Dussehra 2023: દશેરાનો ઉત્સવ એટલે વિજયપ્રસ્થાનનો ઉત્સવ…

Dussehra 2023: ફાફડા-જલેબીનાં ફોટો પર ‘હેપ્પી દશેરા’ લખેલાં ફોટો સાથે કોઈને વિશ કરતાં હો તો ન કરવું: વૈભવી જોશી

Dussehra 2023: લો જોતજોતામાં નવરાત્રી પુરી પણ થઇ ગઈ અને આજે દશેરાનો તહેવાર પણ આવી ગયો. આસો સુદ દશમનો દિવસ એ દશેરાનાં દિવસ તરીકે ઓળખાય છે. દશેરા એટલે વીરતાની અને શૌર્યની ઉપાસનાનું પર્વ. દશેરાનો ઉત્સવ એટલે ભક્તિ અને શક્તિનો ઉત્સવ.

નવરાત્રીનાં નવ દિવસ જગદંબાની ઉપાસના કરી શક્તિ પ્રાપ્ત કરેલો મનુષ્ય વિજયપ્રાપ્તિ માટે થનગની ઊઠે એ તદ્દન સ્વાભાવિક છે. નવરાત્રિનાં નવ દિવસ બાદ દસમો દિવસ નવ શક્તિઓનાં વિજયનાં ઉત્સવ તરીકે વિજયાદશમી રૂપે ઉજવાય છે. આ રીતે જોતાં દશેરાનો ઉત્સવ એટલે વિજયપ્રસ્થાનનો ઉત્સવ.

શિવાજીએ ઔરંગઝેબને હરાવવા આ જ દિવસે પ્રયાણ કર્યું હતું. મોટા ભાગનાં હિંદુ રાજાઓ પણ જયારે કોઈ લડાઈ કરવાની હોય તો આ જ દિવસે વિજય પ્રસ્થાન કરતાં હતાં. વળી, પાંડવો ગુપ્તવાસમાં રહ્યા હતાં ત્યારે પોતાનાં હથિયારો શમીનાં વૃક્ષમાં સંતાડ્યાં હતાં. આજનાં દિવસે શમીનાં વૃક્ષનું પૂજન કરીને હથિયારો પાછાં લીધાં હતાં. અનેક પૌરાણિક કથાઓની સ્મૃતિ કરાવતો આ ઉત્સવ બાહ્ય તથા આંતરિક વિજયનો આનંદ મનાવવાનો દિવસ છે.

જો કે આજકાલ દશેરાનાં તહેવારની ઉજવણી શસ્ત્રો અને વાહનોની પૂજા કરી, પીળા ફુલનાં હાર પહેરાવી કરવામાં આવે છે. સ્વાભાવિક છે કે આજકાલ ભાગ-દોડવાળા જીવનમાં સમયને તથા કામનાં ભારણને પહોંચી વળવા માટે સૌથી ઉપયોગી સાધન વાહનો છે તેથી તેમનું મૂલ્ય ઉપયોગને ધ્યાનમાં રાખી વધુ આંકવામાં આવે છે.

વાહનો બાદ પ્રવર્તમાન સમયમાં દશેરાની ઉજવણીમાં સૌથી વિશેષ મહત્ત્વ ફાફડા-જલેબીનું છે. ફાફડા-જલેબીની ઉજાણી જાણે દશેરા તહેવારનાં પર્યાયરૂપ બની ગઈ છે ! પરિવારમાં, મિત્રમંડળ સાથે કે સમૂહમાં સોસાયટીમાં રાસ-ગરબાનાં નવ દિવસનાં ઉત્સવનાં સમાપનરૂપે ફાફડા-જલેબીની ઉજાણી પ્રચલિત છે જેનું કોઈ જ અનુસંધાન નથી.

Fafda Jalebi

માટે મહેરબાની કરી ફાફડા જલેબીને દશેરા કે વિજયાદશમીનાં તહેવાર સાથે કોઈ પણ રીતે મારી મચડીને સાંકળવાનો પ્રયત્ન ન જ કરવો. આખા વર્ષમાં ગમે ત્યારે ખાઈ શકાય. અરે ! જેઠાલાલની જેમ દર રવિવારે ખાઓ પણ જીવન ફાફડા જેવું સીધું અને સરળ જાય કે પાછું જલેબીને જીવનની મીઠાશનાં અર્થમાં સાંકળીને ફોટા પર આવાં જાતજાતનાં લખાણ લખી મન ફાવે તેમ અનુસંધાન પ્રસ્થાપિત કરી મૂળ ભાવ કે આ તહેવારની પાછળ રહેલાં હાર્દથી આજની અને આવનારી પેઢીને વિમુખ ન કરવાં આગ્રહભરી વિનંતી છે.

દરેક તહેવારની ઉજવણીની ખાસ રીત અને મજા હોય છે. તે મુજબ સાર્વત્રિક રીતે રાવણદહનનો આનંદ પણ આ દિવસે લેવામાં આવતો હોય છે. પ્રાચીન કથાનુસાર રામ-રાવણનું યુદ્ધ સમાપ્ત થયું અને આ દિવસે રાવણનો વધ થયો તેનાં પ્રતિકરૂપે રાવણદહન એટલે કે રાવણનું પૂતળું બાળવામાં આવે છે. પરંતુ શું દશેરા જેવા પ્રાચીન અને મહત્ત્વપૂર્ણ તહેવારનું મૂલ્ય વાહન, ઘરેણાં, મકાનની ખરીદીનું મુર્હત કે પછી ફાફડા-જલેબીની ઉજાણી કે રાવણનું પૂતળું બાળવા જેટલું જ છે ??

જી ના બિલકુલ નહિ..!! આપણા શાસ્ત્રો અને પૌરાણિક માન્યતાઓ અનુસાર ભારતનાં પૂર્વ અને દક્ષિણનાં રાજ્યોમાં મા દુર્ગા અને મહિષાસુર રાક્ષસ વચ્ચે નવ દિવસ યુદ્ધ ચાલ્યું હતું. દસમાં દિવસે મહિષાસુરનો નાશ થતાં અસૂરો પર શક્તિનાં વિજયનો ઉત્સવ મનાવવામાં આવે છે. ભારતીય સંસ્કૃતિમાં અસત્ય પર સત્યનાં વિજયને કેન્દ્રમાં રાખી અનેક કથાઓ, માન્યતાઓ અને ઉત્સવોનું મહત્વ છે.

એક માન્યતાનુસાર અર્જુને કૌરવો પર વિજય પ્રાપ્ત કર્યો તે પણ દશેરાનો દિવસ હતો. આમ ભારત જેવા ભૌગોલિક દ્રષ્ટિએ વિશાળતા ધરાવતા અને ભાષા-પરંપરામાં વિવિધતા ધરાવતા દેશમાં દશેરાની ઉજવણી વિશેની માન્યતા અલગ-અલગ હોઈ શકે છે પરંતુ તેનાં કેન્દ્રમાં તો સત્યનો વિજય જ છે.

દરેક વ્યક્તિ એ રામ અને રાવણનું મીશ્રણ છે. કોઈ સંપૂર્ણ પણે રામ કે સંપૂર્ણપણે રાવણ નથી હોતો. રાવણમાં ગમે તેટલું રાક્ષસત્વ કેમ ન હોય, તેના ગુણોને અવગણી ન શકાય. રાવણ એક અતિ બુદ્ધિમાન બ્રાહ્મણ તથા પરમ શિવભક્ત હતો. તે મહા તેજસ્વી, પ્રતાપી, પરાક્રમી, તથા વિદ્વાન હતો. વાલ્મીકિ તેના ગુણોને નિષ્પક્ષતા સાથે સ્વીકાર કરતા તેને ચારે વેદોનો વિશ્વવિખ્યાત જ્ઞાતા અને મહાન વિદ્વાન બતાવે છે. તે પોતાના રામાયણમાં હનુમાનનાં રાવણનાં દરબારમાં પ્રવેશ સમયે લખે છે:

અહો રૂપમહો ધૈર્યમહોત્સવમહો દ્યુતિ:
અહો રાક્ષસરાજસ્ય સર્વલક્ષણયુક્તતા

આગળ તેઓ લખે છે “રાવણને જોતાં જ શ્રી રામ મુગ્ધ થઈ જાય છે અને કહે છે કે રૂપ, સૌન્દર્ય, ધૈર્ય, કાન્તિ તથા સર્વલક્ષણયુક્ત હોવા છતાં પણ આ રાવણમાં અધર્મ બળવાન ન હોત તો આ દેવલોકનો પણ સ્વામી બની જાત”. રાવણ તો એટલું ઊંડું પાત્ર કહી શકાય કે ફક્ત એના પર સવિસ્તર લેખ લખી શકાય પણ એ વાત ફરી કયારેક.

શ્રાપ રૂપે ધરતી પર અવતાર તો લીધો પણ એને પણ મોક્ષ જોઈતો હતો. તુલસીદાસ અનુસાર રાવણ વિચારે છે કે જો સ્વયં ભગવાને અવતાર લીધો છે તો હું જઈને તેમનાથી હઠપૂર્વક વેર કરીશ અને પ્રભુનાં બાણોનાં આઘાતથી પ્રાણ છોડી ભવબંધનથી મુક્ત થઈ જઈશ.

એમ આ મનુષ્ય જન્મમાં આપણી ભીતરનાં દુર્ગુણોરૂપી રાવણને હણવાની જ વાત છે. જ્યાં રાવણ અભિમાની અને અહંકારી હતો ત્યાં જ તેનામાં શિષ્ટાચાર અને ઊંચા આદર્શોવાળી મર્યાદાઓ પણ હતી. જે લોકો આજનાં સમયમાં રાવણનાં પૂતળા બાળીને સ્વયંનાં અહંને પોષે છે શું તેઓ પોતે ખરેખર એના જેટલાં શિષ્ટાચાર અને આદર્શો ધરાવે છે??

રાવણનો અહંકાર જ એનો શત્રુ હતો અને એટલે જ એનો નાશ પણ થયો. જો આવા પરાક્રમીનો નાશ કરવા સ્વયં સૃષ્ટિનાં પાલનહાર શ્રી વિષ્ણુએ અવતરિત થવું પડે તો એ રાવણ કેવો હશે ? શું આપણે ખરેખર રાવણનાં પૂતળા બાળવાનું સામર્થ્ય ધરાવીએ છીએ ? મારી વાત પર એક વાર વિચાર ચોક્કસ કરજો.

રાવણ મહાજ્ઞાની, મહાપરાક્રમી અને વિદ્વાન હતો અને એટલે કદાચ એનામાં અહંકાર હતો એ કદાચ સમજી પણ શકાય પણ આજનાં સમયમાં તો મોટાં ભાગે ‘અધૂરો ઘડો છલકાય ઘણો’ની સ્થિતી પ્રવર્તે છે. રાવણ પાસે હતું એના કરતા જો પા ભાગનું જ્ઞાન કે એના જેટલું સામર્થ્ય આપણી પાસે હોય તો આપણો ઉદ્ધાર થઈ જાય.

અમુક વખતે આપણે જોતાં હોઈએ છીએ કે લોકોને ખબર નહિ કઈ વાતનું અભિમાન હોય છે કે શેનાં કારણે આટલો અહંકાર હોય છે. આ સવાલ દરેકે પોતાની જાતને પૂછવો જ રહ્યો. વર્તમાન સમયમાં દશેરા સાચા અર્થમાં ઉજવવાની સાચી રીત મારાં દૃષ્ટિકોણથી સાવ અલગ છે.

આ તહેવાર આપણા મનમાં વિજયનો ભાવ જગાવે છે અને આપણી જ્ઞાન અને વિવેક રૂપી શક્તિઓનું જાગરણ કરી આપણા અજ્ઞાન રૂપી અંધકાર અને આપણામાં રહેલાં કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, આશા, તૃષ્ણા, અહંકાર, ઇર્ષ્યા આ દશ મહાશત્રુને જીતીએ ત્યારે આપણે ખરા અર્થમાં રાવણનો નાશ કર્યો કહેવાય અને દશેરા ઊજવ્યા કહેવાય !

નવ નોરતાં પછી દસમાં દિવસે માતાજીએ મહિષાસુર રાક્ષસનો વધ કરીને આસુરી શક્તિ પર વિજય મેળવ્યો હતો. અસુરતાનો અર્થ આપણે માત્ર રાક્ષસ એવો નથી સમજવાનો, પરંતુ રાક્ષસ જેવી વૃત્તિને તિલાંજલિ આપવાની વાત છે. આજે રાવણ કે મહિષાસુર તો જીવંત નથી, પણ આપણી અંદર રાક્ષસ જેવી વૃત્તિઓ ચોક્કસ છે, જેને દૂર કરીને દુર્ભાવો અને દુર્ગુણોને માત આપીને જાતનો ઉદ્ધાર કરીએ તો ખરાં અર્થમાં જાતને જીતીને વિજયાદશમી મનાવી ગણાશે !

જો જરા, અંધકારને અળગો કરી ;
જ્યોત ભીતરમાં રહી છે ઝળહળી.

આપને અને આપના પરિવારને ખરાં અર્થમાં વિજયાદશમી અને દશેરાની હાર્દિક શુભેચ્છાઓ..!!

-વૈભવી જોશી

(વિશેષ નોંધ: ફાફડા-જલેબી પ્રેમીઓ ખાસ વાંચે અને મહેરબાની કરીને 🙏 આજે ફાફડા-જલેબીનાં ફોટો પર ‘હેપ્પી દશેરા’ લખેલાં ફોટો સાથે કોઈને વિશ કરતાં હો તો ન કરવું. જાતજાતનાં લખાણ લખી મન ફાવે તેમ અનુસંધાન પ્રસ્થાપિત કરી મૂળ ભાવ કે આ તહેવારની પાછળ રહેલાં હાર્દથી આજની અને આવનારી પેઢીને વિમુખ ન કરવાં આગ્રહભરી વિનંતી છે. દશેરા એટલે ફાફડા-જલેબી તો નહિ જ પણ એ સિવાય ઘણું બધું એટલે આખો લેખ ધ્યાનથી વાંચવા વિનંતી.)

આ પણ વાંચો… Adani Ahmedabad Marathon: પૂર્વ ભારતીય મહિલા ક્રિકેટર મિતાલી રાજ અદાણી અમદાવાદ મેરેથોનને ફ્લેગ ઓફ કરશે

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો