Dam Kunver ji

પાણી, આરોગ્ય અને રોડ રસ્તાની જન સુવિધા ગામડે-ગામડે પહોંચાડવાની રાજ્ય સરકારની નેમ:કુંવરજીભાઇ બાવળિયા

  • જસદણ તાલુકામાં રૂ. ૬૫ લાખથી વધુના વિકાસ કામોનું લોકાર્પણ કરતા મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયા
  • રૂ. ૨૫ લાખના ખર્ચે બરવાળા ખાતે પેટા આરોગ્ય કેન્દ્ર અને વેલનેસ સેન્ટર ખુલ્લું મુકાયું
  • કનેસરા, રાણીંગપર અને રંજીતગઢમા કુલ રૂ. ૪૨ લાખના ખર્ચે નિર્મિત પંચાયત ઘરની ભેટ

અહેવાલ: રાજકુમાર સાપરા, રાજકોટ

રાજકોટ તા. ૯ સપ્ટેમ્બર , રાજ્યના પાણી પુરવઠા અને ગ્રામ ગૃહ નિર્માણ મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળિયાએ જસદણ પંથકમાં રૂ. ૬૫ લાખથી વધુના વિવિધ વિકાસકામોની ભેટ આપતા જણાવ્યું હતું કે આરોગ્ય, પીવાનું પાણી અને રોડ રસ્તાની સુવિધા ગામડે ગામડે છેવાડાના માનવી સુધી પહોંચાડવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે. આ પંથકમાં વિકાસકામોની અવિરત સરવાણી વહેતી કરવામાં આવી હોવાનું અને રાજ્ય સરકારની એકપણ ગ્રાન્ટ વપરાયા વગર નો રહી જાય તેની તકેદારી રાખીએ તેમ જણાાવ્યું હતુ.

જસદણ તાલુકાના બરવાળા ગામે રૂ. ૨૫ લાખના ખર્ચે તૈયાર પેટા આરોગ્ય કેન્દ્ર અને વેલનેસ સેન્ટરને મંત્રીશ્રી બાવળિયાએ ખુલ્લું મુક્તા જણાવ્યું હતું કે, આ પંથકમાં કુલ ૪૬ પૈકી ૨૯ સેન્ટર કાર્યરત થઈ ગયા છે. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના આયુષ્માન ભારતના સ્વપ્નને પરિપૂર્ણ કરવા દર ત્રણ કિલોમીટરે એક આરોગ્ય કેન્દ્ર બનાવવાની નેમ રાજ્ય સરકારે લીધી છે. આ સેન્ટર ખાતે કોરોનાના ટેસ્ટ, નિદાન અને પ્રાથમિક સારવારની સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવી હોવાનું મંત્રીશ્રી બાવળીયાએ જણાવ્યું હતું.

મંત્રીશ્રી કુંવરજીભાઇએ કનેસરા, રાણીંગપર અને રંજીતગઢ ખાતે પ્રતિ રૂ. ૧૪ લાખના ખર્ચ સાથે કુલ રૂ. ૪૨ લાખના ખર્ચે નિર્મિત પંચાયત ઘરની ભેટ ગ્રામજનોને આપતા જણાવ્યું હતું કે, પંચાયત ઘરમાં આધુનિક સુવિધા ઉપલબ્ધ થતા મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા લોન્ચ થયેલ ‘ડિજિટલ સેવા સેતુ’ યોજનાનો લાભ ગામમાંથી જ લોકોને મળી રહેશે. હવે જરૂરી દાખલાઓ ગ્રામપંચાય ઘર ખાતેથી સરળતાથી ઉપલબ્ધ થશે તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.

મંત્રીશ્રીએ કનેસરા ડેમ – ૨ ની મુલાકાત લીધી હતી. આ ડેમમાં સંગ્રહિત પાણીને ભૂગર્ભ પાઈપલાઈન દ્વારા આસપાસના ગામમાં પાણીના ટાકા બનાવી સંગ્રહિત કરી પીવાના પાણીની જરૂરિયાત પુરી પડાશે તેમ શ્રી કુંવરજીભાઇએ જણાવ્યું હતું આ ઉપરાંત ગ્રામજનોને વાસ્મો દ્વારા રૂ. ૩૪ લાખના ખર્ચે ‘નળ સે જળ’  યોજના તળે લોકોને ઘર-ઘર પીવાનું પાણી મળી રહે તે માટે યોજના હાથ પર લેવામાં આવી હોવાનું પણ જણાવ્યું હતું.

પેટા આરોગ્ય કેન્દ્ર ખુલ્લું મુક્તી વેળાએ જિલ્લા આરોગ્ય વિભાગના ડો. પી.કે. સિંઘે કેન્દ્રની સુવિધાની માહિતી આપતા જણાવ્યું હતું કે મુખ્યમંત્રી માં-અમૃતમ યોજના અને આયુષ્માન યોજનાનો લાભ લેવા અને કોરોના ટેસ્ટ ગામમાં જ કરવામાં આવતા હોઈ આરોગ્યની તકેદારી રૂપે જરૂરિયાતમંદ લોકો તેનો લાભ લે તેવો અનુરોધ કર્યો હતો.

loading…

ગ્રામ પંચાયત ઘરના લોકાર્પણ પ્રંસગે તાલુકા પંચાયત સદસ્યશ્રી મનસુખભાઇ,  રામજીભાઈ, ગ્રામ પંચાયત પ્રમુખશ્રી પ્રાગજીભાઈ કુકડીયા, સરપંચશ્રી હસમુખભાઈ હાંડા, તાલુકા વિકાસ અધિકારીશ્રી સી.ડી. ભગોરા, મામલદાર શ્રી આઈ.જી. ઝાલા,  માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ, આરોગ્ય અધિકારી શ્રી ડો. સી.કે.રામ સહીત અગ્રણીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતાં.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *