image e1669444515760

ગુજરાતનાં 12 શહેરોમાં ઠંડીનો પારો 15 ડિગ્રી પહોંચતા ઠંડીનું જોર વધ્યું, અગામી બે દિવસ ઠંડી વધવાની શક્યતા

image

અમદાવાદ,15 ડિસેમ્બરઃ કોલ્ડવેવની અસરોને કારણે ગુજરાતનાં 12 શહેરોમાં ઠંડીનો પારો 15 ડિગ્રીની આસપાસ નોંધાયો છે. સમગ્ર રાજ્યમાં સિઝનમાં પ્રથમવાર નલિયામાં ઠંડીનો પારો ગગડીને 7.0 ડિગ્રીએ પહોંચ્યો છે. તેમજ આગામી બે દિવસ રાજ્યમાં કોલ્ડવેવનું મોજું ફરી વળવાની શક્યતા હોવાથી ખાસ કરીને સૌરાષ્ટ્ર્ અને કચ્છમાં હાડ થીજવતી ઠંડીની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

હવામાન વિભાગના આંકડા મુજબ, અમદાવાદમાં વહેલી સવારે ઠંડા પવનોનું જોર વધતાં ઠંડીનો ચમકારો વર્તાયો હતો. અમદાવાદનું મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 2.1 ઘટીને 27.2 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 3.8 ડિગ્રી વધીને 17.1 ડિગ્રી નોંધાયું હતું. જેને પગલે શહેરમાં બપોરેથી સાંજનાં 5 વાગ્યા સુધી લોકોએ સામાન્ય ગરમીનો અનુભવ કર્યો હતો. પરંતુ, સાંજનાં 6.00 વાગ્યા બાદ ઠંડા પવનોને કારણે લોકોએ ઠંડીના ચમકારાનો અનુભવ કર્યો હતો. આગામી ચારથી પાંચ દિવસો દરમિયાન અમદાવાદમાં ઠંડીનું જોર યથાવત રહેવાનની વકી હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

whatsapp banner 1

ઠંડા પવનોની અસરથી ગુજરાતનાં 12 શહેરોમાં ઠંડીનો પારો ગગડીને 15 ડિગ્રીની આસપાસ પહોંચતાં ઠંડીનું જોર વધ્યું છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છનાં વિવિધ વિસ્તારોમાં ઠંડીનો પારો 7થી 14 ડિગ્રીની આસપાસ નોંધાયો હતો. સમગ્ર રાજ્યમાં નલિયા સિઝનના સૌથી નીચા 7.0 લઘુત્તમ તાપમાન સાથે સૌથી ઠંડુ શહેર બન્યું હતું. આગામી બે દિવસ કોલ્ડવેવને કારણે રાજ્યમાં ઠંડી વધવાની શક્યતા છે, ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છમાં ઠંડીની સૌથી વધુ અસર થવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.