ear surgery

World Plastic Surgery Day: સયાજી હોસ્પિટલનો પ્લાસ્ટિક સર્જરી વિભાગ દેશના મોટા સરકારી દવાખાનાઓના જૂનામાં જૂના પ્લાસ્ટિક સર્જરી વિભાગો પૈકી એક છે

World Plastic Surgery Day: ખાનગી દવાખાનાઓમાં પ્લાસ્ટિક સર્જરી ખૂબ મોંઘી છે ત્યારે સયાજી હોસ્પિટલના આ વિભાગમાં વિનામૂલ્યે નિદાન અને સારવાર કરવામાં આવે છે

  • શરીરના ટિશ્યુઓને નવેસરથી આકાર આપવાની આ વિદ્યાની જગતને ભેટ ભારતના મહર્ષિ સુશ્રુતે આપી છે
  • છેલ્લા એક વર્ષમાં ૭૩૦ જેટલી પ્લાસ્ટિક સર્જરી કરવામાં આવી

અહેવાલ: સુરેશ મિશ્રા
વડોદરા, ૧૫ જુલાઈ:
World Plastic Surgery Day: આમ તો માનવ શરીરની રચના એ ભગવાન નો વિષય છે પરંતુ ધરતી પર દેવદૂત જેવા તબીબો જેમને પ્લાસ્ટિક સર્જન તરીકે ઓળખવામાં આવે છે તેઓ પણ વિવિધ કારણોસર થયેલી અંગ વિકૃતીઓનું નિવારણ પ્લાસ્ટિક સર્જરી દ્વારા કરીને શરીરની સુંદરતા પુનર્સ્થાપિત કરવાની સાથે આવા દર્દીઓને અંગ ની કુરૂપતાને લીધે અનુભવવી પડતી હતાશાનું પણ નિવારણ કરે છે.

૧૫ મી જુલાઇ ના રોજ વિશ્વ પ્લાસ્ટિક સર્જરી દિવસની (World Plastic Surgery Day) ઉજવણી થાય છે ત્યારે વડોદરા માટે ગૌરવ લેવા જેવી વાત એ છે કે સયાજી હોસ્પિટલનો પ્લાસ્ટિક સર્જરી વિભાગ દેશના મોટા સરકારી દવાખાનાઓમાં સહુથી જૂના વિભાગોમાં એક છે. એટલે કે સયાજીનો આ વિભાગ દેશમાં સરકારી વ્યવસ્થા હેઠળ પ્લાસ્ટિક સર્જરીની સુવિધા સુલભ બનાવનારા સહુથી પહેલા વિભાગોમાં એક છે.

ભારતના મહર્ષિ સુશ્રુતે શરીરના ટિસ્યુઓને નવેસરથી આકાર આપવાની આ ચમત્કારિક તબીબી વિદ્યાની જગતને ભેટ આપી એ પણ ગૌરવ લેવા જેવી બાબત છે.

પ્લાસ્ટિક સર્જરી વિભાગ (World Plastic Surgery Day) ૨૪ કલાક અને સાતેય દિવસ કાર્યરત રહે છે અને કોરોનાની કટોકટી દરમિયાન પણ સયાજી હોસ્પીટલના આ વિભાગમાં આયોજિત અને ઇમરજન્સી પ્લાસ્ટિક સર્જરી સતત કરવામાં આવી છે તેવી જાણકારી આપતાં આ વિભાગના વડા ડો.શૈલેષ સોની જણાવે છે કે પ્લાસ્ટિક સર્જરી ખાનગી દવાખાનાઓમાં ખૂબ મોંઘી અને સંપન્ન વર્ગોને જ પોસાય તેવી હોય છે ત્યારે અમારો વિભાગ વિનામૂલ્યે નિદાન અને સારવાર દ્વારા તેને સર્વ સુલભ બનાવે છે.કોરોનામાં પણ અમારા વિભાગે જોખમ વહોરીને આ સર્જરીઓ સતત કરી છે અને નોન કોવિડ પ્લાસ્ટિક સર્જરીની જરૂરવાળા દર્દીઓને જરૂરી સેવાઓ આપી છે.

Whatsapp Join Banner Guj

અમારો વિભાગ મુખ્યત્વે ટ્રોમા સાથે સંકળાયેલો છે એટલે કે આગથી દાઝવા, પ્રાણીઓના કરડવા કે વિવિધ પ્રકારના અકસ્માતોથી થયેલી અંગ ઈજાઓ અને વિકૃતિઓને સુધારીને માનવ શરીરને શક્ય તેટલો મૂળ દેખાવ ફરીથી પ્રસ્થાપિત કરવાનું કામ કરે છે એવી લાગણી વ્યક્ત કરતાં ડો.સોનીએ જણાવ્યું કે છેલ્લા બે થી ત્રણ વર્ષ થી અમારો વિભાગ સરેરાશ માસિક ૬૦ થી ૭૦ જેટલી પ્લાસ્ટિક સર્જરી કરે છે અને છેલ્લા વર્ષમાં ૭૩૦ જેટલી નાની મોટી પ્લાસ્ટિક સર્જરી આ વિભાગમાં કરવામાં આવી છે.

અમે ઓપિડીમાં સરેરાશ દૈનિક ૭૦ થી ૮૦ જેટલા દર્દીઓનું પરીક્ષણ કરીએ છે.આ વિભાગની સેવાઓનો લાભ મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન જેવા અન્ય રાજ્યોના લોકો ખૂબ મોટા પ્રમાણમાં લે છે.કુલ દર્દીઓના લગભગ ૩૦ થી ૪૦ ટકા દર્દીઓ બહારથી આવે છે. આમ, સયાજી હોસ્પિટલના આ વિભાગે અનોખી વિશ્વસનીયતા ઊભી કરી છે.

ડો.સોનીએ જણાવ્યું કે,આ વિભાગમાં પ્રશિક્ષિત અને તાલીમબદ્ધ થયેલા તબીબો આજે દેશના મોટા શહેરોમાં નામાંકીત પ્લાસ્ટિક સર્જન તરીકે કાર્યરત છે. તેમણે જણાવ્યું કે શરીરના અંગોની વિવિધ કારણોથી થયેલી વિકૃતિના નિવારણ અને અંગો અને અવયવોના પુનર્સ્થાપનમાં પ્લાસ્ટિક સર્જરી (World Plastic Surgery Day) ની ભૂમિકા, આ વિદ્યા શું કરી શકે તેની જાણકારી સમાજમાં ખૂબ ઓછી છે.વિશ્વ પ્લાસ્ટિક સર્જરી દિવસની ઉજવણી તેને અનુલક્ષીને સમાજમાં તેની જાણકારી વધે તેવી પ્રવૃત્તિઓ દ્વારા કરવામાં આવે છે.

સયાજી હોસ્પિટલના આ વિભાગમાં કોસ્મેટિક એટલે કે શારીરિક સૌંદર્યને ઓપ આપતી હેર ટ્રાન્સપ્લાન્ટ,ચરબીના નિવારણ દ્વારા મોટાપો ઘટાડતી લાઇપો સક્શન, બ્રેસ્ટ સર્જરી ઇત્યાદિ કરવામાં આવે છે.

આ પણ વાંચો…Ishwariya Hill Garden: ઈશ્વરીયા હિલ ગાર્ડનની મુલાકાત લેતા જિલ્લા કલેક્ટર અરુણ મહેશ બાબુ

આ વિભાગ કેન્સરની શસ્ત્રક્રિયાથી વિકૃત થયેલા અંગોને સુધારવાની, ન્યૂરો સર્જન સાથે મળીને જરૂરી હોય તેવી, કોંજેનીટલ વિકૃતિ નીવારતી ફાટેલા હોઠ અને તાળવા સુધારવાની, ગાયનેક વિભાગ સાથે મળીને નાની બાળકીઓના અવિકસિત જનનાંગોને સ્થાપિત કરવાની વજાઈનો પ્લાસ્ટીની,ઓર્થોપેડીક વિભાગ સાથે મળીને અંગભંગની સુધારણા ની,પ્રાણીઓના કરડવાથી નાક જેવા ખવાયેલા અંગો સુધારવાની,બળેલી ચામડીની જગ્યાએ શરીરના અન્ય ભાગોમાંથી લઈને નવી ચામડી બેસાડવાની,આંખની પાંપણ અને ગાલના ખંજન – ડિમ્પલની સુધારણાની ચમત્કારિક અને આશીર્વાદ સમાન સર્જરીઓ કરે છે.

જેમને વારંવાર ડાયાલિસિસ કરાવવું પડે છે એવા દર્દીઓને પણ પ્લાસ્ટિક સર્જરી મદદરૂપ બને છે.રક્તપિત્ત મટી જવા છતાં તેને લીધે થયેલી અંગ વિકૃતિની સુધારણાની ૩ થી ૪ સર્જરી દર મહિને સયાજી હોસ્પીટલમાં થાય છે. લગભગ બે દાયકા અગાઉ રક્તપિત્ત મૂકતોના કાયાકલ્પ અભિયાન હેઠળ સયાજી હોસ્પીટલમાં ખૂબ મોટાપાયે અને સતત બે કે ત્રણ વર્ષ સુધી રક્તપિત્ત મુક્તોના અંગ સુધારવાની શસ્ત્રક્રિયાઓ કરવામાં આવી હતી જેમાં દેશભરમાંથી નિષ્ણાત પ્લાસ્ટિક સર્જનો એ સહયોગ આપ્યો હતો.

ડો.શૈલેષ સોનીએ અમદાવાદમાં પ્લાસ્ટિક સર્જરીનું તબીબી શિક્ષણ લીધું છે. તેમણે ફાટેલા હોંઠ અને તાળવા સાથે જન્મેલા બાળકોની આ વિકૃતિઓના નિવારણ માટેના રાજ્ય સરકાર સહયોગી પ્રોજેક્ટ સ્માઈલ ટ્રેનની સફળતામાં યોગદાન આપ્યું છે. પ્લાસ્ટી સર્જરી ખૂબ ઉપયોગી તબીબી વિદ્યા છે જે અંગોને સુધારવાની સાથે દર્દીઓના માનસિક તણાવને નિવારે છે અને સમાજ સાથે પૂર્વવત ભળવાનો આત્મ વિશ્વાસ તેમનામાં બંધાવે છે.માનવ શરીરના ધરતી પર વિદ્યમાન વિશ્વકર્મા જેવા આ તબીબો ધન્યવાદને પાત્ર છે.