Vadodara Tree Thabhi

ઇતિહાસની અદભૂત ઘટના..માથા વઢાવી વૃક્ષોને બચાવ્યા

Vadodara Tree Thabhi
  • ૧૧ મી સપ્ટેમ્બર ૧૭૩૦ રાજસ્થાનના ખેજરાલી ગામના વીરાંગના અમૃતા દેવી અને એમની ત્રણ દીકરીઓની સાથે ૩૫૯ ગ્રામજનોએ વૃક્ષોને બચાવવા પોતાના માથા ધરી દીધાં હતાં
  • સન ૨૦૧૩ થી દેશમાં આ દિવસને વૃક્ષો અને વન્ય જીવોની રક્ષા માટે બલિદાન આપનારાઓ ના બલિદાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે
  • સામાજિક વનીકરણની વડોદરા કચેરીમાં મૌન પાલન દ્વારા વન સંરક્ષક શહીદોને અંજલિ આપવામાં આવી


વડોદરા,૧૧ સપ્ટેમ્બર: ના રોજ સામાજિક વનીકરણ,વડોદરાની કચેરીમાં સવારના ૧૧ વાગે વન અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા આદરપૂર્વક બે મિનિટનું મૌન પાળીને જંગલો અને વન્ય પ્રાણીઓ ના રક્ષણ માટે શહીદી વહોરનારા વન રક્ષકોને અંજલિ આપવામાં આવી.
નાયબ સંરક્ષક શ્રી કાર્તિક મહારાજા એ જણાવ્યું કે દર વર્ષે ૧૧ મી સપ્ટેમ્બરે અમારી કચેરીમાં રાષ્ટ્રીય વન રક્ષક શહીદ દિવસ નિમિત્તે આ કાર્યક્રમ યોજવામાં આવે છે.

ભારત સરકારના વન અને પર્યાવરણ મંત્રાલયે સન ૨૦૧૩ માં એક અધિસુચના દ્વારા ૧૧ મી સપ્ટેમ્બરને નેશનલ ફોરેસ્ટ માર્ટીયર ડે એટલે કે રાષ્ટ્રીય વન રક્ષક શહીદ દિવસ તરીકે ઉજવવાનો નિર્દેશ આપ્યો હતો.જેનો હેતુ દેશના વનો અને વન્ય જીવોની રક્ષા માટે જીવનનું બલિદાન આપનારા વન રક્ષકોના સમર્પણ ને બિરદાવવાનો છે. ભારતનો ઇતિહાસ સમર્પણ અને બલિદાનની વીરતા ભરેલી ગાથાઓથી ભરેલો છે.આ તારીખ સાથે પણ વૃક્ષોની રક્ષા માટે પોતાના માથા ઉતારી આપનારા રાજસ્થાનના બિશનોઈ સમુદાયની વીરાંગનાઓ અને નરવિરોની ઉજ્જવળ ગૌરવ ગાથાની તવારીખ જોડાયેલી છે.

રાજસ્થાન એમ પણ ટેક માટે,પ્રજા અને નારી સમુદાયના રક્ષણ માટે,પ્રદેશનું ગૌરવ જાળવવા માટે બલિદાન આપનારાઓની ગૌરવ ગાથાઓની ભૂમિ છે અને આ બિશનોઇ સમુદાય એના અદભૂત વૃક્ષ પ્રેમ અને નિર્દોષ વન્ય જીવો માટેની ચાહના માટે જાણીતો છે. સામાજિક વનીકરણ વિભાગના રેન્જ ફોરેસ્ટ ઓફિસર ડો.નિધિ દવેએ ઉપરોક્ત અદભૂત બલિદાન ગાથાની જાણકારી આપતાં જણાવ્યું કે રાજસ્થાનનો એ વિસ્તાર ખેજરાલિ(શમી) ના વૃક્ષોની બહુતાયત ને લીધે ખેજરાલી ના નામે જ ઓળખાય છે.તેને ખૂબ પવિત્ર વૃક્ષ ત્યાંના લોકો માને છે અને આ વૃક્ષોનું રક્ષણ કરે છે.

loading…

સન ૧૭૩૦ ના સપ્ટેમ્બર મહિનામાં એ વિસ્તારના રાજા ના આદેશથી સેના એ ખેજરાલિ ના વૃક્ષો કાપવાની તૈયારી કરી.
લોકોને જાણ થતાં ભારે વિરોધ થયો.લોકો વૃક્ષોને ચીપકી ગયા અને પહેલા અમને કાપો પછી વૃક્ષોને કાપી શકશો એવા સર્વોચ્ચ બલિદાનની તત્પરતા બતાવી.વીરાંગના અમૃતા દેવી અને તેમની ત્રણ જવામર્દ દીકરીઓ એ વૃક્ષોના રક્ષણ માટે માથા ધરી દીધાં.તેમના પગલે ગામના ૩૫૯ લોકોએ વૃક્ષોના રક્ષણ માટે પળવાર નો વિચાર કર્યા વગર પોતાના જીવનનું બલિદાન આપ્યું.
આ વાતની રાજાને ખબર પડી. તેમણે તુરત જ સેનાને આદેશ આપી આ નરસંહાર અટકાવ્યો.સમુદાયની હૃદયપૂર્વક માફી માંગી અને તાંબાના પતરે લખીને બીશનોઈ સમુદાયની વસ્તીવાળા વિસ્તારોમાં ખેજરાલીના વૃક્ષોની કટાઇ અને વન્ય જીવોની હિંસાની મનાઈ ફરમાવી.જંગલોને બચાવવા દેશમાં સુંદરલાલ બહુગુણાજીએ ચિપકો આંદોલન ચલાવ્યું હતું એ પણ આ તકે સ્મરણીય ગણાય. વન સંપદા અને વન્ય જીવોના રક્ષણ માટે બલિદાનની આવી ગૌરવ ગાથા ઇતિહાસમાં વિરલ ગણાય.એટલે જ કદાચ ૧૧ મી સપ્ટેમ્બરની આ તારીખને વન રક્ષક શહિદ દિવસ તરીકેનું ગૌરવ મળ્યું છે.દેશમાં દેહરાદૂન વન સંશોધન સંસ્થાનના પ્રાંગણમાં વન રક્ષક શહીદ સ્મારક બનાવવામાં આવ્યું છે.

મદદનીશ વન સંરક્ષક વિનોદ ડામોરે જણાવ્યું કે ૮૩ ગામોના બીશનોઇ વીરો આ વૃક્ષ બચાવો અભિયાનમાં જોડાયા હતા.માથું આપતાં પણ વૃક્ષ બચે એનાથી રૂડું શું હોય એ એમનું પ્રેરણા સૂત્ર હતું.

વન રક્ષા માટે શહીદીની આ ઘટના વૃક્ષ પ્રેમી,વન્ય જીવોના ચાહક બનવાની પ્રેરણા આપે છે.દેશના ઘણાં ભાગોમાં આ દિવસની ઉજવણી રાષ્ટ્રીય સેવા યોજના – એન.એસ.એસ. ના એકમો વન વિભાગ સાથે મળીને કરે છે જેનો આશય વિદ્યાર્થી સેવા કર્મીઓને વૃક્ષ પ્રેમી અને વન્ય જીવ ચાહક બનાવવાનો છે.ગુજરાતમાં આ દિવસની વ્યાપક ઉજવણી થાય એ ઇચ્છનીય છે.