Independence: ભગવાને માનવીને સ્વતંત્રતા આપી છે, બુદ્ધિ આપી છે અને તેથી તે પોતાની બુદ્ધિનો કે પોતાની શક્તિનો દુરુપયોગ કરી શકે: વિદિતાત્માનંદ સરસ્વતીજી
“સ્વતંત્રતા“(Independence)
પૂજય સ્વામી વિદિતાત્માનંદ સરસ્વતીજીની વાણી; ભાગ-3
Independence: ભગવાને મનુષ્યને સ્વતંત્રતા આપી છે જેને અંગ્રેજીમાં free will કહે છે. જ્યાં સ્વતંત્રતા હોય, જ્યાં કોઈ પ્રકારનો અધિકાર પ્રાપ્ત થયો હોય ત્યાં તેનો દુરુપયોગ થવાની પૂરેપૂરી શક્યતા હોય જ છે. એમ જાહેર કરવામાં આવે કે આવકવેરાનો કોઈ નિયમ રાખવામાં નહીં આવે, તમે તમારી મેળે ગણતરી કરીને વેરો આપી દેજો, સરકાર તપાસ નહીં કરે, તો પછી લોકો કેટલો આવકવેરો આપશે ?
પેલી કથા જેવું થાય. :
એક બાબત અંગે ચર્ચા દરમિયાન બીરબલે અકબરને કહ્યું, ‘જહાંપનાહ, લોકો કેટલા પ્રામાણિક છે તેની તમારે પરીક્ષા કરવી હોય તો બધાને આદેશ આપો કે સવાર સુધીમાં એક એક લોટો દૂધ આ હોજમાં નાખી જાય.’ અકબર બાદશાહે એવો હુકમ કર્યો. બીજે દિવસે જોયું તો હોજમાં નર્યું પાણી જ હતું! કારણ? દરેકને એમ કે બીજા દૂધ રેડશે તેમાં હું એકાદ લોટો પાણી નાખું તો ક્યાં ખબર પડવાની છે ? પરિણામે એક પણ માણસ એવો ન નીકળ્યો જે દૂધ રેડી ગયો હોય!
એટલે છૂટ આપવામાં આવે તો માનવી તેનો પૂરેપૂરો લાભ (કે ગેરલાભ?) લીધા વગર ન રહે. માનવી પ્રાયઃ સ્વાર્થી છે, અસંતુષ્ટ છે અને તેથી એ સ્વતંત્રતાનો દુરુપયોગ કરે એવી પૂરેપૂરી શક્યતા છે.
મનુષ્ય સિવાય અન્ય કોઈ પ્રાણી માટે આવી શક્યતા નથી. કોઈને આવી સ્વતંત્રતા નથી. જેમ પેલું ચાવી ચઢાવેલું રમકડું હોય એને નીચે મૂકીએ તો તે અમુક જ રીતે ચાલે. અન્ય રીતે ચાલવાની તેને સ્વતંત્રતા ન હોય. તે રીતે મનુષ્ય સિવાયનાં અન્ય પ્રાણીઓ ચાવી ચઢાવેલાં રમકડાં જેવાં છે. તેથી એમને પોતાના ધર્મથી કે સ્વભાવથી વિરુદ્ધ વર્તવાની સ્વતંત્રતા નથી. ગાય-ભેંસ, ઊંટ-બળદ, ઉંદર-કૂતરો વગેરે પ્રાણીઓ સૌ જવાબદારીમાંથી મુક્ત છે. ઊંટને કોઈ પણ જાતનો ઉપદેશ આપવાની જરૂર નથી. એને કોઈ નીતિ-નિયમોની જરૂર નથી. પોતાના ધર્મનું પાલન કરવાનું એને સ્વાભાવિક જ જ્ઞાન હોય છે.
ગાયને કહેવાની જરૂર નથી હોતી કે એણે શું ખાવું અને શું ન ખાવું. ગાયના માલિકને કહેવાની જરૂર પડે છે કે ‘ગાયને તું ન ખાઈશ.’ પરંતુ ગાયને કશું કહેવાની જરૂર પડતી નથી, કેમ કે તે પોતાનો ધર્મ જાણે છે. પોતાનો શો ધર્મ છે તેનું જ્ઞાન લઈને જ તે જન્મી છે. મનુષ્યેતર સર્વ પ્રાણીઓ સ્વભાવથી જ પોતપોતાના ધર્મનું પાલન કરી રહ્યાં હોય છે. તેથી તેમને કોઈ ઉપદેશની આવશ્યકતા નથી.
એક મનુષ્ય જ એવો છે જે પોતાના ધર્મનું પાલન સ્વાભાવિક રીતે ન પણ કરે અને તેથી તેને ઉપદેશની આવશ્યકતા રહે છે. ભગવાને માનવીને સ્વતંત્રતા આપી છે, બુદ્ધિ આપી છે અને તેથી તે પોતાની બુદ્ધિનો કે પોતાની શક્તિનો દુરુપયોગ કરી શકે. એ ધારે તો આખા જગતનું કલ્યાણ કરી શકે અને ધારે તો આખા જગતનો વિનાશ પણ નોતરી શકે.
આ પણ વાંચો:-Life goal: સુખ-સગવડો ભોગવવી માત્ર એ જ શું જીવનનું ધ્યેય છે ?
માનવીની બુદ્ધિ બેધારી તલવાર જેવી છે. જગતમાં બધી વસ્તુઓ એવી જ છે. એનો સદુપયોગ થાય તો શ્રેષ્ઠ પરિણામ આવે; દુરુપયોગ થાય તો પછી તે વિનાશનું કારણ પણ બને; અને તેથી જ મનુષ્યને આદેશની, ઉપદેશની, માર્ગદર્શનની જરૂર છે. સમજતો હોય તેને આદેશની જરૂર નથી, પરંતુ સમજતો ન હોય તેને ‘આમ કર, આમ ન કરીશ’ એમ વિધિ-નિષેધનો આદેશ આપવો પડે છે. આને ધર્મનો આદેશ કહે છે.
ભગવદ્ગીતામાં અને અન્યત્ર ‘કર્મ’ શબ્દ વપરાય ત્યારે તેનો અર્થ કરવાનો છે ધર્મ. ધર્મને અનુરૂપ જે કર્મ કરાય તે જ કર્મ કહેવાય.
આમ, મનુષ્યમાત્રનો મૂળભૂત ધર્મ તો એક જ છે.
પણ તો પછી જુદા જુદા ધર્મ કેમ છે ? મુસ્લિમ ધર્મ, ખ્રિસ્તી ધર્મ, બૌદ્ધ ધર્મ, આ બધું શું છે ?
આ બધા સંપ્રદાયો છે. એ મૂળભૂત ધર્મનું પાલન કરવાની જુદી જુદી પદ્ધતિઓ છે. ભિન્ન-ભિન્ન જીવનપદ્ધતિ દ્વારા જે સિદ્ધ કરવાની અપેક્ષા છે તે છે મનુષ્યનો મૂળભૂત ધર્મ. જુદા જુદા આચાર્યો અને ધર્મગુરુઓએ પોતપોતાની દૃષ્ટિ પ્રમાણે તે તે સમયે, તે તે લોકોને અને તે તે દેશમાં સ્થળ, કાળ અને સંજોગોને અનુલક્ષીને ઉપદેશો આપ્યા હોય.
આ સંપ્રદાયો પેલા મૂળભૂત ધર્મનો જ જીવનમાં વિનિયોગ છે અને આ વિનિયોગ ઠેકઠેકાણે હંમેશાં બદલાતો રહેવાનો. તેથી આપણે બધા સંપ્રદાયોને એટલો યશ આપીએ કે સૌનો હેતુ એક જ છે કે મનુષ્ય પોતાનો મૂળભૂત ધર્મ સિદ્ધ કરી શકે.