sanjivani dr

Sanjivani Rath: સંજીવની રથમાં સવાર થઈને રોજ-રોજ દર્દીની સેવા કરનારા MBBS ના વિદ્યાર્થીઓ તેમજ ઇન્ટર્ન ડોક્ટરો

Sanjivani Rath: સ્મીમેર મેડિકલ કોલેજના ૪૪૨ વિદ્યાર્થીઓએ સંજીવની રથ સેવામાં જોડાઈને દર્દીઓને સ્વસ્થ કરવામાં મહત્વની ભૂમિકા અદા કરી

  • યુવા કોરોના યોદ્ધાઓને ઈશ્વરીય કાર્યમાં સહભાગી થવાનો આનંદ અને સંતોષ

અહેવાલ: પરેશ ટાપણીયા
સુરત, ૦૯ જૂન:
Sanjivani Rath: કોરોનાકાળમાં સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે શહેરીજનોને કોરોનામુક્ત રાખવામાં રાતદિવસ મહેનત કરી, પરિણામે સૌના સહિયારા પ્રયાસોથી સંક્રમણનો દર એકદમ નીચે આવ્યો છે, અને રિકવરી રેટ ખુબ ઉંચો આવ્યો છે. પાલિકા સંચાલિત સ્મીમેર મેડિકલ કોલેજના ૪૪૨ વિદ્યાર્થીઓએ સંજીવની રથ સેવામાં જોડાઈને દર્દીઓને સ્વસ્થ કરવામાં મહત્વની ભૂમિકા અદા કરી. જેમાં સૌથી વધુ રાંદેર ઝોનમાં ૫૭ વિદ્યાર્થીઓએ સેવા આપી હતી. જ્યારે અઠવા ઝોનમાં ૫૬, સેન્ટ્રલ ઝોનમાં ૪૯, લિંબાયત ઝોનમાં ૪૪ સહિત તમામ ઝોનમાં વિદ્યાર્થીઓ તેમજ ઇન્ટર્ન ડોક્ટરોએ દર્દીઓના ઘરે જઈને નિદાન-તપાસ અને સારવાર કરી છે.

સુરત મહાનગરપાલિકાએ શહેરી વિસ્તારમાં કોરોના સંક્રમણને નાથવાના સક્રિય પ્રયાસો કર્યા, જેનું ઉત્તમ ઉદાહરણ છે સંજીવની રથ (Sanjivani Rath) સેવા.. જે દર્દીઓને કોવિડના ઓછાથી મધ્યમ લક્ષણો હોય તથા હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર ન હોય તેમને તમામ પ્રકારની દવા ઘરે જ મળી રહે, તેમજ સમય સમય પર ડોક્ટર દ્વારા ચેકઅપ પણ કરવામાં આવે, જરૂર જણાય તો તેમના માટે સિનિયર ડોક્ટરની સલાહ પણ મળી રહે આ બધી જ સેવા સંજીવની રથ સેવા દ્વારા દર્દીના ઘરઆંગણે પૂરી પાડવામાં આવે છે. સંજીવની રથની સુવિધાથી દર્દીઓને નિષ્ણાંત ડોક્ટરની દેખરેખ હેઠળ ગુણવત્તાયુક્ત સારવાર ઘરબેઠાં જ મળી રહે છે, અને ગંભીર લક્ષણોને શરૂઆતમાં જ ઓળખીને જરૂર જણાય તો દર્દીને વધુ સારવાર માટે હોસ્પિટલમાં રિફર કરી શકાય છે.

Whatsapp Join Banner Guj

આમ, દર્દીને પોતાના ઘરમાં જ ઉત્તમ સારવાર મળે છે, અને સાથોસાથ હોસ્પિટલ પરનું ભારણ પણ ઘટે છે. એટલે જ સંજીવની રથ (Sanjivani Rath)એ ખરેખર સંજીવની જડીબુટ્ટી જેવું કાર્ય કરે છે. આ અનોખી સુવિધાથી ઘણા દર્દીઓના જીવ બચાવી શકાયા છે. આનાથી દર્દીઓ તો ખુશ છે જ, પરંતુ સાથે સાથે જે સંજીવની રથમાં સવાર થઈને રોજ-રોજ દર્દીની સેવા માટે નીકળી પડે છે એવા MBBSના વિદ્યાર્થીઓ તેમજ ઇન્ટર્ન ડોક્ટરોને આનંદદાયક અનુભવો થયાં, સ્વસ્થ થયેલાં દર્દીઓએ અંતરના આશિર્વાદ આપ્યાં ત્યારે આ કોરોના યોદ્ધાઓએ ખૂબ સંતોષ અનુભવ્યો અને ઈશ્વરીય કાર્યમાં સહભાગી થવાનો આનંદ અનુભવ્યો. તેમના અનુભવો તેમના મુખેથી સંભાળવા જેવા છે:

વૃદ્ધ દંપતિએ જ્યારે કહ્યું” ‘અમને તો તમે સ્વસ્થ કરી દીધા, તમે પણ તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખજો.’:હેમલતા શિરવી(ફાઈનલ યર મેડિકલ સ્ટુડન્ટ, સ્મિમેર)
‘હું કોવિડ પોઝિટિવ એવા એક વૃદ્ધ યુગલના ઘરે રોજ સારવાર માટે જતી હતી. આ દંપતિનું ઓક્સિજન લેવલ નોર્મલ થયું અને સ્વસ્થ થઈ ગયાં ત્યારે સારવારના છેલ્લા દિવસની વિઝિટ દરમિયાન મને જણાવ્યું કે ‘દીકરા, તમે ખૂબ જ સારું કામ કરો છો. તમારા મા-બાપને ધન્યવાદ છે કે ઘરે-ઘરે જઈને સારવાર કરવાના જોખમવાળા કામમાં પણ તમને મોકલતા અચકાતા નથી. અમને તો તમે સ્વસ્થ કરી દીધા, તમે પણ તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખજો. અમે તમારા દીર્ઘાયુની ઈશ્વરને જરૂરથી પ્રાર્થના કરીશું. આ સાંભળીને મારી આંખમાં આંસુ આવી ગયા. વડીલોનો આવો ભાવ અમને વધુ ઉત્સાહથી કામ કરવાં પ્રેરિત કરે છે.

Sanjivani Rath

કોરોનાગ્રસ્ત હોવા છતાં એક વૃદ્ધ દાદી જાણે હું તેમની દીકરી હોઉં તેમ મારી ચિંતા કરતા હતા: યશવી કોન્ટ્રાક્ટર (ફાઈનલ યર મેડિકલ સ્ટુડન્ટ, સ્મીમેર)
મારી ડ્યુટી મહિધરપુરા વિસ્તારમાં સંજીવની રથમાં હતી. હું રોજ નિયમિતપણે સવારે દસ વાગ્યે એક ૮૪ વર્ષના કોરોનાગ્રસ્ત બાના ચેકઅપ માટે જતી હતી. બા હંમેશા પ્રમાણસર જ બોલતા. એક દિવસ મારે પહોંચવામાં મોડું થયું, અને બપોરના બાર વાગી ગયા. બાનુ સંપૂર્ણ ચેકઅપ કર્યું ત્યારબાદ બા જાણે હું તેમની દીકરી હોય તેમ બોલ્યા કે ‘હું તમારી કેટલી રાહ જોતી હતી, બાર વાગી ગયા, રસ્તામાં કંઇ થયું નથી ને? તમને કોઈ તકલીફ તો નથી પડી ને?’ વયોવૃદ્ધ બા કોરોનાગ્રસ્ત હોવા છતાં એક વૃદ્ધ દાદી જાણે હું તેમની દીકરી હોઉં તેમ મારી ચિંતા કરતા હતા.

પગમાં ફ્રેકચર થયું હોવા છતાં હું સંજીવની રથની ડ્યુટી નિયમિતપણે કરતો હતો: અવી પટેલ(ફાઈનલ યર મેડિકલ સ્ટુડન્ટ, સ્મીમેર)
મારા પગમાં ફેક્ચર થયું હતું, પણ પ્રાથમિક સારવાર લીધા બાદ તરત જ સંજીવની રથની ડ્યુટી નિયમિતપણે નિભાવી હતી. આ દરમિયાન ગોપીપુરાના એક દર્દીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં હિંમત હારી ગયાં હતાં. તેને કોરોનાથી ખૂબ જ ડર લાગતો હતો, પરંતુ મેં તેમને હિંમત અને સાંત્વના આપી, આ રોગ વિશે અને તેની સારવાર વિશે વિસ્તારથી જણાવ્યું, અને કંઈ રીતે સ્વસ્થ થઈ શકાય એ પણ જણાવ્યું. સાથે દવા અને ચેકઅપ તો ખરૂ જ. ત્યારબાદ આ દર્દીનું મનોબળ ઊંચું આવ્યું અને ખુશ રહેવા લાગ્યા. તેઓ જ્યારે કોરોનામુક્ત થયા ત્યારે તેમણે ખુબ આશિર્વાદ આપ્યા અને કહ્યું કે, ‘સંજીવની રથ અને તેના ડોક્ટર ખરેખર જડીબુટ્ટી જેવા છે.’

આ પણ વાંચો…આ તારીખથી વેક્સીનેશન(vaccination)ની નવી પોલીસી, જાણો – રાજ્યોને કયા આધાર પર કેન્દ્ર તરફથી વેક્સીન આપવામાં આવશે