Discharge patient

અશ્રુ ભીની આંખે સિવિલના આરોગ્ય યોધ્ધાઓની સેવાને સલામ કરતા કોરોના દર્દીના સ્નેહીજનો

Discharge patient

  આરોગ્ય કર્મીઓને ભગવાન કહીને આભાર માનતા બાવન વર્ષીય ગોવિંદભાઈ સ્વસ્થ થઈને સ્વગૃહે પરત ફર્યા

 અહેવાલ: પ્રિયંકા પરમાર,રાજકોટ

રાજકોટ,૨૭ સપ્ટેમ્બર: કોઈપણ પરિવારનો માળો ન વિખરાઈ તે માટે આરોગ્ય કર્મીઓ રાઉન્ડ ધી કલોક દેશસેવા અને જનસેવા કરી રહ્યા છે. ખાસ કરીને જ્યારે ઘરના મોભી કોરોનાથી સંક્રમિત થયા હોય ત્યારે આખા પરિવાર પર ચિંતાના વાદળો છવાઈ જતા હોય છે. આવા જ ચિંતાના વાદળો છવાયા હતા રાજકોટમાં રહેતા ગોવિંદભાઈ પરબતભાઈ સોલંકીના પરિવાર પર. ઘરના મોભી અને કર્તા-હર્તા ગોવિંદભાઈ તા. ૧૫ સપ્ટેમ્બરના રોજ કોરોનાથી સંક્રમિત થયા હતા. પરંતુ કોવીડ-૧૯ હોસ્પિટલના ડોકટર્સ, મેડીકલ સ્ટાફ અને નર્સિંગ બહેનોની સેવાચાકરી અને સારવારથી ગોવિંદભાઈને જલ્દી સાજા કરીને તેમના સ્નેહીજનો પર ખુશીઓની હેલી વરસાવી હતી.

સારવાર અર્થે કોવીડ હોસ્પિટલમાં દાખલ થયો ત્યારે મારું કોઈ પરિચિત નહોતું પરંતુ જ્યારે હોસ્પિટલમાંથી રજા લઈ રહ્યો હોત ત્યારે મારા પરિવાર મુકીને જઈ રહ્યો છું તેવું લાગી રહ્યું હતું. આરોગ્ય કર્મીઓ મારા માટે ભગવાન છે જેમણે મને જીંદગીની નવી રાહ આપી છે. સાથો સાથ મને સ્વસ્થ કરીને મારા પરિવારને પણ કોરોનારૂપી આફતમાંથી મુક્તિ અપાવી છે. ભગવાન તેમને દિર્ધાયુ જીવન આપે તેમજ કોરોનાથી સંક્રમિત થયા વિના અન્ય દર્દીઓની સારવાર કરી શકે તેવી હિંમત અર્પે તેવી પ્રાર્થના અને ઋણાનુબંધ સ્વરે ગોવિંદભાઈએ કોવીડ-૧૯ હોસ્પિટલના આરોગ્ય કર્મીઓનો આભાર માન્યો હતો.

loading…

 પોતાના જીવનને ખતરામાં મુકીને દર્દીઓને કોરોનાના ખતરામાંથી બચાવતા તબીબોને સલામ કરતાં ગોવિંદભાઈની દિકરી નિરાલીએ ભાવુક થઈને જણાવ્યું હતું કે, ” મારા પપ્પાને સિવિલના સ્ટાફ દ્વારા બેસ્ટ સારવાર આપવામાં આવી છે. પપ્પા સાથે વાતચીત કરવામાં વીડિયો કોલીંગ અને હેલ્પ ડેસ્ક જેવી સુવિધાઓ પણ અમને મદદરૂપ થઈ છે. આજે મારા પપ્પા સંપૂર્ણ સ્વસ્થ થઈને પરત ફર્યા છે તો એ કોવીડ-૧૯ હોસ્પિટલને કારણે જ. હું દરેક આરોગ્ય કર્મીઓને દિલથી થેન્કયુ કહેવા માંગુ છું જેઓ અનેક સંતાનોની માતૃ-પિતૃ છાંયાને સલામત રાખવા દિલોજાનથી કામ કરી રહ્યા છે. થેન્કયુ ફ્રન્ટલાઈન કોરોના વોરીયર્સ.”

પી.પી.ઈ.કીટ, માસ્ક, ગલોવ્ઝ અને સેનેટાઈઝરના શસ્ત્રો સાથે લડાઈ લડીને આરોગ્ય કર્મીઓ ગોવિંદભાઈની જેમ અનેક ઘરના મોભીઓને સ્વસ્થ અને સુરક્ષિત રીતે ઘરે પહોંચાડી રહ્યા છે. તેમનો આ સંઘર્ષ એક દિવસ અવશ્ય કોરોનાને નિષ્ફળ બનાવીને રહેશે.