Listen everyone: સાંભળો સૌનું: કરો મનનું!: નિલેશ ધોળકિયા

Listen everyone: મને વ્યક્તિગત રીતે સ્પર્શી ગયેલી બે લોકોક્તિ કદાચ વાંચકોને ય ગમશે તે શુભ આશયે આ માઘ્યમે પ્રસારિત છે.

Listen everyone: એક કુંભાર પાસે ત્રણ ગધેડા અને ફક્ત બે જ દોરડા હતા. પોતાને નદીમાં ન્હાવા જવું હતું એટલે તેણે ગધેડાઓને દોરડાથી બાંધવાનું વિચાર્યું પણ, દોરડા બે જ ને ગધેડા ત્રણ ! તેણે એક ડાહ્યા માણસની સલાહ લીધી, જેમણે કહ્યું કે, “તું બે ગધેડાને, ત્રીજો ગધેડો જુએ તે રીતે બાંધ અને પછી ત્રીજા ગધેડાને (ખોટે ખોટે) બાંધવાની ફક્ત એક્શન કર, નાટક કર… કુંભારે એમ જ કર્યું !

નહાઈને, બહાર આવીને જોયું તો, જેને નહોતો બાંધ્યો, ફક્ત બાંધવાનું નાટક જ કર્યું હતું તે ગધેડો પણ જાણે બંધાઈને ઉભો હોય એમ નો એમ જ ઉભો હતો !

કુંભારે બે ગધેડાઓને છોડયા અને ચાલવા માંડ્યો પણ એના આશ્ચર્ય વચ્ચે ત્રીજો ગધેડો પોતાના સ્થાનેથી હલ્યો પણ નહીં ! ધક્કો માર્યો તો પણ નહીં !

કુંભારે ફરી પેલા ડાહ્યા માણસને પૂછ્યું તો પેલા ડાહ્યા માણસે કહ્યું કે, “શું તે એ ત્રીજા ગધેડાને છોડ્યો ?” કુંભાર કહે કે, “મેં તેને બાંધ્યો જ નહોતો !” ડાહ્યા માણસે કહ્યું કે, “એ તું જાણે છે કે ગધેડો બંધાયેલ નથી પણ, ગધેડો પોતાને બંધાયેલો જ સમજે છે. તું એને (ખોટે ખોટે) છોડવાનું નાટક કર…” કુંભારે તેમ જ કર્યું, ને તેના આશ્ચર્ય વચ્ચે હવે ત્રીજો ગધેડો ટેસથી ચાલવા લાગ્યો.

એ ત્રીજા ગધેડાને રોકનાર, અટકાવનાર શું હતું ? શું એની પાસે તક નહોતી ? શું એની પાસે (ચાલવા માટે) માર્ગ નહોતો ? શું તેની સામે (મુક્તપણે ચાલતા બીજા બે ગધેડાઓનું) ઉદાહરણ નહોતું ? શક્તિ નહોતી ? સપોર્ટ નહોતો ? એનો માલિક એને ચલાવવા માટે રીતસર ધક્કા મારતો હતો. બધું જ હતું – તો પછી,
એને ચાલવાથી શું/કોણ રોકતું હતું ?

આપણી સાથે પણ એ ત્રીજા ગધેડા જેવું જ ક્યારેક બનતું હોય છે. આપણે (કાલ્પનિક રીતે) આપણી સાવ ખોટી શરમ, સંકોચ, ક્ષોભ અને કુંઠિત મનોવૃત્તિના કાલ્પનિક દોરડાથી બંધાયેલા હોઈએ છીએ. – મને સંકોચ થાય છે. – મને શરમ આવે છે. – મને તક નથી મળતી. – મને કોઈ સપોર્ટ નથી મળતો. – મને માર્ગ નથી મળતો. – મારાથી આ નથી થઈ શકે તેમ… આ બધાં વિચારો, પૂર્વગ્રહો આપણને ફોગટના બાંધી રાખતા દોરડાઓ છે.

આપણે આપણાં મનમાં જ કાલ્પનિક રીતે ઉભી કરેલી આવ બંધનવૃત્તિથી છૂટવાની જરૂર છે. જેને ઉડવું છે એને આકાશ મળી રહે છે. જેને ગાવું છે એને ગીત મળી રહે છે. જેને ચાલવું છે એને દિશા મળી જ રહે.

એ જરૂરી નથી કે, પુર્નજન્મ માટે શરીરનો ત્યાગ કરવો, કેટલીક વાર વિચારોમાં પરિવર્તનથી પણ પુર્નજન્મ થઈ જાય છે. આપણો ખતરનાક દુશ્મન તથા જિગરજાન દોસ્ત કોણ ? આ બંને પ્રશ્ર્નનો જવાબ એક જ છે : જીભ !

આપણે પણ ક્યારેક ફકત અને ફકત આપણા અહમના કારણે, જે થયું નથી એ થવાની બીકે સંબંધોને ઉઝરડા પાડીએ છીએ.

કદાચ હાસ્યાસ્પદ લાગે તો એટલું કહી દઉં કે આ પ્રસંગ શ્રી ઓશોએ એમના એક વ્યક્તવ્યમાં કહ્યો છે. એ‌ હિન્દી ભાષાના પ્રવચનને તળપદી અને રોચક શૈલીમાં લખવાનો નાનો એવો પ્રયાસ કર્યો છે.

બે મિત્રો વચ્ચે ઝઘડો થયો. એટલો મોટો ઝઘડો થયો કે બન્નેના માથા ફૂટી ગયા અને હાથપગ છોલાઈ ગયા. બન્નેને ગામની પંચાયત સમક્ષ હાજર કરવામાં આવ્યા.

પંચોએ પુછ્યું – ‘ કેમ ઝઘડો કર્યો ? તમે તો મિત્રો છો ? ઝઘડાનું કારણ કહો પહેલા…’

બન્નેએ એકબીજાની સામે જોયું, પણ કોઈ કાંઈ બોલ્યું નહીં. એક – ‘એલા તું કે ને.’ બીજો – ‘ના, તું કે !’

પંચ બોલ્યું : બન્ને જણા વારાફરતી કહો.

એક – ‘અમે બે ભાઈબંધુ નદીના પટમાં બેઠાબેઠા ટાઢા પોરની વાતું કરતાં’તા. મેં કીધું કે મારે‌ ભેંસ લેવી સે. એમાં આવડું મોટું બાધણુ થૈ ગયુ.’

બીજો – ‘ઈમ નય, પુરું કે. સાયેબો, મેં એને ના પાયડી કે તું ભલો થૈ ને ભેંહ નો લેતો. મારે ખેતર લેવું સે. અને હું ખેતર લવ ને પસી તારી ભેંહ મારા ખેતરમાં ભેલાણ કરશે તો તને ખબર સે ને કે હું કેટલો ખારો સુ, પસે તારી ભેંહને મારે મારવી પડે, ઈ નો પોહાય અટલે તું ભેંહ નો લેતો.’

આ પણ વાંચો:Port Security: ભારત ટૂંક સમયમાં બ્યુરો ઓફ પોર્ટ સિક્યુરિટીની સ્થાપના કરશે : કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલ

એક – ‘સાયેબો, હું ઈના કરતાં ડબલ ખારો સુ. ફરરર કે’તા ખીલો કાઢું એવો સુ. મેં ઇને કીધું કે હું તો‌ ભેંહ લેવાનો જ સુ. તું ખેતરનું રેવા દે. અને ભેંહ તો ડોબું કેવાય. કયારે કોના ખેતરમાં ઞરી જાય એ નકકી નય. જો મારી ભેંહ તારા ખેતરમાં ગરી ને અને તે કાંઈ કર્યું તો માર્યા વગર નૈ મેલુ.’

બીજો – ‘માઈરા, માઈરા, તારા બાપડાડા કાંઈ ફટાકડી નો’તા બાંધતા. હું તો ખેતર લેવાનો જ સુ અને તારી ભગરી ભેંહને તું બાંધીને રાખજે, નકર એવી ઉતેડી નાખીશ કે ભાંભયડા નાંખતા ય નય આવડે.’

એક – ‘ભેંહ ને મુક તડકે, તે‌ એને એક હોટો ય માર્યો ને તું હું તારું આખુ ખેતર જ હળગાવી દૈશ, સમજી લે જે, હા. અને મારા બાપડાડા ભલે બંધુક નો રાખતા હોય પણ તારા જેટલા કરનલ-ઝરનલ હોય ઈને તું ય લેતો આવજે.’

બીજા એ નદીના પટમાં આંગળીથી ચોરસ દોર્યું અને કીધું, ‘ લે, આ લૈ લીધું મેં ખેતર. તેવડ હોય તો આમાં તારી ભેંહ ને મોકયલ એટલે ખોખરી કરી નાખું ‘

પહેલાએ નાની લાકડી એ‌ ચોરસમાં (બીજાના ખેતરમાં) ખોડી દીધી અને કીધું, ‘આ લે, આ મારી ભેંહ આયવી તારા ખેતરમાં. શું કરી લૈશ તું ?’

પછી બન્નેએ એકસાથે પંચોને કીધું કે, ‘સાયેબો, પસે હુ થયું ઈ તો તમને હંધાયને ખબર જ સે. આનું કપાળ ફૂટ્યું ને મારો ટોલો રંગાયો. બે ય ને કેટલાંય ઉઝયડા થયા સે અને મૂઢમાર તો અમી જ ઝાણવી કે કેવો કવરાવે સે… હવે તો નયથ ખેતર લેવું કે નયથ ભેંહ લેવી, પેલા આ દુ:ખાવાની દવા લેવી સે !

જીવનના ઊંડામાં ઊંડા ઘા પણ રૂઝાય જાય, જો આપણે તેને ખોતરવાના, બંધ કરી દઈએ તો ! જરૂરી નથી કે પુર્નજન્મ માટે શરીરનો ત્યાગ કરવો, કેટલીક વાર વિચારોમાં પરીવર્તનથી પણ પુર્નજન્મ થઈ જાય છે.

જીવનનું ગણિત મજાનું, ઉંમર ઉમેરીને બાદ થવાનું, જીતને જીતી જીવી જવાનું, અંતે શૂન્યમાં સમાઈ જવાનું. દરેક વિનાશને તળીયે, તમને ચોક્કસ ‘અહમ્’ જોવા મળશે. કદર વગર ઘસાવુ નહીં, કામ વગર બોલવુ નહીં, સલાહ દુનિયાની લેજો પરંતુ આત્મા કહે તેમજ કરજો – કારણ કે સૌથી વિશ્વાસુ આત્મા જ છે. બોલેલા વેણ તો બધા સમજે પણ છલકેલા નેણ જે સમજે એ જ આપણા. દેવું થાય તેટલું ખર્ચવું નહીં અને ભાવિ પેઢી આળસુ થાય એટલું બચાવવું નહીં.

પ્રાર્થના એ તો અગમ નીગમની અજાણી શક્તિનો મોબાઈલ છે, રીંગ કરતા રહેવું કો’ક દિવસ તો ઉપાડશે ! જન્મ લેવાના સમાચાર નવ મહિના પહેલા મળી જશે પણ જવાના સમાચાર નવ સેકન્ડ પહેલાં પણ નહીં મળે. માટે હે વિધાતા, તે જે નથી આપ્યું એનો અફસોસ ક્યારેય નહીં કરું, કારણ કે તે એવું પણ ઘણું આપ્યું છે જેની મેં કલ્પના પણ નહોતી કરી ! અર્થ એવો નથી કોઈ જુઠ્ઠુ છે, બધાનું સત્ય થોડું જુદું છે, બસ. ગ્રહોમાં માણસને મુખ્ય ચાર ગ્રહો નડતા હોય છે : સંગ્રહ, આગ્રહ, પરિગ્રહ અને પૂર્વગ્રહ ! બાહ્ય સંસારને જોવામાં સૌ કોઈ વ્યસ્ત છે, નિહાળી લ્યો ભીતરમાં ત્યાંનું જગત એક મસ્ત છે. શ્રાવણના સરવડાની સુમધુર શુભેચ્છાઓ !

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *