Dinesh Tir baaz

દિનેશ ડુંગરા ભીલે તીરંદાજીમાં એટલી નામના મેળવી કે એ આજે દિનેશ તીરંદાજના નામે ઓળખાય છે

Dinesh Tir baaz

દિનેશ તીરંદાજનો લક્ષ્ય વેધ:

  • નસવાડીના અંતરિયાળ આદિવાસી વિસ્તારના વતની દિનેશ ડુંગરા ભીલે દેશી તીર કામઠા અને લાકડાના બે થાંભલા પર ચોરસ જગ્યામાં કપડાના ગાભા ભરી બનાવેલા ટાર્ગેટથી ધનુર્વિદ્યા શીખવાનું શરૂ કર્યું હતું
  • હવે આ આર્ચરી ગુરૂ મસુરીની પ્રશાસનિક તાલીમ સંસ્થામાં બીજીવાર અખિલ ભારતીય અને કેન્દ્રીય સેવાઓના તાલીમ હેઠળના યુવા અધિકારીઓ માટે તીરાંદાજી તાલીમનું સત્ર યોજશે
  • અકાદમી એ એમને પહેલીવાર ચાર દિવસ માટે આમંત્રિત કર્યા હતાં: હવે ૧૫ દિવસ માટે બોલાવ્યા

વડોદરા,૨૯ સપ્ટેમ્બર: બાણ વિદ્યા કે તીરંદાજી એ પ્રાચીન ભારતની યુદ્ધ વિદ્યા છે. એનું નામ પડે ઍટલે એકલવ્ય, કર્ણ, ભગવાન રામ અને અર્જુન જેવા બાણાવાળીઓ અને તેમના રોચક પ્રસંગો યાદ આવ્યાં વગર રહે નહીં. એક જમાનામાં રાજા મહારાજા આ કળા શીખતા હતાં. જો કે તે પછી એનો ગૌરવ વારસો મોટેભાગે આદિવાસી સમુદાયો દ્વારા સચવાયો. આજે તો એ મહત્વની ઓલિમ્પિક ગેમ છે.

નસવાડી તાલુકાના અંતરિયાળ આદિવાસી ગામના વતની દિનેશભાઈ ડુંગરા ભીલે તીરંદાજીમાં એટલી નામના મેળવી કે એ આજે દિનેશ તીરંદાજના નામે ઓળખાય છે.

દિનેશભાઈ એ બોડેલી કોલેજના મેદાનમાં દેશી તીરકામઠાં અને લાકડાના બે થાંભલા વચ્ચે ચોરસ જગ્યા બનાવી, એમાં કપડાંના ગાભા ભરીને બનાવેલા ટાર્ગેટથી, સાથીઓ સાથે એકલવ્યની જેમ જાતે ધનુર્વિદ્યા શીખવાનું શરૂ કર્યું હતું. તેમની ધગશ છેક તેમને કલકત્તાની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્પોર્ટ્સ સંચાલિત આર્ચરી તાલીમ સંસ્થામાં ડિપ્લોમાના શિક્ષણ સુધી લઈ ગઈ. અને આ જે આ આર્ચરી ગુરુને, સતત બીજાં વર્ષે ઉત્તરાખંડના મસુરી ખાતે આવેલી લાલ બહાદુર શાસ્ત્રી નેશનલ એકેડેમી ઓફ એડમીનિસ્ટ્રેશન દ્વારા અખિલ ભારતીય સેવાઓ અને કેન્દ્રીય સેવાઓના યુવા તાલીમી અધિકારીઓ માટે અભ્યાસેતર પ્રવૃત્તિઓના ભાગરૂપે તીરંદાજી નો પરિચય કરાવતું તાલીમ સત્ર યોજવા માટે બોલાવવામાં આવ્યાં છે.એટલે કે તેઓ ભવિષ્યના જિલ્લા કલેકટર,પોલીસ અધિક્ષક અને આવકવેરા કમિશનરોને તીરંદાજીના કૌશલ્યોનો પરિચય કરાવશે. એટલે સાચા અર્થમાં આ આમંત્રણ એ દિનેશ તીરંદાજ માટે લક્ષ્યવેધ જેવી ઘટના છે.

ગયા વર્ષે તેમણે અકાદમીમાં ચાર દિવસનું સત્ર યોજી દેશનો આધાર સ્થંભ બની રહેનારા અધિકારીઓને તીરંદાજી ના કૌશલ્યોની ઓળખ કરાવી હતી.આ વર્ષે તેઓને તા.૧૨ થી ૩૦ ઓકટોબર સુધી બોલાવવામાં આવ્યાં છે.દિનેશભાઈ બીજી વાર મળેલી આ તકથી ખૂબ ઉત્સાહિત છે.કારણ કે તેઓને લાગે છે રામાયણ અને મહાભારત સાથે સંકળાયેલી આ રમત અને યુદ્ધ વિદ્યાને ઉચિત મહત્વ હજુ સુધી મળ્યું નથી. ત્યારે આ ભવિષ્યના સનદી અને પોલીસ સેવા સહિતની વિવિધ સેવાઓના અધિકારીઓ એમના કાર્યકાળ દરમિયાન અકાદમીમાં મળેલી તીરંદાજીની આ ઓળખને યાદ કરીને, એને મુખ્ય પ્રવાહમાં સ્થાન અપાવવા પ્રયત્ન કરશે.
દિનેશભાઈ તીરંદાજીના કોચ છે અને ૨૦૦૫ થી નસવાડી પાસે એકલવ્ય તીરંદાજી અકાદમીનું સંચાલન કરે છે. તેમણે તીરંદાજીને પ્રાચીન કાળ જેવું જ ભવ્ય સ્થાન ફરી થી અપાવવા જાણે કે જીવન એના ચરણોમાં સમર્પિત કરી દીધું છે. તેઓ આર્ચરીમાં એન.આઇ. એસ.નો ડિપ્લોમા કરનારા ગુજરાતના, પ્રતાપ પસાયા પછીના બીજા તીરંદાજ છે.કલકત્તા પછી એમણે નવી દિલ્હીની સાઈ હોસ્ટેલમાં ઓલિમ્પિયન લીંબારામ સાથે તાલીમ લીધી હતી.


દિનેશભાઈ કહે છે કે, એક સમયે ગુજરાતમાં એક રમત તરીકે તીરંદાજીની કોઈ ઓળખ ન હતી.એકલવ્ય અકાદમી દ્વારા તાલીમની શરૂઆત પછી,અહી પ્રશિક્ષણ મેળવનારા ૪ ખેલાડીઓએ કલકત્તાનો ડિપ્લોમા કર્યો છે.હવે ગુજરાતમાં સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ અકાદમી દ્વારા નીસ ડિપ્લોમા કરાવવામાં આવે છે.તેમની અકાદમીના ૧૫ વિદ્યાર્થીઓ એ આ ડિપ્લોમા મેળવ્યો છે.આજે આ રમતમાં ગુજરાતના ખેલાડીઓને રસ જાગ્યો છે.ખેલ મહાકુંભ ની આર્ચરી સ્પર્ધાઓમાં હવે ૧૦ હજાર જેટલા સ્પર્ધકો નોંધાય છે એનો એમને આનંદ છે. આજે ગુજરાત ભરમાં એમની અકાદમીમાં, એમના માર્ગદર્શન હેઠળ પ્રશિક્ષિત આર્ચરી કોચીસ તાલીમ આપે છે એનું એમને ગૌરવ છે.
રાષ્ટ્રીય સનદી અને પોલીસ સેવાઓના તાલીમાર્થીઓને આર્ચરીનું પ્રશિક્ષણ શા માટે એવા કુતૂહલનો જવાબ આપતાં તેઓ જણાવે છે કે આ રમત ચપળતા,ચુસ્તી,સ્ફૂર્તિ અને એકાગ્રતાની રમત છે.હવાની લહેરો વચ્ચે તીર થી નિશાન પાડવામાં કાબેલિયત ની જરૂર પડે છે. કદાચ ભાવિ અધિકારીઓમાં આ ગુણો પ્રબળ કરવા અને એમને પ્રાચીન ભારતની ગૌરવ સમાન યુદ્ધ વિદ્યા થી પરિચિત કરવા આર્ચરી સેશન રાખવામાં આવ્યું હશે એવી એમની ધારણા છે

loading…


મેરઠમાં એક આર્ચરી ગુરુકુળ છે એવી જાણકારી આપતાં તેઓ જણાવે છે કે આ ગુરુકુળ વર્તમાન સમયના ખ્યાતનામ આર્ચર તૈયાર કર્યાં છે જેઓ સંસ્કૃતમાં સંવાદ કરે છે.દિનેશભાઈ કહે છે કે તીરંદાજી એ પ્રાચીન ધર્મ ગ્રંથોમાં ઉલ્લેખિત, દેવો અને રાજાઓ ની વિદ્યા છે ત્યારે હાલમાં ગુરુકુળ પરંપરા અનુસાર શિક્ષણ આપતી સંસ્થાઓ, પોતાના વિદ્યાભ્યાસમાં તેનું પ્રશિક્ષણ સમાવી લઈ,તેની અસ્મિતાને નવેસર થી ઉજાગર કરે એ ઇચ્છનીય છે.

હાલમાં નસવાડી ની એકલવ્ય અકાદમીમાં ૪૦ વિદ્યાર્થીઓ ધનુર્વિદ્યા શીખી રહ્યાં છે. કોરોના કાળમાં માસ્ક સહિતના નિયમોનું પાલન કરીને આ તીરંદાજો એ એમનો મહાવરો ચાલુ રાખ્યો છે. દિનેશભાઈને દિલથી અભિનંદન.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *