28A5H

દેશમાં 81.35 કરોડ જરૂરિયાતમંદ લોકોને મળી રહ્યું છે વિના મૂલ્યે અનાજ:FCI

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ અન્ન યોજનામાં દેશમાં 81.35 કરોડ જરૂરિયાતમંદ લોકોને મળી રહ્યું છે વિના મૂલ્યે અનાજ

ભારતીય ખાદ્ય નિગમ પાસે છે પૂરતો 642.7 લાખ મેટ્રિક ટન કુલ અનાજનો જથ્થો

સોશ્યલ ડીસ્ટન્સીંગ સાથે સુચારુ રીતે રાજ્યના 3.40 કરોડ લોકોને મે માસમાં પણ મળી રહયો છે લાભ

25 MAY 2020 by PIB Ahmedabad

કોઇપણ વ્યક્તિને બે ટંક પૂરતું ખાવાનું મળી રહે તો તે ભગવાનનો આભાર માને છે. અને જ્યારે તે પોતાના માટે કે પોતાના પરિવાર માટે આ બે ટંકનું ભોજન જેટલું રળવા માટે સક્ષમ ન હોય કે પછી રળી શકે તેવા સંજોગો ન હોય ત્યારે  જે તેને આ ભોજન પૂરું પાડે તેનો ઉપકાર તે ક્યારેય ભૂલતો નથી. અને આવી સહાયતા કરનારને તે ભગવાન માને છે. આવી જ  હાલત છે દેશના એ કરોડો ગરીબ અને આર્થિક રીતે પછાત વર્ગના લોકોની કે જેઓ લોકડાઉનની પરિસ્થિતિમાં પોતાની રોજી બંધ થઇ જતાં રોટી પણ ગુમાવી બેઠા. પરિવારનું ભરણપોષણ કરવું મુશ્કેલ બન્યું ત્યારે ભારત સરકાર પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના લઇને તેમની વ્હારે આવી. આ યોજના હેઠળ અન્ન યોજનામાં દેશના 81.35 કરોડ જરૂરિયાતમંદ લોકોને વિના મૂલ્યે અનાજનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. પ્રથમ તબક્કમાં એપ્રિલ માસમાં સુવ્યવસ્થિત રીતે અનાજ વિતરણ કરાયા બાદ ફરી એક વખત મે માસમાં પણ દેશમાં બીજા તબક્કાનું અનાજ વિતરણ થઇ રહ્યું છે. દેશના NFSA  તથા NON-NFSA બીપીએલ કાર્ડધારકોને સતત  બીજા મહિને કેન્દ્ર સરકાર દ્વારા વિનામૂલ્યે અન્ન વિતરણ નો લાભ આપવામાં આવી રહ્યો છે.

1UO3Q
28A5H

ભારત સરકારના ગ્રાહક બાબતો,ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય તેમજ ભારતીય ખાદ્ય નિગમે આ અંગેની જાણકારી આપતા  જણાવ્યું છે કે દેશના આટલા મોટા વર્ગને વિના મૂલ્યે અનાજ પુરું પાડવા ખાદ્ય નિગમ પાસે પૂરતો અનાજનો જથ્થો ઉપલબ્ધ છે. 1 મે ના રોજ 642.7 લાખ મેટ્રિક ટન કુલ અનાજનો જથ્થો નિગમ પાસે સ્ટોકમાં હતો. જેમાં 285.03 લાખ મેટ્રીક ટન ચોખા અને 357.7 લાખ મેટ્રીક ટન ઘઉંનો જથ્થો હતો. જેમાંથી 159.36 લાખ મેટ્રીક ટન જથ્થો વિભિન્ન યોજનાઓ હેઠળ રાજ્યોને 12 મે સુધીમાં આપી દેવાયો છે. જે વિતરણના માપદંડથી જોઇએ રાષ્ટ્રીય અન્ન સુરક્ષા હેઠળ દોઢ મહિનાનો અને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ બે મહિના માટે વિતરણ કરી શકાય તેટલો છે. આમ દેશની દરેક રાજ્ય સરકાર પાસે તેમના રાજ્યના જરૂરિયાતમંદ લોકોને વિના મૂલ્યે વિતરીત કરી શકાય તેટલો પૂરતો અનાજનો જથ્થો ઉપલબ્ધ છે.

ગુજરાત રાજયની વાત કરીએ તો રાજ્યના 3.40 કરોડ લોકોને મે મહિનામાં મળવાપાત્ર અન્ન ઉપરાંત પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ વ્યક્તિ દીઠ 3.50 કિલોગ્રામ ઘઉં, 1.5 કિલોગ્રામ ચોખા તથા કાર્ડદીઠ 1 કિલોગ્રામ ચણાનું વિનામૂલ્યે વિતરણ 17 મે થી શરુ કરી દેવામાં આવ્યું છે.  ભારતીય ખાદ્ય નિગમે જાહેર કરેલ માહિતી મૂજબ ગુજરાત પાસે કુલ 5.63 લાખ મેટ્રિક ટન અનાજનો જથ્થો ઉપલબ્ધ છે. જેમાં 3.92 લાખ મેટ્રિટ ટન ઘઉં અને 1.71 લાખ મેટ્રિક ટન ચોખાનો સમાવેશ થાય છે. જેનું યોગ્ય આયોજન સાથે વિતરણ થઇ રહ્યું છે. રાજ્યમાં સોશ્યલ ડીસ્ટન્સીંગ જળવાય અને સુચારુ રીતે અન્ન વિતરણ થાય તેવી વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા દુકાન દીઠ શિક્ષક કે અન્ય સરકારી કર્મચારી, તલાટી કે ગ્રામ સેવક, પોલીસ અને સ્થાનિક અગ્રણીની કમિટિ વ્યવસ્થા સંભાળી રહી છે.રાજ્યમાં 68 લાખથી વધુ NFSA  તથા NON-NFSA બીપીએલ કાર્ડધારકોને સતત  બીજા મહિને અન્ન વિતરણ થઇ રહ્યું છે.

sangita4YIZ
લાભાર્થી સંગીતાબેન

સરકારની આ યોજના તેમજ તેના દ્વારા મળી રહેલા અનાજ બદલ લાભાર્થીઓ ખુશ છે. જૂનાગઢ જિલ્લાની વાત કરીએ તો અહીં મે મહિનામાં બીજા તબક્કાનું અન્ન વિતરણ કરવામાં આવી રહ્યું છે. જૂનાગઢ શહેરના જોષીપરા વિસ્તારમાં રહેતાં સંગીતાબેને અમારા પીઆઇબીના પ્રતિનિધિને જણાવ્યું કે તેમને મે મહિનામાં સમયસર અનાજનો પૂરતો જથ્થો વિના મૂલ્યે મળી ગયો છે. અનાજની ગુણવત્તા પણ સારી છે. ભારત સરકાની આ અન્ન યોજના ખૂબ લાભદાયી છે. જે બદલ તેઓ ભારત સરકારનો આભાર માને છે.

noormohmadU1IC
શ્રી નૂર મહંમદ અઝીદ

જૂનાગઢના જોષીપરા વિસ્તારમાં જ રહેતાં નૂર મહંમદ અઝીદે અમારા પ્રતિનિધિને જણાવ્યું કે તેમને એપ્રિલ મહિના પ્રથમ વખતનું અનાજ મળ્યા બાદ મે મહિનામાં પણ બીજી વખતનું અનાજ વિનામૂલ્યે પ્રાપ્ત થયું છે. જે આ કોરોના સંકટના સમયે તેમના પરિવાર માટે ખૂબ ઉપયોગી છે. સરકારની આ અન્ન દ્વારા મળેલી સરકારના તેઓ આભારી છે.

kasambhai18GR
શ્રી કાસમભાઇ અહેમદભાઇ ફેફર

જૂનાગઢના કાસમભાઇ અહેમદભાઇ ફેફરે જણાવ્યું કે તેમને પણ લોકડાઉન લાગુ પડાયા બાદ બંને મહિનામાં ભારત સરકાર તરફથી વિનામૂલ્યે અન્ન વિતરણનો લાભ આપવામાં આવ્યો છે. જે અમારા જેવા જરૂરિયાતમંદ લોકો માટે ઘણી રાહતની વાત છે. સરકારની આ અન્ન યોજના અને તેનાથી મળતા લાભથી તેઓ ખુશ છે અને તેઓ ભારત સરકારનો ખૂબખૂબ આભાર માની રહ્યાં છે.

ભારત સરકારની યોજનાના યોગ્ય અમલીકરણ સાથે  રાજ્યભરમાં આવેલ 17 હજાર જેટલી સસ્તા અનાજની દુકાનો પરથી 17 મેથી 27 મે સુધી અન્ન વિતરણ કરવામાં આવી રહ્યું છે. લાભાર્થી ગ્રાહક પાસે રેશનકાર્ડ, આધારકાર્ડ કે અન્ય કોઇ ઓળખકાર્ડ હોવું જરૂરી છે સાથે જ માસ્ક નહીં તો અન્ન નહીં ના સુત્ર સાથે કોરોના વાયરસના સંક્રમણ સામે સાવચેતીના પૂરતાં પગલા લઇ અન્ન વિતરણ કરવામાં આવી રહ્યું છે. સંકટના સમયે જરૂરિયાત મંદ લોકોને મળી રહેલ વિના મૂલ્યે અનાજ અને તેના દ્વારા લાભાર્થીને થતી ખુશી એ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનાની સાર્થકતા સાથેની વિશેષ ઉપલબ્ધિ છે.