કોરોના મહામારી સમયે તબીબી સારવાર વધુ સુદૃઢ બનાવવા બાબત પત્ર: હિંમતસિંહ પટેલ

૯મે  ૨૦૨૦
માનનીયશ્રી વિજયભાઈ,
સમગ્ર વિશ્વ, દેશ અને રાજ્યમાં નોવેલ કોરોના વાયરસ (કોવિડ-૧૯) ફેલાયેલ છે. વૈશ્વિક મહામારી કોવિડ-૧૯ને ભારતમાં ફેલાતી અટકાવવા માટે સમગ્ર દેશમાં તા. ૨૪ માર્ચ, ૨૦૨૦થી ત્રણ તબક્કામાં લોકડાઉન જાહેર કરવામાં આવેલ છે, જેને આજે ૪૫ દિવસ જેટલો સમય થયેલ છે. રાજ્યમાં ખાસ કરીને અમદાવાદ શહેરમાં કુદકેને ભુસકે કોરોનાના દર્દીઓ વધી રહ્‍યા છે અને કોરોનાથી મૃત્યુ પણ મોટા પ્રમાણમાં થઈ રહ્‍યા છે ત્યારે અમદાવાદ શહેરના બાપુનગર મતવિસ્તારના કોંગ્રેસ પક્ષના ધારાસભ્ય અને અમદાવાદ શહેરના પૂર્વ મેયર તરીકે આપશ્રીને કોરોના મહામારીમાં તબીબી સારવાર વધુ સુદૃઢ બનાવવા નીચે મુજબની કેટલીક બાબતો આપના ધ્યાને મૂકી રહ્‍યો છું.
(૧) રાજ્યની છ મેડીકલ કોલેજોમાં ધણા લાંબા સમયથી તબીબોની મોટાપાયે ધટ છે. મેડીકલ કોલેજ સંલગ્ન મોટી સિવિલ હોસ્પિટલો છે ત્યારે છ કોલેજોના ડીન અને સુપિ્રન્ટેન્ડન્ટની મહત્ત્વની જગ્યાઓ ચાર્જથી ચાલે છે, જેથી મેડીકલ કોલેજ અને હોસ્પિટલના સંચાલન પર અસર થાય તે સ્વાભાવિક છે. રાજ્યમાં કોરોનાનો કહેર છે ત્યારે ડીન અને સુપિ્રન્ટેન્ડન્ટની મહત્ત્વની જગ્યાઓ કાયમી ધોરણે તાત્કાલિક ભરવી જોઈએ.
(૨) અમદાવાદ અને રાજ્યમાં ક્રીટીકલ કેર યુનિટના નિષ્ણાત ડોક્ટરો હાલમાં ખાનગી હોસ્પિટલો ચલાવે છે અથવા તો ખાનગી હોસ્પિટલો સાથે જોડાયેલ છે. આ તમામ નિષ્ણાત તબીબો સાથે વાર્તાલાપ કરીને તેઓને સરકારી વ્યવસ્થામાં વિશેષ રીતે જોડવા જોઈએ, જેથી કોરોનાથી થતા મૃત્યુનો દર ધટાડી શકાય.
(૩) કોરોનાના દર્દીઓ સતત ચિંતા અને ભયમાં રહેતા હોય છે. તેમનાં મનમાં કોરોના અંગે રહેલ ચિંતા અને ભય દુર કરવા માટે કોરોના હોસ્પિટલોમાં મનોચિકિત્સકો તથા દર્દી સાથે કાઉન્સીલીંગ કરી શકે તેવી ટીમની ખાસ સુવિધા ઉપલબ્ધ કરાવવી જોઈએ. કોરોના હોસ્પિટલોમાં રૂમોમાં અને ક્રીટીકલ કેર યુનિટમાં દર્દીઓ મોટાભાગે એકલા જ હોય છે ત્યારે તેઓ સાથે નિયમિત રીતે યોગ્ય સંવાદ કરી શકે તેવી ખાસ કાઉન્સીલીંગ ટીમોની વ્યવસ્થા કરવી જોઈએ, જેથી દર્દી એકલાપણું ન અનુભવે અને કોરોનામાંથી જલ્દીથી બહાર આવી શકે.
(૪) અમદાવાદ શહેરમાં વી.એસ. હોસ્પિટલ વર્ષોથી કાર્યરત હતી, જેને પુનઃ કાર્યરત કરીને કોરોના મહામારી સામે લડવા ત્યાં ૮૦૦ બેડની વ્યવસ્થા સરળતાથી કરી શકાય તેમ છે.
(૫) સરકારી આરોગ્ય વ્યવસ્થા અંગે સાચું મુલ્યાંકન કરીને સંભવિત મહામારીને ધ્યાનમાં લઈ લાંબાગાળાના અને ટુંકાગાળાના નક્કર આયોજનને અમલમાં મુકવું જોઈએ.
(૬) મેડીકલ ક્ષેત્રના નિષ્ણાતો અને મેડીકલ કાઉન્સીલ ઓફ ઈન્ડિયાની માર્ગદર્શિકા છે કે ક્રીટીકલ કેર યુનિટમાં ત્રણ બેડ વચ્ચે એક નર્સિંગ સ્ટાફ જરૂરી છે જ્યારે હાલમાં મારી પાસે ઉપલબ્ધ માહિતી મુજબ, કોરોના મહામારી વચ્ચે ૫૦ બેડ પર ત્રણથી ચાર નર્સિંગ સ્ટાફ કાર્યરત છે, જે ધણી જ ગંભીર બાબત છે. નર્સિંગ સ્ટાફની નિમણુંક કાયમી ધોરણે પૂરતી થવી જોઈએ.
(૭) હાલના સમયે હોસ્પિટલોમાં મેડીકલ, પેરામેડીકલ સ્ટાફની અછત જણાય છે ત્યારે જે વ્યક્તિઓ નિવૃત્ત થયેલ છે પરંતુ સેવાભાવી લોકો છે તેવા નિવૃત્ત પેરામેડીકલ સ્ટાફ, સીનીયર ડોક્ટર, હેલ્થ વિભાગના નિવૃત્ત અધિકારીઓને આ વૈશ્વિક મહામારીના સમયે સેવા આપવા માટે અપીલ કરવી જોઈએ, જેથી ધણાં નિવૃત્ત થયેલ હોય પરંતુ સશક્ત અને સેવાભાવી હોય તેવા લોકો સ્વેચ્છાએ આ સેવાકાર્યમાં જોડાઈ શકશે.
(૮) કોરોનાના દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે ત્યારે તેમની સાથે કુટુંબની અન્ય કોઈ વ્યક્તિ હોતી નથી, જેના કારણે તે પરિવારથી સતત દુર હોવાનો અનુભવ કરે છે અને પરિવારજનો પણ દર્દીની સતત ચિંતામાં રહેતા હોય છે. કોરોનાના દર્દીઓનું દિવસમાં બે વખત સ્પેશ્યલ હેલ્થ બુલેટીન બહાર પાડી તેમના પરિવારજનોને માહિતગાર કરવા જોઈએ, જેથી પરિવારજનો અને દર્દી પોતે પણ ચિંતામુક્ત રહી શકે.
(૯) સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને પડતી મુશ્કેલીઓ અંગે સંવેદનશીલતાથી પગલાં લઈ ઉકેલ લાવવો જોઈએ જેથી કોરોના દર્દીઓ અને ખાસ કરીને તેમના પરિવારજનોને થોડી રાહત મળે.
ઉપરોક્ત સૂચનો ધ્યાને લઈ, રાજ્યમાં કોરોના મહામારી સમયે તબીબી સારવાર વધુ સુદૃઢ બને તે માટે જરૂરી કાર્યવાહી થવા મારી ભલામણ સહ વિનંતી છે.
આભાર સહ,
આપનો સ્નેહાધીન,

(હિંમતસિંહ પટેલ)