Activity and retirement: આપણા જીવનનો પુરુષાર્થ સિદ્ધ કરવા માટે કર્મ એ જ મૂળભૂત સાધન છે: સ્વામી વિદિતાત્માનંદ સરસ્વતીજી

પ્રવૃત્તિ અને નિવૃત્તિ(Activity and retirement)

પૂજય સ્વામી વિદિતાત્માનંદ સરસ્વતીજીની વાણીભાગ-05

ધર્મ ડેસ્ક, 15 જાન્યુઆરી: Activity and retirement: શંકરાચાર્યજી ગીતાભાષ્યના પ્રારંભમાં જ કહે છે : વેદમાં બે પ્રકારના ધર્મનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે : પ્રવૃત્તિધર્મ અને નિવૃત્તિધર્મ. પ્રવૃત્તિ જીવનનું મુખ્ય ધ્યેય છે કે નિવૃત્તિ? આ પ્રકારની ચર્ચા આપણા દેશમાં સૈકાઓથી ચાલતી આવી છે. એવું રખે માનતા કે બધા જ દાર્શનિકો નિવૃત્તિને જીવનના અંતિમ ધ્યેય તરીકે સ્વીકારે છે. લોકમાન્ય તિલક જેવા મહાવિદ્વાને ગીતામાંથી એવું તારણ કાઢ્યું છે કે કર્મ એ જ ગીતાનો ઉપદેશ છે.

, પરંતુ મોટા ભાગના દાર્શનિકો માને છે કે સઘળી પ્રવૃત્તિ અંતે નિવૃત્તિ માટે જ હોય છે. આખો દિવસ કર્મ કર્યા પછી આપણે શું કરતા હોઈએ છીએ ? વિશ્રામ. તો પછી આપણા જીવનમાં શ્રમ અને વિશ્રામ સમતોલ હોવા જોઈએ.

        શ્રમ શ્રમ માટે નથી, વિશ્રામ માટે છે.

       પ્રવૃત્તિ માત્ર પ્રવૃત્તિ માટે નથી, નિવૃત્તિ માટે છે.

ભગવદ્‌ગીતાની નિવૃત્તિ એટલે નિષ્ક્રિયતા કે ચેષ્ટાનો અભાવ એવું નહીં. હું એમ ને એમ બેસી રહ્યો હોઉં, કામ ન કરતો હોઉં તો એને નિવૃત્તિ કહેવાય ? ના. કોઈ માણસ કશું કામ ન કરે અને બેસી રહે એ ભગવાનને જરાય પસંદ નથી, કારણ કે ભલે બહારથી માણસ કંઈ પણ ન કરતો હોય પણ તેના મનમાં ખૂબ ઘોડા દોડતા હોય તો તેને પ્રવૃત્ત જ કહેવાય અને બહારથી ગમે તેટલો પ્રવૃત્ત હોય પણ અંદરથી જેનું મન અત્યંત શાંત હોય તેને નિવૃત્ત કહેવાય.

આ પણ વાંચો:- Sadhya ane sadhan: માનવનો અંતિમ મૂળભૂત ધર્મ છે સત્‌, ચિત, આનંદ

न कर्मणामनारमभान्नैष्कर्म्यंपुरुषोऽश्नुते l માત્ર કર્મનો આરંભ ન કરવાથી અર્થાત્‌ નિષ્ક્રિય બનીને માણસ નૈષ્કર્મ્ય પ્રાપ્ત કરી શકતો નથી. નૈષ્કર્મ્ય એ નિષ્ક્રિયતા નથી પણ કર્મમાંથી મુક્તિ છે અને મુક્તિ એ તો જીવનનું અંતિમ ધ્યેય છે. નિવૃત્તિ એટલે હાથ-પગની ચેષ્ટાનો અભાવ એવું નહીં. નિવૃત્તિ એ દેહની કોઈ સ્થિતિ નથી; નિવૃત્તિ એ માનસિક સ્થિતિ છે. તેવી રીતે, પ્રવૃત્તિ એ પણ દેહની કોઈ સ્થિતિ નથી, મનની સ્થિતિ છે.

कर्मेन्द्रियाणि संयम्य य आस्ते मनसा स्मरन् l

इन्द्रियार्थान्विमूढात्मा मिथ्याचार: स उच्यते  ll

ભગવાન એને મિથ્યાચારી કહે છે. માણસ સંન્યાસ લઈ લે, નિષ્ક્રિય રહે,

કર્મેન્દ્રિયોનો સંયમ કરીને જાણે કે શાંત બેસી રહે, પણ તેના મનમાં વિષયોનું ચિંતન ચાલતું હોય તો તે મિથ્યાચારી છે. જેવું મનમાં હોય એવું જ વાણીમાં હોય અને વાણીમાં હોય એવું જ વર્તનમાં હોય તેનું નામ સદાચાર. મનમાં અનેક પ્રકારના વિષયોનું જાતજાતનું ચિંતન કરે છે અને બહારથી શાંત દેખાય છે, એટલે કે મનમાં પ્રવૃત્તિ હોય અને બહારથી નિવૃત્તિ હોય તો તે કપટ છે, ઢોંગ છે.

