nitin patel maa yojna 3

PMJY-Ma Yojna: રાજ્યના કોઇપણ નાગરિકનું પૈસા કે સારવારના અભાવે મૃત્યુ ન થાય એજ અમારો નિર્ધાર : નીતિનભાઇ પટેલ

PMJY-Ma Yojna: મા યોજનાના ૧૦મા વર્ષમાં સફળતાપૂર્ણ પ્રવેશ

પી.એમ.જે.વાય.-મા યોજના હેઠળ ૨૭૦૦ થી વધુ બિમારીઓ આવરી લઇ વિનામૂલ્યે સારવાર

  • PMJY-Ma Yojna: ‘‘મા’’ – મા વાત્સલ્ય યોજનાનુ PMJAY-મા યોજનામાં એકત્રીકરણ : પરિવારના બદલે વ્યક્તિગત ઓળખ કાર્ડ
  • રાજ્યના ૩૫ લાખથી વધુ પરિવારોને રૂા.૫૨૦૦/-કરોડ થી વધુ રકમની વિના મૂ્લ્યે સારવાર પૂરી પડાઇ : બાલસખા યોજના અને ચિરંજીવી યોજનાનો PMJAY માં સમાવેશ
  • રાજ્યની ૨૫૦૦ થી ૩૦૦૦ જેટલી સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં વિવિધ સારવાર ઉપલબ્ધ : ખાનગી હોસ્પિટલોની સારવારનું બીલ રાજ્ય સરકાર ચૂકવે છે
  • વિમા કંપની સાથે MOU : ૧૪૧૫ કરોડનું પ્રીમીયમ નાગરિકો વતી રાજ્ય સરકાર ચૂકવે છે
  • આ યોજના હેઠળ રાજયના નાગરિકોને કેન્સર, હૃદયરોગ, કિડની જેવા ગંભીર રોગો તથા ઓર્થોપેડિક સર્જરી, જોઈન્ટ રિપ્લેસમેન્ટ, ન્યુરોસર્જરી , ડાયાલિસિસ જેવી અનેક પ્રકારની સારવાર વિનામૂલ્યે પુરી પડાઈ રહી છે
  • કોરોનાના કપરાકાળમાં શ્રેષ્ઠ આરોગ્ય સેવા પૂરી પાડવા બદલ રાજ્યના તમામ આરોગ્યકર્મીઓને અભિનંદન પાઠવતા નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ
  • “મા” અને “મા વાત્સલ્ય યોજના કાર્ડ”ના દશાબ્દી વર્ષની ગાધીનગર ખાતે ઉજવણી

અહેવાલ: દિલીપ ગજજર
ગાંધીનગર, ૦૪ ઓગસ્ટ:
PMJY-Ma Yojna: નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે જણાવ્યુ છે કે, ગુજરાતમાં નાણાકીય સારવારના અભાવે કોઇપણ નાગરિકનું મોત ન થાય એ જ અમારો નિર્ધાર છે એટલા માટે રાજ્ય સરકાર સુદ્રઢ આરોગ્ય સેવા માટે સધન વ્યવસ્થાઓ પણ ગોઠવી છે. આજે ગાંધીનગર ખાતે PMJAY માં યોજના ના ૧૦ મા વર્ષમાં સફળતાપૂર્વક પ્રવેશ અંગે યોજાયેલા સમારોહમાં નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે ઉમેર્યુ કે, રાજ્યનો આરોગ્ય વિભાગ એટલો મોટો છે કે, રાજ્યનો એકપણ નાગરિક એવો નહી હોય કે સરકારી આરોગ્ય સેવાનો લાભ લીધો ન હોય એનું ઉત્તમ ઉદાહરણ કોરોના ના કપરા કાળમાં આરોગ્ય કર્મીઓએ કરેલું વેકસીનેશન છે. કોરોનાના કપરાકાળમાં રાજ્યના આરોગ્ય વિભાગે કરેલ સંનિષ્ઠ કામગીરી બદલ સૌ આરોગ્ય કર્મીને અભિનંદન પાઠવ્યા હતા.

PMJY-Ma Yojna

નાયબ મુખ્યમંત્રી પટેલે ઉમેર્યુ કે, તત્કાલીન મુખ્યમંત્રીઅને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતમાં ગરીબ, મધ્યમ વર્ગના નાગરિકોને આરોગ્ય સુવિધા માટે શરૂ કરેલ આ યોજનાને વડાપ્રધાનએ દેશભરના ગરીબ-મધ્યમ વર્ગના નાગરિકોને આરોગ્ય સુવિધા માટે દેશભરમાં PMJAY યોજના કાર્યાન્વિત કરી છે એ આપણા માટે ગૌરવ સમાન છે. તેમણે ઉમેર્યુ કે, ભૂતકાળની સરકારમાં આવા પરિવારોને સારવાર માટે દેવુ કરીને સારવાર મેળવવી પડતી હતી અને પરિવાર દેવાના ડુંગરમાં આવી જતો હતો તે વેળાએ નરેન્દ્રભાઇ મોદીએ આ યોજના અમલી બનાવી હતી અને આજે આ યોજનાને નવ વર્ષ પૂર્ણ થયા છે.

PMJY-Ma Yojna

શરૂઆતમાં બી.પી.એલ. પરિવારોને લાભ અપાતો હતો અને તેની સફળતાને ધ્યાને લઇને તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલ અને હાલના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ યોજનાનો વ્યાપ વધારી ગરીબ-મધ્યમ વર્ગના પરિવારોને આવરી લીધા છે અને સારવારમાં પણ ૨૭૦૦ જેટલી બીમારીઓ ઉમેરીને સાચા અર્થમાં આવા પરિવારોના હમદર્દ બનવાનો પ્રયાસ કર્યો છે. તેમણે ઉમેર્યુકે PMJAY યોજના માટે કેન્દ્ર અને રાજ્ય સરકારની વિમા કંપનીઓ પાસે એમ.ઓ.યુ. કરીને રૂા. ૧૪૦૦ કરોડથી વધુ રકમનું પ્રીમીયમ નાગરિકો વતી રાજ્ય સરકાર ભરે છે. આ યોજનામાં બાળસખા અને ચિરંજીવી યોજનાને પણ સમાવી લઇને લાભો પૂરા પાડવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચો…Citycross doad: ભારત વિકાસ પરિષદ ભીલોડા શાખા દ્વારા ફીટ ઈન્ડીયા અંતર્ગત મેરેથોન દોડમાટેનો ભવ્ય કાર્યક્રમ યોજાયો

નાયબ મુખ્યમંત્રી પટેલે ઉમેર્યુ કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે વર્ષ ૨૦૧૨ માં કેન્સર, હૃદયરોગ, કિડની જેવા ગંભીર રોગો માટે ગરીબ અને મધ્યમવર્ગના દર્દીઓને તમામ આરોગ્ય સેવાઓ વિનામૂલ્યે મળી રહે તે માટે “મા” યોજનાની શરૂઆત કરી હતી જેને વ્યાપક જન પ્રતિસાદ મળ્યો છે જેનો આજે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વવાળી રાજય સરકાર દ્વારા સફળતાપૂર્વક ૧૦ માં વર્ષમાં પ્રવેશ થયો છે. અત્યાર સુધી રાજયમાં “પી.એમ.જે.એ.વાય – મા” યોજના અંતર્ગત ૩૫ લાખથી વધુ દર્દીઓએ લાભ લીધો છે જેની સારવારનો સંપૂર્ણ ખર્ચ રાજય અને કેન્દ્ર સરકારે ઉપાડીને ૩૫ લાખ દર્દીઓ માટે રૂ.૫૨૨૨ કરોડની માતબર રકમનો ખર્ચ કરી ગરીબ અને મધ્યમ વર્ગના નાગરિકોને લાભ આપવામા આવ્યો છે.

