Surat Himmat bhai

હિંમતભાઈની હિંમતે કોરોનાને હરાવ્યો

Surat Himmat bhai

સુરત:બુધવાર: સુરત ખાતે રહેતા હિંમતભાઇની હિંમતે કોરોનાને હરાવી આજે સામાન્ય જીવન શરૂ કર્યુ છે. ઘટનાની વિગત એવી છે કે, હિમંતભાઇનો તા.૧લી જુલાઈએ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને નવી સિવિલની કોવિડ ૧૯ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા, જ્યાં હિંમતભાઈને શ્વાસ લેવામાં તકલીફ હોવાથી ઓક્સિજન પર રાખવામાં આવ્યા હતા.

સૌરાષ્ટ્રના વતની અને હાલ સુરતના નાના વરાછા ચીકુવાડી વિસ્તારની ગંગોત્રી સોસાયટીમાં રહેતા હિંમતભાઈ કેશુભાઈ ડોંડાની વાત તદ્દન જુદી છે. તેઓ સ્વસ્થ થયાં તેના પાયામાં ડોકટરોએ આપેલી સારવાર અને મજબૂત મનોબળ રાખવા આપેલી શીખ હોવાનું જણાવે છે.

૫૫ વર્ષના હિંમતભાઈને ૨૫ જૂનથી શ્વાસ લેવામાં થોડીક તકલીફ પડતી હતી. શરૂઆતમાં સ્થાનિક દવાખાનાંમાથી સારવાર, દવા લીધી હતી, પરંતુ તબિયતમાં સુધાર ન લાગતાં તેમણે જાતે જ ૧૦૮ એમ્બ્યુલન્સને કોલ કરીને બોલાવી હતી, અને નવી સિવિલ હોસ્પિટલ પોતાનો રિપોર્ટ કરવા પહોંચ્યાં હતા.

આત્મવિશ્વાસથી સભર હિંમતભાઈ ત્યારપછીનો ઘટનાક્રમ વર્ણવતાં જણાવે છે કે, નવી સિવિલ હોસ્પિટલના તબીબો અને નર્સિંગ સ્ટાફના અથાગ પ્રયત્નોથી તંદુરસ્તીમાં સુધારો થયો હતો. હું પરિવાર સાથે વાત કરતી વેળાએ ‘મારી ચિંતા ન કરવાં’ જણાવતો અને પરિવારના તમામ સભ્યો સાથે હરહંમેશ ખુશમિજાજથી વાત કરતો હતો. મેં એક કહેવતને મારા જીવન અને વ્યવહારમાં ઉતારી છે: ‘ હિમ્મતે મર્દા તો મદદે ખુદા’. કોઈ પણ મુશ્કેલી આવે ત્યારે હું મારા નામ પ્રમાણે હિંમતથી એનો સામનો કરૂ છું. મારા મિત્રો અને પરિચિતો પણ ‘હારે એ આ હિંમત નહીં’ એમ કહીને મારો જુસ્સો વધારતાં. આખરે હું કોરોનાની મહામારીમાંથી મુકત થયો. જેમાં સિવિલના તબીબોની સારવારને હું તમામ શ્રેય આપું છું એમ તેમણે ઉમેર્યું હતું.

કોવિડ વોર્ડમાં ફરજ પરના ડો.દિપશીખા દવેએ જણાવ્યું કે, હિંમતભાઈની સત્તર દિવસથી સારવાર ચાલી રહી હતી. તેમની તબિયત બગડતા અને વધુ ઓક્સિજનની જરૂર પડતા NRBM પર પણ રાખવામાં આવ્યા હતા. અમે તેમને સ્વસ્થ કરવાંના પૂરતાં પ્રયત્નો કર્યા, અને આજે સ્વસ્થ થતા રજા આપવામાં આવી. અમને ખુશી છે કે તેઓ હેમખેમ પોતાના ઘરે પરત જઈ રહ્યા છે.

કોરોનાની વૈશ્વિક મહામારીએ દુનિયાના અનેક દેશોને બાનમાં લીધા છે, જેમાં ભારત પણ સામેલ છે. કેન્દ્ર અને રાજ્ય સરકારે કોરોના વાઈરસના વ્યાપને રોકવા દિવસ રાત એક કર્યા છે. કોરોનાના ઈલાજ કરતાં તબીબોની મહેનતના પરિણામે નવી સિવિલ અને સ્મીમેર હોસ્પિટલના અનેક દર્દીઓએ સ્વસ્થ થઈ સામાન્ય જીવન શરૂ કર્યું છે.

**********