      નિવૃત્તિ એટલે નિષ્ક્રિયતા નહીં, નિવૃત્તિ એટલે પ્રવૃત્તિનો અભાવ એવું નહીં. નિવૃત્તિ એટલે પ્રવૃત્તિની પરિસમાપ્તિ. નદી સતત પ્રવૃત્તિશીલ છે, સતત પોતાના ધ્યેય પ્રત્યે દોડી રહી છે. એની દોડ શું માત્ર દોડ માટે જ છે ? ના, અંતે જ્યારે તે સમુદ્રમાં મળી ગઈ, એનું ધ્યેય સિદ્ધ થયું ત્યારે તે નિવૃત્ત બની ગઈ. આમ, આ નદીની જે દોડ હતી તે નિવૃત્તિ માટેની હતી, નિષ્ક્રિયતા માટેની નહીં. નિવૃત્તિ એટલે પરમપૂર્ણ શાંતિ, પૂર્ણ સંતોષ. જેમ ભગવાન કહે છે, જે પોતાનામાં જ પોતાના જ વડે સંતુષ્ટ છે તેને હવે કંઈ કાર્ય કરવાનું રહેતું નથી. નિવૃત્તિ એટલે કર્મની આવશ્યકતામાંથી મુક્તિ.

     મનુષ્ય જે કાંઈ કર્મ કરતો હોય છે તે કોઈ ને કોઈ પ્રયોજનથી કરતો હોય છે. અલબત્ત, કોઈ શ્રેષ્ઠ પ્રયોજન હોઈ શકે, પણ પ્રયોજન તો હોય જ. સેવાનું કર્મ કરે તે પણ કોઈ પ્રયોજનથી કરતો હોય છે; કોઈ સૂક્ષ્મ આનંદ તો એમાં મળતો જ હોય છે. મનુષ્ય જે કાંઈક સિદ્ધ કરવા મથતો હોય એ સિદ્ધ થાય ત્યારે તેને કાંઈ કરવાનું રહેતું નથી. પણ આવી નિવૃત્તિ ક્ષણિક જ નીવડતી હોય છે, કારણ કે નવી કોઈ ઇચ્છા મન પર સવાર થઈ જતી હોય છે. જ્યારે સર્વ ઇચ્છાઓ પૂરી થઈ જાય ત્યારે જ પછી કંઈ કરવાનું રહેતું નથી, કોઈ કર્તવ્ય રહેતું નથી.

    આમ, કર્તવ્યમાંથી, કર્મની આવશ્યકતામાંથી સાચી મુક્તિ એ જ નિવૃત્તિ.

    ભગવાન જે પ્રકારની નિવૃત્તિનો ઉપદેશ આપે છે એ છે સર્વ બોજમાંથી મુક્તિ. જે જ્ઞાની પુરુષ છે, સિદ્ધ પુરુષ છે એને જીવનમાં કોઈ બોજ નથી. આવો મનુષ્ય કર્મમાં પ્રવૃત્ત હોવા છતાં પણ જાણે કંઈ કરતો જ નથી, કારણ, કર્મ તેને માટે કોઈ પ્રકારનો બોજ ઉત્પન્ન કરતું નથી.

    આવી નિવૃત્તિ પ્રાપ્ત કરવી, બાહ્ય કે આંતરિક સર્વ સંઘર્ષ કે બોજમાંથી મુક્તિ પ્રાપ્ત કરવી એ મનુષ્યના જીવનનું અંતિમ ધ્યેય છે.

આ પણ વાંચો:Like Joshimath now Ahmedabad: જોશીમઠની જેમ હવે અમદાવાદના લોકોને પણ આવી જ સ્થિતિનો સામનો કરવો પડી શકે છે

Shahi snan in Ambaji: યાત્રાધામ અંબાજી માં સાધુસંતો મકરસંક્રાંતિ ના રોજ શાહી સ્નાન

2036 Olympics to be held in Gujarat: ગુજરાતમાં યોજાનારા 2036 ઓલિમ્પિક્સની પ્રારંભિક પૂર્વ તૈયારીઓની અમિતભાઈ શાહે સમીક્ષા કરી

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *