potato farming deesa

Deesa potato market: બનાસકાંઠામાં કોલ્ડ સ્ટોરેજમાં બટાકા સંગ્રહની કામગીરી પૂરજોશમાં

Deesa potato market: ડીસા માર્કેટ માં બટાટાની રોજની પાંચ હજાર બોરી ઠલવાઇ રહી છે.

અહેવાલ: પંકજ સોનેજી
ડીસા, 03 માર્ચ:
Deesa potato market; બનાસકાંઠા જિલ્લાનું ડીસા બટાટાનું ‘હબ’કહેવાય છે.ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ બટાટાનું વાવેતર પણ ડીસામાં થાય છે. એટલે જ તેને ‘પોટેટો ટાઉન’ કહે છે. નવેમ્બર મહિનાની 1 થી 15 તારીખ સુધીમાં એટલે કે ઠંડીનો પ્રારંભ થતાની સાથે જ અહીંના ખેડૂતો બટાટાના વાવેતરનો પ્રારંભ કરી દે છે. બટાટાનો પાક નેવું દિવસમાં તૈયાર થાય છે. જે તારીખ 1 થી 15 ફેબ્રુઆરી સુધીમાં તૈયાર થતાં તેને હારવેસ્ટીગ કરી જમીનમાંથી બહાર કાઢવામાં આવે છે.

Deesa potato market, farming

આ દિવસો દરમિયાન અહીંના ખેતરોમાં તમને માત્ર ને માત્ર બટાટા ના ઢગલા નજરે પડે છે. છેલ્લા ૨૦ દિવસથી બટાટાને જમીનમાંથી બહાર કાઢવાની કામગીરી ઝડપભેર ચાલી રહી છે. જેને 50 કિલો ની બેગમાં પેકિંગ કરીને કોલ્ડ સ્ટોરેજમાં સંગ્રહ માટે ખેડૂતો ખેતરમાં ટ્રેકટરમાં ભરીને લઈ જઈ રહ્યા છે. ગરમીની શરૂઆત થાય તે પહેલા જ ખેતરમાં પડેલો બટાટાનો તમામ જથ્થો કોલ્ડ સ્ટોરેજમાં પહોંચાડવા માટે ખેડૂતો દિવસ-રાત મહેનત કરી રહ્યા છે.

બનાસકાંઠામાં 200 કોલ્ડ સ્ટોરેજ
ગુજરાતમાં થતાં બટાટાના વાવેતર અને ઉત્પાદનમાં ૫૦ ટકા તો માત્ર ડીસામાં જ વાવેતર થાય છે. જેની સામે થતાં બટાટાના ઉત્પાદનનો સંગ્રહ કરવા માટે બનાસકાંઠા જિલ્લામાં ૨૦૦ જેટલા કોલ્ડ સ્ટોરેજ છે. જેમાં ડીસામાં ૧૦૦ જેટલા કોલ્ડ સ્ટોરેજ આવેલા છે. આમ બનાસકાંઠા જિલ્લામાં સવા ત્રણ કરોડ કટ્ટા (50 કિલો) નો સંગ્રહ કરી શકાય એટલી ક્ષમતા ધરાવતા કોલ્ડ સ્ટોરેજ આવેલા છે.

cold storage,Deesa potato market

ગત વર્ષ કરતા એક હજાર હેક્ટર બટાટાનું વાવેતર ઓછું થયું
ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા જિલ્લામાં રવી સીઝનમાં થતા બટાટાના વાવેતરમાં ગત વર્ષ કરતા એક હજાર હેકટર જેટલું વાવેતર ઓછું થયું છે. જેમાં વર્ષ 2020-20 21 માં 59900 હેક્ટરમાં વાવેતર થયું હતું, જેની સરખામણીમાં વર્ષ 2021-2022માં 58900 હેકટરમાં વાવેતર થયું છે. જે પૈકી 32088 હેક્ટર જેટલુ બટાટાનું વાવેતર માત્ર ડીસામાં જ થયું છે.

માવઠાની અસર બટાટામાં જોવા મળી
ચાલુ સાલે વાતાવરણમાં વારંવાર પલટો આવ્યો હતો અને માવઠાની અસર બટાટાના પાકમાં પણ જોવા મળી હતી. જેના કારણે બટાટાનો પૂરતો વિકાસ થયો ન હતો. જેને લઇને આ વર્ષે બટાટા ના ઉત્પાદનમાં નોંધપાત્ર ઘટાડો આવવાની સંભાવના છે.

આ પણ વાંચો....Budget highlights: ગુજરાતભરમાં પાણી પહોંચાડવા બજેટમાં ખાસ જોગવાઈ, વાંચો બજેટ વિશેની તમામ માહિતી

આ વર્ષે ખેડૂતોને બટાટાનો ભાવ સારો મળી રહ્યો છે
અગાઉનાં વર્ષો કરતાં આ વર્ષે બટાટાનો ભાવ ખેડૂતોને સારો એવો મળી રહ્યો છે. ડીસા માર્કેટયાર્ડ ખાતે બટાટાની હરાજી થાય છે. જેમાં હાલમાં સરેરાશ પ્રતિદિન 5000 બેગ ખુલ્લા બજારમાં હરાજીથી વેચાણ અર્થે રહી છે. જ્યાં હાલમાં જાહેર હરાજીમાં રૂ. 90 થી 231 રૂપિયા સુધીનો ભાવ ખેડૂતોને મળી રહ્યો છે.

Deesa potato market

મલ્ટિનેશનલ કંપનીઓ બટાટાનું વાવેતર કરાવે છે

બનાસકાંઠા જિલ્લામાં બટાટાને જરૂરી હોય તેવી આબોહવાના કારણે બટાટાની ક્વોલિટી સારી થાય છે. જેને લઇને મકેઇન્સ, પેપ્સીકો જેવી મલ્ટીનેશનલ કંપનીઓ તેમજ સ્થાનિક કંપનીઓ બટાટાની વેફર અને ચેવડા માટે ખેડૂતો પાસે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ દ્વારા બટાટાનું મોટાપાયે વાવેતર કરાવે છે. જેમાં ખેડૂતો પણ મોટી સંખ્યામાં રસ દાખવી રહ્યા છે.

ખાવાના બટાટાની અલગ અલગ વેરાઇટી
ડીસામાં થતા બટાટા સ્મૂધ, લાઈટ અને ટાઈટ હોવાને લીધે દેશભરમાં પ્રખ્યાત છે. જયારે 100 ટકા માઈક્રો ઈરીગેશન સીસ્ટમથી વાવેતર થાય છે. તેમજ આધુનિક મશીન વડે વાવેતર કરવામાં આવતું હોય છે. અહીંની જમીન રેતાળ જ્યારે ટપક અને ફુવારા પદ્ધતિથી ખેડૂતો બટાટા પકવતા હોય છે. જેમાં ખાવાના બટાટામાં કૂફરી પુખરાજ, કૂફરી બાદશાહ, કૂફરી ખ્યાતિ, કૂફરી લોકર જેવી બટાટાની જાતનું વાવેતર મોટાપાયે થાય છે. જ્યારે પ્રોસેસિંગ માટેના બટાટાનું વાતાવરણ ગુજરાતમાં ઉત્તમ છે. જેનો લાભ પણ ખેડૂતોને મળી રહ્યો છે.


ઉત્તર ગુજરાતમાં બટાટાનું વાવેતર (હેક્ટરમાં)

બનાસકાંઠા58900
પાટણ700
મહેસાણા8600
સાબરકાંઠા22800
અરવલ્લી17500
ગાંધીનગર12700
કુલ120900
Gujarati banner 01

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *