Dr Mukesh Patel Rajkot

કોરોનાની નાજુક પરિસ્થિતિને પહોંચી વળવા અમદાવાદ અને સુરતમાં લીધેલ સારવારનો અનુભવ ઉપયોગી બન્યો: ડો. મુકેશ પટેલ

Dr. Mukesh Patel Rajkot
ડો. મુકેશ પટેલ ,મનોવિજ્ઞાન અધિક પ્રાધ્યાપક, પી.ડી.યુ. મેડિકલ કોલેજ
  • રાજકોટમાં કોરોનાની નાજુક પરિસ્થિતિને પહોંચી વળવા અમદાવાદ અને સુરતમાં રાજકોટના ડોક્ટર્સએ લીધેલ સારવારનો અનુભવ ઉપયોગી બન્યો
  • મેડિકલ ટીમની સાથોસાથ વહીવટી તંત્ર, મેડિકલ વેસ્ટ, ફાયર સેફટી,  સફાઈ,  સિક્યોરિટી, વીજ વિભાગ, વોટર સપ્લાય સહીત અનેક સંસ્થાઓની નિષ્ઠાપૂર્વકની કામગીરી અવિસ્મરણીય
  • રાજકોટ સિવિલના ૧૯૭ ડોક્ટર્સ, ૩૦૦ રેસિડન્ટ ડોક્ટર્સ, ૧૫૦ ઇન્ટર્ન, ૮૦ મેડિકલ સ્ટુડન્ટ્સ તેમજ અન્ય શહેરના ૧૧૭ ડોક્ટર્સ, ૫૭ જેટલા ઈન્ટર્સ રાજકોટ સિવિલમાં ખડેપગે સેવાયજ્ઞમાં જોડાયા

અહેવાલ: રાજકુમાર સાપરા, રાજકોટ

રાજકોટ, ૧૦ નવેમ્બર: ગુજરાતમાં પ્રથમ કોરોનાનો કેસ રાજકોટ શહેરમાં આવ્યો ત્યારે આ પરિસ્થિતિમાં સારવાર,  લોકોના જીવ બચાવવાથી લઈ સંક્ર્મણ ખાળવા તમામ સ્તરે વિવિધ વિભાગે એક ટીમ બનાવી સમજદારીપૂર્વકનો અભિગમ અપનાવ્યો હતો. આ મહામારી અન્ય કુદરતી આફત કરતા અલગ જ હોઈ તેને મેનેજ કરવા કોઈ દિશા સૂચન વગર પાથ તૈયાર કરવો, ખાસ કરીને મેન પાવર મેનેજ કરવા ખાસ સ્ટ્રેટેજી તૈયાર કરવામાં આવી હતી તેમ પી.ડી.યુ. મેડિકલ કોલેજના મનોવિજ્ઞાન અધિક પ્રાધ્યાપક ડો. મુકેશ પટેલ છેલ્લા ૬ માસની કામગીરીને વાગોળતા જણાવે છે.

રાજકોટમાં કોરોનાના મહત્તમ કેસ આવ્યા તે પહેલા અમદાવાદ અને સુરતમાં કોરોના સંક્રમિત દર્દીઓ ખુબ મોટી સંખ્યામાં આવ્યા હોઈ અહીંના ડોક્ટર્સને સેવા સારવાર અર્થે ત્યાં મોકલવામાં આવ્યા હતા. આ ડોક્ટર્સને ત્યાં કરેલ સારવારનો અનુભવ રાજકોટમાં વધતા જતા કેસને હેન્ડલ કરવામાં ખાસ ઉપયોગી બન્યાનું ડો. મુકેશ જણાવે છે. વધુમાં તેઓ ઉમેરે છે કે મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રીશ્રી નિતીનભાઇ પટેલે આ તમામ બાબતે માઇક્રો આયોજન કરવામાં જરૂરી માર્ગદર્શન ઉપરાંત માળખાગત સુવિધાઓ અને સાધનીક મશીનરી અને દવાઓ પુરતા પ્રમાણમાં મળી રહે તે માટે સુચારૂ વ્યવસ્થા કરાવી હતી. 

Desh Ki Aawaz whatsapp banner

રાજકોટમાં કોરોનાના કેસ જે સમયે ટોચ પર હતા તે સમયે રાજકોટ સિવિલના ૧૯૭ ડોક્ટર્સ, ૩૦૦ રેસિડન્ટ ડોક્ટર્સ, ૧૫૦ ઇન્ટર્ન, ૮૦ મેડિકલ સ્ટુડન્ટ્સ અને અન્ય શહેરના ૧૧૭ ડોક્ટર્સ તેમજ ૫૭ જેટલા ઈન્ટર્સ રાજકોટ સિવિલમાં ખડેપગે સેવાયજ્ઞમાં જોડાઈ એક સાથે હજારો દર્દીઓની સારવારમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

ખાસ તો આ તમામ ડોક્ટર્સને સારવાર ઉપરાંત દર્દીઓને દવા, રિપોર્ટ, ટ્રાન્સફર, મૃતક દર્દીઓનું મેનેજમેન્ટ, ભોજનની વ્યવસ્થા, તેમના પરિવારજનો સાથે કાઉન્સેલિંગ સહીત અનેકવિધ જવાબદારીઓનું મેનેજમેન્ટ કરવું ખુબ જ મહેનત માંગી લેતું હોવાનું ડો. પટેલ જણાવે છે

રાજકોટ સિવિલ કોવીડ હોસ્પિટલમાં માત્ર મેડિકલ ટીમ જ નહિ પરંતુ દર્દીઓને કોરોના મુક્ત કરવામાં અનેક વિભાગનું સંકલન અને સહયોગ મળ્યાનું ડો. મુકેશ પટેલ જણાવે છે. જેમાં ખાસ કરીને જિલ્લા વહીવટી તંત્ર અને મહાનગરપાલિકાનો ખુબ સહયોગ મળ્યો. દર્દીઓને ઝડપી સારવાર, કોવીડ સેન્ટરમાં ટ્રાન્સપફર, મેડિકલ વેસ્ટ મેનેજમેન્ટ, ફાયર સેફટી, વીજ બોર્ડ, પાણી પુરવઠા વિભાગ સહિતના અનેક વિભાગનું સંકલન અને સહયોગ થકી ૬ મહિનાની કોરોના સફર સફળતાપૂર્વક પાર પડ્યાનું તેઓ જણાવે છે. તેમનો આભાર માનતા ડો. મુકેશ કહે છે કે તમામ વિભાગના લોકોએ દેશપ્રેમ અને સામાજિક ઉત્તરદાયિત્વ સાથે દિલથી સેવા કરી, તેમના સહયોગ વગર આ સંકટમાંથી બહાર નીકળવું મુશ્કેલ હોત.

હજુ કોરોના વાયરસ ખતમ થયો નથી. તેમની અસર વધતે ઓછે અંશે ચાલુ જ રહેશે. આપણે હજુ સતર્ક રહેવું પડશે. દિવાળીના તહેવારોમાં પરંપરાગત ઉજવણી કોઈ ગંભીર પરિણામ ના લાવે તે માટે આપણે કેન્દ્ર અને રાજ્ય સરકારની ગાઈડલાઈન ચુસ્તપણે અનુસરીએ તેમ ડો. મુકેશ વિનંતી કરે છે. રાજય સરકારનું સતત મોનીટરીંગ, સ્થાનિક વિભાગોનું ટીમ વર્ક, યોગ્ય પ્લાનિંગ સાથે લોકોના સાથ સહકારથી હાલ જે રીતે આપણે કોરોના સામે જંગ જીત્યા છીએ તે સમગ્ર રાજકોટ માટે અવિસ્મરણીય બની રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *