adhik mass

Sravan adhik mas: અધિક માસમાં જેમને અધિક જાણવું હોય તેવા લોકો માટે જ ખાસ આ લેખ

(વિશેષ નોંધ: Sravan adhik mas: આ અધિક માસમાં જેમને અધિક જાણવું હોય તેવા લોકો માટે જ ખાસ આ લેખ લખ્યો છે. ખગોળીય માહિતી પર આધારિત હોવાથી શક્ય છે બધાને રસપ્રદ ન પણ લાગે.)

Sravan adhik mas: ૨૦૨૩નું વર્ષ ઘણી બધી રીતે ખાસ બની રહ્યું છે આપણે એને જે રીતે પણ લઈએ. દર ત્રણ વર્ષે આવતો અધિકમાસ આ વર્ષે ૧૯ વર્ષ બાદ શ્રાવણ માસમાં આવી રહ્યો છે. તેની પહેલા ૨૦૦૪માં શ્રાવણ માસમાં અધિક માસ આવ્યો હતો. ગયા વર્ષે રક્ષાબંધન ૧૧ ઓગસ્ટે હતી પરંતુ આ વર્ષે ૨૦૨૩માં આ પર્વ ૩૦ ઓગસ્ટે છે એટલે કે આ વખતે પૂરાં ૧૯ દિવસનું અંતર છે. આવું જ અંતર તે પછી આવતા તહેવારો જેવા કે જન્માષ્ટમી, ગણેશ ઉત્સવ, શ્રાદ્ધ પક્ષ, નવરાત્રિ, દશેરા અને દિવાળીમાં પણ જોવા મળશે. આ તમામ તહેવારોમાં લગભગ આટલું જ અંતર આવશે.

હું ઘણી વાર જોઉં છું કે મારાં જેવા ઘણા બધા માતાપિતા પોતાના બાળકોને આપણા પંચાંગ કે તારીખિયા વિશે માહિતી આપે છે એ અત્યંત સરાહનીય છે અને આ વાતાવરણ ઘરમાં હોવું જ જોઈએ કે જેમાં બાળકોને ખબર પડે કે આજે પૂનમ છે, અમાસ છે કે અગિયારસ. મારી દીકરી આજે પણ ચંદ્ર જોઈને અનુમાન લગાવે છે કે મમ્મી કાં તો આજે પૂનમ હોવી જોઈએ અથવા નજીકમાં હશે. પણ હા ! સાથે જો બાળકો વધુ જાણવા પ્રશ્નો પૂછે તો એમની જિજ્ઞાસા સંતોષવી એ પણ આપણી ફરજ છે.

Sravan adhik mas, vaibhavi joshi

એક વાતચીતમાં જરાં મારૂં ધ્યાન પડ્યું કે જયારે એક દીકરાએ એના માતાપિતાને અધિક માસ એટલે શું અને એના વિશે પૂછ્યું તો ફક્ત એવું કહી દેવાયું કે એ તો દર ૩ વર્ષે આવે. બસ આટલું જ ? શું આપણી ફરજ નથી કે આ અધિક માસ દર ૩ વર્ષે જ શું કામ આવે કે એની પાછળ શું વ્યવસ્થા કે ગોઠવણ છે એના વિશે પણ સમજાવીએ ? ઘણી વાર તો આપણે જ નથી જાણતા કે નથી એમાં ઊંડો રસ લેતા. તો મને થયું કે ચાલો આ વિશે જરાં માંડીને વાત કરું જેથી આપણી પેઢી પણ જાણે અને આવનારી પેઢીને પણ સમજાવે.

હિન્દુ પંચાંગમાં બાર મહિના ઉપરાંતનાં તેરમા મહિનાને અધિકમાસ કહેવાય છે. આ સિવાય તે મલિમ્લુચ, સંસર્પ, અંહસ્પતિ વગેરે નામોથી પણ ઓળખાય છે. આ મહિનામાં કોઈ તહેવાર કે કોઈ શુભ મુહૂર્ત ન હોવાને કારણે કોઈ શુભ કાર્ય થઈ શકતું નથી તેથી મળ માસ, અતિ મલિન રૂપવાળો હોવાથી મલિમ્લુચ, પાપનો સ્વામી હોવાથી અંહસ્પતિ અને જે વર્ષે એ અધિક માસ હોય તો તેમાં પહેલા અધિક માસને સંસર્પ કહેવામાં આવે છે. અગિયાર કરણોમાંથી ચાર સ્થિર કરણો (શકુનિ, ચતુષ્પદ, નાગ અને કિંસ્તુધ્ન)માં સૂર્યની સંક્રાંતિ શરૂ થાય તે સંક્રાંતિનાં સમયને મળ માસ કહેવામાં આવ્યો છે.

એમ કહેવાય છે કે જ્યારે દરેક મહિનાનાં અધિપતિ તરીકે એક-એક દેવતાઓને સ્થાપન કર્યા પણ અધિક માસનાં અધિપતિ કોઈ થવા તૈયાર ન થયું. આ મહિનાને પોતાનું નામ આપવા બધા દેવોને વિનંતી કરવામાં આવી પણ છતાંય બધા દેવોએ ના પાડી દીધી. જેનાથી તે દુઃખી થઈને ભગવાન કૃષ્ણ પાસે ગયા ત્યારે ભગવાન વિષ્ણુએ તેનું આધિપત્ય સ્વીકાર્યું અને કહ્યું કે :

अहमेवास्य संजात: स्वामी च मधुसूदन: एतन्नाम्ना जगत्सर्वं पवित्रं च भविष्यति ।

मत्सादृश्यमुपागम्य मासानामधिपो भवेत्‌ जगत्पूज्यो जगद्वन्द्यो मासोऽयं तु भविष्यति ॥

અર્થાત્‌ હવે હું આ માસનો સ્વામી થયો છું અને આના નામથી સમગ્ર જગત પવિત્ર બનશે. મારા સમાન આ માસનો મહિમા થશે અને આ માસ સર્વે માસનો અધિપતિ બનશે અને આ માસ જગતમાં પૂજ્ય અને વિશ્વવંદનીય બનશે. ત્યારથી આ અધિક મહિનો પુરુષોત્તમ માસ તરીકે પણ ઓળખાયો.

અધિકમાસમાં ત્રેત્રીસ કોટિનાં દેવી-દેવતા પણ દેવલોક છોડીને પૃથ્વી પર વાસ કરે છે. આ ઉપરાંત પ્રજાપિતા શ્રીબ્રહ્માએ પણ આ બધાના સ્નાનાદિ સુવિધા માટે ૨૨ કુંડ, ૫૨ જલધારોનું નિર્માણ કર્યુ છે. આપણને આ આશ્ચર્યજનક લાગશે પણ આનો શાસ્ત્રોક્ત ઉલ્લેખ મળી આવશે. એ સિવાય પણ નારદીય પુરાણમાં આવતી રાજા અંબરીષ અને ઋષિ દુર્વાસાની કથા આપણે ક્યાં નથી જાણતા પણ એ ફરી ક્યારેક વાગોળીશું.

આ પણ વાંચો:Disha Vakani News: ફરી એકવાર તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં જોવા મળશે દયાબેન? ભાઈ સુંદરે બતાવ્યું ક્યારે આવશે…

જોકે આ તો થઈ આપણી ધાર્મિક માન્યતાની વાત પણ મેં હંમેશા એની સાથે જોડાયેલા વૈજ્ઞાનિક તથ્યો પર વધારે ભાર મુક્યો છે. આ મહિનો આમ જોવા જઈએ તો ખગોળશાસ્ત્રની દ્રષ્ટિએ ખૂબ સમજવા જેવો છે. લગભગ દર ત્રણ વર્ષે આવતા અધિક માસ અંગે સામાન્ય લોકોમાં ઓછી જાણકારી હોય છે. વાસ્તવિક રીતે જોઈએ તો કાળગણનાં (ક્રોનોલોજી)ની દ્રષ્ટિએ અધિક માસની ગોઠવણને એક અદભુત ઉદાહરણ છે ઋતુ અને આપણા તહેવાર સાથેની સંગતતા જાળવવાનું. આજે અધિક માસ અંગે સાદી અને સરળ ભાષામાં સમજાવવાનો એક પ્રયત્ન કરું છું. આ માહિતી ખગોળ વિજ્ઞાનનાં પુસ્તક પર આધારિત છે.

ભારતમાં બે પ્રકારના કેલેન્ડર ચાલે છે. એક સૂર્ય ગણનાનાં આધારે જેમાં જાન્યુઆરીથી ડિસેમ્બર સુધી ૧૨ મહિના હોય છે અને બીજુ ચંદ્ર ગણના અનુસાર જેમાં ચૈત્રથી ફાગણ સુધીના ૧૨ મહિના હોય છે. આપણે તેમાં પંચાંગ જોઈએ છીએ. વ્રત-તહેવાર ચંદ્રમાસની ગણતરી અનુસાર ઉજવવામાં આવે છે, જેમાં ચૈત્રથી ફાગણ સુધીના ૧૨ મહિના હોય છે. સૂર્ય ગણનાથી વર્ષનાં ૩૬૫ દિવસ હોય છે, જ્યારે ચંદ્ર ગણનાથી વર્ષના ૩૫૪ દિવસ હોય છે. આ રીતે દર વર્ષે સૂર્ય તથા ચંદ્ર ગણનાથી ૧૧ દિવસનું અંતર થઇ જાય છે. આ અંતર ત્રણ વર્ષમાં 33 દિવસનું થઇ જાય છે ત્યારે અધિક માસ બને છે.

આને જરાં ઊંડાણથી સમજીયે તો ખગોળશાસ્ત્રની ગણતરી મુજબ વર્ષના ૧૨ ચાંદ્રમાસ સૂર્ય ચંદ્રની ગતિ- સ્થિતિ પ્રમાણે નક્કી થાય છે. ગુજરાત- મહારાષ્ટ્રમાં સુદ એકમથી અમાસ સુધી ચાંદ્રમાસ ગણાય છે, રાજસ્થાન (મારવાડ, મેવાડ) તથા ઉત્તર ભારતમાં વદ એકમથી સુદ પૂનમ સુધી ચાંદ્રમાસ ગણાય છે. એક ચાંદ્રમાસની લંબાઇ ૨૯.૫ (સાડા ઓગણત્રીસ) દિવસ જેટલી હોય છે. આવા ૧૨ ચાંદ્રમાસનું એક ચાંદ્રવર્ષ બને છે, જે લગભગ ૩૫૪ દિવસ થાય છે. સૂક્ષ્મ રીતે જોઇએ તો ચાંદ્રવર્ષની લંબાઇ ૩૫૪ દિવસ-૦૮ કલાક- ૪૮ મિનિટ- ૩૪ સેકન્ડ જેટલી છે. જ્યારે સૂર્યની આસપાસ પૃથ્વીનાં ભ્રમણ આધારિત સૌરવર્ષ (ઋતુચક્ર) ની લંબાઇ ૩૬૫ દિવસ- ૦૬ કલાક-૦૯ મિનિટ-૦૯ સેકન્ડ છે.

સૂક્ષ્મ ગણિતથી તફવત જોઇએ તો સૌરવર્ષ કરતાં ચાંદ્રવર્ષ ૧૦ દિવસ-૨૧ કલાક- ૨૦ મિનિટ- ૩૫ સેકન્ડ જેટલું નાનું છે. આમ સૌરવર્ષ કરતાં ચાંદ્રવર્ષ આશરે ૧૧ દિવસ નાનું છે. આ તફવત એક વર્ષને અંતે ૧૧ દિવસ જેટલો, બે વર્ષને અંતે ૨૨ દિવસ જેટલો અને ત્રણ વર્ષને અંતે ૩૩ દિવસ જેટલો થઇ જાય છે. જો આ તફવતને ધ્યાનમાં લેવામાં ન આવે અને તેને અવગણવામાં આવે તો આપણા તહેવારો-ઉત્સવો-વ્રતપર્વ દર વર્ષે ૧૧ દિવસ પાછળ ખસતાં જાય (અંગ્રેજી તારીખની સાપેક્ષમાં ૧૧ (અગિયાર) દિવસ જેટલાં દર વર્ષે વહેલા આવી જાય.) આમ થવાથી તહેવાર-વ્રત પર્વનો ઋતુઓ સાથેનો મેળ જળવાઇ રહે નહીં.

જો આ ગોઠવણ ન હોય તો આસો માસની નવરાત્રિ ભર ઉનાળામાં આવી જાય. ચોમાસું-વર્ષા ઋતુ-જન્માષ્ટમી વગેરે શિયાળામાં આવી જાય. મકર સંક્રાંતિ- હુતાસણી- હોળી જેવા તહેવાર ચોમાસામાં- વરસાદનાં દિવસોમાં આવી જાય. આમ ન થાય તેવા શુભ હેતુથી આપણા પ્રાચીન ખગોળશાસ્ત્રીઓ અને પંચાંગ ગણિતનાં વિદ્વાનોએ ચાંદ્રવર્ષમાં એક વધારાનો માસ (અધિક માસ) ઉમેરવાનું સમજપૂર્વકનું આયોજન કર્યું છે.

ધાર્મિક માન્યતા અનુસાર ચાતુર્માસનાં ચાર મહિના વિષ્ણુ ભગવાન વિશ્રામ કરે છે અને તેમની જગ્યાએ ભગવાન શિવ સૃષ્ટિનું સંચાલન કરે છે. આ વર્ષે ૨૯ જૂને દેવશયની એકાદશી હતી અને ત્યારથી જ ચાતુર્માસ શરૂ થાય છે. દેવપોઢી એકાદશીથી દેવઉઠી એકાદશી સુધીનાં સમયને ચાતુર્માસ કહેવામાં આવે છે પરંતુ આ વર્ષે શ્રાવણ મહિના પહેલા અધિક માસ હોવાથી આ વર્ષનો શ્રાવણ મહિનો અધિક શ્રાવણ માસ કહેવાશે અને મારાં જેવા કેટલાય શિવભક્તો આશરે આઠેક શ્રાવણીયા સોમવારમાં શિવજીની આરાધના કરવાનો અદભુત લ્હાવો પામશે.

કહેવાય છે કે જે મહિનામાં સૂર્યની સંક્રાંતિ નથી થતી તેને જ અધિક માસ તરીકે ઓળખવામાં આવે છે. જે દર ત્રણ વર્ષે એકવાર બને છે. વાસ્તવમાં ઋતુચક્રની ગણતરી તેમજ ઋતુગત ઉત્સવોની પરંપરા જળવાયેલી રહે તે માટે પણ અધિક માસની ગોઠવણ કરવામાં આવે છે. તો ધાર્મિક દૃષ્ટિએ આ અધિક માસ અત્યંત ફળદાયી મનાય છે.

અધિક માસનો પ્રારંભ ૧૮ જુલાઈ એટલે કે આજથી થશે જે ૧૬ ઓગષ્ટ બુધવારનાં રોજ સમાપ્ત થશે. સાથે આપણે એ પણ જાણીયે છે કે ઉત્તર ભારતીય પરંપરામાં માસની ગણતરી ૧૫ દિવસ વહેલી થતી હોય છે. ત્યાં હાલ શ્રાવણનાં વદ પક્ષનો પ્રારંભ થઈ ગયો છે. પણ, અધિક માસની વિશેષતા એ છે કે સમગ્ર ભારતમાં તેની ગણના એક જ પ્રમાણે થાય છે. જે અંતર્ગત ત્યાં શ્રાવણ માસની મધ્યમાં અધિક માસ રહેશે. ત્યારબાદ શ્રાવણનાં બાકીના ૧૫ દિવસ ઉજવાશે. જ્યારે ગુજરાતમાં ૧૭ ઓગષ્ટનાં રોજથી શ્રાવણ માસનો પ્રારંભ થશે.

તો અધિક નામ મુજબ જ આ માસનો મહિમા પણ અન્ય કરતા અધિક છે. અધિક માસમાં શ્રીવિષ્ણુની પૂજા-અર્ચના અને ભાગવત પઠનનો મહિમા છે. પરંતુ, આ વખતનો અધિક માસ એ “અધિક શ્રાવણ માસ” છે અને આ શ્રાવણ માસ એ ભોળાનાથને સમર્પિત છે.

તો ચાલો આપણે સહુ આવનારાં બબ્બે માસ દરમ્યાન સૃષ્ટિનાં પાલનહાર અને કર્તા-હર્તા એવા દેવોનાદેવ મહાદેવ બંન્નેની આરાધના કરીયે અને અધિક આશીર્વાદ પ્રાપ્ત કરીયે. આપ સહુને મારાં તરફથી અધિક શ્રાવણ માસની અઢળક શુભેચ્છાઓ..!!

Gujarati banner 01
Follow, like & subscribe to us on other social media platforms for hindi news: https://deshkiaawaz.in/ for Gujarati news: https://gujarati.deshkiaawaz.in/ facebook:https://www.facebook.com/bharatdeshkiaawaz twitter: https://twitter.com/pandeyrm Instagram:https://www.instagram.com/deshkiaawaz/ Google news: https://news.google.com/publications/CAAqBwgKMJLBqAsw_8vAAw?hl=en-IN&gl=IN&ceid=IN%3Aen

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *