WhatsApp Image 2020 08 30 at 10.21.51 PM 1

ચાંદોદ ખાતે એન. ડી.આર.એફ.ની ટીમે પાણીમાં ફસાઈ ગયેલા 2 વ્યક્તિઓને ઉગાર્યા

પાદરા તાલુકાના ડબકા નજીકના મહી ભાઠા ના 40 લોકોને તાલુકા વહીવટી અને પોલીસ તંત્રે ખસેડ્યા

૩૦ ઓગસ્ટ,ડબકા પાસે મહી નદી વચ્ચે ભાઠા વિસ્તાર આવેલો છે જ્યાં માનવ વસવાટ છે.મહી નદીમાં છોડવામાં આવી રહેલા પાણીને અનુલક્ષીને તકેદારીના ભાગરૂપે મામલતદાર શ્રીની દોરવણી હેઠળ તાલુકા વહીવટી તંત્ર અને પોલીસ તંત્રે સંયુક્ત કામગીરી હાથ ધરીને ડબકા ભાઠાના 40 નિવાસીઓ સલામત સ્થળે ખસેડી લીધાં છે. 40 પૈકી 25 લોકોને ડબકા ખસેડવામાં આવ્યાં છે જ્યારે 15 લોકો ગંભીરા ગામે પોતાના સગાવ્હાલા ના આશ્રયે ગયા છે.

જ્યારે ચાંદોદ ખાતે એન. ડી.આર.એફ.ની ટીમે સતર્કતા સાથે બચાવ કામગીરી કરીને પાણીમાં ફસાયેલી બે વ્યક્તિઓને ઉગારી લીધી છે.આ બંને માં દીકરા છે. ચાંદોદ ના 45 વર્ષના તડવી ઘનશ્યામભાઈ અંબાલાલ અને 65 વર્ષના તડવી સવિતાબેન અંબાલાલ કચરો વીણી ગુજરાન ચલાવે છે. આ બંને ભૂલ થી નીચાણવાળા વિસ્તારમાં જતા રહેતા પાણીમાં ફસાઈ ગયા હતા.

ચાંદોદ વિસ્તારમાં હાલમાં એન. ડી.આર.એફ.ની એક ટુકડી બચાવ અને રાહત માટે મૂકવામાં આવી છે.આ બંને વ્યક્તિઓને ઉગારવા માટે આ ટુકડીએ બચાવ અભિયાન હાથ ધર્યું હતું.અને તેમને સલામત રીતે બહાર કાઢ્યા હતા.સેવાભાવી રાજેશભાઈ રબારીએ આ બંને ને આશ્રય આપ્યો હતો.નિવાસી અધિક કલેકટરશ્રી એ પાદરા અને ચાંદોદ માં આ જીવન રક્ષક કામગીરી સાથે સંકળાયેલા સહુને બિરદાવ્યા છે.