Eyes test

ઓનલાઈન એજ્યુકેશન મેળવી રહેલા બાળકોએ તેમના આંખના સ્વાસ્થ્યની વિશેષ દરકાર લેવી જરૂરી છે: ડો. સ્નેહલ પંડ્યા

કોરોનાકાળામાં ઓનલાઈન એજ્યુકેશન મેળવી રહેલા બાળકોએ તેમના આંખના સ્વાસ્થ્યની વિશેષ દરકાર લેવી જરૂરી છે: ડો. સ્નેહલ પંડ્યા,આંખના સર્જન, જી.ટી.શેઠ હોસ્પિટલ, રાજકોટ

૨૦:૨૦:૨૦ ની કસરત આંખ માટે ખુબ સારી: થોડી વારે આંખો પણ પટપટાવી જેથી આંખો સુકાઈ ન જાય

અહેવાલ: રાજ લક્કડ/ પ્રિયંકા પરમાર,રાજકોટ

રાજકોટ, ૦૨ ઓક્ટોબર: નોવેલ કોરોના વાયરસના સંક્રમણની ગંભીરતા અને ભુલકાઓના સ્વાસ્થ્યને ધ્યાને રાખીને શાળાઓના દરવાજાઓ બંધ કરવામાં આવ્યા છે. પરંતુ કોરોનાને કારણે બાળકોનું ભણતર ન બગડે તે માટે રાજ્યભરમાં શાળાઓ દ્વારા ઓનલાઈન એજ્યુકેશન આપવામાં આવી રહ્યું છે. બ્લેક બોર્ડ દ્વારા શિક્ષણ મેળવતી આંખો આજકાલ રોજની ૧-૨ કલાક મોબાઈલ, કોમ્પ્યુટર કે લેપટોપની સ્ક્રીન સામે શિક્ષણ મેળવી રહી છે. ત્યારે બાળકોની આંખોની સ્વસ્થતા માટે દરેક વાલીજનોએ વિશેષ કાળજી લેવી અનિવાર્ય છે.

રાજકોટ જિલ્લામાં માર્ચ માસ દરમ્યાન કોવિડ-૧૯ નો કેસ આવ્યા બાદ થી લઈને આજ દિવસ સુધીમાં કુલ ૧૫,૩૨૬ જેટલા કેસની ઓપીડી કરવામાં આવી છે તેમજ, ૩૮૦ જેટલા ઈનડોર કેસમાં જરૂરી સારવાર તથા સર્જરી પણ કરવામાં આવી છે. આવી સુંદર અને નયનરમ્ય કામગીરી માટે કુલ ૨૧ જેટલા ડોકટર્સ રાતદિવસની પરવાહ કર્યા વગર કામ કરી રહ્યા છે. જેમાં રાજકોટની જી.ટી.શેઠ હોસ્પિટલના ડો. વિમલ વ્યાસ, ડો. કમલ ડોડીયા, ડો. નીતિ શેઠ જેવા અનુભવી કન્સલટન્ટ, ૪ જેટલા તજજ્ઞ સિનિયર રેસીડેન્ટ તથા ૧૨ જેટલા ખંતિલા જૂનિયર ડોક્ટરોનો સમાવેશ થાય છે. હાલમાં મોટા ભાગના ડોક્ટરો કોવિડ – ૧૯ હોસ્પિટલ ખાતે પોતાની સેવાઓ બજાવી રહ્યા છે.

Dr Snehal Pandya Eyes surgen

છેલ્લા ૨૭ વર્ષથી રાજકોટની જી.ટી.શેઠ હોસ્પિટલમાં આંખના સર્જન તરીકે ફરજ નિભાવતા ડો. સ્નેહલ પંડ્યાએ આ સંદર્ભે વાત કરતાં જણાવ્યું હતું કે,” કોરોનાને કારણે આજે ફરિજયાતપણે બાળકોને ઓનલાઈન એજ્યુકેશન લેવાનો વારો આવ્યો છે. ત્યારે ટેકનોલોજીના વપરાશ સાથે તેના લાભ-ગેરલાભ પણ જોડાયેલા હોય છે. તેથી ઓનલાઈન એજ્યુકેશન મેળવી રહેલા દરેક બાળકોએ તેમના આંખના સ્વાસ્થ્યની વિશેષ દરકાર લેવી જરૂરી છે.” આંખની તંદુરસ્તી માટે લાભદાયી જરૂરી કસરતો અને ટેકનીકસ અંગે માર્ગદર્શન આપતા ડો. સ્નેહલે જણાવ્યું હતું કે, “૨૦:૨૦:૨૦ રેશ્યોની કસરત આંખ માટે ખુબ સારી છે. એટલે કે ૨૦ મિનિટ, ૨૦ સેકન્ડ અને ૨૦ ફુટ. મોબાઈલ કે લેપટોપની સ્ક્રીન પર કામ કરતાં કે એજ્યુકેશન લેતા બાળકોએ દર ૨૦ મિનિટે ૨૦ સેકેન્ડ માટે સ્ક્રીનથી ૨૦ ફુટ દૂર જોવાની કસરત કરવી જોઈએ. જેનાથી બાળકોને સ્ક્રીનમાંથી મળતા રેડીએશનથી રાહત મળશે. તેમજ બાળકોએ થોડી થોડી વારે આંખો પણ પટપટાવી જેથી આંખો સુકાઈ ન જાય.”

કોરોનાને કારણે સામાન્ય રીતે વડીલ લોકોને ઘરથી બહાર નીકળાનું ટાળવું જોઈએ. જો કોઈ આંખના પડદા અને મોતીયા જેવી સમસ્યાથી પીડાતા હોય તો ડોક્ટર્સ દ્વારા લખેલા ટીપાઓનો ઉપયોગ શરૂ રાખવો. જો વધુ પડતી તકલીફ થતી હોય તો જ હોસ્પિટલની મુલાકાત લેવી. ખાસ કરીને આંખને જરૂરી વિટામીન્સ પુરા પાડતા ખોરાકનું સેવન કરવું. લીલા શાકભાજીનો ઉપયોગ વધારો અને બને ત્યાં સુધી રાતના ૮ કલાક પછી મોબાઈલનો ઉપયોગ ટાળવો. સાથો સાથ પુરતા પ્રમાણમાં ઉઁઘ લેવી કારણે કે ઉંઘ પુરી ન થવાથી પણ સ્વાસ્થ્ય કથળે છે. સ્વાસ્થ્ય કથળતા બિમારીઓ જલ્દીથી શરીરને હાવી થઈ જાય છે. તેથી રોગ પ્રતિકારક શક્તિ વધે તેનું વિશેષ ધ્યાન રાખવું તેમ ડો. સ્નેહલે જણાવ્યું હતું.

શરીરને સ્વસ્થ રાખવા માટે શરીરના દરેક અંગોની કાળજી રાખવી આવશ્યક છે. તેથી આજથી કુદરતના દરેક રંગોના દર્શન કરાવતી આંખો માટે દિવસમાં ૨૦-૨૦-૨૦ કસરતને આપણા જીવનનો રોજીંદો ભાગ બનાવીએ.

loading…