All India Police Band Competition 2023

All India Police Band Competition-2023: ગૃહ રાજ્ય મંત્રીએ ૨૪માં ઓલ ઇન્ડિયા પોલીસ બેન્ડ કોમ્પિટિશનનો વિધિવત શુભારંભ કરાવ્યો

All India Police Band Competition-2023: વિભિન્ન રાજ્યોમાંથી પ્રતિયોગિતામાં સહભાગી થયેલા તમામ બેન્ડની ધૂન ભલે અલગ છે પરંતુ તેમનો સુર એક જ છે ‘દેશભક્તિ’: ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી

  • દેશના અલગ-અલગ રાજ્યના પોલીસ વિભાગ તેમજ પેરામીલીટરીની બેન્ડ ટીમો મળી આશરે ૧૨૦૦થી વધુ સ્પર્ધકો સહભાગી થયા

ગાંધીનગર, 04 ડિસેમ્બરઃ All India Police Band Competition-2023: ગુજરાત પોલીસ અકાદમી-કરાઈ ખાતે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ૨૪માં ઓલ ઇન્ડિયા પોલીસ બેન્ડ કોમ્પિટિશનનો શુભારંભ કરાવ્યો છે. આ સ્પર્ધા ચાર દિવસ એટલે કે તા. ૪ થી ૮ ડિસેમ્બર દરમિયાન યોજાશે. જેમાં દેશના અલગ-અલગ રાજ્યના પોલીસ વિભાગ તેમજ પેરામીલીટરીની બેન્ડ ટીમો મળી આશરે ૧૨૦૦થી વધુ સ્પર્ધકો સહભાગી થયા છે.

All India Police Band Competition 2023 1

ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ગાંધીનગરના કરાઈ ખાતે અખિલ ભારતીય પોલિસ બેન્ડ પ્રતિયોગિતાનો પ્રારંભ કરાવતાં જણાવ્યું હતું કે, આ પ્રતિયોગિતાનું આયોજન ગુજરાતમાં થયું તે આપણા માટે સૌભાગ્યની વાત છે. આ પ્રતિયોગિતામાં વિભિન્ન રાજ્યોમાંથી ૧૯ ટીમ ભાગ લઈ રહી છે.

આ તમામ બેન્ડની ધૂન ભલે અલગ છે પરંતુ તેમનો સુર અને ધ્યેય એક જ છે તે છે દેશભક્તિનો. સૌ બહાદુર જવાનો રાત દિવસ ખડેપગે દેશની રક્ષા કરી રહ્યા છે જેના થકી આપણો દેશ અને દેશના નાગરિકો સુરક્ષિત છે. ૨૪માં ઓલ ઇન્ડિયા પોલીસ બેન્ડ કોમ્પિટિશનમાં દેશના અલગ-અલગ ૧૫ રાજ્યના પોલીસ વિભાગની બેન્ડ ટીમો ઉપરાંત પેરા-મીલીટરીની બેન્ડ ટીમો સહભાગી થઇ છે.

આ સ્પર્ધામાં મુખ્યત્વે બ્રાસ બેન્ડ, પાઇપ બેન્ડ અને બ્યુગલ બેન્ડ એમ કુલ ત્રણ કેટેગરીમાં વિવિધ ટીમો સહભાગી થઈ છે. જે પૈકી બ્રાસ બેન્ડ કેટેગરીમાં પુરૂષોની ૧૭ ટીમ અને મહિલાની ૦૧ ટીમ, પાઇપ બેન્ડ કેટેગરીમાં પુરુષોની ૧૩ ટીમ અને મહિલાઓની ૦૬ ટીમ તથા બ્યુગલ કેટેગરીમાં પુરુષોની ૧૯ ટીમો આ સ્પર્ધામાં ભાગ લઇ રહી છે.

ચાર દિવસ સુધી ચાલનાર આ સ્પર્ધામાં કુલ ૧૨૦૦થી વધુ સ્પર્ધકો સહભાગી થયા છે. આ સ્પર્ધા દરમિયાન ત્રણેય કેટેગરીમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ટીમને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવશે. આ સાથે જ વિજેતા ટીમોના સ્પર્ધકોને પણ ગોલ્ડ, સીલ્વર અને બ્રોન્ઝ મેડલ આપી સન્માનિત કરવામાં આવશે. આ ઉપરાંત તમામ સ્પર્ધકોને પ્રમાણપત્ર એનાયત કરી સન્માનિત કરવામાં આવશે.

“ઓલ ઇન્ડિયા પોલીસ બેન્ડ કોમ્પીટીશન”ની શરૂઆત વર્ષ ૧૯૯૯માં ઓલ ઇન્ડિયા પોલીસ સ્પોર્ટ્સ કંટ્રોલ બોર્ડ દ્વારા કરાવવામાં આવી હતી. ત્યારબાદ દર વર્ષે અલગ-અલગ રાજ્ય, કેન્દ્રશાસિત પ્રદેશ તેમજ સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સીસ દ્વારા તેનું આયોજન કરવામાં આવે છે.

રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે સૌ સ્પર્ધક ટીમો ઉપરાંત ઉપસ્થિત ઉચ્ચ અધિકારી સહિત મહેમાનોનું સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે એડીજીપી નીરજા ગોટરું, ઓર્ગેનાઇઝીંગ કમિટીના ડીઆઇજીપી વિશાલકુમાર વાઘેલા સહિત આઇપીએસ અધિકારીઓ તથા સહભાગી રાજ્યોના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો.. Inauguration of i-Hub Complex: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અમદાવાદ ખાતે કરાશે i-Hub કોમ્પ્લેક્ષનું ઉદઘાટન

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો