ્થાએ રાજ્યમાં લોકોની સહભાગિતા સાથે કામ કરી અનેક પ્રકારના સેવાકીય કાર્યો કર્યા છે. શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે પણ નોંધપાત્ર કાર્ય કર્યું છે. આગામી સમયમાં તેમણે લાયન્સ ક્લબમાં 35,000 લોકોને જોડવા આહ્વાન કર્યું હતું. તેમણે કહ્યું કે, વધુને વધુ લોકો લાયનવાદ સાથે સેવાકીય પ્રવૃત્તિમાં સામેલ થશે તો સમાજની બહુ મોટી સેવા કરી શકાશે. તેમણે મિશન 35 K નું લક્ષ્ય પાર પાડવા અનુરોધ કર્યો હતો.

લાયન્સ ઇન્ટરનેશનલ મલ્ટીપલ કાઉન્સિલના ચેરમેન અનિલ અગ્રવાલે રાજ્યપાલનું સ્વાગત કરતાં ગૌરવભેર જણાવ્યું હતું કે, ગત વર્ષે યોજાયેલ લાયન્સ ક્લબના ડિસ્ટ્રિક્ટ સમારોહમાં ઉપસ્થિત રહેલા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના પ્રેરક ઉદબોધનથી અમને પ્રોત્સાહન મળ્યું હતું જેથી કરીને અમારી સેવાકીય પ્રવૃત્તિ વધુ વેગવંતી બની હતી. તેમણે લાયન્સ ઈન્ટરનેશનલ દ્વારા ચાલતી પ્રવૃત્તિઓનો ચિતાર આપ્યો હતો.

ઓર્ગેનાઈઝીંગ કમિટીના ચેરમેન જગદીશ અગ્રવાલે સ્વાગત પ્રવચન કરી ઉપસ્થિત સૌ મહાનુભાવોનું અભિવાદન કર્યું હતું.

આ પ્રસંગે પાસ્ટ ઈન્ટરનેશનલ ડાયરેક્ટર પ્રવીણ છાજેડ, સંદીપ એન્જિનિયર, પૂર્વ ડિસ્ટ્રીક ગવર્નર જગદીશ અગ્રવાલ, રમેશ પ્રજાપતિ સહિત લાયન્સ ઈન્ટરનેશનલના પ્રતિનિધિઓ અને રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં પધારેલા સભ્યઓ ઉપસ્થિત રહ્યા હતા.

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *