ekadashi

Ekadashi Vrat: ‘ષટતિલા એકાદશી’ નું શું છે મહત્વ; જાણીએ વૈભવી જોશીની કલમે…

Ekadashi Vrat: સહુથી પહેલાં તો કોઈને એમ વિચાર આવે કે આવું નામ કેમ ? ‘ષટતિલા’ નામ શા માટે ? ‘ષટ’ એટલે સરળ ભાષામાં કહીયે તો ૬ નો આંક. કોઈ પણ ૬ વસ્તુ કે પ્રકાર કે એવું કંઈ પણ ભેગું થાય ત્યારે આ શબ્દ વપરાય. જેમ કે ષટ્કોણ જેને ૬ ખૂણાં હોય. એવી જ રીતે ‘ષટતિલા’ નામ છે એટલે સ્વાભાવિક રીતે ૬ વસ્તુઓ કે ૬ પ્રકારની વાત છે એ વાત તો નક્કી.

Ekadashi Vrat vaibhavi Joshi

મને થયું ચાલો આ એકાદશી જરા વિશેષ છે તો એ વિશે થોડું જાણીયે. હંમેશની જેમ એકાદશી છે એટલે પહેલાં ધાર્મિક તત્ત્વોની વાત કરીશ અને પછી એની પાછળ જોડાયેલાં પર્યાવરણ, વિજ્ઞાન કે આરોગ્ય સંબંધિત પાસાઓ વિશે જાણીશું.

સ્કંદ પુરાણનાં વૈષ્ણવ ખંડનાં એકાદશી મહાત્મ્યમાં આ એકાદશી વ્રતનું (Ekadashi Vrat) મહત્ત્વ જણાવવામાં આવ્યું છે. મહાભારતમાં પણ જણાવવામાં આવ્યું છે કે આ એકાદશીએ તાંબાનાં લોટામાં તલ રાખીને દાન કરવાથી અનેક યજ્ઞોનું ફળ મળે છે. પદ્મ અને વિષ્ણુ પુરાણ પ્રમાણે આ દિવસે તલનો છ પ્રકારે ઉપયોગ કરવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે એવી માન્યતા છે અને આ ૬ પ્રકાર એટલે તલથી સ્નાન, તલનો હવન, તલનું ઉબટન (લેપ), તલમિશ્રિત જળનું પાન, તલનું દાન અને તલનું ભોજન.

આ પ્રમાણે છ પ્રકારે તલનો ઉપયોગ થતો હોવાનાં કારણે આ એકાદશીને ‘ષટિતલા એકાદશી’ કહેવામાં આવે છે. આજનાં દિવસે તલનાં દાનનું વિશેષ મહત્વ છે. તલથી ભરેલાં પાત્રનું દાન કરવાથી જેટલા તલનાં દાણા હોય તેટલાં વર્ષ દાન કરનારને સ્વર્ગનું સુખ પ્રાપ્ત થાય છે એવી માન્યતા છે. આ તો થઈ ધાર્મિક તત્ત્વોની વાત પણ કોઈને એમ વિચાર પણ આવે કે બીજું કશું જ નહિ ને તલ જ શા માટે? હું હંમેશા કહું છું કે આપણા ઋષિમુનિઓ ખુબ ઊંડા તત્ત્વજ્ઞાનીઓ હતાં. એ જમાનામાં આટલું ભણતર નહોતું માટે આપણી દરેક સારી પ્રથા, સારા રીત-રિવાજો કે આચાર-વિચારની સારી પદ્ધતિઓને ધર્મ સાથે જોડી દેવામાં આવતી જેથી લોકો એને અનુસરે. પણ આજની પેઢીનો જયારે આપણાં ધર્મ કે સંસ્કૃતિમાંથી વિશ્વાસ ઉઠતાં જોઉં છું ત્યારે ખરેખર દુઃખ થાય છે.

Papaya Benefits: પેટ માટે અમૃત સમાન છે પપૈયા, આ સમસ્યાઓથી આપશે રાહત

હું એમાં આ યુવા પેઢીનો વાંક જરાય નથી કાઢતી. મને આજની પેઢી ગમે છે કેમકે આ ખૂબ પ્રામાણિક પેઢી છે. હકીકતમાં તો આપણે જ ક્યાંક નિષ્ફળ ગયા છીએ પેઢી દર પેઢી એ વાતને સમજાવવામાં કે આપણાં કોઈ પણ પર્વ, ઉત્સવ કે વાર-તહેવાર અને ખાસ તો એ દિવસે રાખવામાં આવતા વ્રત કે ઉપવાસ પાછળ ખરેખર તો પર્યાવરણની કાળજી, પર્યાવરણમાં આવતા ફેરફારો મુજબ આરોગ્યલક્ષી હેતુ કે પછી વિજ્ઞાન જ જોડાયેલું છે.

પોષ મહિનામાં આવતી આ એકાદશીનાં સમયે એકંદરે શિયાળો હોય એટલે કે વાતાવરણ ઠંડુ હોય. સ્વાસ્થ્યની દૃષ્ટિએ પણ ષટતિલા વ્રત ખાસ ગણાય છે. આ દિવસે તલનો ઉપયોગ કરવાથી ઘણી ખરી બીમારીઓથી બચી શકાય છે. કદાચ જ કોઈ હશે જે તલનો મહિમા નહિ જાણતો હોય. એટલે જ વર્ષો પહેલાં આપણાં ઋષિમુનિઓએ આ એકદાશી સાથે તલનું માહાત્મ્ય જોડી દઈને આરોગ્યલક્ષી હેતુ સર કર્યો હતો. શિયાળાની ઋતુ સ્વાસ્થ્ય બનાવવા માટે શ્રેષ્ઠ ગણાય છે. શિયાળાની ઠંડીમાં શ્રેષ્ઠ સ્વાસ્થ્ય બનાવવા અને આખું વર્ષ નિરોગી રહેવા તલનું સેવન અતિ ગુણકારી મનાય છે. ષટતિલા એકાદશીમાં કરવામાં આવતાં વ્રત અનુસાર જેમણે પણ આ વ્રત કર્યું છે એમણે આ ૬ વસ્તુઓ કરવી એવો ઉલ્લેખ છે. શરીરે તલનાં તેલનું માલિશ કરવું, તલનાં પાણીથી સ્નાન કરવું, તલ નાંખેલા જળનું પાન કરવું, તલવટ બનાવીને ખાવો, તલનું દાન કરવું અને તલનો હવન કરવો.

સૌથી પહેલા વાત કરીયે તલનાં તેલની માલિશની. ભારતમાં વૈદિકકાળથી તલ અને તલનાં તેલને ઔષધિ માનવામાં આવે છે. ચરકસંહિતામાં તલનાં તેલને શ્રેષ્ઠ ગણાવ્યું છે. શિયાળાની ઋતુમાં આહાર તેમજ માલિશ માટે તલનાં તેલનો મહત્તમ ઉપયોગ કરવાથી શરીર તંદુરસ્ત રહે છે. ઉબટન અને તલનાં પાણીથી સ્નાન કરવાથી ત્વચા પણ સારી રહે છે.

ઠંડીમાં પોતાનાં સ્વાસ્થ્યને જાળવવા લોકો નીત નવાં નુસખાઓ અપનાવે છે. જાત-જાતનાં આયુર્વેદિક પ્રયોગો પણ કરે છે. પરંતુ આપણા ઋષિઓ અને પૂર્વજોએ આપણે આખું વર્ષ નિરોગી અને સ્વસ્થ રહીએ તે માટે સ્વાદ અને સ્વાસ્થ્ય એક સાથે જોડ્યું. મકરસંક્રાતિમાં ખવાતી તલસાંકળી અને તલની વિવિધ આઇટમ્સ પણ આનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. તલનો ઉપયોગ ઠંડીમાં ખાસ કરીને અલગ-અલગ પ્રકારે કરવામાં આવે છે. નાનાં-નાનાં દાણા રૂપી આ તલ એ સ્વાસ્થ્યથી ભરપૂર છે. આ તલનો પ્રયોગ ઘી અને ગોળની સાથે કરવાથી ઘણાં પ્રકારનાં રોગ દૂર થાય છે. ઘરમાં બનેલી તલસાંકળી અને તલનાં લાડુ એ શરીર માટે ખૂબ ફાયદાકારક છે. તલ મિક્સ કરીને પાણી પીવાથી અને તલ ખાવાથી સ્વાસ્થ્ય સારું રહે છે અને ઠંડીનાં કારણે થતી ઘણી બીમારીઓથી પણ બચી શકાય છે. તલનાં દાન કરવા પાછળ પણ એ જ આશય હશે કે જે આપણાંથી ઓછા સમર્થ લોકો છે એ લોકોનાં આરોગ્યની સુખાકારી પણ જળવાય ખાસ કરીને શિયાળાનાં સમયમાં. તલનાં હવન કરવા પાછળ પણ હવનનું વિજ્ઞાન જ કામ કરે છે.

યજ્ઞ કે હવન પણ એક મહત્ત્વપૂર્ણ વિજ્ઞાન છે. તેમાં જે વૃક્ષની સામગ્રીઓનો ઉપયોગ કરવામાં આવે છે, તેમાં વિશેષ પ્રકારનાં ગુણ હોય છે. કેવા પ્રયોગ માટે કયા પ્રકારની સામગ્રી હોમવામાં આવે છે, તેનું પણ વિજ્ઞાન છે. તે વસ્તુઓનાં મિશ્રણથી એક વિશેષ ગુણ તૈયાર થાય છે, જે બળવાથી વાયુમંડળમાં વિશિષ્ટ પ્રભાવ પેદા થાય છે.

હવન કુંડમાં અગ્નિ પ્રજ્વલિત કર્યા પછી આ પવિત્ર અગ્નિમાં ફળ, મધ, ઘી, લાકડું વગેરે પદાર્થોની આહુતિ મુખ્ય છે પણ એ સિવાય સમય-સમય પ્રમાણે અન્ય પદાર્થોની આહુતિ પણ આપવામાં આવતી હોય છે. જેમ કે આ એકાદશીનાં સમય મુજબ તલની આહુતિ અપાય છે. આપણે જયારે તલ ખાઈએ છીએ ત્યારે ફક્ત આપણને જ એનો લાભ મળે છે પણ જયારે એ જ તલ અગ્નિમાં હોમાઇને વાયુસ્વરૂપે વાતાવરણમાં ભળે છે ત્યારે આસપાસનાં માણસો, પશુ-પંખીઓ અને સર્વેને એનાં ગુણોનો લાભ મળે છે.

બસ આજ બધું જ્ઞાન એ વખતે સરળતાથી લોકોનાં આચાર-વિચારમાં ઉતરી જાય અને લોકો સમયસર એને અનુસરતાં રહે એ જ આશયથી આપણાં બધા વ્રત અને ઉપવાસ સાથે આ બધી બાબતો જોડી દેવામાં આવી હતી જે સમયાંતરે માત્ર ધાર્મિક પાસાઓ પૂરતી સીમિત રહી ગઈ અને ક્યારેય આગળની પેઢી સુધી પહોંચી નહિ અને પરિણામ આપણી સામે જ છે. આજ કારણ છે કે આજની યુવા પેઢીને આ બધી એકાદશી, વ્રત કે ઉપવાસ બધું અંધશ્રદ્ધા લાગે છે. આપણે આવનારી પેઢીને ક્યારેય પણ આ બધા વાર-તહેવાર, વ્રત કે ઉપવાસ પાછળ રહેલાં તાર્કિક કારણો સમજાવ્યા છે ? આપણે પોતે પણ ક્યારેય જાણવાનો પ્રયત્ન કર્યો છે ? બસ પેઢી દર પેઢી જેમ ચાલતું આવ્યું એમ આપણે પણ ચાલવા દીધું અને પરિણામે આજે નવી પેઢીને આ બધામાં વિશ્વાસ નથી રહ્યો એની પાછળ જવાબદાર કોણ ?

એની પાછળ આપણે અને આપણી જડ માન્યતાઓ જવાબદાર છે. આપણે કોઈ દિવસ આ પેઢીને પ્રશ્નો પૂછવા દીધા છે ? કોઈ દિવસ એ લોકો પ્રશ્નો પૂછે તો પણ એમ કહીને બેસાડી દઈએ કે તને આ બધામાં ન ખબર પડે, એ તો એમ જ થાય કે એમ જ ચાલતું આવ્યું છે વગેરે વગેરે. એમનાં પ્રશ્નોનાં કોઈ દિવસ શાંતિથી સંતોષકારક જવાબ આપ્યા છે ? આ તાર્કિક પેઢી છે. એમને સાચી દિશામાં એમનાં મનનું સમાધાન થાય એ રીતે આગળ વધવું છે તો કેમ નહિ ? આપણાં ધર્મનાં વિશ્વાસનાં પાયા આજે ચોક્કસ ડગમગી રહ્યાં છે અને એટલે જ સાચી માહિતીને ઉજાગર કરવી એ હવે એક જવાબદારી થઈ ગઈ છે જે આપણે બધાએ સાથે મળીને કરવી જ રહી. આશા રાખું કે અમારી પેઢી આવનારી પેઢીને સાચી દિશામાં માહિતગાર કરવા માટે કટિબદ્ધ થાય.

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *