to madiye

Gujarati film: હું વર્ષોથી આપણી ગુજરાતી રંગભૂમિ, સુગમસંગીત અને ફિલ્મોને અઢળક પ્રેમ કરતી આવી છું: વૈભવી જોશી

Gujarati film: ભવ્ય આલીશાન મહેલોમાં રહેવાવાળા અને જાહોજલાલીમાં આળોટતાં જો રાતોરાત કરોડપતિમાંથી સીધા જ રોડપતિ બની જાય તો ??? કલ્પના આવે છે ખરાં ?? કંઈ વિચારી શકો ખરાં ?? આવા સમયે આપણું તો મગજ જ બહેર મારી જાય ? અંધકાર વ્યાપે ? શૂન્યતાં આસપાસ પથરાય અને કદાચ ત્યારે જ છળ, કપટ, અનીતિ આપણી અંદર જન્મ લેતી હોય છે, ખરું ને ? આવી જ કોઈ અણધારી આપત્તિ ન ઈચ્છેલા અનીતિનાં માર્ગે ચાલવાની જન્મદાત્રી હોય છે અને સહુથી સરળ રસ્તો પણ એ જ હોય છે નહિ ? આપત્તિનો સામનો કરવાને બદલે એનાથી ભાગવું બહુ જ સાહજિક છે.

Gujarati film, Vaibhavi joshi

બસ આવું જ કઈંક સંઘવી પરિવાર સાથે બન્યું હતું. તમને લાગશે હું કોઈ સામાજિક મુદ્દા પર પ્રકાશ પાડવા જઈ રહી છું તો ના જરાય નહિ. પણ હા ! આવી જ કઈંક ઘટનાઓ ઘણી વાર આપણી આસપાસ આકાર લેતી જ રહેતી હોય છે. અને એટલે જ મારે આ વિશે આજે માંડીને વાત કરવી છે. મારાં માટે હંમેશા મિડિયા એ સમાજનું એક મજબૂત અને અભિન્નન પાસું રહ્યું છે જે દેશનાં યુવાધનને ઈચ્છે તો સારાં નહીંતર ગેરમાર્ગે દોરી શકે. આવી કોઈ અણધારી ઘટના પર કોઈ લેખક પ્રકાશ પાડે અને અથાગ મહેનત પછી એક અદભુત ફિલ્મ બનાવે જે ખરાં અર્થમાં આપણા સમાજમાં સાચી વિચારધારા પર પ્રકાશ પાડે અને નીતિનાં માર્ગે ચાલવા માટે પ્રેરે એ વાત જ કેટલી ઉત્તમ કહેવાય !

આજથી ૫-૬ વરસ પહેલાં એક ઉત્કૃષ્ટ ગુજરાતી ફિલ્મ (Gujarati film) આવેલી Chal Man Jeetva Jaiye “ચાલ મન જીતવા જઈએ”. એક અદભુત નવતર પ્રયોગ થયેલો Dipesh Shah દીપેશ શાહ દ્વારા. ના કોઈ ફેન્સી કે ફોરેનનાં લોકેશન, ના કોઈ ગીતો, ના કોઈ પણ પ્રકારનાં આટાપાટા કે રહસ્યમય ઘટનાઓ અને એ છતાંય આ ફિલ્મ જોનાર એક ક્ષણ માટે પણ હલે નહિ અરે ! પગ છૂટો કરવાના બહાને પણ નહિ તો એ ફિલ્મ કેવી અદભુત બની હશે.

માત્ર એક આલીશાન મહેલનું દીવાનખાનું જે કદાચ આજે છે ને કાલ નહિ પણ હોય. માત્ર તર્કવિતર્ક, માત્ર સંવાદો કદાચ પહેલી વાર કોઈ અર્બન ગુજરાતી ફિલ્મનાં પ્રેમમાં હું પડી હોઉં તો એ આ ફિલ્મ હતી. ખરો અભિનય તો આમાં નિહાળ્યો જ્યાં તમારી પાસે માત્ર તમારાં હાવભાવ, તમારી બોલવાની છટાં, તમારી વાત રજુ કરવાની આવડત, તમારી આંખોમાં ઉતરી આવેલી નિરાશા કે ખુમારી બસ આજ તમારાં સાથી છે. બસ આનાં જોરે જ લડી લેવાનું છે.

ઘરનાં દીવાનખાનામાં ઘરનાં તમામ સભ્યો વચ્ચે વિચારોનું એક યુદ્ધ છેડાયું છે જેમાં વર્ષોનાં અનુભવનો નિચોડ કહે છે કે અત્યારે અનીતિનો માર્ગ જ શ્રેષ્ઠ માર્ગ છે જયારે ઉગતું લોહી, આજનું યુવાધન જે દેશની ધરોહર છે એ નીતિનાં માર્ગે ચાલવાનો સંકલ્પ કરીને બેઠી છે અને આ અનુભવી પેઢી સામે તર્કવિતર્ક રજુ કરી એમને કન્વિન્સ કરવાનો પૂરાં જોશથી પ્રયત્ન કરી રહી છે.

જોનાર અને સાંભળનારને એ ઈચ્છે ત્યારે પોતાની બાજુ કરી લે. ઘડીકમાં એમ લાગે કે વર્ષોનો અનુભવ સાચો ને ઘડીકમાં એમ લાગે કે ઉગતાં લોહીનો જોશ સાચો. અને આ આખીય વાતમાં તમારાં ધ્યાન બહાર આ ચર્ચાવિચારણા આખુંય શહેર ટીવીનાં લાઈવ માધ્યમથી અધ્ધર શ્વાસે એની સાક્ષી પૂરતું હોય તો તમે શું કરો ??

મને જાણનારાં બધા જ જાણે છે કે હું વર્ષોથી (Gujarati film) આપણી ગુજરાતી રંગભૂમિ, સુગમસંગીત અને ફિલ્મોને અઢળક પ્રેમ કરતી આવી છું અને આગળ પણ કરતી રહીશ. મેં નરેશ કનોડિયા, ઉપેન્દ્ર ત્રિવેદી, હિતેન કુમાર, હિતુ કનોડિયાથી લઈને આજનાં પ્રતિક ગાંધી, મલ્હાર ઠાકર કે યશ સોનીની લગભગ બધી જ ફિલ્મો જોઈ છે. હા ! જો કે એ વખતની અભિનેત્રીઓમાં સ્નેહલતા, રીટા ભાદુરી, કે રોમા માણેકથી વધુ નામ યાદ ન આવે જેટલું આજનાં સમયમાં જાનકી બોડીવાલા, માનસી પારેખ, આરોહી પટેલ, દીક્ષા જોશી, નેત્રી ત્રિવેદી, કિંજલ રાજપ્રિયા, શ્રદ્ધા ડાંગર કે નીલમ પંચાલ કેટકેટલાં નામ લઉં હજી તો કેટલાંય રહી ગયાં હશે.

જયારે આ ફિલ્મનો પ્રથમ ભાગ જોવાનું નક્કી થયું ત્યારે તો મારાં માટે એટલું જ પૂરતું હતું કે આ ફિલ્મનું મુખ્ય પાત્ર વસંત સંઘવી મારાં અત્યંત પ્રિય રંગકર્મીઓમાંના એક ધર્મેન્દ્ર ગોહિલ ભજવી રહ્યાં છે. સાથે ખબર પડી કે Krishna Bharadwaj ક્રિષ્ના ભારદ્વાજ પણ છે પછી તો પૂછવું જ શું. પણ જયારે ફિલ્મમાં Hemen Chauhan હેમેન ચૌહાણને જોયો નહિ કહું પણ માણ્યો કહીશ ત્યારે એક મજબૂત પાત્ર ઉમેરાયું મારાં માટે. પાછું રાજીવ મહેતા જેવા વર્સેટાઈલ એક્ટર તો ખરાં જ.

