34c706fc 5e47 4f84 9cda bc0d8d20e4eb

Zubaida Begum: મીનીકુમારી, મધુબાલા પણ જેમની પાસે ટિપ્સ લેવા જતાં

Zubaida Begum: આજની પેઢી દીપિકા પાદૂકોણને ઓળખે છે. કંગના રૈનાતને ઓળખે છે, પ્રિયંકા ચોપરાને ઓળખે છે, કરીના કપૂરને ઓળખે છે પણ ઝુબૈદાનું નામ તેઓ પહેલી જ વાર સાંભળી રહ્ય હશે.

ઝુબૈદાનું આખું નામ ઝુબૈદા બેગમ ધનરાજગીર હતું. તે ભારતની પહેલી બોલતી ફિલ્મ ‘આલમ આરા’ની હીરોઇન હતી. ૧૯૧૧માં આ અભિનેત્રીનો જન્મ થયો હતો. ઝુબૈદા બેગમ(Zubaida Begum) માત્ર એક્ટ્રેસ જ નહોતી. તે એક નવાબ પરિવારની પ્રિન્સેસ પણ હતી. તેનો જન્મ ગુજરાતના સુરત ખાતે થયો હતો. તે સચિનના નવાબ સીદી ઈબ્રાહીમ મુહમ્મદ યાકુબ ખાનની દીકરી હતી. તેની માતાનું નામ ફાતિમા બેગમ હતું. ઝુબૈદાને બે બહેનો હતી, સુલતાના અને શેહઝાદી.

અદ્ભુત સૌંદર્ય ધરાવતી ઝુબૈદા બેગમની માતા પણ સાઇલન્ટ ફિલ્મોની અભિનેત્રી હતી. ઝુબૈદા એક પ્રતિષ્ઠિત નવાબ પરિવારની શાહજાદી હોવા છતાં એણે એની માતાના પગલે ફિલ્મોમાં આવવાનું પસંદ કર્યું હતું. અલબત્ત, એ જમાનામાં યુવતીઓ માટે ફિલ્મોમાં કામ કરવું તે પ્રતિષ્ઠાપાત્ર ગણાતું નહોતું. તેના પિતા નવાબ સિંચન ધનરાજગીર તરીકે ઓળખાતા હતા. મા ફાતિમા બેગમ સાઇલન્ટ ફિલ્મોમાં કામ કરતી હતી ત્યારે ત્રણેય રૂપાળી બહેનોને ફિલ્મોમાં કામ કરવા ઑફર આવતી હતી પણ પિતા એનો ઇનકાર કરી દેતા હતા.
પરંતુ એક વાર પૃથ્વીરાજ કપૂર અને નિર્દેશક અરદેશર ઈરાનીએ નવાબ સાહેબને મનાવી લીધા અને તેઓ પોતાની પુત્રીઓ પણ ફિલ્મોમાં કામ કરે તે માટે સંમત થઈ ગયા.

ઝુબૈદા બેગમે માત્ર ૧૨ વર્ષની વયે જ એ વખતની ‘કોહિનૂર’ ફિલ્મ માટે કરાર કર્યો. એ મૂંગી ફિલ્મ હતી. એ પછી ઝુબૈદા બેગમની બંને બહેનોએ પણ ફિલ્મજગતમાં પદાર્પણ કર્યું. ૧૯૨૦સુધી ઝુબૈદા બેગમ તેની બહેનો સાથે ફિલ્મજગત પર વર્ચસ્વ જમાવતી રહી, અલબત્ત એ બધી જ સાઇલન્ટ ફિલ્મો હતી. ૧૯૨૫ સુધી ઝુબદા બેગમે નવ ફિલ્મો માટે કરાર કર્યા હતા. એ બધી જ ફિલ્મો રિલીઝ થઈ હતી. તેમાંની મુખ્ય ફિલ્મો (૧) દેવદાસ (૨) દેશ કા દુશ્મન અને (૩) કાલા ચોરને વર્ષો સુધી લોકો યાદ કરતા રહ્યા. આ ત્રણેય ફિલ્મો હીટ રહી. તે પછી ઝુબૈદા બેગમની બંને બહેનોએ પણ તેની સાથે જ ફિલ્મમાં કામ કર્યું. ‘કલ્યાણ અજીનાહ’ નામની એ સાઇલન્ટ ફિલ્મ લંડનના વેમ્બલી એક્ઝિબિશનમાં રજૂ થઈ અને એવોર્ડ જીતી ગઈ. તે પછી બાબુરાવ મિસ્ત્રીની ફિલ્મ ‘સિંહગઢ’માં પણ તેણે કામ કર્યું.

આ સમયગાળા દરમિયાન ફાતિમા બેગમ અને તેમની પુત્રીઓ દેશના ફિલ્મી જગત પર વર્ચસ્વ જમાવતી હતી. ૧૯૨૭માં ફાતિમા બેગમે કેટલીક ફિલ્મોનું નિર્માણ કર્યું જેમાં (૧) બુલબુલ (૨) લયલા મજનૂ (૩) નણંદ ભોજાઈ અને (૪) બલિદાનનો સમાવેશ થાય છે.

‘બલિદાન’ એક એવી ફિલ્મ હતી જે યુરોપમાં પ્રદર્શિત થઈ. ધી સિનેમોગ્રાફ કમિટી એસોસિયેશને ‘બલિદાન’ ફિલ્મની પ્રશંસા કરી. આ ફિલ્મની કથા બંગાળના મંદિરમાં અપાતા પશુઓના બલિદાન પર આધારિત હતી. આ ફિલ્મની મૂળ કથા કવિવર રવીન્દ્રનાથ ટાગોરની લખેલી હતી. ભારતીય ફિલ્મ બોર્ડના યુરોપિયન સભ્યોએ આ ફિલ્મને યુરોપમાં પ્રદર્શિત કરવા ભલામણ કરી હતી.

‘બલિદાન’ ફિલ્મની મુખ્ય અભિનેત્રી ઝુબૈદા બેગમ અને મુખ્ય કલાકાર અભિનેતાઓ માસ્ટર વિઠ્ઠલ અને જાલ ખંભાતા હતા.

Zubeida Begum Dhanrajgir: Latest News, Photos, Videos on Zubeida Begum  Dhanrajgir - India Forums
ઝુબૈદા બેગમ

તે પછી ૧૯૩૧માં પહેલી જ વાર ભારતમાં એક બોલતી ફિલ્મ બની. એ ટોકી ફિલ્મનું નામ ‘આલમ આરા’. તેની મુખ્ય અભિનેત્રી ઝુબૈદા બેગમ હતી. તા. ૧૪ માર્ચ ૧૯૩૧ના રોજ ‘આલમ આરા’ ફિલ્મ મુંબઈના ‘મેજિસ્ટિક સિનેમા’માં પ્રદર્શિત થઈ. આમ ઝુબૈદા બેગમ તે ભારતની પહેલી સાઉન્ડટ્રેક ધરાવતી બોલતી હિન્દી ફિલ્મની પહેલી અભિનેત્રી બની ગઈ. આમ ઝુબૈદા બેગમ એક એવી અભિનેત્રી રહી જેણે મૂંગી ફિલ્મોમાં ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ. તેની કારકિર્દીની આ સૌથી મોટી હિટ ફિલ્મ હતી. આલમ આરા ફિલ્મની સફળતા બાદ ઝબંદા બેગમની માંગ વધી ગઈ અને એ જમાનામાં સૌથી વધુ વેતન પ્રાપ્ત કરતી મહિલા બની ગઈ. એ જમાનામાં અભિનેતા કે અભિનેત્રીએ જે તે ફિલ્મ કંપનીમાં પગાર પર કામ કરવું પડતું,

૧૯૩૮થી ૧૯૪૦૬રમિયાન ઝુબૈદા બેગમે ઘણી હિટ ફિલ્મો આપી. એ જમાનામાં એ હોટ એક્ટ્રેસ ગણાવા લાગી હતી. એ કારણે એના વિશે ધણી નિષેધાત્મક વાતો ચાલતી હોવા છતાં તે ફિલ્મોમાં કામ કરતી રહી ! ઝુબૈદા બેગમના કેટલાક નિર્દેશકો સાથેના સંબંધો અંગે વાતો ઘુમરાતી હતી પરંતુ ઝુબૈદા બેગમે તેની પરવા કર્યા વિના અભિનય કરવાનું ચાલુ રાખ્યું.

ઝુબૈદા બેગમે ‘શુભદા, ઉત્તરા અને દ્રૌપદી’ ફિલ્મમાં કામ કરી તેના અભિનયક્ષેત્રમાં પ્રતિષ્ઠાનું એક વધુ પીછું ઉમેર્યું. ૧૯૩૪માં ઝુબૈદાએ ‘મહાલક્ષ્મી’ અને ‘ગુલે સોનબાર’ તથા ‘રસિક એ લયલા’ જેવી હિટ ફિલ્મો આપી. અલબત્ત, આ એના જીવનનો બહુ ખરાબ સમય હતો. નેગેટિવ ગોસિપના કારણે કેટલાક નિર્દેશકો સાથેની કેટલીક ફિલ્મો એળે છોડવી પડી, જે બીજી અભિનેત્રીઓના ફાળે ગઈ.

૧૯૫૦ સુધી તે કામ કરતી રહી. તેની છેલ્લી ફિલ્મ ‘નિર્દોપ અબલા’ હતી. એ ફિલ્મની કથા અનેક પ્રશ્નોનો સામનો કરતી એક નિઃસહાય સ્ત્રીના જીવન પર આધારિત હતી. વાસ્તવમાં ઝુબૈદા બેગમના જીવનની કથા પણ એ ફિલ્મની કથા સાથે મળતી આવતી હતી.

એ પછી એની ઘણી ફિલ્મો માટે ઓફર્સ આવતી રહી પરંતુ તે એ બધી ફિલ્મો સ્વીકારવા ઇનકાર કરતી રહી.

એ સમયગાળા બાદ ઝુબૈદા બેગમે ધનરાજગીર ગ્યાન બહાદુર સાથે લગ્ન કરી લીધાં. જેઓ હૈદરાબાદના મહારાજાઓ પૈકીના એક હતા. આ લગ્ન બાદ ઝુબૈદાએ એક પુત્રને જન્મ આપ્યો જેનું નામ હુમાયુ ધનરાજગીર. ઝુબૈદાના પૌત્ર-પૌત્રીઓમાં નિખિલ ધનરાજગીર, અશોક ધનરાજગીર, રિયાપિલ્લાઈ અને કરેન નીનાનો સમાવેશ થાય છે.

લગ્ન બાદ ઝુબૈદાએ મોટા ભાગનું જીવન મુંબઈ ખાતેના ધનરાજ મહેલ પેલેસમાં શાંતિપૂર્વક વીતાવ્યું. એ સમયગાળા દરમિયાન સુરૈયા, મીનાકુમારી, મધુબાલા, નરગિસ અને વહીદા રહેમાન પણ ઝુબૈદાને મળતી રહી અને અભિનય કળા અંગેની ટિપ્સ મેળવતી રહી, જે પાછળથી સ્વયં ખુદ એક લેજન્ડ બની રહી. ૧૯૮૮માં ઝુબૈદાનું મુંબઈ ખાતે અવસાન થયું. ઝુબૈદા લેજન્ડરી અભિનેત્રીઓ માટે પણ એક રોલ મોડેલ હતી. હવે નવી પેઢી તો

ઝુબદા બેગમને ઓળખતી નહિ હોય, પરંતુ હજુ થોડાક એવા લોકો છે જે ઝુબૈદાને યાદ કરે છે.

Gujarati banner 01