૯૦ લોકોના સીકયુરિટી સ્ટાફ પૈકી અંદાજે ૧૫ લોકો કોરોના સંક્રમિત થઈ સારવાર બાદ ફરી ફરજ પર હાજર

Hospital Security Rajkot
  • પોતાની અહર્નિશ સેવા થકી અન્યોને મદદરૂપ બનતા સિવિલ હોસ્પિટલના સીકયુરિટી ગાર્ડઝ
  • કોરોના પોઝિટિવ દર્દીના પ્રથમ સંપર્કમાં આવતાં સીકયુરિટી ગાર્ડઝ જોમ અને જુસ્સા સાથે નિભાવી રહ્યાં છે પોતાની ફરજ
  • ૯૦ લોકોના સીકયુરિટી સ્ટાફ પૈકી અંદાજે ૧૫ લોકો કોરોના સંક્રમિત થઈ સારવાર બાદ ફરી ફરજ પર હાજર

અહેવાલ: રાધિકા વ્યાસ/ સોનલ ઉમરાણીયા, રાજકોટ

રાજકોટ, ૧૧ નવેમ્બર: બોલો સાહેબ, હું તમારી શુ મદદ કરી શકું? ક્યાં વોર્ડમાં જવું છે તમારે? તમારું વાહન આ બાજુ પાર્ક કરી દો. સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં તુરંત જ આ મીઠાં સંવાદ સાથે આવકાર આપતાં સીકયુરિટી ગાર્ડઝનાં હસમુખા ચહેરા જોઈને દર્દી જાણે તેનું દુઃખ ભૂલી જતાં. કોરોનાના મુશ્કેલ સમયમાં પણ ચહેરા પર સ્મિત સાથે લોકો માટે સતત હાજર સિવિલ હોસ્પિટલના સીકયુરિટી ગાર્ડઝ પોતાની અહર્નિશ સેવા થકી અનેક લોકોને મદદરૂપ બન્યા છે. 

whatsapp banner 1

સિવિલ હોસ્પિટલમાં સીકયુરિટી ઇન્ચાર્જ તરીકે ફરજ બજાવતા ગિરિરાજ સિંહ રાઠોડ જણાવ્યું હતું કે, “ત્રણ મહિના જ્યારે કોરોનાનો ખૂબ કપરો કાળ હતો ત્યારે ૯૦ જેટલા કર્મચારીઓએ રાત દિવસ જોયા વિના અને જરૂર પડે ત્યારે ઓવરટાઈમ કરીને પણ દર્દીઓનું ધ્યાન રાખ્યું છે. અને તેમના માર્ગદર્શક તરીકે સતત ઉપયોગી બની રહ્યા છે. આ કાર્ય દરમ્યાન અમારા ૧૩ થી વધુ સીકયુરિટી ગાર્ડ અને બેથી વધુ સીકયુરિટી સુપરવાઇઝર કોરોના પોઝિટિવ આવ્યા હતા. અને હોસ્પિટલાઈઝેશન અને આઇસોલેશનનો સમય પૂર્ણ કરી તેઓ તુરંત જ ફરજ પર હાજર થઇ ગયા હતા. સિક્યુરીટી સ્ટાફ માટે સૌથી મુશ્કેલ મુદ્દો એ હતો કે જ્યારે કોઇ દર્દી કોરોનામાં મૃત્યુ પામે ત્યારે તેમના સ્વજનોને સંભાળવા, તેમને પ્રેમથી સમજાવી સધિયારો પૂરો પાડવો અને જો તેઓ રોષે ભરાયા હોય તો પણ કર્મચારીએ શાંત ચિત્તે પોતાની આંતરિક સૂઝબૂઝ વડે તેમને અને નર્સિંગ સ્ટાફની મદદથી તેમને સમજાવી અને કાબૂમાં લેવા.

Security Hospital Rajkot

 તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, “કોરોના કાળમાં દરેક પગલે અમને પ્રદ્યુમન નગર પોલીસ સ્ટેશનનો ખૂબ સારો સહકાર સાંપડ્યો છે. અહીં કાર્યરત પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એલ.એલ. ચાવડા અને તેમની ટીમ દ્વારા અમને સતત પ્રોત્સાહન પૂરું પાડવામાં આવતું અને જ્યારે પણ અમને પોલીસ ફોર્સની જરૂર જણાય ત્યારે તેમણે બધી જ વ્યવસ્થા પુરી પાડી હતી. સિવિલ ખાતે બંદોબસ્તમાં ૧૨ થી વધુ પોલીસ સ્ટાફ અને ૧૨થી વધુ એક્સ આર્મીમેન સતત ફરજ પર હાજર રહ્યા છે. દર્દી જ્યારે હોસ્પિટલમા પ્રવેશે ત્યારે તેના સંપર્કમાં સૌથી પહેલા કોઈ આવે તે હોય છે સીકયુરિટી ગાર્ડ. દર્દીને ક્યાં વોર્ડમાં જવાનું છે, પાર્કિંગ ક્યાં કરવું, દાખલ કયા થવું, કેસ ક્યાંથી કઢાવવો વગેરેથી માંડીને નાની મોટી દરેક સૂચનાઓ અને માર્ગદર્શન આપવામાં સીકયુરિટી ગાર્ડે કોઈ કચાશ રાખી નથી. સારવારમાં વ્યસ્ત કર્મચારીઓના મોબાઈલ ફોન,તેમના વાહન ની જવાબદારી અને વ્યવસ્થિત પાર્કિંગ થાય તેની

પણ જવાબદારી સીકયુરિટી સ્ટાફે નિભાવી છે. સિવિલ હોસ્પિટલમાં દાખલ દર્દીઓની ગુમ થયેલી કિંમતી વસ્તુને પરત આપવામાં પણ સિવિલ હોસ્પિટલના સિક્યુરીટી સ્ટાફનો ખૂબ મોટો ફાળો રહયો છે.”