આઈ.સી.એમ.આર. દ્વારા ભાવનગર મેડિકલ કોલેજને પ્લાઝમા થેરાપી સંશોધનની મંજૂરી અપાઈ

ભાવનગર,૦૧ મે૨૦૨૦

મંજૂરી મળતા ભાવનગર બન્યું રાજયનું ત્રીજું પ્લાઝમા થેરાપી સંશોધન કેન્દ્ર

દેશભરમાં કોરોના વાયરસ નો કહેર યમદૂત બની હાહાકાર મચાવી રહ્યો છે ત્યારે કોરોના વાયરસ ને ફેલાતો અટકાવા તેમજ વાયરસ અંગે જરૂરી વેક્શીન શોધવા સંશોધન કેન્દ્રો દિવસ રાત એક કરી રહ્યા છે ત્યારે હાલમાં જ એક સંશોધન દરમ્યાન પ્લાઝમા થેરાપી એ કોરોના જેવા વાયરસ સામે રક્ષક સાબિત થઇ રહી છે.ત્યારે આઈ.સી.એમ.આર. (ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ) દ્વારા ભાવનગર જિલ્લાની મેડીકલ કોલેજ ને પ્લાઝમા થેરાપી સંશોધન કેન્દ્ર ની મંજૂરી અપાઈ છે.

img 20200501 wa00353910711340507797839

આ અંગે વધુ વિગતો આપતાં મેડિસીન વિભાગના મુખ્ય તપાસકર્તા ડો.સુનિલ પંજવાણીએ જણાવ્યું હતું કે રાજય સરકાર દ્વારા આઈ.સી.એમ.આર. પાસે ભાવનગર જિલ્લાને પ્લાઝમા થેરાપી સંશોધન કેન્દ્ર અંગેની મંજૂરી મળે તે માટે માંગણી કરાઈ હતી.જે અંગે આઈ.સી.એમ.આર. દ્વારા ભાવનગર જિલ્લાના તમામ પરિમાણો બાબત ની ચકાસી ગત તા.19 એપ્રિલના રોજ જરૂરી એ.ઓ.યુ. કરવામાં આવ્યા હતા. ત્યારબાદ 27 એપ્રિલે ભાવનગર મેડીકલ ટીમના તમામ સભ્યો સાથે પરામર્શ બાદ 30 એપ્રિલના રોજ ભાવનગર મેડિકલ કોલેજને પ્લાઝમા થેરાપી સંશોધન કેન્દ્ર ની મંજૂરી અપાઈ હતી.

આ અંગેની વધુ વિગતો આપતાં મેડીકલ કોલેજ, ઇન્ચાર્જ ડીન શ્રી ડો.હેમંત મહેતાએ વધુમાં જણાવ્યું હતું કે જો આ થેરાપીના સફળ પરિણામો મળે તો કોઈ નવા રોગ કે વાઇરસ કે જેની દવા ઉપલબ્ધ ન હોય ત્યારે આ થેરાપી ખૂબ અસરકારક સાબિત થઈ શકે છે.

તેમણે ઉમેર્યું હતું કે ભાવનગર જિલ્લામાં કોરોના પોઝિટિવમાંથી કોરોનામુક્ત થયેલા દર્દીઓની સંખ્યા વધુ હતી તેમજ મેડિકલ કોલેજના તમામ સભ્યોએ આ થેરાપી ની મંજૂરી ભાવનગરને મળે તે માટે ખૂબ તત્પરતા દર્શાવી હતી.અને આઈ.સી.એમ.આર દ્વારા મંજૂરી માટે માંગવામાં આવેલ તમામ આધારો,ઉપલબ્ધ સુવિધાઓ તેમજ ડોક્યુમેન્ટેશન પુરા પાડવામાં સફળ રહ્યા હતા.જેના પરિણામે ભાવનગર મેડિકલ કોલેજને આ મંજૂરી મળવામાં સફળતા હાંસલ થઈ.ભારતભરમાં પ્લાઝમા થેરાપીના 25 સેન્ટરો મંજૂર કરવાની જોગવાઈ કરવામાં આવેલ છે.દેશમાં બાર પ્લાઝમા થેરાપી સંશોધન કેન્દ્રો ને મંજુરી મળ્યા બાદ ભાવનગર મેડીકલ કોલેજએ રાજ્યનાં ત્રીજા નંબરનું સંશોધન કેન્દ્ર બન્યું અને આગામી સમયમાં ભાવનગર જિલ્લાને કોરોનામુક્ત કરવા પ્લાઝમા થેરાપી સંશોધન ચોક્કસપણે અસરકારક સાબિત થશે.

ભાવનગરથી દિનેશ મકવાણા