કદાચ પહેલી વાર એક તો કોઈ ગુજરાતી ફિલ્મની સિક્વલ અથવા બીજો ભાગ રજુ થવા જઈ રહ્યો હતો, પણ મારી જેમ કદાચ જ આટલી ધીરજ પૂર્વક કોઈએ આ ફિલ્મનો બીજા ભાગ આવવાની રાહ જોઈ હશે. જે ઘડીએ પહેલો ભાગ પત્યો એ જ દિવસે મેં મનોમન નક્કી કરેલું કે આ ફિલ્મનો બીજી ભાગ જો નહિ આવે તો આ પહેલો ભાગ ચોક્કસ અધૂરો લાગશે. અને આજે આ ધીરજનો અંત આવશે કેમકે આજે દેશવિદેશમાં “ચાલ મન જીતવા જઈએ” નો બીજો ભાગ રજુ થશે.

આ પણ વાંચો:Gujarat budget 2023: વિધાનસભામાં રજુ થયું ગુજરાતનું બજેટ, જાણો કયા વિભાગ માટે શું જાહેરાત કરવામાં આવી હતી…

જે હું હંમેશા કહેતી આવી છું એવી એક ન ગમતી કડવી હકીકત આજે ફરી કહીશ. આપણે ગુજરાતીઓ આપણી મહામૂલી વિરાસત, આપણી ભવ્ય સંસ્કૃતિ, આપણા અમૂલ્ય રત્નો, વિરલ પ્રતિભાઓ કે કોઈ પણ સારી વસ્તુની કદર કરવામાં હંમેશા પાછાં પડ્યા છીએ. કદાચ ગુજરાતીઓનું ગુજરાતી ફિલ્મો પ્રત્યેનું ઉદાસીન અને ઉપેક્ષિત વલણ જ મૂળભૂત કારણ હશે કે Raam Mori રામ મોરી જેવા યુવા અને પ્રતિભાશાળી લેખકની કચ્છ એક્સપ્રેસ જેવી ઉત્કૃષ્ટ ફિલ્મ અહીંયા સિડનીમાં રજુ કરવામાં જ ન આવી.

એટલે આજે ખાસ ORION Entertainmentના Prajesh Goswami પ્રજેશભાઈ ગોસ્વામીનો હું અંતરમનથી આભાર પ્રગર કરું છું કે ચાલ મન જીતવા જઈએ ફિલ્મને તેઓ સાત સમંદર પાર અહીંયા લઈ આવ્યા.

આ ફિલ્મ જે ભણી રહ્યા હોય કે ભણેલાં-ગણેલાં હોય એમણે તો ખાસ જોવી. આજકાલ જે મોટીવેશનનાં વાયરા ચાલ્યા છે અરે ઘણી વાર તો મોટીમોટી કંપનીઓ પૈસા ખર્ચીને કે સ્પેશ્યલ સેમિનાર ગોઠવીને જે શીખવાડે છે એ બધું જ તમને આ ફિલ્મમાં જોવા અને સમજવા મળશે. હું વ્યવસાયે આઈ.ટી. પ્રોફેશનલ છું એટલે અમારી ભાષામાં વાત કરું તો અમને અવાર નવાર આવી પ્રોફેશનલ વર્ક શોપ કે સેમિનારમાં કંપની તરફથી ભણવા માટે મોકલવામાં આવે જેમાં મુખ્ય નીચે મુજબના શબ્દો અમને ભણાવવામાં આવે:

ઈન્ડિવિઝ્યુઅલ અને ટિમ ડિસિઝન મેકિંગ, ટિમ વર્ક, કન્ફ્લિક્ટ રિઝોલ્યૂશન, ટાઈમ મેનેજમેન્ટ, બિઝનેઝ એથિક્સ, કંમ્યુનિકેશન, વર્ક લાઈફ બેલેન્સ, ફેમિલી વેલ્યુ, બ્રાન્ડ વેલ્યુ, રીસ્ક મેનેજમેન્ટ, સ્ટેક હોલ્ડરર્સ, કેલ્કયુલેટીવ રીસ્ક, રેશનલાઇઝેશન, સ્ટ્રેસ મેનેજમેન્ટ, પ્લાનિંગ, એક્ઝિકયુશન, અકાઉન્ટેબીલિટી, બિલ્ડીંગ ટ્રસ્ટ વગેરે વગેરે…!!

આ બધું જ જો તમે ધ્યાનથી સાંભળશો તો આ ફિલ્મમાં જોઈ અને સમજી શકશો કે ખરેખર આનો પ્રેક્ટિકલી ઉપયોગ ક્યારે અને કંઈ રીતે કરી શકાય. જો આ જ ફિલ્મ કદાચ બૉલીવુડ કે હોલીવુડમાં બની હોત તો આપણે આવી ફિલ્મને અધધધધ કમાણી કરાવી આપી હોત. પણ સદનસીબ કહું કે કમનસીબ કહું એ સમજાતું નથી કે આ ફિલ્મ ગુજરાતીમાં બની છે. પણ જો આવા નવતર પ્રયોગોને દિલથી નહિ વધાવીયે તો પછી ગુજરાતી ફિલ્મોનું સ્તર ક્યારેય ઊંચું નહિ આવે એવું કહેવાનો કે ફરિયાદ કરવાનો આપણને કોઈ હક નથી.

તાજેતરમાં ઘણી બધી સરસ ઉત્તમ ગુજરાતી ફિલ્મો બની ગઈ પણ અફસોસ કે બધી ફિલ્મો અહીંયા રજુ નથી કરવામાં આવતી અને એમાં હું ડિસ્ટ્રીબ્યુટરોનો જરાય વાંક નથી કાઢતી કેમકે ભૂતકાળમાં અહીંયા આવા લોકોને ખોટ ખાવાનો જ વારો આવ્યો છે. અને એમાં જવાબદાર અહીંયા વસનારી ગુજરાતી પ્રજા જ છે. હું તો ચાલ મન જીતવા જઈએનો બીજો ભાગ જોવા જાઉં જ છું અને અહીંયા સિડનીમાં રહેતા કે મારાં મિત્ર વર્તુળમાં રહેતા કોઈ પણ જોડાવા ઈચ્છે તો ચોક્કસ જોડાય. જો આપણે જ સહકાર નહિ આપીયે તો જે એકાદ-બે આપણી ભાષાની ફિલ્મો અહીંયા રજુ થાય છે એ પણ ધીમે ધીમે બંધ થઈ જશે.

આશા રાખું કે આવી ઉત્કૃષ્ટ ફિલ્મોને ભાવસભર પ્રતિસાદ મળે જેથી આવા નવતર પ્રયોગો ચાલુ રહે. આ ફિલ્મ સાથે સંકળાયેલા તમામને હું શુભેચ્છાઓ પાઠવું છું. તો ચાલ મન જોવા જઇયે…!!

(વિશેષ નોંધ : આ કોઈ ફિલ્મ રીવ્યુ કે સમીક્ષા નથી કે ન તો હું કોઈ સમીક્ષક છું. હું એવી કોઈ પણ જગ્યાએ બિરાજમાન નથી કે કોઈનાં અથાગ પરિશ્રમની મુલવણી કરી શકું. આ માત્ર મારો અંગત મત છે અથવા નમ્ર નિવેદન. જો આપને યોગ્ય લાગે તો એમાં સહભાગી ચોક્કસ થઈ શકો. જો આ મંતવ્ય વાંચીને થોડાં ઘણા લોકો પણ આ અદભુત ફિલ્મ જોવા પ્રેરાશે તો હું આ લેખ સાર્થક ગણીશ.)

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *