Banner Puja Patel

PG Experiences: પી.જી. માં રહેવાનાં અનુભવો


શીર્ષક:- પી.જી. માં રહેવાનાં ખરાબ અનુભવો(PG Experiences)

હેલ્લો મિત્રો! (PG Experiences) આજે હું આવી છું આપના બધાં ની વચ્ચે એક સામાન્ય ટોપિક લઇને કે જેનું શીર્ષક છે,”પી.જી. માં રહેવાનાં ખરાબ અનુભવો!” ખાસ કરીને જે ઘરથી બહાર બીજાં શહેરમાં અથવા તો બીજાં રાજ્યોમાં રહેવા જાય છે તે લોકો માટે આ લેખમાં મે તેમનાં ખરાબ અનુભવો લખ્યાં છે.

વિકાસ કોને નથી જોઈતો? કોણ એવું છે કે જે આજે દુનિયાથી પાછળ રહેવા માગે છે? બધાંને દુનિયામાં કદમ સાથે કદમ મિલાવી ચાલવું હોય છે અને પોતે જે જગ્યા પર છે ત્યાંથી આગળ વધવું હોય છે. પોતાની સફળતાની સીડી પરની ચઢાઈ પૂરી કરીને એક સ્તર પ્રાપ્ત કરવું હોય છે અને તે સ્તર પર ટકી રહેવા માટે પણ ઘણો સંઘર્ષ કરવો પડે છે.

એવામાં જો પી. જી.માં રહેવાની જરૂર પડે તો ત્યાં રહેવું પણ પડે છે. અને ત્યાં જે માનસિક તાણ અથવા કહો કે માનસિક અત્યાચાર સહેવો પડે તો પણ આપણી પાસે કોઈ રસ્તો નથી હોતો ત્યાં રહેવા સિવાય! કેમ કે સૌથી વધારે મહત્ત્વ આજે કારકિર્દી અને પૈસાવાળા લોકોને આપવામાં આવે છે તો એ જ પૈસા કમાવવા માટે પરિવારને પાછળ મૂકીને પી. જી. માં રહેવા આવવું પડે છે.

આ પણ વાંચો:- Thai jashe: માતા પિતા અને દોસ્તો દ્વારા એક જ વાત સાંભળવા મળે છે, “ચિંતા ન કરીશ; થઈ જશે

પી. જી.માં રહેવાનાં સૌપ્રથમ તો કાયદા કાનૂન અનુસરવાનું ! એ જ નિયમો અને શરતો કે જે દરેક ત્યાં રહેનારનાં બધાં જ નાગરિકો માટે અલગ અલગ હોય! તેમની એક નિયમોની ચોપડી હોય છે જેમાં નીચે મુજબ અમૂક નિયમો આપેલાં હોય છે અને જે બધાંને માનવાનાં હોય છે.

૧) રાતે નવ વાગ્યાં સુધીમાં આવી જવું અને પી. જી. માંથી બહાર નવ વાગ્યાં પછી નીકળવાની પરવાનગી નથી.
૨) છોકરાઓને પી. જી.માં લાવવા નહીં અને તેઓ પી. જી.ની આસપાસ પણ ન ફરકવા જોઈએ!

પી. જી.માં રહીએ એટલે અમુક સામાન્ય નુકસાન થાય જ કે જેની ભરપાઈ કોઈ કરવાનું તો નથી જ પરંતુ આપણે તેઓને કહી પણ દઈએ તો પણ સાંભળીને નકારવામાં આવે છે એ પણ નાની અમથી વાત કહીને! જેમ કે,
૧) સાબુ ચોરાઈ જવો (નાહવાનો અને કપડાં ધોવાનો બંને)
૨) વોશિંગ પાઉડર ખોવાઈ જવો
૩) મોબાઈલના ચાર્જર, કેબલ ગાયબ થઈ જવાં
૪) કેશ હોય તો તે પણ ખોવાઈ જાય
૫) ખાવા પીવામાં તો ખાસ;

  • રોટલી કાચી જ હોય,
  • શાકમાં તેલ વધારે હોય ઉપરાંત કોઈ પણ શાક હોય, ગોળ અથવા ખાંડ તેમાં હાજર જ હોય!
  • દાળ હંમેશા પાણી કે જેમાં હળદર નાંખીને પીળો કલર લાવી દીધો હોય તેવી લાગે!
  • ભાત તો ક્યારે કાચા અને ક્યારે પાકા તેનો ભેદભાવ જ ખબર ન પડે અને એ જ વધેલા ભાતની રાતે ખીચડી મળે!

એકતો પૈસા ભરો ઉપરથી સુવિધાઓ ઓછી મળે! જેટલી તેઓ પહેલાં કહેતાં હોય છે તેટલી સુવિધાઓ પૂરી પાડતા જ નથી! જેમાં એસી તો કામ જ ન કરતું હોય અને વોશિંગ મશીનને રિપેર કરવા વાળો હંમેશા અઠવાડિયાથી જ બહાનાં બતાવી બતાવીને ન આવતો હોય! કોઈ બીજી રૂમમેટસ કે જે નિયમોને ન અનુસરીને બધાં કામ કરે તો તેને પણ જતું જ કરવાનું કેમ કે એ તો પી.જી. નાં માલિકની ખૂબ જ લાડલી હોય.

જ્યાં આપણે જ પૈસા ભરીએ અને શાંતિથી જે માત્ર સુવા માટે પી. જી.માં આવતાં હોય છે અને ચેનથી જીવવા જ ન મળે! સુવિધાઓનાં નામ પર જે સિક્યુરિટી વાળા હોય તે જ એવું મગજ ખરાબ કરે કે ન કરો વાત! આપણે ઉપરોક્ત બનાવનો શિકાર બની અને જો ફરિયાદ કરવાની ભુલ કરીએ તો પણ આપણો જ વાંક! કહેશે કે, ” તમારો સામાન એ તમારી જવાબદારી છે. એમાં અમે કશું જ ન કરી શકીએ!”. આપણે ધ્યાનથી કબાટમાં સમાન મૂકેલો હોય અને જો તે ન મળે (ગાયબ થઇ ગયો હોય) તો પણ આપણી પાસે આપણી જ બેગ ચેક કરાવે! શું તર્ક છે આ વાતમાં?

હું અહીં બધાં જ પી. જી. ની નકારાત્મક અસરો અને બનાવો નથી કહી રહી પણ હાં, કાગડા બધે કાળા જ રંગનાં હોય છે. તો ઉપર મેં જેટલું આલેખન કર્યું છે એ તો બધાં જ પી.જી. ની સામાન્ય વાત છે! બાકી બધી જ જગ્યાએ ઉપરોક્ત તમામ બનાવ બનતાં હશે તેવું જરૂરી નથી!

આ સાથે, હું મારી કલમને વિરામ આપું છું, મળીશ હું નવા ટોપિક અને નવાં લેખ સાથે ખૂબ જ જલ્દી! ✍🏻પૂજા અનિલકુમાર પટેલ (ચીકી), અમદાવાદ (નોધ: આ લેખ લેખકના પોતાના અભિપ્રાય પર આધારિત છે।)

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *