Organ donation

Organ donation: ગુરુપૂર્ણિમાના પર્વે સિવિલ હોસ્પિટલના ૭૭ અંગદાતાને વંદન, છેલ્લા બે દિવસમાં બે બ્રેઇનડેડ અંગદાતાઓના પરિજનોએ અંગદાન કર્યું

Organ donation: સમાજમાં અંગદાન પ્રત્યેની ગેરમાન્યતાઓ અને બદીઓથી ઉપર ઊઠીને સિવિલ હોસ્પિટલમાં ૭૭ અંગદાતાઓના પરિજનોએ અંગદાન કરી સમગ્ર રાજ્યમાં અંગદાનની મહેક પ્રસરાવી, બે કિડની અને બે લીવરના દાનથી ૪ જરૂરિયાતમંદ પીડિતોને નવજીવન મળ્યું

  • ભારે વરસાદની વચ્ચે પણ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં અંગદાનનો સેવાયજ્ઞ અવિરત ચાલતો રહ્યો
  • સિવિલ હોસ્પિટલમાં ૭૭ અંગદાતા ગુરુજનોના દાનથી ૨૨૦ પીડિત દર્દીઓના અંધકારમય જીવનમાં ઉજાસ ફેલાયો – સિવિલ સુપ્રીટેન્ડન્ટ ડૉ.રાકેશ જોષી

અહેવાલઃ અમિતસિંહ ચૌહાણ

અમદાવાદ, 13 જુલાઇઃ Organ donation: અમદાવાદ શહેર અને રાજ્યના અન્ય જિલ્લાઓમાં ઠેર-ઠેર ભારે વરસાદ પડ્યો છે. આ ભારે વરસાદની વચ્ચે પણ સિવિલ હોસ્પિટલમાં અંગદાનનો સેવાયજ્ઞ અવિરતપણે ચાલી રહ્યો છે. જ્યાં એક બાજુ સમગ્ર શહેરમાં ભારે વરસાદ પડ્યો ત્યાં બીજી બાજુ સિવિલ હોસ્પિટલના ઓપરેશન થિયેટરમાં અંગદાન થકી જીવથી જીવ બચાવવાની કામગીરી સંપૂર્ણપણે નિષ્ઠાભાવપૂર્વક ચાલતી રહી. જેના પરિણામે સિવિલ હોસ્પિટલમાં છેલ્લા ૨ દિવસમાં બે અંગદાન થયા છે. અંગદાનથી મળેલા ચાર અંગો થકી ચાર પીડિત દર્દીઓનું જીવન બદલાયું છે.


જીવનમાં અજ્ઞાનરૂપી અંધકારમાંથી અજવાસ તરફ લઇ જનાર તમામ વ્યક્તિને આપણે ગુરુ માનીને પૂજન કરીએ છીએ. આ ગુરુપૂર્ણિમાના પવિત્ર પર્વે અંગદાન થકી સમગ્ર સમાજને અંગદાન અંગેનું જ્ઞાન પૂરું પાડનારા સર્વે ગુરુજનોને વંદન કરીએ છીએ. સિવિલ હોસ્પિટલમાં છેલ્લા ૧૭ મહિનાનામાં થયેલ ૭૭ અંગદાન અને તેમના સર્વે અંગદાતા અને પરિજનો ખરા અર્થમાં સમાજના ગુરુજન સમાન છે, કેમકે તેમણે અંગદાન કરીને સમાજને અંગદાન અંગે પ્રેરણા, સમજ અને જ્ઞાન પૂરા પાડ્યા છે. તેમણે સમાજમાં રહેલી અંગદાન પ્રત્યેની ગેરમાન્યતાઓ અને બદીઓથી ઉપર ઊઠીને અંગદાન કરી સમાજમાં પ્રેરણારૂપ ઉદાહરણ પૂરું પાડ્યું છે. તેમના અંગદાનથી અનેક પીડિત અને જરૂરિયાતમંદ દર્દીઓના જીવનમાં સુખ અને સ્વાસ્થ્યનો ઉજાસ ફેલાયો છે.

Organ donation 1

સિવિલ હોસ્પિટલના તાજેતરમાં થયેલા બે અંગદાનની વાત કરીએ તો, અમદાવાદ શહેરના ગોમતીપુર વિસ્તારના રહેવાસી ૪૫ વર્ષીય રામશ્રે મૌર્યને હાઇપરટેન્શન થતાં સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા. જ્યાં બે દિવસની સધન સારવાર અને આઇ.સી.યુ.માં રહેલા તબીબો, નર્સિંગ સ્ટાફની અથાગ મહેનત અને પરિશ્રમ છતાં પણ જીવ બચાવી શકાયું નહોતું. રામશ્રેભાઇને તબીબો દ્વારા ૧૦મી જુલાઇના રોજ બ્રેઇનડેડ જાહેર કરવામાં આવ્યાં.

આ પણ વાંચોઃ Gujarat housing board: CM ગુજરાત હાઉસીંગ બોર્ડ તથા સ્લમ કલીયરન્સ સેલની જૂની યોજનાઓમાં ૯૦ દિવસ માટે ૧૦૦ ટકા પેનલ્ટી માફીનો જનહિતકારી નિર્ણય
બ્રેઇનડેડ જાહેર કર્યા બાદ પરિજનોને તબીબો દ્વારા અંગદાન વિશેની સમજ આપતાં તેમણે અંગદાન માટે સંમતિ દર્શાવી, જેના પરિણામે રામશ્રેભાઇની બે કિડની અને એક લીવરનું દાન મળ્યું, જેનું અન્ય દર્દીમાં પ્રત્યારોપણ કરવામાં આવ્યું છે. જ્યારે સિવિલ હોસ્પિટલમાં થયેલું ૭૭મું અંગદાન ખાસ બની રહ્યું. અમદાવાદના ઓઢવ વિસ્તારમાં રહેતા ૫૫ વર્ષના નર્મદાબહેન સાધુને પણ હેમરેજ થતાં સારવાર દરમિયાન પરિવારજનો જ્યારે જણાઇ આવ્યું કે તેઓ બચી શકે તેમ નથી, ત્યારે પરિવારજનોએ સામે ચાલીને તબીબોને અંગદાન માટે પૂછ્યું અને સંમતિ દર્શાવી. જેના પરિણામે તેમની બંને કિડનીનું દાન મળ્યું.


સિવિલ હોસ્પિટલ સુપ્રીટેન્ડન્ટ ડૉ. રાકેશ જોષી સમગ્ર વિગતો આપતા જણાવે છે કે, હવે એવો સમય આવ્યો છે કે લોકો સામે ચાલીને અંગદાન માટેની તૈયારી દર્શાવે છે. જેના પરિણામે કાઉન્સેલિંગમાં સમય ઓછો જવાથી પરિણામ સારાં મળી રહ્યાં છે. સમાજમાં અંગદાન પ્રત્યેની જાગૃતિ દિવસેને દિવસે વધતી રહી છે.

સિવિલ હોસ્પિટલમાં છેલ્લા ૧૭ મહિનામાં કુલ ૭૭ અંગદાન થયાં છે, જેમાં મળેલાં કુલ ૨૪૩ અંગોના પરિણામે ૨૨૦ જરૂરિયાતમંદ પીડિત દર્દીઓનું જીવન બદલાયું છે. આ દર્દીઓ અને તેમના પરિવારના જીવનમાં સુખ અને સ્વાસ્થ્યનો ઉજાસ ફેલાયો છે. અંગદાન કરનારાઓ સમાજને એક નવી દિશા દર્શાવે છે ત્યારે એકવીસમી સદીના આ અનોખા ગુરુઓને ગુરુપૂર્ણિમા નિમિત્તે વિશેષ વંદન પાઠવું છું. ગુરુપૂર્ણિના પાવન પર્વને આ વર્ષે સિવિલ હોસ્પિટલમાં અંગદાતાઓના પરિવારજનો દ્વારા કરવામાં આવેલ અંગદાનને હું સમર્પિત કરું છું, તેમ ડૉ. જોષીએ સંવેદનાપૂર્ણ જણાવ્યું હતું.

આ પણ વાંચોઃ Gujarat rain update: રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ ૪૬ ટકાથી વધુ વરસાદ નોંધાયો, ભરૂચના વાગરા તાલુકામાં સૌથી વધુ ૯ ઇંચ વરસાદ

Gujarati banner 01