Blood Donation Surat Fire 3

સુરતના ૧૬ ફાયર સ્ટેશનના ૧૧૧ ફાયર ફાઈટર જવાનોએ રક્તદાન કરી

Blood Donation Surat Fire
  • સુરતના ૧૬ ફાયર સ્ટેશનના ૧૧૧ ફાયર ફાઈટર જવાનોએ રક્તદાન કરી માનવતા મહેકાવી
  • ‘રક્તદાન મહાદાન’ના સૂત્રને સાર્થક કરતાં ૧૧૧ કર્મીઓએ રક્તદાન કરી કહ્યું- ‘દિવાળીનો તહેવાર લોકોની સેવા કરીને ઉજવીશું’
  • ફાયરના ૧૧૧ તેમજ અન્ય ૦૮ સેવાભાવી કર્મયોગીઓ મળી કુલ ૧૧૯ કર્મીઓએ રક્તદાન કરી ૧૧૯ યુનિટ રક્ત એકત્ર કર્યું

અહેવાલ: પરેશ ટાપણીયા, સુરત

સુરત, ૦૫ નવેમ્બર: કોરોનાની મહામારી વચ્ચે રક્તની અછતને પહોંચી વળવા માટે બીડું ઉઠાવતા સુરત ફાયર વિભાગના ૧૬ ફાયર સ્ટેશનના ૧૧૧ જવાનોએ સામૂહિક રક્તદાન કરી માનવસેવાનું ઉમદા ઉદાહરણ પુરૂ પાડયું છે. શહેરમાં રક્તની અછતને પહોંચી વળવા અને રક્તની જરૂરિયાત ધરાવતાં દર્દીઓને મુશ્કેલી ન સર્જાય એ હેતુથી સુરતની સ્મિમેર હોસ્પિટલની બ્લડ બેંક દ્વારા વેસુ ફાયર સ્ટેશન ખાતે મનપા કમિશનરશ્રી બંછાનિધિ પાનીની પ્રેરક ઉપસ્થિતિ માં યોજાયેલ રકતદાન શિબિરમાં ફાયર વિભાગના ચીફ ફાયર ઓફિસર બસંત પારિક સહિત ૧૧૧ અધિકારી-કર્મીઓ તેમજ અન્ય ૦૮ સેવાભાવી કર્મયોગીઓ મળી કુલ ૧૧૯ કર્મીઓએ રક્તદાન કરી ૧૧૯ યુનિટ રક્ત એકત્ર કર્યું હતું, જેને સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર બ્લડ બેંકમાં જમા કરાવવામાં આવ્યું હતું.

Blood Donation Surat Fire 3

સુરત ફાયર વિભાગના ચીફ ઓફિસર બસંત પરીકે જણાવ્યું હતું કે, કોરોના મહામારી દરમિયાન સુરતમાં વધુમાં વધુ રક્તદાન કેમ્પ થાય તે જરૂરી છે. કોરોનાની કપરી પરિસ્થિતિમાં શહેરના તમામ ફાયર સ્ટેશનના જવાનોએ રજા લીધા વિના પોતાની ફરજ નિભાવી છે. ફાયર સિવાય ડિસઇન્ફેકશન અને સેનિટાઇઝેશનની તમામ કામગીરી નિભાવી છે, ત્યારે હવે રક્તની જરૂરિયાત વધી છે, જેને પૂર્ણ કરવાંનો સંકલ્પ કર્યો છે. કોરોના સામેની લડાઈની સાથોસાથ શહેરના નાગરિકો પણ વધુમાં વધુ રક્તદાન કરી ‘રક્તદાન મહાદાન’ના પૂણ્યકાર્યમાં સહભાગી બને તેવો અનુરોધ કર્યો હતો.

Blood Donation Surat Fire 2

‘રક્તદાન મહાદાન’ના સૂત્રને સાર્થક કરતાં ૧૧૧ કર્મીઓએ રક્તદાન કરી કહ્યું કે ‘દિવાળીનો તહેવાર લોકોની સેવા કરીને ઉજવીશું’. સુરત માનદરવાજા ફાયર સ્ટેશનમાં વહીવટી ઓફિસ વિભાગમાં હેડક્લાર્ક તરીકે ફરજ બજાવતા રાજેશકુમાર બાબરીયાએ જણાવ્યું કે, હું ૧૯૯૨થી રક્તદાન કરૂ છું. અત્યાર સુધીમાં ૨૫ વાર રક્તદાન કર્યું છે, અને ભવિષ્યમાં પણ રક્તદાન માટે પ્રતિબદ્ધ છું. કુદરતે આપેલી અણમોલ ભેટ એવા લોહીને દુનિયાની કોઈ ફેક્ટરીમાં બનાવી શકાતું નથી, જે માત્ર ઈશ્વરે આપેલા માનવદેહમાં જ બને છે. એટલે જ રક્તદાન કરવાથી જો કોઇની જિંદગી બચાવી શકાતી હોય તો રક્તદાન સૌએ અવશ્ય કરવું જોઈએ.

whatsapp banner 1

મોટા વરાછા ફાયર સ્ટેશનમાં હાઈડ્રોલિક પ્લેટફોર્મ ઓપરેટર તરીકે છેલ્લા ૨૦ વર્ષથી ફરજ બજાવતાં ૪૫ વર્ષિય વિનોદભાઈ પટેલે અત્યાર સુધીમાં સિવિલ હોસ્પિટલની બ્લડ બેન્કમાં સાત વાર રક્તદાન કર્યું છે. મને ખુશી છે કે ફાયર સેવાની સાથે અન્ય સેવાકીય પ્રવૃત્તિમાં પણ યોગદાન આપી માનવસેવાનો મોકો મળ્યો છે તેમ વિનોદભાઈ જણાવે છે. આ પ્રસંગે ડે.કમિશનર સહિત રક્તદાતા ફાયર જવાનો ઉપસ્થિત રહ્યા હતા.