Organic farming in Gujarat

Organic farming in Gujarat: ગુજરાતમાં ૮,૭૧,૦૦૦ ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી અપનાવી

Organic farming in Gujarat: બે વર્ષમાં આપણે ગુજરાતને સંપૂર્ણ ઝેરમુક્ત ખેતી કરતો પ્રાકૃતિક પ્રદેશ બનાવીએ: રાજ્યપાલ આચાર્ય દેવવ્રત

ગાંધીનગર, 04 સપ્ટેમ્બરઃ Organic farming in Gujarat: ગુજરાતમાં ઓગસ્ટ-૨૦૨૩ સુધીમાં ૮,૭૧,૦૦૦ ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવી લીધી છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ આજે રાજભવનમાં કૃષિ વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓના કુલપતિઓ સાથે પ્રાકૃતિક કૃષિની સ્થિતિની સમીક્ષા કરતાં કહ્યું હતું કે, આગામી બે વર્ષમાં આપણે ગુજરાતને સંપૂર્ણ ઝેરમુક્ત ખેતી કરતો પ્રાકૃતિક પ્રદેશ બનાવવો છે.

આખો દેશ ગુજરાત પાસેથી પ્રેરણા લે એવું રાજ્ય બનાવવું છે. જેમ યોગથી સમગ્ર વિશ્વમાં ભારતની આગવી ઓળખ ઊભી થઈ છે, એમ પ્રાકૃતિક ખેતીથી વિશ્વસ્તરે ભારતની વિશેષ ઓળખ ઉભી થાય; એ માટે ગુજરાતે દુનિયાને સંદેશ આપવાનો છે. આ માટે જરૂર પડે તો હું ૨૪ કલાક કામ કરવા તત્પર છું.

ગુજરાતમાં પ્રાકૃતિક ખેતી પદ્ધતિનો વ્યાપ વિસ્તરી રહ્યો છે. ૭.૩૧ લાખ હેક્ટર વિસ્તારમાં પ્રાકૃતિક ખેતી થઈ રહી છે. કૃષિ વિભાગ દ્વારા વધુને વધુ ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની તાલીમ આપવામાં આવી રહી છે. છેલ્લા ચાર મહિનામાં ૧૨,૬૪,૦૦૦ ખેડૂતોને ઘર આંગણે તાલીમ આપવામાં આવી છે. ૮,૪૪૧ ગામો એવા છે જેમાં ૭૫ થી વધુ ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવી છે.

સમીક્ષા બેઠકમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ કહ્યું હતું કે, ખેડૂતો પ્રોત્સાહિત થાય અને નાગરિકોને ઝેરમુક્ત પ્રાકૃતિક ખેત પેદાશો ઘર આંગણે સરળતાથી ઉપલબ્ધ થાય એ હેતુથી દર ૧૦ ગામના ક્લસ્ટરમાં એક વેચાણ કેન્દ્ર, દરેક તાલુકામાં ચાર વેચાણ કેન્દ્ર અને જિલ્લા કક્ષાએ ૧૦ થી ૧૨ પ્રાકૃતિક પેદાશોના વેચાણ કેન્દ્રો તાત્કાલિક શરૂ કરીએ.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ કહ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓનો ઉપયોગ સદંતર બંધ થાય એ બાબતે ગંભીરતાપૂર્વક ચિંતિત છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ ગુજરાતને સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી કરતું રાજ્ય બનાવવા પ્રતિબદ્ધ છે ત્યારે ડાંગ જિલ્લાની જેમ ગુજરાતમાં આદિજાતિની વધુ વસ્તી ધરાવતા અન્ય જિલ્લાઓને પણ સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી આધારિત જિલ્લાઓ બનાવવા પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરીએ. તેમણે ડાંગ જિલ્લાના પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોના અનુભવોનો સતત અભ્યાસ કરીને તેમને તાલીમથી અપડેટ રાખવા અધિકારીઓને સૂચન કર્યું હતું.

ગુજરાતના પ્રત્યેક જિલ્લામાં પ્રાકૃતિક ખેતીનું એક મોડેલ ફાર્મ બને એવું સૂચન કરતાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ કહ્યું હતું કે, પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો પોતાના ખેતરની બહાર ‘પ્રાકૃતિક ખેતર’નું બોર્ડ લગાવશે તો અન્ય ખેડૂતો પણ પ્રાકૃતિક ખેતી કરવાની પ્રેરણા મેળવશે.

રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો સાથે જોડાય. તેમના ખેત ઉત્પાદનો અને ભૂમિના ઓર્ગેનિક કાર્બનનો નિયમિત અભ્યાસ કરે, સંશોધનો કરે અને પ્રાકૃતિક કૃષિ પદ્ધતિના લાભોને વૈજ્ઞાનિક અભ્યાસના આધાર સાથે ખેડૂતો સમક્ષ-વિશ્વ સમક્ષ મૂકે એ વર્તમાન સમયની માંગ છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ તમામ કૃષિ યુનિવર્સિટીઓના પ્રાકૃતિક કૃષિના અભ્યાસના પ્રોત્સાહક પરિણામો બાબતે પ્રસન્નતા વ્યક્ત કરી હતી, અને ખેડૂતો સાથે રહીને તેમને સતત માર્ગદર્શન આપવા અનુરોધ કર્યો હતો.

આ બેઠકમાં કૃષિ વિભાગના અધિક મુખ્ય સચિવ એ. કે. રાકેશ, રાજ્યપાલના અગ્ર સચિવ રાજેશ માંજુ, ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશનના મેનેજિંગ ડિરેક્ટર ડી. એચ. શાહ, કૃષિ વિભાગના સંયુક્ત સચિવ પી.ડી.પલસાણા, ડાંગના ઇન્ચાર્જ કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી આર. એમ. ડામોર, કૃષિ યુનિવર્સિટીઓના કુલપતિઓ, આત્માના ખાસ ફરજ પરના અધિકારી દિનેશભાઈ પટેલ, નિયામક પ્રકાશભાઈ રબારી, કૃષિ નિયામક એસ. જે. સોલંકી, પ્રાકૃતિક કૃષિના રાજ્ય સંયોજક મહાત્મા પ્રફુલભાઈ સેંજલીયા, દીક્ષિતભાઈ પટેલ અને કૃષિ વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો… Drop out rate: રાજ્યમાં ધોરણ 8 થી 9નો ડ્રોપ આઉટ રેટ ઘટીને 5.5% થયો

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો