CM Samvad Olpad

દિહેણ ગામના મહિલા પશુપાલક જાનકીબેન મહંતે “મોકળા મને” કાર્યક્રમમાં મુખ્યમંત્રી સાથે સંવાદ કર્યો

CM Samvad Olpad

ઓલપાડ તાલુકાના દિહેણ ગામના મહિલા પશુપાલક જાનકીબેન મહંતે “મોકળા મને” કાર્યક્રમમાં મુખ્યમંત્રી સાથે સંવાદ કર્યો

આયોજનબદ્ધ અને વૈજ્ઞાનિક પદ્ધતિથી પશુપાલન કરવામાં આવે તો નફાકારક નીવડે છે: જાનકીબેન હસમુખભાઈ મહંત

અહેવાલ: પરેશ ટાપણીયા, સુરત

સુરત, ૨૦ ડિસેમ્બર: સામાન્ય રીતે મુખ્યમંત્રી નિવાસસ્થાનની મુલાકાત સામાન્ય, ગરીબ, વંચિત વર્ગના લોકો માટે દુર્લભ હોય છે. શ્રી વિજયભાઇ રૂપાણીએ મુખ્યમંત્રી-સી.એમ-કોમન મેન તરીકે ની પોતાની છબિને વધુ ઉજાગર કરતા હવે સી.એમ. હાઉસમાં રાજ્યના કોઈ ખૂણે વસતા ગ્રામ જનો તેમજ સામાન્ય માણસો સાથે સંવાદ-મિલન કરવાનો ચીલો ચાતર્યો છે. ‘મોકળા મને’ કાર્યક્રમ માં સામાન્યજન અને મુખ્યમંત્રીશ્રી ખુલ્લા દિલે વાતચીત કરે છે. પશુપાલન વ્યવસાય શ્રેષ્ઠ બને અને તેમની રજૂઆતો-સમસ્યા અંગે મુક્ત રીતે વાતો કરે એવા શુભ આશય સાથે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની ઉપસ્થિતિમાં પશુપાલકો સાથેનો “મોકળા મને” કાર્યક્રમ ગાંધીનગરમાં મુખ્યમંત્રી હાઉસ ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમમાં રાજ્યના ૨૦ જિલ્લાઓમાંથી ૪૦ જેટલા પશુપાલકો ઉપસ્થિત રહ્યા હતા.

whatsapp banner 1

કાર્યક્રમમાં ઓલપાડ તાલુકાના દિહેણ ગામમાં મહિલા પશુપાલક અને સુરત જિલ્લા પંચાયતના શ્રેષ્ઠ પશુપાલક એવોર્ડ વિજેતા જાનકીબેન હસમુખભાઈ મહંતે મુખ્યમંત્રીશ્રી સાથે સંવાદ કર્યો હતો. જાનકીબેને પોતાની સફળતાની ગાથા વર્ણવતા જણાવ્યું હતું કે, તેઓ છેલ્લા ૨૦ વર્ષથી પશુપાલનનો વ્યવસાય કરે છે. જ્યારે ખેતીની સાથે સાથે પશુપાલનનો વ્યવસાય શરૂ કર્યો ત્યારે માત્ર બે ગાયથી પશુપાલનની શરૂઆત કરી હતી. હાલ તેમની પાસે ૨૦થી વધુ ભેંસો અને ૧૮ ગાયો છે. જે થકી દૈનિક ૧૫૦થી ૨૦૦ લીટર જેટલું દૂધનું ઉત્પાદન કરી સહકારી મંડળીમાં પૂલિંગ કરે છે. મહિને પાંચ હજારથી વધુ લીટર દૂધ જમા કરાવી મહિને રૂ.બે લાખથી વધુની આવક રળે છે. જો આયોજનબદ્ધ અને વૈજ્ઞાનિક પદ્ધતિથી પશુપાલન કરવામાં આવે તો ખૂબ જ નફાકારક નીવડે છે એવો સ્પષ્ટ મત વ્યક્ત કરી દુધની આવકમાંથી તેમના પરિવારનું જીવનધોરણ ઊંચુ આવ્યું હોવાનું જણાવ્યું હતું.

આ પ્રસંગે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પશુપાલકોને સંબોધતા જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર રાજ્યની પ્રજાની સાથે સાથે અબોલ પશુ-પક્ષીઓની કાળજી લેવા માટે ખૂબ જ સંવેદનશીલ છે. હરતાં-ફરતાં પશુ દવાખાના અને કરુણા અભિયાન જેવી અનેક યોજનાઓ થકી રાજ્ય સરકારે જીવ-પ્રાણી માત્ર પ્રત્યે સંવેદનશીલતા દાખવી છે. ખાસ કરીને પશુપાલન વ્યવસાય એ ખેતી સાથેનો પૂરક વ્યવસાય છે. પશુપાલકોના પરિશ્રમને કારણે ગુજરાત દૂધ ઉત્પાદન ક્ષેત્રે આત્મનિર્ભર બન્યું છે. જેમાં મહિલાઓનું પણ યોગદાન નાનુસુનું નથી. જાનકીબેનની સફળતાથી મુખ્યમંત્રીશ્રી પ્રભાવિત થયા હતા, અને તેમને અભિનંદન સહ ઉત્તરોત્તર પ્રગતિની શુભેચ્છા પાઠવી હતી. કાર્યક્રમમાં ઉપસ્થિત વિવિધ જિલ્લાના પશુપાલકોએ પણ પોતાના અભિપ્રાય અને સમસ્યાઓની વિસ્તૃત ચર્ચા કરી હતી. સુરતથી વિજય ડેરીના પિયુષભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

મુખ્યમંત્રીશ્રી સી.એમ.આવાસમાં લોકોને ખુલ્લા મને ચર્ચા અને સંવાદ-ગોષ્ઠિ કરવા આમંત્રે છે. લોકો રજુઆતો કરવા આવેદનપત્રો લઇને આવે તો જ કામ થાય તેવુ નહીં પણ સામેથી લોકોને બોલાવી-આમંત્રિત કરી તેમના પ્રશ્નો-રજુઆતો સાંભળવામાં આવે છે, તેમની સફળતાની ગાથા અને અનુભવોની વાતો સાંભળવી એવો પ્રોએક્ટિવ અભિગમ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *