Hospital sweeper 3

સફાઇકર્મીઓનું કોરોના સામેની લડાઇમાં ગ્રાઉન્ડ લેવલનું આગવું યોગદાન

કોવિડ-૧૯ હોસ્પિટલમાં ૩પ૦ અને સિવિલ હોસ્પિટલના ૪૫૦ જેટલા સફાઇકર્મીઓનું કોરોના સામેની લડાઇમાં ગ્રાઉન્ડ લેવલનું આગવું યોગદાન

સુરત:સોમવાર: કોરોનાકાળના પ્રારંભથી જ નવી સિવિલ હોસ્પિટલમાં સેવા આપી રહેલા ૮૦૦ જેટલા સફાઈ કર્મચારીઓ ૨૪ કલાક પોતાની ફરજ બજાવીને કોરોના સામેના જંગમાં યોગદાન આપી રહ્યા છે. જે પૈકી ૩૫૦ જેટલા સફાઈ કર્મચારીઓ પોતાની જીવની પરવા કર્યા વગર સ્ટેમ સેલ બિલ્ડીંગની કોવિડ-૧૯ હોસ્પિટલમાં સતત આઠ કલાક પીપીઈ કીટ પહેરીને ‘સ્વચ્છતા ત્યાં પ્રભુતા’ના મંત્ર સાથે નિષ્ઠાપૂર્વક યોગદાન આપી રહ્યા છે.

સિવિલની કોવિડ ૧૯ હોસ્પિટલના સફાઈકર્મી માલાબેન સુકલકરે જણાવ્યું હતું કે, કોરોનાની શરૂઆતથી જ કોરોના વોર્ડમાં સાફ-સફાઈ કરવાં સાથે દર્દીઓની બેડના ચાદર બદલવાં, દર્દીઓને દવા અને પાણી આપવા જેવા સહાયકની જવાબદારી નિભાવીએ છીએ. પહેલા કોરોના વોર્ડમાં કામ કરવાનો ડર લાગતો હતો, સમય જતાં ડોકટરો અને નર્સિંગ સ્ટાફને દર્દીઓ માટે રાતદિન મહેનત કરતાં જોઈને અમને પ્રેરણા મળી છે. હવે કોવિડ વોર્ડમાં ડર લાગતો નથી.

કોરોના વોર્ડમાં સુપરવાઇઝર તરીકે ફરજ બજાવતા સતીષ પ્રજાપતિએ જણાવ્યું હતું કે, ‘એપ્રિલ મહિનાથી સ્ટેમ સેલ બિલ્ડીંગમાં કોવિડ ૧૯ હોસ્પિટલની શરૂઆત થઇ હતી ત્યારથી સફાઇકર્મીઓ રાત-દિવસ સાફસફાઈ અને કોરોના દર્દીઓની જરૂરી મદદ, સેવાનું કાર્ય નિષ્ઠાથી કરી રહ્યા છે. વોર્ડમાં દાખલ થતાં પહેલાં પીપીઈ કીટ, હાથના મોજા, માસ્ક, ટોપીની સુવિધા આપવામાં આવે છે. સલામતીના આ સાધનો પહેરીને જ કોરોના વોર્ડમાં ફરજ બજાવે છે. અમારા કર્મચારીઓ કામ સાથે દર્દીઓને કોરોના સામે લડવાની હિંમત પણ આપે છે.

સફાઈ કાર્ય કરતાં સ્વચ્છતાના દૂતો કોરોના દર્દીઓને ભોજન, પાણી, સ્નાન અને કપડાં આપવાનું કામ પણ કરે છે. હાલમાં કોરોના વોર્ડમાં ૩૫૦ જેટલા કર્મચારીઓ રાત-દિવસ ફરજ નિભાવી રહ્યા છે, તેમની દેખરેખ રાખવાનું કામ હું સંભાળી રહ્યો છું. અમારી ટીમ એક પરિવારની જેમ ખભે ખભા મિલાવીને કામ કરી રહી છે,એમ સતીષભાઇ પ્રજાપતિ જણાવે છે.

ગ્રાઉન્ડ લેવલના કોરોના વોરિયર કહી શકાય એવાં સફાઈ કર્મયોગીઓના કારણે સિવિલમાં સ્વચ્છતા અને આરોગ્યપ્રદ વાતાવરણ જળવાઈ રહ્યું છે.

Banner Still Guj