guru purnima 2023

Guru Purnima-2023: અષાઢી પૂર્ણિમા ભક્તિ અને જ્ઞાનનાં રસ્તે ચાલતાં સાધકો માટે વિશેષ મહત્ત્વ ધરાવે છે: વૈભવી જોશી

Guru Purnima-2023: આમ જોવા જઈએ તો આખા વર્ષ દરમિયાન અનેક પૂર્ણિમા આવે છે જેમ કે, શરદ પૂર્ણિમા, કાર્તિકિ પૂર્ણિમા, વૈશાખ પૂર્ણિમા વગેરે… પરંતુ આ બધામાં અષાઢી પૂર્ણિમા થોડી વધારે ખાસ તો ખરી જ કેમકે અષાઢી પૂર્ણિમા ગુરુ પૂર્ણિમા તરીકે ઉજવાય છે. જ્ઞાન મેળવવા માટે ગુરુનું હોવું અતિ આવશ્યક છે. આદિ ગુરુ મહર્ષિ વેદ વ્યાસનો જન્મ અષાઢ પૂર્ણિમા પર થયો હતો. તેમનાં માનમાં અને ગુરુનું મહાત્મ્ય સમજવા માટે તથા એમનાં પ્રત્યેનાં પૂજ્યભાવને પ્રગટ કરવા માટે અષાઢ મહિનાની પૂર્ણિમાને ગુરુ પૂર્ણિમાનાં પર્વ તરીકે ઉજવવામાં આવે છે.

અષાઢ મહિનામાં આવતી પૂર્ણિમાની ખબર પડતી નથી. હું એટલું ચોક્કસ કહીશ કે આજે અષાઢી પૂનમનો ચાંદ ખાસ જોજો. આકાશમાં વાદળો છવાયેલા હોય છે અને ચંદ્ર દેખાતો નથી. ચંદ્ર વગરની કેવી પૂર્ણિમા ! તમે ક્યારેય કલ્પના કરી શકો છો ? ચંદ્રનાં ચમકતાં કિરણો વિના, પૂર્ણ ચંદ્રનો અર્થ શું હશે ? જો પૂર્ણ ચંદ્રનો ઉલ્લેખ કરવામાં આવે તો શરદ પૂર્ણિમાને કેમ શ્રેષ્ઠ માનવામાં આવે છે ?

અષાઢની પૂર્ણિમાની પસંદગી પાછળ ખૂબ ઊંડો અર્થ રહેલો છે. ગુરુ સંસ્કૃતમાંથી ઉતરેલો શબ્દ છે. શાસ્ત્રોમાં ‘ગુ’ નો અર્થ અંધકાર અને ‘રુ’ એટલે તેમાંથી બહાર લાવનાર. આ મુજબ ગુરુનો અર્થ અજ્ઞાન રૂપી અંધકારમાંથી બહાર લાવનાર તથા જ્ઞાન રૂપી પ્રકાશ આપનાર એવો થાય છે.

આ અર્થ મુજબ જોવા જઈએ તો ગુરુ પૂર્ણિમાનાં ચંદ્ર જેવા છે, જે પ્રકાશથી ભરેલાં છે અને શિષ્ય અષાઢનાં વાદળો જેવા છે. અષાઢમાં, ચંદ્ર વાદળોથી ઘેરાયેલો છે જેમ ગુરુ વાદળો જેવા શિષ્યોથી ઘેરાયેલા છે. શિષ્ય બધા પ્રકારનાં હોઈ શકે છે. તેઓ કાળા વાદળો જેવાં છે અને તેમાં પણ ગુરુ ચંદ્રની જેમ ચમકી શકે છે. તે અંધકારમય વાતાવરણમાં પણ પ્રકાશ લાવી શકે છે, તે જ ગુરુ પદની શ્રેષ્ઠતા છે.

Guru Purnima-2023 vaibhavi joshi,

અષાઢી પૂર્ણિમા ભક્તિ અને જ્ઞાનનાં રસ્તે ચાલતાં સાધકો માટે વિશેષ મહત્ત્વ ધરાવે છે. આ દિવસે આકાશમાં અલ્ટ્રા વાયોલેટ રેડિએશન ફેલાય છે. જેનાં કારણે વ્યક્તિનું શરીર અને મન એક વિશેષ સ્થિતિમાં આવી જાય છે. ત્યારે આ સ્થિતિ સાધક માટે ખૂબ જ લાભદાયી હોય છે. ખગોળ શાસ્ત્રની દ્રષ્ટિએ એની અસર એ થાય છે કે, ધ્યાન વગેરે માટે આ સમય સૌથી ઉત્તમ બની જાય છે. આત્મઉત્થાન અને કલ્યાણ માટે ગુરુ પૂર્ણિમાનો દિવસ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી પણ અતિ ઉત્તમ છે.

આપણી સંસ્કૃતિ અને ધર્મની ઈમારતનો પાયો જ્ઞાન છે. મનુષ્યને જન્મ અને સંસ્કાર આપનાર માતાપિતા પછી એને શિક્ષિત કરનાર ગુરુ કે શિક્ષકનું સ્થાન વિશિષ્ટ છે. જોકે હવે ગુરુ શિષ્યની પરંપરા તો રહી નથી પણ ભારતીય સંસ્કૃતિમાં ગુરુનો ઈતિહાસ આદિકાળથી છે. ગુરૂપૂર્ણિમા એટલે મહાભારતનાં રચયિતા કૃષ્ણ દ્વૈપાયન વ્યાસજીનો જન્મદિવસ.

આદિ ગુરુ ભગવાન નારાયણ જ વેદવ્યાસનો અવતાર લઈ પ્રગટ થયાં હતાં એવી માન્યતા છે. એમનાં જીવનનો સાર એ છે કે જ્ઞાનનો વિસ્તાર થવો જોઈએ. એ યોગ્ય વ્યક્તિ સુધી પહોંચવું જોઈએ. જ્ઞાન એકલું પૂરતું નથી પણ તેની સાથે કર્તવ્ય, નિષ્ઠા અને સમર્પણ પણ ભળવાં જોઈએ. ભગવાન પણ અવતાર લઈને આવે છે ત્યારે ગુરુ ગૃહે જઈ વિદ્યાભ્યાસ કરી ગુરુ પૂજનનું મહત્વ સમજાવે છે.

વેદ-વ્યાસજીનો જન્મ યમુના નદીનાં દ્વીપમાં થયો હતો માટે તેમનું નામ ‘દ્વૈપાયન’ પડ્યું, શરીરનો રંગ શ્યામ હોવાથી તેમનું નામ ‘કૃષ્ણ દ્વૈપાયન’ પડયું અને સૌ પ્રથમ વેદોનાં વિભાગ કરવાથી તેઓ ‘વેદ-વ્યાસ’ તરીકે ઓળખાયા. એજ ‘વેદ-વ્યાસજી’નાં સંભારણા એટલે ગુરુપૂર્ણિમા જેને વ્યાસે પૂર્ણિમા કહેવાય છે. એમના પિતા મહામુની પરાશર હતાં અને માતા સત્યવતી. વેદ વ્યાસજીએ ૧૮ પુરાણો અને અનેક ગ્રંથોની રચના કરી છે. તેઓ સંસ્કૃતનાં પ્રખર વિદ્વાન હતાં.

ખરેખર તો ગુરુનાં ગુરુ ભગવાન નારાયણ છે છતાં ભારતીય પરંપરામાં નારાયણ સુધી લઈ જનાર ગુરુનું અનેરું મહત્વ છે. ભારતીય સનાતન ધર્મનો મૂળ આધાર વેદ, ઉપનિષદ અને ગ્રંથો છે. ગહન વેદોને સરળ ભાષામાં સમજાવી, લોકભોગ્ય બનાવી ઘરેઘરે પહોંચાડનાર જો કોઇ હોય તો તે મહર્ષિ વેદવ્યાસ છે. વિશ્વનો સૌથી મોટો ગ્રંથ જેમાં એક લાખ શ્લોકો છે એવા મહાભારતની રચના પણ તેમણે જ કરી છે.

‘બ્રહ્મસૂત્ર’ જેવાં તત્વજ્ઞાનથી ભરપુર અદ્વિતીય ગ્રંથની રચના પણ તેમણે કરી હતી. વ્યાસ મુનિએ તેમનાં ચાર મુખ્ય શિષ્યોને વેદોનું જ્ઞાન આપ્યું હતું, ‘વૈશમ્ગ્પાયમુનિ’ને યજુર્વેદ, ‘જૈમીની’ મુનીને ‘સામવેદ’, ‘સુમન્તુમુની’ને ‘અર્થવવેદ’ જયારે ‘સૂતમુનિ’ને ઈતિહાસ અને પુરાણનું જ્ઞાન આપ્યું હતું. શ્રીમદ્ ભગવદ્ ગીતામાં પણ ભગવાન શ્રીકૃષ્ણે વ્યાસને પોતાની વિભૂતિ બતાવી છે, સનાતન ધર્મમાં જે સાત ચિરંજીવી છે તેમાંનાં એક વ્યાસ મુનિ પણ ચિરંજીવી છે.

વેદ વ્યાસજીએ શ્રીમદ મહાભારત આદિ ગ્રન્થોની રચના અને વેદોનાં ચાર ભાગ કરી ભારતીય સંસ્કૃતિને જીવંત રાખીને વિશ્વમાં ગુરુ સ્થાને મુકી છે. એવા મહર્ષિ વેદ વ્યાસનાં ઋણને ભારતીય પ્રજા ક્યારેય ભૂલી શકે તેમ નથી. વિશ્વની પ્રજા જ્યારે અંધકારમાં જીવતી હતી ત્યારે ભારત વર્ષમાં ધર્મનો સૂરજ ઝળહળતો હતો જેનાં જ્યોર્તિધર હતાં મહર્ષિ વેદ વ્યાસ.

ગુરુ પૂર્ણિમા બૌદ્ધ ધર્મનાં લોકો માટે પણ ખૂબ જ શુભ તહેવાર માનવામાં આવે છે. આ દિવસે જ ભગવાન બુદ્ધે પ્રથમ ઉપદેશ આપ્યો હતો. જેથી આ દિવસને બુદ્ધ પૂર્ણિમા પણ કહેવાય છે. આ તહેવાર હિંદુઓ, જૈનો અને બૌદ્ધો દ્વારા પોતાનાં ગુરુનો આદર કરવા માટે ખૂબ સન્માનભેર ઉજવવામાં આવે છે.

મને હંમેશા સાચા માર્ગ તરફ દોરવા માટે, મારામાં સંસ્કારોનું સિંચન કરવા માટે, મારાં ઘડતર પાછળ અથાગ પરિશ્રમ કરવાં માટે અને મને જીવનનો સાચો અર્થ સમજાવવાં માટે મારાં સહુ પ્રથમ ગુરુ માતાપિતાની આજીવન ઋણી તો ખરી જ. પણ એ સિવાય આ ગુરુ પૂર્ણિમાનાં પાવન અવસર પર મારાં જીવનનાં ઉત્કર્ષમાં શરૂઆતથી આજદિન સુધી પ્રત્યક્ષ યા પરોક્ષ રીતે અગત્યનો ભાગ ભજવનાર સૌ ગુરુજનો, શિક્ષકો અને મહાનુભાવોને યાદ કરું છું અને કોટી કોટી વંદન કરું છું. આજનો દિવસ એ ઋણ સ્વીકારનો અને કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો દિવસ છે.

હું રહી કૃષ્ણપ્રેમી એટલે મારે મન તો ગુરુઓનાંય ગુરુ એવાં જગતગુરુ શ્રી કૃષ્ણને મનોમન વંદન કરવાનો દિવસ પણ જેમણે પૃથ્વી પર મનુષ્ય અવતાર લઈને એ તમામ ગુણો પછી એ ક્રોધ હોય, સુખ હોય કે પીડા અનુભવી જાણ્યા અને જીવી પણ જાણ્યા. જીવન જીવવાની સાચી રીત મનુષ્ય તરીકે જીવીને બતાવી. એનાથી ઉત્તમ ગુરુ બીજું કોણ હોઈ શકે? ગુરુપૂર્ણિમા એટલે ભારત વર્ષની સંત પરંપરાને વંદન કરવાનો પણ દિવસ.

દરેક વ્યક્તિએ પોતાનાં જીવનમાં ગુરુ અવશ્ય બનાવવા જોઈએ. ગુરુ પૂર્ણિમાં અંધશ્રદ્ધાનાં આધારે નહિ પણ આદરથી અને યોગ્ય વ્યક્તિ માટે ઉજવાવી જોઈએ. આપ સહુને મારાં તરફથી ગુરુપૂર્ણિમાની ખૂબ ખૂબ શુભેચ્છાઓ..!!

આ પણ વાંચો:Millet’s Pizza: આંતરરાષ્ટ્રીય મિલેટ યર નિમિત્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મિલેટ્સ પીત્ઝાનો લોન્ચિંગ કાર્યક્રમ યોજાયો

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *