world environment day

world environment day: વન્ય પ્રાણીના સંવર્ધનમાં સફળતા, વલસાડ જિલ્લામાં દીપડાની સંખ્યા 18થી વધીને 42 થઈ

world environment day: લીલીછમ હરિયાળી અને વનરાજીઓથી શોભતા વલસાડ જિલ્લામાં ઉત્તર અને દક્ષિણ વન વિભાગ દ્વારા વર્ષ દરમિયાન વૃક્ષોનું વાવેતર તો કરવામાં આવે જ છે

ગાંધીનગર, 05 જૂનઃworld environment day: આજે 5 જૂને વિશ્વ પર્યાવરણ દિવસ છે ત્યારે પર્યાવરણના જતનમાં જેટલું મહત્વ વૃક્ષો-જંગલોનું છે એટલું જ મહત્વ વન્યજીવો અને પ્રાણીઓનું પણ રહ્યું છે. લીલીછમ હરિયાળી અને વનરાજીઓથી શોભતા વલસાડ જિલ્લામાં ઉત્તર અને દક્ષિણ વન વિભાગ દ્વારા વર્ષ દરમિયાન વૃક્ષોનું વાવેતર તો કરવામાં આવે જ છે પરંતુ તેની સાથે વન્ય પ્રાણીઓની જાળવણી અને સુરક્ષા માટે પણ એટલા જ પ્રયત્ન થતા વલસાડ જિલ્લામાં દીપડાની સંખ્યા વર્ષ 2016માં 18 હતી જે વધીને વર્ષ 2019ની છેલ્લી ગણતરી મુજબ 42 થઈ છે.

જેની સામે છેલ્લા 5 વર્ષમાં માનવ પર હુમલાના 24 બનાવ અને પશુધન શિકારના 104 બનાવ બન્યા હતા. મનુષ્ય અને પશુધનની સુરક્ષા માટે વલસાડ વન વિભાગ દ્વારા છેલ્લા 3 વર્ષમાં માનવભક્ષી ગણાતા 8 દીપડાને પકડી અન્ય વિસ્તારના જંગલોમાં છોડવામાં આવ્યા છે. જેના કારણે માનવ પર હુમલાના બનાવ ઘટતા પ્રજાને રાહત થઈ છે.

ચારે તરફથી વનઆચ્છાદિત ધરમપુર-કપરાડા અને ઉમરગામ તાલુકામાં ગીચ જંગલ, વાંસ અને શેરડીના ખેતરોનું પ્રમાણ વધુ હોવાથી વલસાડ જિલ્લો દીપડા માટે આશ્રયસ્થાન બન્યો છે. ઉનાળામાં જંગલ વિસ્તારમાં પીવાના પાણીના અભાવે દીપડા પાણી અને શિકારની શોધમાં રહેણાંક વિસ્તારમાં આવી પહોંચે છે.

છેલ્લા 5 વર્ષમાં મનુષ્ય ઉપર દીપડાએ 24 હુમલા કર્યા હતા. જેની સામે સરકાર દ્વારા રૂ. 1,36,500નું વળતર ઘાયલ વ્યકિતને ચૂકવાયું હતું. સૌથી વધુ 9 હુમલા વર્ષ 2018-19માં મનુષ્ય પર થયા હતા. જ્યારે છેલ્લા 2021-22માં 5 હુમલા થયા હતા. શિકારની શોધમાં આવી ચઢતા દીપડાએ 5 વર્ષમાં 104 પશુધનનો શિકાર કર્યો હતો. જેની સામે સરકાર દ્વારા પશુ પાલકોને રૂ. 12,94,000 વળતર ચૂકવવામાં આવ્યું હતું. છેલ્લા 2 વર્ષમાં જિલ્લામાં 2 દીપડા અને 7 મોરના મોત થયા છે.

આ પણ વાંચોઃ Kartik aaryan tests positive for covid: બોલિવુડમાં ફરી કોરોનાની એન્ટ્રી, કાર્તિકે કહ્યું કે, બધું પોઝિટિવ ચાલી રહ્યું હતું, ત્યારે કોરોનાથી પણ રહેવાયું નહીં

વન વિભાગ દ્વારા પૂનમની રાત્રે પ્લાસ્ટર ઓફ પેરીસના ઉપયોગ વડે જ્યાં પાણીના સ્ત્રોત હોય અને દીપડાની અવરજવર હોય તેવા વિસ્તારમાં દીપડાની વસ્તી ગણતરી કરવામાં આવે છે પરંતુ છેલ્લા 2 વર્ષમાં કોરોનાને કારણે ગણતરી થઈ શકી નથી. વન વિભાગ દ્વારા વન્ય પ્રાણીનું સંવર્ધન થતા હાલ જિલ્લામાં 42 દીપડાની સાથે 11 ઝરખ અને 15 જંગલી ભૂંડ પણ જોવા મળી રહ્યા છે.

દીપડાની જાળવણી માટે વન વિભાગ દ્વારા ગ્રામજનોમાં જાગૃત્તિ માટે અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. જેમાં ગ્રામજનોને દીપડાથી કેવી રીતે સ્વબચાવ કરવો તે અંગે સમજ આપવામાં આવે છે. જિલ્લાના દરિયા કાંઠે થતા ધોવાણને અટકાવવા માટે 270 હેક્ટર વિસ્તારમાં મેન્ગ્રુવનું વાવેતર કરાયું છે. જિલ્લાના અંતરિયાળ જંગલ વિસ્તારમાં વસતા લોકો દ્વારા જંગલના ઝાડના ડાળી-ડાળખા કાપીને ભેગા કરી તેને સળગાવ્યા બાદ જમીનમાં નાગલીની ખેતી કરવાની પરંપરા છે.

પરંતુ આ કારણે જંગલોની ગીચતા ઘટી રહી હોય વન વિભાગ દ્વારા સ્થાનિકોને અક ગુંઠા પ્રમાણે 700 કિ.ગ્રા છાણિયુ ખાતર આપી તેની સળગાવ્યા બાદ નાગલીની ખેતી કરાવાઈ રહી છે. આ સિવાય બળતર (ઈંધણ) માટે વૃક્ષોનું નિકંદન અટકાવવા સ્થાનિકોને પ્રાઈમસ આપવામાં આવી રહ્યા છે. વલસાડ જિલ્લામાં જંગલોનું પ્રમાણ જળવાઈ રહે અને દરિયા કાંઠાનું ધોવાણને અટકાવવા માટે છેલ્લા 5 વર્ષમાં ઉત્તર અને દક્ષિણ વન વિભાગ દ્વારા કુલ 9130.55 હેક્ટર જમીન વિસ્તારમાં સાગ, વાંસ, સીસમ, ઔષધિય વનસ્પતિ અને મેન્ગ્રુવનું વાવેતર કરાયું હતું અને હવે આગામી 5 વર્ષમાં 9283 હેકટર જમીન વિસ્તારમાં વાવેતર કરાશે. જેથી લીલીછમ હરિયાળીથી સમૃધ્ધ વલસાડ જિલ્લો હંમેશા શોભતો રહેશે.(સોર્સઃ ન્યુઝ રીચ)

આ પણ વાંચોઃ AAP will contest for 182 seats of Gujarat: આમ આદમી પાર્ટી ગુજરાતમાં બધી 182 બેઠકો પર ચૂંટણી લડશે

Gujarati banner 01