Rajkot Civil Hospital Food Story 7

રાજકોટની સિવિલ હોસ્પિટલમાં મળે છે ઘરથી પણ સારી ભોજન – નાસ્તાની સુવિધા

પરિવારજનની જેમ કોવિડના દર્દીઓની કરાતી સુશ્રુષા

અહેવાલ:નરેશ મહેતા, રાજકોટ

રાજકોટ, ૨ સપ્ટેમ્બર :સવારે ૦૭:૦૦ વાગે હેલ્ધી બ્રેકફાસ્ટ વિથ ચા-કોફી, ૦૯:૦૦ વાગે લીંબુ શરબત, બપોરે ૧૨:૦૦ વાગે લીલા શાકભાજી-કઠોળ અને દાળ-ભાત, ગ્રીન સલાડ સાથે લંચ, સાંજે હાફ-ટી-બિસ્કીટ અને રાત્રે ખીચડી-કઢી, ભાખરી, શાક સાથે ડિનર અને સૂતા પહેલા હળદર વાળું દૂધ… આ કોઈ મોંઘી હોટલનું મેનુ નથી, પણ રાજકોટની કોવીડ – ૧૯ હોસ્પિટલમાં કોરોના દર્દીઓને અપાતી ઘરથી પણ સારી શુદ્ધ સાત્વિક ભોજનની સુવિધા છે.

સંવેદનશીલ રાજ્ય સરકારે કોરોનાના દર્દીઓની શ્રેષ્ઠતમ સારવાર સાથે સિવિલ હોસ્પિટલોમાં તેમના જમવા નાસ્તા-પાણીની સારામાં સારી ગુણવત્તા લક્ષી સવલતો મળે તે માટે કરેલી વ્યવસ્થાના ભાગરૂપે રાજકોટ સિવિલમાં પણ જિલ્લા વહીવટી તંત્રની સીધી દેખરેખ હેઠળ અને માર્ગદર્શન અને સિવિલ તંત્રના સંકલનથી “હેલ્ધી ફૂડ ઝોન” શરૂ કરવામાં આવ્યો છે. સિવિલની આ કેન્ટીનમાંથી આવતું સાત્વિક અને શુદ્ધ ભોજન કોવિડ અંતર્ગત પૂરતી સાવચેતી રાખીને આપવામાં આવે છે.

રાજકોટની સિવિલ હોસ્પિટલમાં કેન્ટીન કમિટી સંભાળતા અને કેન્ટીન મેનેજમેન્ટ સાથે સંકળાયેલા ભરતભાઈ દામજીભાઈ ડાભીએ જણાવ્યું હતું કે,” ૨૫ વ્યક્તિનો સ્ટાફ કેન્ટીનમાં કામ કરે છે, ૧૨ બહેનો પણ છે.  બ્રેકફાસ્ટમાં રોજ રોજ અલગ-અલગ નાસ્તો,ચા-કોફી આપવામાં આવે છે.”

કેન્ટીન મેનેજમેન્ટ સંભાળતા શ્રી પ્રતાપભાઈ રીબડીયાએ કહ્યું હતું કે, “સ્ટાફ કેપ, માસ્ક અને કીટ પહેરી સ્ટ્રેચરમાં જમવાના પેક કરેલા પાર્સલ મૂકી વિતરણ કરે છે. ભરતભાઈ પંચાસરાએ જણાવ્યું કે, કોવિડ વોર્ડના તમામ દર્દીઓને તેમની જરૂરિયાત મુજબ જમવાનું, ચા- પાણી મળી જાય તેમજ સમયસર અને ગુણવત્તાવાળું ભોજન આપવામાં આવે તે માટે પુરતી દેખરેખ રાખવામાં આવે છે.

રાજકોટના પોપટપરા વિસ્તારના મહિલા દર્દીએ પ્રતિભાવ આપતા જણાવ્યું કે, સારવાર માટે પૂરતી તકેદારી રાખી જમવા, ચા-પાણી માટે સારામાં સારી સુવિધા સરકાર દ્વારા આપવામાં આવે છે.”કોવિડ-૧૯ ના દર્દીઓ સીવીલ હોસ્પિટલમાં દવાઓની સાથે તેમને અપાતા સાત્વીક ભોજનના કારણે બહું ટુકાં સમયમાં કોરોનાને હરાવી કોરોના મૂક્ત બની તેમના પરિવારજનો સાથે તંદુરસ્ત જીવન વ્યતીત કરી રહયાં છે.