ગુજરાતે પરપ્રાંતીય શ્રમિકો માટે દેશમાં સૌથી વધુ 264 ટ્રેનો દોડાવીને 3.17 લાખ મજૂરો-શ્રમિકોને તેમના વતન પહોંચાડવામાં મદદ કરી

ભારતીય રેલવેએ સમગ્ર દેશમાં 12 મે 2020 (9.30 કલાક) સુધીમાં 542 “શ્રમિક વિશેષ ટ્રેન”નું પરિચાલન કર્યું – 6.48 લાખ મુસાફરોનું પરિવહન કરવામાં આવ્યું


ટ્રેન, એસ.ટી. અને ખાનગી બસોમાં 6 લાખ જેટલા શ્રમિકો માદરે વતન પહોંચ્યા

13 MAY 2020 by PIB Ahmedabad

દેશના વિવિધ ભાગોમાં ફસાયેલા પરપ્રાંતીય શ્રમિકો, યાત્રાળુઓ, પ્રવાસીઓ, વિદ્યાર્થીઓ અને અન્ય લોકોને તેમના વતન પર ફરવા માટે કેન્દ્રીય ગૃહ મંત્રાલયના આદેશના પગલે રેલવે તંત્ર દ્વારા “શ્રમિક વિશેષ ટ્રેન” નામથી વિશેષ ટ્રેનો શરૂ કરીને આવા લોકોને આવનજાવન માટે વ્યવસ્થા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

દેશના વિવિધ રાજ્યોમાં 12 મે 2020 સુધીમાં 542 “શ્રમિક વિશેષ ટ્રેન”નું પરિચાલન કરવામાં આવ્યું છે જેમાંથી 448 ટ્રેનો તેના ગંતવ્ય સ્થળે પહોંચી ગઇ છે જ્યારે 94 ટ્રેનો બે-ત્રણ દિવસમાં પહોંચી જશે. આ 448 ટ્રેનોમાં 1 ટ્રેન આંધ્રપ્રદેશ, 117 ટ્રેન બિહાર, 1 ટ્રેન છત્તીસગઢ, 1 ટ્રેન હિમાચલ પ્રદેશ, 27 ટ્રેન ઝારખંડ, 1 ટ્રેન કર્ણાટક, 38 ટ્રેન મધ્યપ્રદેશ, 3 ટ્રેન મહારાષ્ટ્ર, 29 ટ્રેન ઓડિશા, 4 ટ્રેન રાજસ્થાન, 1 ટ્રેન તામિલનાડુ, 2 ટ્રેન તેલંગાણા, 221 ટ્રેન ઉત્તરપ્રદેશ, 2 ટ્રેન પશ્ચિમ બંગાળ જેવા વિવિધ રાજ્યોમાં પહોંચી છે.

આ ટ્રેનોએ પરપ્રાંતીય શ્રમિકો સહિત અન્ય મુસાફરોને તિરુચિરાપલ્લી, તીતલાગઢ, બરૌની, ખંડવા, જગન્નાથપુરી, ખુર્દા રોડ, પ્રયાગરાજ, છાપરા, બાલિયા, ગયા, પૂર્ણિયા, વારાણસી, દરભંગા, ગોરખપુર, લખનઉ, જૌનપુર, હાટિયા, બસ્તી, કટીહાર, દાનાપુર, મુઝફ્ફરનગર, સહરસા વગેરે શહેરોમાં પહોંચાડ્યા છે.

aswiniJNK0
મુખ્યમંત્રીશ્રીના સચિવ શ્રી અશ્વિની કુમાર

ગુજરાતમાં મોટા પ્રમાણમાં પરપ્રંતિયો કામની શોધમાં આવી વસે છે. આ લોકો પણ લોકડાઉનને કારણે પોતાને માદરે વતન ન જઈ શકતાં  ગુજરાતમાં હતાં. ત્યારે ગુજરાતમાં વસતા ત્રણ લાખ સત્તર હજાર જેટલા પરપ્રાંતિય શ્રમિકોને ગુજરાત સરકારે કેન્દ્ર સરકાર સાથે સંકલન કરીને 264 ટ્રેન મારફત વતન રાજ્યમાં સુચારૂ રીતે મોકલ્યા છે એમ મુખ્યમંત્રીશ્રીના સચિવ શ્રી અશ્વિની  કુમારે  જણાવ્યું. તો ગૃહ રાજ્ય મંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજાના જણાવ્યા અનુસાર આખા દેશમાં દોડેલી શ્રમિક સ્પેશ્યલ ટ્રેનના 45 ટકા ટ્રેન ગુજરાતમાંથી અન્ય રાજ્યો માટે દોડી છે.  ટ્રેનની સાથે એસ.ટી. બસો અને ખાનગી વાહનોની સંખ્યા પણ ગણીએ તો 6 લાખથી વધુ શ્રમિકો પોતાના વતન રાજ્ય ગયા છે. ગુજરાત સરકાર દ્વારા યુ.પી., બિહાર, મધ્યપ્રદેશ, ઓરિસ્સા, ઝારખંડ, રાજસ્થાન વગેરે રાજ્યો સાથે સંકલન કરીને આ શ્રમિકોને ખાસ ટ્રેન દ્વારા તેમના વતનમાં મોકલવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

પોતાને માદરે વતન જવા રવાના થતા અગાઉ વિવિધ રેલ્વે સ્ટેશનો પર પી.આઇ.બી.ના પ્રતિનિધિઓને પરપ્રાંતિય શ્રમિકોએ વતન જવાની ખુશી વ્યક્ત કરતાં કેન્દ્ર અને રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.

shiramN2NS
ઓરિસ્સાના કારીગર શિવરામ યાત્રી

સુરત રેલવે સ્ટેશન પર પાવર લૂમ્સમાં કામ ઓરિસ્સાના કારીગર શિવરામ સાહુએ જણાવ્યું કે હું અહીં 40-50 દિવસથી ફસાયેલો હતો. હવે વતન જઈ રહ્યો છું, ખૂબ ખૂશ છું. સરકારનો આભાર.

indrakumarQRDN
શ્રી ઈન્દ્ર યાદવ યાત્રી

તો વડોદરા સ્ટેશન પરથી શ્રમિક સ્પેશિયલ ટ્રેન દ્વારા વતન બિહાર જઈ રહેલા ઈન્દ્ર યાદવે જણાવ્યું કે કેટલાય દિવસોથી કામકાજ બંધ હોવાથી ઘણી મૂશ્કેલી હતી. હવે સરકારે નિઃશૂલ્ક અમને વતન પહોંચાડવાની વ્યવસ્થા કરી છે, એ માટે સરકારનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ.

dinanathY3N9
શ્રી દીનાનાથ યાત્રી

તો બસ દ્વારા સુરતથી ઉત્તરપ્રદેશ જઈ રહેલા દીનાનાથે જણાવ્યું કે અહીંથી જતાં દિલ તૂટી રહ્યું છે, વતન જઈને કેવી રીતે જીવન ચલાવીશું એ ખબર નથી, પણ કમ સે કમ પરિવાર સાથે તો રહીશું, એનો આનંદ છે. એમણે પણ વતન જવાની વ્યવસ્થા કરવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી.

આ શ્રમિક વિશેષ ટ્રેનોમાં મુસાફરો બેસે તે પહેલાં સુનિશ્ચિપણે તેમનું યોગ્ય સ્ક્રિનિંગ કરવામાં આવે છે અને મુસાફરી દરમિયાન તમામ મુસાફરો માટે વિનામૂલ્યે ભોજન અને પાણીની વ્યવસ્થા કરવામાં આવે છે. મુસાફરોને મોકલી રહેલા રાજ્ય અને તેઓ જ્યાં જઇ રહ્યા છે તે રાજ્ય બંને વચ્ચે સંમતિ થયા પછી જ રેલવે દ્વારા ટ્રેન લઇ જવામાં આવે છે તથા સામાજિક અંતરનું ચુસ્ત પાલન કરવામાં આવે છે.