VDR Clean Pm Birthday 3

પ્રધાનમંત્રીશ્રી ના આગામી ૭૦ માં જન્મ દિવસ નિમિત્તે સયાજી હોસ્પિટલમાં સ્વચ્છતા પર્વનો પ્રારંભ

  • પ્રધાનમંત્રીશ્રી ના આગામી ૭૦ માં જન્મ દિવસ નિમિત્તે નર્મદા વિકાસ મંત્રીશ્રીએ સયાજી હોસ્પિટલમાં સ્વચ્છતા પર્વનો પ્રારંભ કરાવ્યો
  • ઉઘાડ નીકળે એટલે સયાજી હોસ્પિટલ પરિસરના આંતરિક રસ્તાઓનું સમારકામ હાથ ધરવા આપી સૂચના
  • નળ કનેકશન ગટર જોડાણ અને વીજળીના પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ આણવા માં આવશે
  • આગામી ૧૭ મી સપ્ટેમ્બરે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીનો ૭૦ મો જન્મ દિવસ છે.

વડોદરા, ૧૩ સપ્ટેમ્બર:કોરોનાનું સંક્રમણ અને રોગજન્ય પરિસ્થિત અટકાવવામાં સ્વચ્છતા ખૂબ અગત્યની છે.તેને અનુલક્ષીને નર્મદા વિકાસ મંત્રીશ્રી યોગેશભાઈ પટેલના માર્ગદર્શન અને નિરીક્ષણ હેઠળ,વડોદરા મહાનગર પાલિકાના સહયોગથી સયાજી હોસ્પિટલ સ્વચ્છતા પર્વનું આયોજન કરવામાં આવ્યું છે.
તેનો મંત્રીશ્રીએ,સાંસદ શ્રીમતી રંજનબહેન ભટ્ટ,મેયર ડો.જિગીષા બહેન શેઠ,ધારાસભ્ય શ્રી જીતુભાઈ સુખડીયા,ખાસ ફરજ પરના અધિકારી અને શિક્ષણ સચિવ ડો.વિનોદ રાવ, સયાજી હોસ્પિટલના તબીબી અધિક્ષક ડો.રંજન ઐયર,વડોદરા મહાનગર પાલિકાના શ્રી શૈલેષ મિસ્ત્રી,પદાધિકારીઓ અને કાર્યકરોની ઉપસ્થિતિમાં પ્રારંભ કરાવ્યો હતો.
શ્રી યોગેશભાઈ પટેલે વરસાદ અટકે અને ઉઘાડ નીકળે એટલે સયાજી હોસ્પિટલ પરિસરના આંતરિક રસ્તાઓના ખાડા પૂરવા સહિત જરૂરી સમારકામ હાથ ધરવાની સંબંધિતોને સૂચના આપી હતી.


તેમણે સયાજી હોસ્પિટલના નળ અને ગટર જોડાણ સહિત વીજળી વિષયક પ્રશ્નોની જાણકારી મેળવી હતી અને નિકટ ભવિષ્યમાં તેના યોગ્ય નિરાકરણની ધરપત આપી હતી. આ અંગે જાણકારી આપતાં મંત્રીશ્રી એ જણાવ્યું હતું કે ગઇકાલે સયાજી હોસ્પિટલની નિરીક્ષણ મુલાકાત દરમિયાન ઘણી બધી બાબતો સામે આવી હતી.કાટમાળ,ઈંટોના રોડા,કચરો ઇત્યાદિ જોવા મળ્યા હતા.

તેના અનુસંધાને ખાસ ફરજ પરના અધિકારી સાથે સઘન વિચાર વિમર્શ કરી,સ્વચ્છ ભારતના પ્રણેતા પ્રધાનમંત્રીશ્રી ના આગામી જન્મ દિવસની ઉજવણી સાથે જોડીને સમગ્ર સયાજી હોસ્પિટલ સંકુલની અંદર અને બહાર થી સઘન સફાઈ બે દિવસના વિસ્તૃત અભિયાન હેઠળ યુદ્ધના ધોરણે હાથ ધરવાનું આયોજન કર્યું. તેના અનુસંધાને આજે મહાનગર પાલિકાના ૨૦૦ કોરોના વોરિયર સફાઈ સેવકો અને ૩૫ કચરા ગાડીઓ, ચાર ડંપર, પાંચ ટ્રેકટર, પાંચ જેસીબી ની મદદથી બાહ્ય પરિસરની સઘન સફાઈ શરૂ કરાવી છે. જ્યારે હોસ્પિટલના સફાઈ સેવકોની મદદ થી અંદરના ભાગે વિવિધ વોર્ડની સઘન સફાઈ હાથ ધરવામાં આવી છે.

સમગ્ર ખુલ્લા પરિસરનું સઘન સેનેતાઇઝેશન આ સ્વચ્છતા પર્વના ભાગરૂપે કરવામાં આવશે.હું આ સફાઈ અભિયાનમાં સહભાગી બનેલા સહુ સેવકો ને ધન્યવાદ આપુ છું.હોસ્પિટલના તબીબી અધિક્ષક ડો.રંજન ઐયર અને અધિકારીઓ પણ આ કામગીરીનું નિરીક્ષણ કરશે અને યોગ્ય રીતે કામ થાય તે જોશે.

loading…


બે દિવસ અગાઉ ડો. ઐયરે હોસ્પિટલ પરિસરમાં કોવીડ સુવિધા નજીક આવેલા એક ઢાબા ( કેન્ટીન) દ્વારા જમીન ના અનધિકૃત દબાણ થી સર્જાતી મુશ્કેલીઓ તરફ ધ્યાન દોર્યું હતું.આ સુવિધા માટે અગાઉના તબીબી અધિક્ષક ના કાર્યકાળમાં ૧૫૦ ફૂટ જેટલી જગ્યા આપવામાં આવી હતી જેની સામે ખૂબ વધુ ૧૫૦૦ ફૂટ જેટલી જગ્યામાં આ કેન્ટીન દ્વારા દબાણ કરવામાં આવ્યું હતું જે ખૂબ નડતરરૂપ હતું.તાજેતરમાં આગની ઘટના સમયે આ દબાણને લીધે એમ્બ્યુલન્સ અને વાહનો ની અવર જવર માં ખૂબ અવરોધોનો સામનો કરવો પડ્યો હતો.આ પરિસ્થિતિને અનુલક્ષીને આ દબાણ હટાવવામાં આવ્યું છે.
તેમણે સારવાર માટે આવતા નાગરિકો અને દર્દીઓના પરિવાર જનો પણ પરિસરની આંતરિક અને બાહ્ય સ્વચ્છતા જાળવવામાં મદદરૂપ બને તેવો અનુરોધ કર્યો છે.