PMJY-Ma Yojna

તેમણે ઉમેર્યુ કે, આ યોજના હેઠળ રાજ્યના નાગરિકોને ૧૮૦૨ સરકારી અને ૬૦૬ ખાનગી એમ મળી કુલ ૨૪૭૮ હોસ્પિટલોમાં કેન્સર, હૃદયરોગ, કિડની જેવા ગંભીર રોગો તથા ઓર્થોપેડિક સર્જરી, જોઈન્ટ રિપ્લેસમેન્ટ, ન્યુરોસર્જરી, ડાયાલિસિસ વગેરે જેવી અનેક પ્રકારની સારવાર વિનામૂલ્યે આપવામાં આવી રહી છે. આ યોજનામાં વધુમાં વધુ હોસ્પિટલ જોડાય અને દર્દીઓને ગુણવત્તાયુક્ત સારવાર મળી રહે તે માટે રાજય સરકાર સતત કાર્યરત છે. આ યોજનાની સફળતાને પરિણામે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગરીબ અને મધ્યમવર્ગના દર્દીઓ માટે માનવતાવાળી અને લાખો દર્દીઓના જીવન બચાવવામાં ઉપયોગી એવી આશીર્વાદરૂપ યોજના સમગ્ર દેશમાં અમલમાં મુકી છે તે બદલ વડાપ્રધાનનો તેમણે આભાર વ્યકત કર્યો હતો.

નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે કહ્યુ કે, “પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના’ સાથે “મા અને મા વાત્સલ્ય કાર્ડ” યોજનાનું એકીકરણ કરી દેવાયુ છે. અત્યાર સુધી રાજ્યમાં “મા” અને “મા વાત્સલ્ય કાર્ડ યોજના” અંતર્ગત રાજ્યના દર્દીઓને ગંભીર રોગની સારવાર મફત મળતી હતી, પરંતુ હવે દર્દીઓને ગંભીર રોગોની સારવારમાં સરળીકરણ રહે અને વધુ રોગોની સારવારને આવરી લેવાય તે માટે બંને કાર્ડને આયુષ્યમાન ભારત કાર્ડ સાથે જોડવામાં આવ્યા છે. આ કાર્ડ સાથે આધારકાર્ડ લઈને જનાર દર્દીઓને નિયત કરેલી હોસ્પિટલમાં રુપિયા પાંચ લાખ સુધીની સારવાર વિના મૂલ્યે પુરી પાડવામા આવી રહી છે.

PMJY-Ma Yojna

મા અને મા વાત્સલ્ય યોજના હેઠળ રૂપિયા પાંચ લાખ સુધીની સારવાર વિનામૂલ્યે અપાતી હતી તે લાભો પણ આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ મળશે. બંને યોજનામાં સારવાર માટેના તમામ પેકેજ એકસરખા કરવામાં આવ્યા છે. તેથી તમામ લોકોને આ યોજના હેઠળ તમામ લાભો એકસરખા મળતા થયા છે.

તેમણે ઉમેર્યુ કે ગુજરાત આજે દેશભરનું રોલ મોડલ પુરવાર થઇ રહ્યુ છે ત્યારે આરોગ્યક્ષેત્રે પણ આપણે હરણફાળ ભરી છે. રાજ્યમાં તબીબી શિક્ષણ માટે કોલેજોમાં વધારો કરી બેઠકો પણ વધારી છે. એટલુ જ નહિ આકસ્મિક સંજોગોમાં સેવા આપતી ૧૦૮ એમ્બ્યલન્સ સેવાઓ આજે ગામડેગામડે પ્રચલીત બની રહી છે. રાજ્ય ભરમાં ૮૫૦ થી વધુ ૧૦૮ ની એમ્બ્યલન્સ વાન ૩૬૫ દિવસ રાત-દીવસ નાગરિકોને સેવાઓ આપી રહી છે. રાજ્યની શાળાઓમાં ભણતા બાળકોના આરોગ્યની ચકાસણી માટે પ્રતિ વર્ષ યોજાતા શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમોમાં દર વર્ષે ૧.૨૫ કરોડથી વધુ બાળકોને આવરી લઇ સુપર સ્પેશીયાલીટી સારવાર સહિતની સેવાઓ રાજ્ય સરકાર વિનામૂલ્યે પુરી પાડે છે.

PMJY-Ma Yojna

આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલે આ યોજનાની સફળતાની વાત જણાવતા કહ્યું હતું કે, આ યોજના વિશ્વની સૌથી મોટી હેલ્થ ઇન્સ્યોરન્સ યોજના બની છે. તંદુરસ્ત માનવી જ તંદુરસ્ત રાષ્ટ્રનું નિર્માણ કરી શકે છે. આ માટે રાજ્યના છેવાડાના માનવીને પૂરતી આરોગ્ય સેવાઓ મળી રહે તે જરૂરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલના કુશળ નેતૃત્વને પરિણામે જ છેવાડાના માનવીને પૂરતી આરોગ્ય સેવાઓ આપવી શક્ય બન્યું છે.

અગ્રવાલે યોજનાલક્ષી માહિતી આપતા કહ્યું હતું કે, ગુજરાત સરકાર દ્વારા તા.૦૧/૦૩/૨૦૧૯ થી “મુખ્યમંત્રી અમૃતમ” અને “મા વાત્સલ્ય” યોજનાના તમામ લાભાર્થી પરિવારોને આયુષ્માન ભારત- પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનો લાભ આપવાની શરૂઆત કરવામાં આવી હતી. ગુજરાત રાજયમાં “મા- મા વાત્સલ્ય” યોજના હેઠળ રાજયના કુલ ૭૯.૯૫ લાખ કુટુંબો એટલે કે આશરે ૩.૩૦ કરોડ વ્યક્તિઓ નોંધાયા છે. હાલમાં “પી.એમ.જે.એ.વાય.- મા” યોજનામાં તમામ લાભાર્થીઓને સમાન પ્લેટફોર્મથી લાભ મળી રહે તે હેતુ થી “મા” અને “મા વાત્સલ્ય યોજનામાં હોસ્પિટલ એમપેન્સમેન્ટ , TMS સોફ્ટવેર અને BIS સોફ્ટવેરનું ઇન્ટિગ્રેશન કેન્દ્ર સરકારના પી.એમ.જે.એ.વાય.ના સોફ્ટવેર સાથે કરવામાં આવ્યું છે.

Whatsapp Join Banner Guj

‘‘પી.એમ.જે.એ.વાય. – મા” યોજના હેઠળ સરકારી હોસ્પિટલમાં યોજનાના લાભાર્થીઓને સરળતાથી લાભ મળી રહે તે માટે તમામ સરકારી હોસ્પિટલોમાં “ગ્રીન કોરિડોર” ની વ્યવસ્થા કરવામાં આવી છે. જે અંતર્ગત યોજનાના લાભાર્થીઓ માટે અલગ કેસબારી/અલગ રજીસ્ટ્રેશન સિસ્ટમ, દવાની બારી પર / લેબોરેટરીમાં અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે.આ ઉજવણી સમારોહમાં નવી નિમણુંક પામેલ સ્ટાફ નર્સને નિમણૂંક પત્રો એનાયત કરવામાં આવ્યા હતા. રાજ્યમાં કોરોના રસીકરણની ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ અમદાવાદ ખાતેની ક્રિષ્ના સેલબી હોસ્પિટલ, એચ.સી.જી. હોસ્પિટલ અને ગાંધીનગર ખાતેની એપોલો હોસ્પિટલને સન્માનપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત બેસ્ટ પરફોર્મીંગ હોસ્પિટલ એવોર્ડ રાજ્યની ખાનગી અને સરકારી હોસ્પિટલોને તથા સ્ટાર હેલ્થ એમ્પ્લોઇઝ એવોર્ડ આરોગ્ય કર્મીઓને આપવામાં આવ્યા હતા.

આ પ્રસંગે આરોગ્ય કમિશ્નર જય પ્રકાશ શિવહરે, એન. એચ. એમ ડાયરેકટર રૈમ્યા મોહન, જિલ્લા કલેકટર, જિલ્લા વિકાસ અધિકારી જિલ્લા પ્રમુખ આરોગ્ય વિભાગના અધિકારીઓ, નિમણૂંક પત્રો મેળવનાર સ્ટાફ નર્સ સહિત તબીબી કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.