naag panchami

Naag Panchami: શ્રાવણ માસમાં અનેક તહેવારોની હારમાળા જોવા મળે છે. જાણો મહત્વનાં તહેવારો વિશે…

Naag Panchami: આપણા ઋષિમુનીઓએ વ્રત, જપ, તપ અને ભગવાનની ઉપાસના માટે શ્રાવણ માસ પસંદ કર્યો છે તો ખૂબ વિચારપૂર્વક કર્યો છે. ચોમાસાની સીઝન હોઈ ઉપવાસ અને એકટાણા રાખવામાં આવે છે જે સ્વાસ્થ્ય માટે ખૂબ લાભદાયક છે. કેટલાક લોકો તો આખો શ્રાવણ માસ એક ટંક જમે છે.

Naag Panchami: Vaibhavi Joshi

ભગવાનનાં મંદિરોમાં ભીડ જોવા મળે છે તો કોઈ તિર્થયાત્રાએ નીકળી પડે છે. ગામમાં કે મોટા શહેરોમાં કથાકારો ભગવાનની કથાઓ કરે છે એક જુદા જ પ્રકારનું ધાર્મિક વાતારણ ઊભું થાય છે. વર્ષ દરમિયાન ફક્ત શ્રાવણ માસ જ એવો છે કે જેમાં અનેક તહેવારોની હારમાળા જોવા મળે છે. આવતીકાલથી શરૂ થતાં એમાનાં થોડાંક મહત્વનાં તહેવારો વિશે આજે અછડતું જણાવવાનો પ્રયત્ન કરું પણ જે તે દિવસે વિગતવાર જાણીશું.

બોળચોથ : શ્રાવણ વદ ચોથનાં દિવસે આ વ્રત કરવામાં આવે છે. બોળચોથનાં દિવસે ગાયમાતાની પૂજા કરવાનો વિશેષ દિવસ છે. ગાય બારેય મહિના દૂધ આપે છે, તેનું ઋણ ચૂકવવાનો દિવસ એટલે બોળચોથ. ગાયને માતા તરીકે પૂજવામાં આવે છે કેમ કે ગાયનાં શરીરમાં તેત્રીસ કોટી (પ્રકાર)નાં દેવી-દેવતાઓનો વાસ હોવાનું કહેવાય છે. ગાય વાછરડાની પૂજા કરીને તેને બાજરાની ઘુઘરી ખવડાવવામાં આવે છે. ગાય-વાછરડાનું પૂજન કરીને બાજરીનાં રોટલા અને મગનું શાક આરોગવામાં આવે છે.

આમ પણ દરેક વ્રત કે તહેવાર પાછળ માત્ર ધાર્મિક મહત્વ જ નથી જોડાયેલું પણ સાથે સાથે વૈજ્ઞાનિક તથ્ય પણ રહેલું હોય છે. આજકાલની ભાગ દોડ ભરી જિંદગીમાં ક્યાં સમય હોય છે કોઈની પ્રત્યે ઋણ અદા કરવાનું આ બહાને આપણે ગાય માતાનું પૂજન કરીએ છીએ અને તેમની તરફનું આપણુ ઋણ અદા કરીએ છીએ.

નાગપંચમીઃ (Naag Panchami) શ્રાવણ વદની પાંચમ નાગપંચમી તરીકે ઉજવાય છે. આ દિવસે નાગની પૂજા કરવામાં આવે છે. આ દિવસે ‘કુલેર’નો લાડુ બનાવી, નાગદેવતા (ફોરામાં અથવા દિવાલ ઉપર) નું પૂજન કરી આ વ્રત ઉજવાય છે. નાગદેવતા ભગવાન શંકરનાં ગળાનો હાર છે તેથી ભક્તો આ તહેવાર ભગવાન શિવજીને યાદ કરી પૂજન કરે છે. આપણા દેશમાં વ્યાપેલી ધાર્મિક આસ્થાનાં આધાર પર સાંપ, અગ્નિ, સૂર્ય આદિનું ખૂબ મહત્વ છે. નાગપૂજાની પરંપરા પણ આજ સુધી ચાલી રહી છે અને ભારતીય સંસ્કૃતિમાં આનું વિશેષ મહત્વ છે.

એવુ કહેવાય છે કે આપણી ધરતી શેષનાગનાં ફેણ પર ટકેલી છે અને જ્યારે ધરતી પર પાપ વધી જાય છે ત્યારે શેષનાગ પોતાની ફેણને સમેટી લે છે જેથી ધરતી હલે છે. આ જ વિચાર જનમાનસ પર વધુ શ્રધ્ધાવત બનીને નાગની પૂજાને બાધ્ય કરે છે. આપણા દેશમાં દરેક સ્થાન પર કોઈને કોઈ રૂપે શંકર ભગવાનની પૂજા થાય છે, અને એમના ગળામાં, જટાઓમાં અને બાજુઓમાં નાગની માળા સ્પષ્ટ દેખાય છે આથી પણ લોકો નાગની પૂજા કરવામાં વધુ શ્રધ્ધા રાખે છે.

Geeta Rabari ni Navratri: કચ્છની કોયલ, ગુજરાતની નંબર વન લોકગાયિકા ‘ગીતા રબારી’ ની નવરાત્રી પ્રથમ વખત મુંબઈમાં…

રાંધણ છઠઃ શ્રાવણ વદ છઠની તિથિને રાંધણ છઠ તરીકે મનાવવામાં આવે છે. રાંધણ છઠનાં દિવસે લોકો ઘરે-ઘરે નવાં-નવાં પકવાન અને વ્યંજન બનાવતા હોય છે. આ બધી વાનગીઓ બનાવ્યા પછી રાંધણ છઠની રાત્રે ઘરનાં ચૂલ્હાની સાફસફાઈ કરાય છે. સફાઈ કર્યા પછી ચૂલાને ઠારવામાં આવે છે. રાંધણ ગેસ કે ચૂલ્હાની પૂજા કરે છે. ચૂલો ઠંડા કર્યા પછી તેનો ઉપયોગ કરવામાં આવતો નથી.

રાંધણ છઠનાં દિવસે માન્યતા પ્રમાણે માતા શીતળા ઘરે-ઘરે વિહાર કરવા માટે આવે છે અને ચૂલામાં આળોટતા હોવાથી આ દિવસે સાંજે જ ચૂલા અથવા ગેસને વિધી પૂર્વક ઠારી દેવામાં આવે છે. જો માતા શીતળાને તમારા ઘરના ચૂલાથી ઠંડક મળશે તો માતા શીતળા સુખી થવાનાં આશીર્વાદ આપી બીજાનાં ઘરે જાય છે, માટે રાંધણછઠનાં દિવસે સાંજે ચૂલો ઠારવાની પરંપરા છે. આધુનિક જમાનમાં ગેસ આવી ગયા છે ચૂલાની જગ્યાએ તો ગેસને પણ ઠારવાની પરંપરા રહેલી છે. એક દિવસ ઠંડુ ભોજન જમવાથી આપણા શરીરમાં થતાં અન્ય વિકાર પણ શાંત થઈ જાય છે અને શરીર એકદમ નીરોગી બની રહે છે.

ધાર્મિક માન્યતાઓ અનુસાર, આ દિવસે શ્રીકૃષ્ણનાં મોટા ભાઇ બલરામનો જન્મ થયો હતો. એટલે આ તહેવાર ભગવાન શ્રીકૃષ્ણનાં મોટા ભાઈ શ્રી બલરામજીની જન્મજયંતિ તરીકે પણ ઉજવવામાં આવે છે. શ્રી બલરામજીનું મુખ્ય શસ્ત્ર એ હળ છે. આ કારણોસર તેમને હળધર પણ કહેવામાં આવે છે.

શીતળા સાતમઃ શ્રાવણ વદ સાતમનો તહેવાર શીતળા સાતમ તરીકે ઉજવવામાં આવે છે. ચૂલો, સગડી કે ગેસનાં ચૂલા એ તો ઘરનાં દેવતા છે. ભારતની ભાતીગળ સંસ્કૃતિ આ અગ્નિદેવનાં ઉપકારને કેમ ભૂલી શકે? માટે સ્ત્રીઓ શીતળા સાતમને દિવસે સગડી તથા સાધન સામગ્રીનું પૂજન કરીને કૃતજ્ઞતા અનુભવે છે. શીતળા માતાએ સાવરણી અને સૂપડું જેવાં ક્ષુદ્ર સેવાનાં સાધનોને તેમની મહત્તા અને ઉપયોગિતા જોઈ તેમણે પોતાની પાસે રાખ્યા છે. માન્યતા એવી છે કે, પ્રસ્તુત સાધનોની પૂજા કરવાથી સંતતિને રોગો થતાં નથી, તેમનું આરોગ્ય જળવાઈ રહે છે.

આડકતરી રીતે જોઇએ તો સૂપડું એ સ્વચ્છતાં અને શુદ્ધિનું પ્રતિક છે. એ જ રીતે સાવરણી એ પણ સ્વચ્છતાં અને સુઘડતાનું પ્રતીક છે. આ સાધનો દ્વારા સ્વચ્છતાં અને સુઘડતાં રાખવામાં આવે તો રોગોનું પ્રમાણ આપોઆપ ઘટી જાય છે. એવો આ શીતળા સાતમનાં ઉત્સવનો અમૂલ્ય સંદેશ છે.

જન્માષ્ટમીઃ શ્રાવણ વદ આઠમની તિથિ એ ભારતભરમાં ખૂબ જ ઉત્સાહથી ઉજવાતો તહેવાર છે. ભગવાન શ્રી કૃષ્ણનો જન્મદિવસ હોઈ કૃષ્ણજન્મોત્સવ તરીકે પણ ઓળખાય છે. માન્યતા છે કે, ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ કૃષ્ણ પક્ષની અષ્ટમીનાં રોજ રોહિણી નક્ષત્રમાં થયો હતો. કેટલાક લોકો માટે અષ્ટમી તિથિ વધુ મહત્વ ધરાવે છે તો કેટલાક લોકો રોહિણી નક્ષત્ર થવા પર જ જન્માષ્ટમી પર્વ ઉજવે છે.

અષ્ટમી બે પ્રકારની છે. પહેલી અષ્ટમી અને બીજી જયંતિ. આમાંથી ફક્ત પહેલી અષ્ટમી છે. ભવિષ્યપુરાણનું વચન છે કે શ્રાવણ મહિનાની વદમાં જો તે જ તિથિ રોહિણી નક્ષત્રથી સંબંધિત હોય તો જયંતિનાં નામથી ઓળખવામાં આવે છે. વહ્નિપુરાણનું વચન છે કે કૃષ્ણપક્ષની જન્માષ્ટમીમાં જો એક કળા પણ રોહિણી નક્ષત્ર હોય તો તેને જયંતિ નામથી જ સંબોધિત કરાશે.

આપ સહુને આવનારા શ્રાવણ માસનાં બધા જ તહેવારોની અઢળક શુભેચ્છાઓ..!!- વૈભવી જોશી

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *