Manish Doshi

રાજ્યપાલશ્રી સમક્ષ ગુજરાતના વિદ્યાર્થી – વાલીઓના હિતમાં એક સત્રની ફી માફ થાય તે માટે રાજ્ય વ્યાપી રજુઆત કરી: ડૉ. મનિષ એમ. દોશી

અમદાવાદ, ૨૨ જુલાઇ ૨૦૨૦

કોરોના મહામારીમાં સૌથી વધુ અસરગ્રસ્ત શિક્ષણ વ્યવસ્થા છે. રાજ્યમાં સૌથી પહેલા શૈક્ષણિક સંસ્થાઓનું લોકડાઉન થયું અને સૌથી છેલ્લે શાળા કોલેજો ખુલવાની શક્યતા છે. રાજ્યમાં લોકડાઉનના કારણે ધંધા રોજગાર સંપૂર્ણ બંધ થવાથી સામાન્ય અને મધ્યમવર્ગ સૌથી વધુ આર્થિક સમસ્યાનો સામનો કરી રહ્યું છે. કોંગ્રેસપક્ષ દ્વારા રાજ્યના મુખ્યમંત્રીશ્રી અને મહામહીમ રાજ્યપાલશ્રી સમક્ષ ગુજરાતના વિદ્યાર્થી – વાલીઓના હિતમાં એક સત્રની ફી માફ થાય તે માટે રાજ્ય વ્યાપી રજુઆત કરી. કમનસીબે ભાજપ સરકાર અને ખાનગી શાળાના સંચાલકોની મીલી ભગતને લીધે વિદ્યાર્થી – વાલીઓની વ્યાજબી રજુઆત સાંભળવામાં ન આવી. મોટા ભાગની શાળાઓએ શિક્ષણ કાર્ય ન હોવા છતાં ફી વસુલ કરી લીધી. ત્યારે શાળાઓની ફી બાબતે સરકારે છેલ્લે છેલ્લે જાહેર કરેલા પરિપત્ર અંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા અને શિક્ષણવિદ ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, સામાન્ય અને મધ્યમવર્ગ આર્થિક હાલાકીનો સામનો કરી રહી છે. લોકડાઉનના પગલે ધંધા રોજગારને મોટી અસર પડી છે. ખાનગી શાળા – કોલેજોને જે ફી ના ધોરણો નક્કી થયા છે તેમાં વીજ બીલ, વહીવટી ખર્ચ, ટ્રાન્સપોર્ટેશન ફી, રમતગમત ફી, એપ્લિકેશન ફી, કોમ્પ્યુટર ફી સહિત વિવિધ પ્રવૃત્તિનો ખર્ચ અને બીજા ખર્ચાઓ ગણતરીમાં લઈને વિદ્યાર્થીઓ પાસેથી ફી વસુલવામાં આવે છે.

પણ કોરોના મહામારીમાં શાળા સંચાલકોને સંસ્થાને લોકડાઉન હોવાથી વીજબીલ, વહીવટી ખર્ચ, સહિતના અનેક ખર્ચા થયા જ નથી તેમ છતાં તમામ બાબતોની ફી વિદ્યાર્થી – વાલીઓ પાસેથી વસુલવા માટે કેમ દબાણ કરી રહ્યાં છે ? વિદ્યાર્થી – વાલીઓની વ્યાજબી રજુઆતને ભાજપ સરકારે સાંભળી નહી અનેક ખાનગી શાળાઓના સંચાલકોએ વિદ્યાર્થી – વાલીઓ ઉપર ઓનલાઈન શિક્ષણના નામે તાત્કાલીક ફી ભરવા દબાણ કર્યું. સરકારે ખુદ તેના પરિપત્રમાં સ્વિકાર્યું કે, ખાનગી શાળાના સંચાલકો વિદ્યાર્થી – વાલીઓને દબાણ કરીને ફી વસુલે છે. સરકારે બે મહિના પરિપત્રમાં કેમ સમય લીધો ? સંચાલકોની તરફેણ કરતી ભાજપ સરકાર ક્યારેક ગુજરાતના સામાન્ય અને મધ્યમવર્ગના વાલીઓ માટે વિચારે તે સમયની માંગ છે. ત્યારે ગુજરાતના સામાન્ય અને મધ્યમવર્ગના હિતમાં એક સત્રની ફી માફ કરવામાં આવે તેવી કોંગ્રેસપક્ષની માંગ છે.
રાજ્યમાં શિક્ષણ કાર્યરત થયુ નથી, ઓનલાઈન શિક્ષણના નામે ગ્રામ્ય વિસ્તારમાં વિદ્યાર્થીઓ – વાલીઓ – શિક્ષકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યાં છે. રાજ્ય સરકારે ખાનગી શાળાઓને લુંટવાના પરવાના આપ્યા છે. મોટા ભાગની શાળાઓ એડવાન્સમાં ફી ઉઘરાવી ચુકી છે. સરકાર સમક્ષ સમગ્ર બાબત સ્પષ્ટ હોવા છતાં સરકારે મોટી ફી ઉઘરાવતા સંચાલકોના હિતમાં જાણીજોઈને પરિપત્ર કરવામાં સમય લીધો. સામાન્ય – મધ્યમવર્ગના વિદ્યાર્થી – વાલીઓને માનસિકત્રાસ અને આર્થિક તકલીફો વેઠવી પડી રહી છે તે માટે ભાજપ સરકાર સીધી જવાબદાર છે. ઓનલાઈન શિક્ષણની વ્યવસ્થા ગોઠવવામાં રાજ્ય સરકાર સદંતર નિષ્ફળ ગઈ છે. રાજ્યના શિક્ષણમંત્રીશ્રી વારંવાર કહી ચુક્યા છે કે, શાળા સંચાલકો સાથે વાતચીત થઈ ગઈ છે. નામદાર વડી અદાલતના ચુકાદાને પગલે સરકારને પરિપત્ર કરવાની ફરજ પડી. સરકારની અણઆવડત અને દિશાવિહીન શિક્ષણ વિભાગને કારણે ગુજરાતના વિદ્યાર્થી – વાલીઓ ભોગ બની રહ્યાં છે.
( ડૉ. મનિષ એમ. દોશી )
મુખ્ય પ્રવક્તા