GU Nimaben aacharya

Dr. Nimaben Acharya: શારીરિક બિમારીની સારવાર માટે તબીબ પાસે જઈએ છીએ તો માનસિક બિમારી માટે કેમ નહિ? :ડૉ. નીમાબેન આચાર્ય

ગુજરાત યુનિવર્સિટીના સાયકોલોજી વિભાગ અને ઇન્ડિયન સાયકિયાટ્રીક સોસાયટીના સંયુક્ત ઉપક્રમે ‘સફર સપનાથી શિખર સુધી’ વ્યાખ્યાનનું આયોજન કરાયું

વિધાનસભાના સ્પીકર (Dr. Nimaben Acharya) ડૉ. નીમાબેન આચાર્યની પ્રેરક ઉપસ્થિતિ

‘અન્યોને’ નહીં પરંતુ ‘સ્વ’ને ગમતુ કાર્ય કરો- ડૉ. હિમાંશુ પંડ્યા (વાઇસ ચાન્સેલર,ગુજરાત યુનિવર્સિટી)

અહેવાલ: અમિતસિંહ ચૌહાણ
અમદાવાદ, ૦૮ ડિસેમ્બરઃ
Dr. Nimaben Acharya: કોરોના કાળમાં વ્યક્તિઓમાં ઉદ્ભભવેલા માનસિક આરોગ્ય સંલગ્ન સિટ્ગમા (કલંક)ને દૂર કરવા ગુજરાત યુનિવર્સિટીના સાયકોલોજી વિભાગ અને ઇન્ડિયન સાયકિયાટ્રીક સોસાયટીના સંયુક્ત ઉપક્રમે ગુજરાત યુનિવર્સિટી ખાતે ‘સફર સપનાથી શિખર સુધી’ વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું.

ગુજરાત વિધાનસભાના પ્રથમ મહિલા સ્પીકર ડૉ. નીમાબેન આચાર્યે (Dr. Nimaben Acharya) આ પ્રસંગે જણાવ્યું કે, માનસિક આરોગ્ય પર વાત થાય અને લોકો શારીરીક બિમારીની સારવાર માટે તબીબો પાસે જાય છે તેમ જ નિ:સંકોચ માનસિક બિમારીની પણ સારવાર મેળવે તે સમયની માંગ છે.
આજે ગુજરાત યુનિવર્સિટીના સાયકોલોજી વિભાગ અને ઇન્ડિયન સાયકિયાટ્રીક સોસાયટી દ્વારા વ્યાખ્યાનનું આયોજન કરીને માનસિક આરોગ્યલક્ષી નવતર પહેલ હાથ ધરવામાં આવી છે જે ઘણાંય પોસ્ટ કોવિડ દર્દીઓ માટે આશીર્વાદરૂપ બની રહેશે.

ડૉ. નીમાબેન આચાર્યે (Dr. Nimaben Acharya) વિશેષમાં કહ્યું કે, કોરોના મહામારીમાં કોરોનાગ્રસ્ત દર્દીઓ કોરોનામાંથી સાજા થઇ ગયા છતાં પણ મોટી સંખ્યામાં દર્દીઓ માનસિક તકલીફોથી પીડાઇ રહ્યા છે. જેમાંથી બહાર આવવા માટે તેઓને કાઉન્સેલીંગ ની મદદ લેવા અનુરોધ કર્યો હતો. જરૂરિયાત સમયે મળેલી સાચી સલાહ અને માર્ગદર્શન જીવન જીવવાની સાચી રાહ ચિંધીને જીવનમાં નવઉર્જાનું સર્જન કરે છે. સમાજમાં ઘણી વખત માનસિક તકલીફથી પીડાઇ રહેલા લોકો સાથે ઓરમાયુ અને તોછડું વર્તન કરવામાં આવે છે. સમાજમાં રહેલી આ બદીઓને દૂર કરીને આવા વ્યક્તિઓને પ્રેમ અને હૂંફની લાગણીઓ આપવી જોઇએ.આ દિશામાં સરકારી અને સ્વૈચ્છિક સંસ્થાઓ ઉમદા કાર્ય કરી રહી હોવાનું જણાવી તેઓએ આ પ્રવૃતિઓને બિરદાવી હતી.

ડૉ. નિમાબેન આચાર્યે (Dr. Nimaben Acharya) યુવાનો અને વિદ્યાર્થીઓને હરહંમેશ પ્રોત્સાહિત કરી તેમના ઉત્સાહમાં વધારો કરવાની સલાહ આપી હતી. તેઓએ સ્વામી વિવેકાનંદજીના દ્રઢ સંકલ્પ, આત્મવિશ્વાસ અને કઠોર પરિશ્રમના સફળતાના મંત્રને જીવનમાં સાર્થક કરવાની વિદ્યાર્થીઓને સલાહ આપી હતી. આ પ્રસંગે નરેન્દ્રભાઇ મોદીના મુખ્યમંત્રી પદના કાર્યકાળ દરમિયાન સર્વે ધારાસભ્યઓને સફળ જાહેર પ્રતિનિધી બનવા સમયાંતરે આપેલી તાલીમના સંસ્મરણોને ડૉ. નીમાબેને વાગોળ્યા હતા.

Dr. Nimaben Acharya, Gujarat university

ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડૉ. હિમાંશુ પંડ્યાએ ડૉ. નિમાબેન આચાર્યનું તેમની માતૃસંસ્થામાં અભિવાદન કરતા કહ્યું હતું કે, દેશના અનેક મહાપુરૂષોનાં ઘડતરમાં ગુજરાત યુનિવર્સિટીનો સિંહફાળો રહ્યો છે. આ સાંકળમાં વધુ એક કળી ગુજરાતના પ્રથમ મહિલા સ્પીકર તરીકે ઉમેરાઇ છે. તેઓએ આ પ્રસંગે ‘અન્યોને’ નહીં પરંતુ ‘સ્વ’ ને ગમતુ કાર્ય કરવાની સોનેરી સલાહ આપી હતી. જેના સંદર્ભમાં તેઓએ થોમસ આલ્વા એડીસન, ગ્રેહામ બેલના જીવનના સંધર્ષો અને સફળતાના સંસ્મરણોને પ્રસ્તુત કર્યા હતા.

તેઓએ ગુજરાત યુનિવર્સિટી સતત 4 વર્ષથી રાજ્યમાં રેટીંગ અને રેંકીંગમાં પ્રથમ સ્થાને રહી હોવાનું જણાવી આ સ્થાનને ટકાવી રાખવા માટેનું ગુણવત્તાસભર આયોજન અને વ્યવસ્થાપન યુનિવર્સિટી દ્વારા કરવામાં આવ્યું હોવાનું કહ્યું હતુ. આ સમગ્ર વ્યાખ્યાન મોટીવેશનલ સ્પીકર ડૉ.મૃગેશ વૈષ્ણવ અને ડૉ. પાર્થ વૈષ્ણવના અધ્યક્ષસ્થાને યોજવામાં આવ્યું હતુ. જેમાં આ બંને મોટીવેશનલ સ્પીકર દ્વારા યુનિવર્સિટી ના વિદ્યાર્થીઓને ‘સપના થી શિખર સુધીની સફર’ અને ‘સોશિયલ મીડિયા કે શોષણ મીડિયા’ સંદર્ભે વિચાર પ્રસ્તુત કરીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

ઉપરોક્ત કાર્યક્રમમાં યુનિવર્સિટીના પ્રો-વાઇસ ચાન્સેલર જગદીશભાઈ ભાવસાર, ઇન્ડિયન સાયકિયાટ્રીક સોસાયટીના પ્રમુખ, યુનિવર્સિટીના સાયકોલોજી વિભાગના વડા સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો…Army helicopter crash: કુન્નૂરમાં સેનાનું IAF Mi-17V5 હેલિકોપ્ટર ક્રેશ, CDS બિપિન રાવત હતા સવાર

Whatsapp Join Banner Guj